Devendra Patel

Journalist and Author

Month: October 2015 (Page 3 of 3)

પાકિસ્તાન પાસે ૩૫૦ અણુબોમ્બ?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  • અમેરિકા અને રશિયા પછી પાક પાસે સહુથી વધુ પરમાણુ બોમ્બ?

ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે શપથ લીધા ત્યારે લોકમાનસની ગણતરીથી વિરુદ્ધ તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને શપથવિધિમાં હાજરી આપવા નિમંત્રણ આપ્યું હતું. નવાઝ શરીફ આવ્યા પણ ખરા. હસ્તધૂનન કર્યું. પાકિસ્તાન પાછા જઈ શરીફે વડાપ્રધાનનાં માતૃશ્રી માટે સાડીઓ પણ મોકલી આપી. એ વખતે લાગતું હતું કે ચાલો, ભારત-પાક વચ્ચે દોસ્તીનો નવો અધ્યાય શરૂ થયો, પરંતુ કૂતરાની પૂંછડી વાંકી જ રહી. શરીફ જેવા પાછા ફર્યા એટલે પાકિસ્તાન આર્મીએ તેમનો હાથ મરડયોઃ “કેમ આટલા બધા હરખપદૂડા થાવ છો?”અને શરીફ બિચારા ઠંડા પડી ગયા.

પાકિસ્તાનના જ એક નેતાએ તાજેતરમાં એવું ઉચ્ચારણ કર્યું કે, “ભારત સાથે હવે યુદ્ધ થશે તો ભારતે સદીઓ સુધી તેનાં પરિણામો ભોગવવાં પડશે.” પાકિસ્તાનના એ નેતાની આ ધમકી દેખીતી રીતે જ તેનાં અણુશસ્ત્રોની તાકાત પર હતી.

અમેરિકાના એક અહેવાલમાં તાજેતરમાં જ એમ જાહેર કરવામાં આવ્યું છે કે, આવતાં પાંચથી દસ વર્ષમાં પાકિસ્તાન પાસે ૩૫૦ જેટલાં અણુશસ્ત્રો હશે અને એ રીતે પાકિસ્તાન વિશ્વનો સહુથી વધુ અણુ આયુધો ધરાવતો ત્રીજા નંબરનો દેશ બની જશે.

કાર્નેગી ઇન્ડાઉમન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ અને સ્ટીમ્સન સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલા આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનને ભારતનો એટલો બધો ડર છે કે, એ કારણે તે તેની પરમાણુ ક્ષમતા ઝડપથી વિકસાવી રહ્યો છે. પાકિસ્તાન એક વર્ષમાં ૨૦ ન્યુક્લિયર શસ્ત્રો તૈયાર કરી શકે છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાન પાસે ઉચ્ચ સંર્વિધત યુરેનિયમનો જે મોટો જથ્થો છે તેની મદદથી તે ખૂબ ઝડપથી ઓછા ક્ષમતાવાળા પરમાણુ બોમ્બ બનાવી રહ્યો છે.

બીજી બાજુ પાકિસ્તાનની સરખામણીમાં ભારત પાસે પ્લૂટોનિયમનો મોટો ભંડાર છે, પરંતુ ભારત પ્લૂટોનિયમના આ ભંડારનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે કરી રહ્યો છે. આ અહેવાલ મુજબ આવનારાં વર્ષોમાં પાકિસ્તાન જે ઝડપથી ન્યુક્લિઅર શસ્ત્રો બનાવી રહ્યું છે તે જોતાં તેની પાસે અમેરિકા અને રશિયા પછી અણુશસ્ત્રોનો સહુથી મોટો ત્રીજા નંબરનો જથ્થો હશે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પરમાણુ શસ્ત્રોની સંખ્યાની બાબતમાં તે ભારત કરતાં આગળ નીકળી જશે અને તેની આ તાકાત પર જ મુસ્તાક થઈને ભારતને તે પોતાનો ખોફ બતાવી રહ્યો છે.

ભારતીય ઉપખંડમાં વિભાજનના સાત દાયકા બાદ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મૈત્રીની વાત તો બાજુમાં રહી, પરંતુ એકબીજા પર લગારે વિશ્વાસ નથી. હજુ હમણાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે બંને દેશોના રાષ્ટ્રીય સલાહકારોની જે બેઠક મળવાની હતી તે પાકિસ્તાન આર્મીના કાવતરાની ભોગ બની ગઈ. આ બેઠક મળી હોત તો તે એક મહત્ત્વપૂર્ણ મૈત્રી વાટાઘાટો સાબિત થઈ હોત, પરંતુ તેમ ના થઈ શક્યું.

પાકિસ્તાનમાં કાશ્મીરી અલગતાવાદીઓને થર્ડ પ્લેયરનું મહત્ત્વ આપવાના કારણે આ બેઠક યોજી જ ના શકાઈ.

એ વાત સુવિદિત છે કે ભારતની ઇચ્છા વિરુદ્ધ પાકિસ્તાન પહેલેથી જ અલગતાવાદીઓને અને આતંકવાદીઓને મહત્ત્વ આપતું આવ્યું છે. હદ તો ત્યારે થઈ ગઈ કે, પાકિસ્તાનના સરતાજ અઝીઝે ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી. તેમની આ ધમકીથી એ વાતની પ્રતીતિ થાય છે કે, પાકિસ્તાનના સરતાજ અઝીઝ જેવા નેતાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. સરતાજ અઝીઝ માટે તો સાઠે બુદ્ધિ નાઠી જેવી પરિસ્થિતિ છે. પાકિસ્તાનનો કોઈ બેવકૂફ નેતા ભારત પર એક અણુ હુમલો કરવાની ગુસ્તાખી કરશે તો તેની સામે પાકિસ્તાનનું તો અસ્તિત્વ જ નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ભારત પાસે છે તે વાત પાકિસ્તાનના મૂર્ખ નેતાઓ સમજતા નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો પાકિસ્તાન વિશ્વના નકશામાંથી અદૃશ્ય થઈ શકે છે. પાકિસ્તાનનું આ ઘમંડ પાકિસ્તાનને ભારે પડી શકે છે.

પાકિસ્તાનની મુશ્કેલી એ છે કે પાકિસ્તાનમાં જે કોઈ વડાપ્રધાન બને છે તેણે પાકિસ્તાન આર્મીની સહાનુભૂતિ હેઠળ જ રાજ કરવું પડે છે. પાકિસ્તાન પાસે વડાપ્રધાન હોય છે જે દુનિયાને દેખાડવા માટે છે, પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન આર્મીની કઠપૂતળીની જેમ જ કામ કરે છે. પાકિસ્તાન આર્મી પાસે લશ્કર તો છે જ, પણ સાથે સાથે તેની પાસે તેની નોટોરિયસ ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પણ છે અને આઈએસઆઈના મદદગાર તરીકે હાફિઝ સઈદથી માંડીને બીજા ૪ ત્રાસવાદીઓ પણ છે.

ભારતનો એ અનુભવ છે કે, ભારતે જ્યારે જ્યારે પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો ત્યારે પાકિસ્તાને ભારતની પીઠમાં ખંજર જ ભોંક્યું છે. તેનું સહુથી મોટું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે અટલ બિહારી વાજપેયી બસમાં બેસી લાહોર ગયા અને નવાજ શરીફ સાથે ગળે મળી રહ્યા હતા ત્યારે જનરલ પરવેઝ મુશર્રફ ભારતના કારગીલમાં આક્રમણ કરી રહ્યા હતા. આ જ પાકિસ્તાન સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી દોસ્તીનો હાથ લંબાવ્યો ત્યારે તેનો જવાબ દોસ્તીથી આપવાના બદલે સરહદ પર ગોળીઓથી આપવામાં આવી રહ્યો છે. હકીકત એ છે કે પાકિસ્તાનનું આ જ ચારિત્ર્ય રહ્યું છે.

પાકિસ્તાનને ભારત પ્રત્યે કેટલું ઝેર છે તેનું બીજું ઉદાહરણ પાકિસ્તાનના પૂર્વ આઈએસઆઈ ડાયરેક્ટર અને સેનાના વડા અશફાક કયાનીનું બયાન છે. અશફાક કયાનીએ તાજેતરમાં જ એમ કહ્યું હતું કે, પાકિસ્તાન ભારતને ચેનથી રહેવા નહીં દે, કારણ કે એણે અમારી પાસેથી પૂર્વીય પાકિસ્તાન છીનવી લીધું છે! અશફાક કયાનીનું આ બયાન ભારતે વર્ષો પહેલાં પૂર્વ પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરી બાંગ્લાદેશને આઝાદ કરાવ્યો તે સંદર્ભમાં હતું. પૂર્વ પાકિસ્તાનને ખતમ કરી દેવાની તાકાત એ વખતના ભારતનાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દર્શાવી હતી. પાકિસ્તાનની એ હાર નાલેશીભરી હતી અને પાકિસ્તાનના લશ્કરે ભારતીય સૈન્યના શરણે આવવું પડયું હતું. પાકિસ્તાન આજે પણ આઘાત અને શરમમાંથી બહાર આવ્યું નથી.

અલબત્ત, એ વખતે પાકિસ્તાન પાસે અણુબોમ્બ નહોતો. આજે છે અને તેની ન્યુક્લિઅર તાકાત પર જ તે બેવકૂફીભર્યાં નિવેદનો કરે છે. પાકિસ્તાનના નેતાઓ અને આર્મીના વડાઓને એ વાતની ખબર નથી કે અણુશસ્ત્રો વાપરવા માટે નહીં, પરંતુ બીજો દેશ હુમલો ના કરે તે માટે એક પ્રકારના પ્રતિરોધ માટે હોય છે.

આ ગરીબી માટે જવાબદાર કોણ?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
  • વિશ્વના ત્રીજા ભાગનાં ગરીબો ભારતમાં

ભારત અનેક પ્રકારના વિરોધાભાસ ધરાવતો દેશ છે. ભારત પાસે ન્યુક્લિયર શસ્ત્રો છે, પરંતુ દેશમાં ૪૦ કરોડ ગરીબોને બે ટંક ભોજન પ્રાપ્ત નથી. ભારત પાસે સેટેલાઇટ્સ છે, પરંતુ સેંકડો શાળાઓમાં શૌચાલય નથી. ભારત પાસે આઈઆઈએમ અને આઈઆઈટી જેવી શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ છે, પરંતુ દેશની હજારો શાળાઓ પાસે પૂરતા શિક્ષકો નથી. ભારત પાસે અદ્યતન વર્લ્ડક્લાસ વિમાની મથકો છે, પરંતુ હજારો ગામોમાં એસ.ટી. બસની સુવિધા નથી. દેશની ફાઇવસ્ટાર હોટલોના બારમાં રોજ ૨૦ હજારની કિંમતની બ્લૂ લેબલ વ્હિસ્કી ઉપલબ્ધ છે, પરંતુ હજારો ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. મોટાં શહેરોમાં ચોવીસ કલાક વીજળીનો ઝગમગાટ છે, પરંતુ દેશનાં (ગુજરાત સિવાય)નાં હજારો ગામોમાં અંધારપટ છે. ગાંધીજી કહેતા હતા કે, સાચું ભારત દેશના ૬ લાખ ગામડાંઓમાં વસે છે.

એક તરફ શહેરોમાં ઝાકમઝોળ દેખાય છે, પરંતુ બીજી બાજુ હજારો ગામડાં હજુ વિકાસનાં લાભોથી વંચિત છે. વિકાસ લક્ષ્યો (એમડીજી) હાંસલ કરવાની બાબતમાં શાળાઓમાં વિદ્યાર્થિનીઓની ટકાવારી વધારવાની બાબતમાં ભારતનું પ્રદર્શન સારું રહ્યું, પરંતુ ગરીબીની નાબૂદી, રોજગારીની વૃદ્ધિ, માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદરની બાબતમાં નિર્ધારિત લક્ષ્યાંક હાંસલ કરવાની બાબતમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના વાર્ષિક અહેવાલ જારી કરવાના અવસરે જવાહરલાલ નહેરુ યુનિર્વિસટીના અર્થશાસ્ત્રનાં અધ્યાપિકા ડો. જયંતિ ઘોષનું આ તારણ છે. તેમણે જણાવ્યું છે કે, ગરીબી દૂર કરવાની બાબતમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

દુનિયાભરમાં ૨૦૧૦ના વર્ષમાં એક કરોડ વીસ લાખ લોકો અત્યંત ગરીબ હતા. તેમાંથી ૩૨.૯ ટકા અતિ ગરીબ લોકો ભારતમાં રહે છે. દુનિયાના એક તૃતીયાંશ ગરીબો એકમાત્ર ભારતમાં રહે છે. ભારતને બાદ કરી દેવામાં આવે તો દક્ષિણ એશિયાએ ગરીબી દૂર કરવાની બાબતમાં એમડીજીનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે,પરંતુ તેમાં ભારતને સામેલ કરી દેવામાં આવે તો દક્ષિણ એશિયા એક જૂથ તરીકે લક્ષ્ય હાંસલ કરવાની બાબતમાં ઘણું પાછળ રહી જાય છે.

અલ્પસંખ્યક મામલાઓનાં મંત્રી નજમા હેપતુલ્લાએ કહ્યું કે, ગરીબીની સમસ્યા આખી દુનિયાની આમ સમસ્યા છે. દેશમાં એમડીજીની દિશામાં રાજ્યવાર પ્રદર્શનમાં પણ ઘણું અંતર છે. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોએ આ લક્ષ્યો લગભગ હાંસલ કરી લીધાં છે, પણ બીજાં રાજ્યો આ બાબતમાં પાછળ છે.

ડો. જયંતિ ઘોષનું કહેવું છે કે દેશની સંસદમાં જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં એમડીજીની દિશામાં નાણાંની ફાળવણી વધારવાના બદલે ઘટાડવામાં આવી. એની સાથે સાથે એ વાત પણ જરૂરી છે કે વિકાસ એકમાત્ર સરકારનો વિષય નથી, તેમાં સામાન્ય લોકોને પણ સામેલ કરવા જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ૨૦૦૦ની સાલમાં સંયુક્ત રાષ્ટ્રના મિલેનિયમ સંમેલનમાં ગરીબી, ભૂખમરો, સ્વાસ્થ્ય, જેન્ડર સમાનતા, શિક્ષણ અને પર્યાવરણ અંગે કેટલાક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. આ લક્ષ્યાંકો ૨૦૧૫ સુધીમાં હાંસલ કરવાના હતા, પરંતુ ઘણાં લક્ષ્યાંકો હાંસલ કરવાના હજુ બાકી છે. હકીકતમાં તે કોઈ મોટા મહાત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નહોતા. રોજગારીની બાબતમાં પણ ભારતનું પ્રદર્શન ઠીક રહ્યું નથી.

અર્થવ્યવસ્થાને લાગેવળગે છે ત્યાં સુધી અર્થવ્યવસ્થાની વૃદ્ધિની રફતારના મુકાબલે રોજગાર વૃદ્ધિની પ્રગતિ ધીમી રહી છે. આમ તો આવી સ્થિતિમાં શ્રમ શક્તિની ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ જોવા મળે છે, પરંતુ અહીં તેમાં કમી જોવા મળે છે જે અર્થશાસ્ત્રીઓ માટે આશ્ચર્યની વાત છે.

નોંધપાત્ર વાત એ છે કે, મહિલાઓને રોજગારીની બાબતમાં જોકે સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડા અનુસાર વૃદ્ધિ જોવા મળે છે, પરંતુ રાષ્ટ્રીય આંકડા મુજબ તેમાં કમી જોવા મળે છે.

એ જ રીતે દેશમાં કુપોષણની બાબતમાં કમી આવી છે, પરંતુ દેશ નિર્ધારિત લક્ષ્યથી હજુ દૂર છે. આ જ બાબત સાથે જોડાયેલી એક બીજી સમસ્યા પણ છે. ભારતમાં બાળકો જન્મે છે ત્યારે ઘણાં ગરીબ પરિવારોમાં જન્મતાં બાળકોનું વજન હોવું જોઈએ તે કરતાં ઘણું ઓછું હોય છે. માતાના મૃત્યુદરની બાબતમાં દુનિયાના ચોથા ભાગનાં માતા મૃત્યુ ભારતમાં થાય છે. આ અંગે પણ આપણે હજી કાંઈ કરી શક્યા નથી.

એ જ રીતે પ્રાથમિક શાળાઓમાં દાખલ થતાં બાળકોની સંખ્યા વધી છે, પરંતુ સ્કૂલ છોડી દેવાના આંકડા ચિંતાજનક છે. દેશમાં સરકારી સ્કૂલોની હાલત સારી નથી. ઘણી બધી સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ કેટલાંક રાજ્યોમાં પશુઓ પણ ના ખાય તેવું હલકી કક્ષાનું ભોજન બાળકોને પીરસવામાં આવે છે. ઘણાં બાળકો એ ભોજન ખાઈને બીમાર પડી જાય છે, તો કેટલાંક બાળકો તો એ ભોજનને અડકતાં જ નથી.

ભારતમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયોજક લીઝ ગ્રાને કહ્યું છે કે, આ અહેવાલમાં એક સારા સમાચાર એ છે કે, વૈશ્વિક સ્તર પર ૧૯૯૦ના મુકાબલે અતિ ગરીબોની સંખ્યામાં કમી આવી છે.

એટલે કે વિશ્વના અતિ ગરીબ લોકોની સંખ્યા ૫૦ ટકા ઘટી છે અને વૈશ્ચિક સ્તર પર બાળકોના કુપોષણમાં પણ ગિરાવટ આવી છે. આમ છતાં વિશ્વમાં ચોથા ભાગનાં બાળકો હજુ કુપોષણનો શિકાર છે.

એ જ રીતે બીજી નોંધપાત્ર વાત એ છે કે, વિશ્વમાં સારી વૈજ્ઞાાનિક પ્રગતિ થઈ હોવા છતાં પણ દર વર્ષે ૩૦ લાખ લોકો મેલેરિયાથી, ૬૬ લાખ લોકો એઇડ્સથી અને બે કરોડ ૨૦ લાખ લોકો ટીબીથી મૃત્યુ પામે છે. આ આંકડા વિશ્વના છે.

વિશ્વમાં નાનાં-નાનાં યુદ્ધોથી, આતંકવાદથી અને અકસ્માતોથી મરનારા લોકોની સંખ્યા પણ લાખોમાં છે.

મુદ્દો એ છે કે વિશ્વના અતિ ગરીબ લોકો પૈકી ત્રીજા ભાગના ગરીબો ભારતમાં રહેતા હોય, ભૂખમરાનો શિકાર હોય અને અત્યંત કષ્ટદાયક જીવન જીવતા હોય તો તેના માટે જવાબદાર કોણ? આઝાદીનાં ૬૦થી વધુ વર્ષ બાદ પણ દેશમાં આવી કરુણાજનક ગરીબી માટે જવાબદાર કોણ? નેતાઓ, અધિકારીઓ, વ્યવસ્થાતંત્ર કે મતદારો?

Page 3 of 3

Powered by WordPress & Theme by Anders Norén