Devendra Patel

Journalist and Author

Month: January 2013 (Page 2 of 2)

મહાલક્ષ્મી પ્રસન્ન હો

ભૌતિક લક્ષ્મી ચંચળ છેઃ ભગવાન વિષ્ણુની જેમ શાંતચિત્ત રહો

દીપાવલીના પર્વનો આરંભ થઈ ચૂક્યો છે. ભારત વર્ષમાં દીપાવલી એ મોટામાં મોટો તહેવાર છે. ઉલ્લાસ અને ઉત્સાહથી ભરેલું આ મહાન પર્વ દીપાવલી અને લક્ષ્મીપૂજન એ અનેક ઘટનાઓથી ભરેલું છે. કાર્તિક અમાવસ્યાના દિવસે ભગવાન શ્રીરામ લંકા વિજય બાદ સીતા, લક્ષ્મણ, હનુમાન તથા અન્ય સાથીઓ સાથે અયોધ્યા પધાર્યા હતા. મહિના સુધી લોકોએ રાત્રે દીવડા પ્રગટાવીને અયોધ્યામાં અંધારું થવા જ દીધું નહોતું. એ દિવસની યાદમાં આજે પણ હિન્દુઓ દીપાવલીના દિવસોમાં રાત્રે દીવડા પ્રગટાવે છેજૈનોના ચોવીસમા તીર્થંકર અને અહિંસાની પ્રતિમુર્તિ એવા ભગવાન મહાવીર સ્વામી પણ આ જ દિવસોમાં નિર્વાણ પામ્યા હતા. મહાન સુધારક અને આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ પણ આ જ દિવસે નિર્વાણ પામ્યા હતા. રામને સ્વરૂપ માનવાવાળા સ્વામી રામતીર્થ પરમહંસનો તો જન્મ અને સમાધિ એ બંને દિવાળીના દિવસે જ પ્રાપ્ત થયા હતા. શીખોના છઠ્ઠા ધર્મગુરુ હરગોવિંદજી તથા પરાક્રમી રાજા વિક્રમાદિત્યે પણ આજે જ વિજય પર્વ મનાવ્યું હતું.

દીપાવલીમાં મહાલક્ષ્મીનું પૂજન સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. સાત્ત્વિક લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે વાસ્તુશાસ્ત્રીઓ કહે છે કે દીપાવલીના દિવસોમાં આસોપાલવનાં પત્તાંનું તોરણ બનાવી ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવાથી ધનધાન્ય વૃદ્ધિ, વંશવૃદ્ધિ તથા મનની શાંતિ પ્રાપ્ત થાય છે. પૂજન સમયે નવા ચોપડા, નવા કાગળ, નવી કલમ તથા નવી સ્યાહીનો ઉપયોગ કરવો જોઈએ. બધી જ વ્યાપારિક વસ્તુઓને પુષ્પોથી સજાવી તેમનું પૂજન કરવું જોઈએ. લક્ષ્મી શુક્ર ગ્રહનાં કિરણો પ્રત્યે આકર્ષિત થાય છે. ચાદર વગેરે શ્વેત હોવી જોઈએ. શુભ્રતાનું વિશેષ મહત્ત્વ છે. ઘણા લોકો ભૂલથી ખોટી મુદ્રાવાળાં ચિત્રો સ્થાપિત કરી દે છે.

લક્ષ્મીજીનો જમણો હાથ અભય મુદ્રાવાળો હોવો જોઈએ, જેમાંથી લક્ષ્મીજી સિક્કાઓની વર્ષા કરતા દેખાવાં જોઈએ. લક્ષ્મીજીના સ્થાયીકરણ માટે તેઆની કમળના પુષ્પ પર બિરાજમાન મુદ્રા અતિ આવશ્યક છે. પૂજન સ્થાનના પાટલા પર ઘઉં, ચોખા હોવા જોઈએ. તેની પર અખંડ દીવાની સ્થાપના કરવી જોઈએ. જો તમારા પૂજન માટે ચાંદીના લક્ષ્મીજી કે ગણેશજી છે તો સૌથી પહેલાં પંચામૃતથી તેમને સ્નાન કરાવવું જોઈએ. તે પછી ગંગાજળથી તે મુર્તિઓને સ્નાન કરાવવું જોઈએ. પૂજન સમયે પતિ-પત્નીએ નવાં વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. શક્ય હોય તો પતિએ શ્વેત અને પીળાં વસ્ત્રો અને પત્નીએ લાલ, ગુલાબી અને પીળાં વસ્ત્રો ધારણ કરવાં જોઈએ. સુવર્ણ અને રજતનાં આભૂષણો ધારણ કરીને પ્રસન્નચિત્તે પોતાના પરિવાર, મિત્રો, ભાઈ-બહેનો તથા ગુરુજનો, વિશિષ્ઠજનો તથા વિદ્વાન બ્રાહ્મણના સાંનિધ્યમાં શુભ મુહૂર્તમાં નવું આસન લગાવીને પોતાનાં મન, વાણી એવં શુદ્ધ ચિત્તથી સંકલ્પપૂર્વક ઇષ્ટદેવતા, ગ્રામ્યદેવતા, કુળદેવતા વગેરેનું આહ્વાન કરી મહાલક્ષ્મીની પૂજાનો પ્રારંભ કરવો જોઈએ. એ જ રીતે આઠ ભુજાઓવાળા સ્વસ્તિકના ચિત્રને અંકિત કરવું જોઈએ. આ સ્વસ્તિકનું ચિહ્ન સમગ્ર દોષોને દૂર કરી રિદ્ધિસિદ્ધિ પ્રદાન કરે છે.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભવન અથવા વેપાર-ધંધાના સ્થળે પૂર્વ ઇશાન ખૂણામાં પશ્ચિમ તરફ મોં રહે તે રીતે ગણેશજી અને લક્ષ્મીજીનાં પૂજનની વ્યવસ્થા કરવી જોઈએ. પૂજન વખતે લક્ષ્મીજી અને ગણેશજીને વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. તે પછી શક્તિ પ્રમાણે તેમનો શૃંગાર કરવો જોઈએ. ધનપ્રાપ્તિ માટે જમણા હાથની મધ્યમા આંગળીથી, માનસિક શાંતિ માટે અનામિકા આંગળીથી તિલક કરવું જોઈએ. અત્તર, ફૂલ કમળનું અને ગુલાબનું અર્પણ કરવું જોઈએ. પૂજન ભક્તિભાવથી કરવું જોઈએ. થાળીમાં સૌથી વધુ દીપ જલાવવા જોઈએ. સાકર, પતાસાં, ફળ, મેવો તથા મિષ્ઠાનનો ભોગ ધરાવવો જોઈએ. નદી, સરોવર તથા નિર્જન સ્થળો પર દીપદાન કરવું જોઈએ. દીપદાન તે પૂર્વજોનો માર્ગ સુલભ કરવા માટે તેમને રોશની પ્રદાન કરે છે. ઘર અને વેપાર ધંધાના સ્થળે તાંબાનું પ્રાણપ્રતિષ્ઠિત શ્રીયંત્ર પશ્ચિમ તરફ મોં રહે તે રીતે બિરાજમાન કરવું જોઈએ. પૂજન પછી શ્રી સુક્ત પાઠ કરવો જોઈએ. શક્ય હોય તો દક્ષિણાવર્તી શંખ, ગોમતીચક્ર, મોરપંખ પણ પૂજનમાં મૂકવાં જોઈએ. દીપાવલીના દિવસોમાં બિલાડી, ઘરોળી કે ઘુવડનું દર્શન શુભ મનાય છે. જેમની પાસે આ બધું કરવાનું સામર્થ્ય નથી તેઓ મહાલક્ષ્મીને મનમાં સ્થાપીને એક દીપ પ્રગટ કરી, અંતઃકરણપૂર્વક, ભાવપૂર્વક તેમની આરાધના કરે તોપણ લક્ષ્મીજી પ્રસન્ન રહેતાં હોય છે.

યાદ રહે કે આ વિધિ સાત્ત્વિક લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે છે. ચોરી, છેતરપિંડી કે ભ્રષ્ટાચાર જેવાં કૃત્યોથી પ્રાપ્ત કરવા માટે નથી.

બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે લક્ષ્મીજી વગર ભગવાન નારાયણ રહી શકે છે, પણ નારાયણ વગર લક્ષ્મીજી રહી શકતાં નથી,તેથી ભગવાન નારાયણનું પૂજન મહત્ત્વનું છે. સમુદ્રમંથન વખતે પ્રાપ્ત થયેલ ૧૯ રત્નોમાંથી સૌથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી છે. તેઓ અનુપમ એવાં સુંદર, સુવર્ણમયી, તિમિરહરિણી, વરદાયી, પ્રસન્નવદના, શુભ અને ક્ષમાદાયી ગણાયાં છે.

ભગવાન વિષ્ણુએ તેમને પત્નીના સ્વરૂપમાં સ્વીકારેલાં છે. આ પ્રકાશમયી દેવીએ અમાસની રાત્રે ઘટાટોપ અંધારાને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થયાં હતાં અને સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવી દીધું હતું. એ જ કાળી અમાવસ્યાની રાત્રિને આપણે દીવડાઓથી પ્રકાશિત કરીને લક્ષ્મીજીનું સ્વાગત અને પૂજન કરીએ છીએ.

અથર્વવેદ પ્રમાણે દરેક વ્યક્તિના જન્મ સાથે ૧૦૧ લક્ષ્મીઓ જન્મ લે છે. જેમાંથી મોટાભાગની કલ્યાણકારી હોય છે. લક્ષ્મીનો સહજ અર્થ છે, સુલક્ષણવાળી. લક્ષ્મીની સૌપ્રથમ વંદના ઋગ્વેદના શ્રી સુક્તમાં જોવા મળે છે. એ દેવીઓ શ્રી અને લક્ષ્મીનાં નામથી ઓળખાય છે. લક્ષ્મીજીનું પૂજન અમાવસ્યાની રાત્રે કરવામાં આવે છે. દિવાળીની રાત્રિને યક્ષરાત્રિ પણ કહેવામાં આવે છે, તેથી યક્ષપતિ કુબેરની પૂજાનું પણ મહત્ત્વ છે.

અલબત્ત, લક્ષ્મીજીને માત્ર ભૌતિક સ્વરૂપમાં સમજવા તે ભૂલ હશે. તેનો આધ્યાત્મિક અર્થ પણ સમજવો જોઈએ. માત્ર પૈસો,બંગલા કે મોટરકારો એ સુખ નથી. ક્ષીર સાગરમાં શાંતચિત્તે સૂતેલા ભગવાન વિષ્ણુ સમૃદ્ધિના અસલી પ્રતીક છે. સમૃદ્ધિ જોઈતી હોય તો ભૌતિક લક્ષ્મીની જેમ ચંચળ નહીં, પરંતુ વિષ્ણુની જેમ શાંતચિત્ત હોવું જોઈએ. માનવી પાસે ગમે તેટલું ધનધાન્ય કે બંગલા હોય, પણ માનવીની અપેક્ષાઓ કદી પૂરી થતી નથી. અભાવ હોવો અને અશાંત રહેવું તે માનવીને વાસ્તવિક સમૃદ્ધિથી બહુ જ દૂર લઈ જાય છે. વિશ્વવિખ્યાત દાર્શનિક ટોમસ હોબ્સ કહે છે, સમૃદ્ધિને શોધવાથી મળતી નથી, તે આપોઆપ જ આવે છે. શરત એ છે કે તમે હુન્નર દાખવો, પુરુષાર્થ કરો અને બે હાથ ફેલાવીને ઇન્તજાર કરો.

સમૃદ્ધિ અને અભાવ એ બંને અંદરની સ્થિતિઓ છે. લક્ષ્મીજી આપણી ભીતર જ મોજૂદ છે. આપણે વિશ્વના પાલનહાર એવા ભગવાન વિષ્ણુના અંશની ભીતરથી અનુભૂતિ કરીશું તો એવું કોઈ કારણ નથી કે લક્ષ્મીજીની આપણી પર કોઈ કૃપા ન થાય. યાદ રહે કે સાત્ત્વિક રીતે કમાયેલું ધન જ લાંબો સમય ટકે છે. ચોરી કરીને, લૂંટ ચલાવીને, ભ્રષ્ટાચાર કરીને કે કોઈને છેતરીને કમાયેલું ધન અલ્પજીવી હોય છે અને એવા અવળા માર્ગેથી ધન આવ્યું હોય તો એ માર્ગે જ જતું રહે છે અથવા તો એ ભોગવવા મળતું જ નથી.

અભણ બાપનાં સંતાનો તેજસ્વી અને શ્રેષ્ઠ બન્યાં (કભી કભી)

 

એક અભણ દાદાની “ગ્લોબલ” બનેલી પૌત્રીની આ કથા છે.

લ્યો, એ દિકરીના જ શબ્દોમાં જ એને વાંચો. એ કહે છે :

“હું કોણ?

અમેરિકાના ગ્રીન કેસલ નામના નાનકડાં શહેરમાં ઇ.સ.૧૯૮૫માં મારો જન્મ થયો. અમેરિકામાં જન્મનારા બધા બાળકો ટકલુ હોય છે. હું ગાઢા, કાળા, ભરચક વાળ, અસામાન્ય બોલકી મોટી આંખો સાથે જન્મી. હોસ્પિટલમાં સહુને આ વાતનું કુતૂહલ. વોર્ડની મુખ્ય નર્સે તમામ હોસ્પિટલ સ્ટાફને બોલાવી એક ‘અપૂર્વ’ બાળકી જન્મ્યાના સમાચાર આપ્યા. એ ખડકાળ નાનાં એવા નગરની મોટી ઘટના. મારું નામ અપૂર્વા. પૂર્વમાં જન્મ થવાને બદલે પશ્ચિમમાં જન્મ થયો એટલે અપૂર્વા. મોટી થયા પછી પપ્પાએ કહ્યું. ‘પુ.લ.દેશપાંડે’ નામના તેમના પ્રિય લેખકના ‘અપૂર્વાઇ’ પુસ્તક પરથી મારું નામ રાખ્યું. હું દોઢ વર્ષની થઇ ત્યારે મારા પિતાની કામગીરી બદલાતાં અમે મુંબઇ આવ્યાં. ફરી એકવાર પપ્પાને ઇન્ટરનેશનલ મોનેટરીફંડની અમેરિકા ખાતેની કચેરીમાં એસાઇનમેન્ટ મળતાં અમે વોશિંગ્ટન આવ્યા. ત્યાં હાઇસ્કૂલમાં મારું માધ્યમિક શિક્ષણ શરૂ થયું. મારો સોળમો જન્મદિવસ. પ્રેઝન્ટસ એકઠા કરવાની ધમાલ. પણ મમ્મી-પપ્પા મને અમારા સ્ટડી રૂમમાં લઇ ગયા. ત્યાં અમારા પરિવારના ભગવાન ગોઠવેલા હતા. એ ભગવાન મારા ‘સોના’ દાદીને તેમના સાસુમા તરફથી મળ્યા હતા. નાની નાના એ ઇ.સ.૧૯૫૬ માં બૌદ્ધધર્મ અંગીકાર કર્યો. ખરું તો ડો. બાબાસાહેબના આદેશ અનુસાર આ ભગવાનનું વિસર્જન કરવું જોઇતું હતું. સોના દાદી એમ કરી ન શક્યા. એમણે ખોટું બોલીને ભગવાન સંતાડી દીધા. એમની ખાસ પરવાનગીથી પપ્પા ભગવાનને અમેરિકા લઇ આવ્યા. અને હવે એ જ ભગવાન મોટી મોટી આંખોથી મારી સામે જોઇ રહ્યા હતા. મેં શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરીને તેમના આશીર્વાદ માંગ્યા. ‘ર્રૃ રટ્વદૃી ર્ષ્ઠદ્બી ટ્વ ર્ઙ્મહખ્ત ટ્વઅ હ્વટ્વહ્વઅ’ એવું જાણે ભગવાન મને કહી રહ્યા હતા.

એ ક્ષણે મને સમજાયું. હું કોણ છું?

હું છું અપૂર્વા કેવળ અપૂર્વા. કોઇપણ જાતિ ધર્મના લેબલ વગરની ભારતીય વંશની એક ગ્લોબલ સિટિઝન. મને દલિત હોવાનું કોઇ ભાન કરાવતું નથી. કોઇ દલિત તરીકે મને ઉભરતુ લેખતુ હોય તો મને એની પરવા નથી. They have a problem. They need prsychiatric treatment.

મારા પપ્પા જરથુષ્ટનું એક વાક્ય હંમેશા ટાંકે છે. ‘જે લોકો ભૂતકાળ ભૂલી જાય છે તેમને ભવિષ્યકાળ ક્યારેય માફ કરતો નથી.’ હું મારો ભૂતકાળ ભૂલીશ નહિ. મારા પૂર્વજો પર કેટલાકે અન્યાય કર્યો. તેથી હું આજે અન્યાય કરનાર એ લોકો પ્રત્યે દ્વેષ રાખીશ નહિ. મારા પૂર્વજોએ વેઠનો ભાર વેંઢાર્યો, હલકું અમાનવીય જીવન જીવ્યાં. તેમના ત્યાગ, પારાવાર કષ્ટ, જહેમત પર હું ઊભી છું, તેમના ખભા પર ઊભી હોવાને કારણે મને દૂરની ક્ષિતિજ દેખાય છે, મને બોલાવે છે. મનુષ્યત્વને ધર્મ માનનાર ભારતીય વંશની ગ્લોબલ સિટિઝન છું. ડો. બાબાસાહેબે મારા હાથમાં પ્રજવલિત મશાલ આપી છે. એ મશાલથી હું સમગ્રને અજવાળીશ. મારું ભવિષ્ય હું જાતે ઘડવાની છું. મને કોઇ અટકાવી શકશે નહિ.”

આ અપૂર્વા કોણ?

તબીબી વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર જોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલ આ તરુણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ચીફ ઇકોનોમિસ્ટ અને પૂણે યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડો. નરેન્દ્ર જાધવની દીકરી છે. અપૂર્વાના પિતા ડો. નરેન્દ્ર જાધવ હાલ ભારત સરકારના પ્લાનીંગ કમિશનના સભ્ય છે અને આ કમિશનના શિક્ષણ વિભાગના વડા તરીકે વડાપ્રધાન ડો. મનમોહનસિંહના સલાહકાર પણ છે.

આજે સિદ્ધિના ઉચ્ચ શિખરે પહોંચેલ ડો. નરેન્દ્ર જાદવના પરિવારની મૂળ મરાઠી ભાષામાં લખાયેલ કુળ કથા ‘આમચા બાપ આન આમ્હી’ જેનો ગુજરાતી ભાષામાં ‘અમારો બાપ અને અમે’ અનુવાદ એક સામાન્યોમાંના અસામાન્યની કથા છે. કથાના નાયક એટલે કે અપૂર્વાના દાદા દામોદર રુંજાજી જાધવ. તેઓ દીકરાઓને કહેતાઃ “તું જે કર, એમાં ટોપ પર જવું જોઇએ. તું ડોકટર થા, એન્જિનિયર થા, બારિસ્ટર થા, પણ તું કોઇનુંય સાંભળતો નહિ. તું તારી બુદ્ધિને યોગ્ય લાગે એજ બનવાનો પ્રયત્ન કર. હું પણ તને કહેવાનો નથી. થા, થા, ગમે તે થા, પણ મારે એટલું જ કહેવું છે, તું જે કરે એમાં ટોપ પર જવું જોઇએ. તારે ચોર થવું છે? કોઇ બાત નહિ! પણ પછી એવો ચોર હોય કે દુનિયાને સલામ મારવી જ પડે. તારે જુગાર રમવો છે ! વાંધો નહિ પણ એવો અઠંગ જુગારી થા કે બધા લોકોએ કહેવું પડે, ઇસકો બોલતા હૈ જુગારી!”

પોતાના દીકરાઓને ઓપન ચોઇસ આપનાર આ અભણ બાપ શિક્ષણનું મહત્ત્વ સમજી શક્યા હતા. ડો. આંબેડકરનો જ્ઞાન, તપ,સંઘર્ષનો અંત પોતાના જીવનમાં ઉતાર્યો હતો. શિક્ષણનું મહત્ત્વ એમને અંગ્રેજ સાહેબો સાથે રહેવાથી ધ્યાને આવ્યું હતું. કુરલા સ્ટેશને પાણીની ડોલ લઇ જતાં પુલ નીચે માણસોની ભીડ જોઇ એમણે પૂછપરછ કરી. એક જણે કહ્યું કે કામની ભરતી ચાલુ છે. પણ અંદર ગોરા સાહેબ પાસે જવાની કોઇનામાંય હિંમત ન હતી. એ અંદર ગયા. સાહેબને સલામ કરી અને ગોરા સાહેબે મારા દાદાને ભરતી કર્યા. એ વખતે રેલવેમાં દાદા રેગ્યુલર કામદાર તરીકે જોડાયા. એ સાથે જ નિર્ણય કર્યો કે મારા છોકરાને ગમે તેમ કરીને સારી નિશાળમાં ભણાવીશ. મોટો દીકરો ચોથા ધોરણમાં પાસ થયો. પાંચમાં ધોરણમાં મોટી શાળામાં નામ લખાવવા દાદરની કિંગ જોસ સ્કૂલમાં ગયા. ત્યાં જાતિ આડે આવી. ત્યાંથી બીજી નિશાળમાં ગયા. છ વાગી ગયા હતા. ચોકીદારે રોક્યા. એને આઠ આના આપ્યા. અંદર એક માણસ હતો. એણે પૂછયું ‘શું જોઇએ?’ મારા દાદાએ સાહેબને મળવાનું કહેતાં જ એણે કહ્યું ‘હવે અમારે ત્યાં જગા નથી.’ મારા દાદાની આંખોમાં પાણી ભરાઇ આવ્યું. ખૂબ વિનંતી કરી. પછી મારા દાદાએ પેલા સાહેબને કહ્યું ‘જ્યાં સુધી મારા છોકરાને તમે શાળામાં લેશો નહિ, ત્યાં સુધી હું અનાજ પાણી લઇશ નહિ. મને પોલીસ લઇ જશે તો ય હું અનાજ-પાણી લઇશ નહિ. આંખોમાંથી સતત આંસુ ટપકતા હતા. આ બધું એણે જોયું. એને દયા આવી અને મારા દાદાને કહ્યું: ‘આવતીકાલે અગિયાર રૂપિયા લઇને આવજો.એ છોકરાનું નામ લખી લીધું.’ સવારે મારા દાદા પૈસા અને છોકરાને સાથે લઇ સ્કૂલમાં ગયા. પૈસા ભરીને વર્ગમાં લઇ ગયા ત્યારે તેમના મનને શાંતિ થઇ. મોટો છોકરો શાળામાં ગયો અને એ છોકરો એટલે કે મારા પિતા ડો. નરેન્દ્ર જાદવ એક દિવસ પૂણે યુનિવર્સિટીના કુલપતિ બની ગયા.

અત્યંત દારૂણ સ્થિતિમાં બાળકોના શિક્ષણ માટે આમરણાંત ઉપવાસનો નિર્ધાર કરનાર એક અભણ દાદાની આ અસામાન્ય કથાનો ગુજરાતી ભાષામાં પ્રાસાદિક, સરળ અનુવાદ કિશોર ગૌડે કરીને ગુજરાતી સાહિત્યને એક અનન્ય સાહિત્યકૃતિ ભેટ ધરી છે. મરાઠી ભાષામાં ચાર આવૃત્તિઓ વચ્ચે ઓગણીસ પુનઃમુદ્રણ થનાર આ પુસ્તકનો સહુ પ્રથમ અનુવાદ ફ્રાંસની ‘ફાયા’ પ્રકાશન સંસ્થાએ ફ્રેન્ચ ભાષામાં કર્યો. ત્યારબાદ અમેરિકાની પ્રસિદ્ધ સાયમન એન્ડ સ્યુટર સંસ્થાએ ઓનલાઇન હરાજી દ્વારા આ પુસ્તકના અનુવાદનો કરાર કરી અંગ્રેજીમાં પુસ્તક પ્રસિદ્ધ કર્યું. અંગ્રેજી બાદ યુરોપમાં સૌથી વધુ બોલાતી સ્પેનિશ ભાષામાં અને ત્યારબાદ કોરિયન ભાષામાં આ પુસ્તક અનુવાદિત થયું. એક પ્રાદેશિક ભાષાની કૃતિ ગ્લોબલ બની. ‘બાપ’ ગ્લોબલ બન્યો છતાં ભારતની અન્ય પ્રાદેશિક ભાષામાં આ પુસ્તક પહોંચ્યું જ ન હતું. પરંતુ દેશમાં સૌ પ્રથમ આ પુસ્તકનો ગુજરાતી ભાષામાં અનુવાદ થયો. ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરને કારણે અસ્મિતા જાગૃત થયેલ એક પરિવારની કથાના પ્રારંભે ડો. નરેન્દ્ર જાધવ કહે છે. અમારા માતા-પિતાએ અમને જન્મ આપ્યો છતાં માણસ તરીકે અમને જીવવાનો અધિકાર સંપૂર્ણપણે ડો. આંબેડકરે મેળવી આપ્યો એટલે જ આ યશોગાથાના મૂકનાયક વ્યાપક અર્થમાં અમારા સહુના ‘બાપ’ડો. બાબાસાહેબ આંબેડકર છે.

અપૂર્વા જાધવ હાલ ‘ઇન્ટર સેકશન ઓફ ફર્ટિલિટી એન્ડ માઇગ્રેશન’ પર અમેરિકામાં પીએચડી કરી રહ્યાં છે. એજ રીતે ડોમેસ્ટિક વાયોલન્સ અને ર્ફિટલીટી પર પણ શોધ નિબંધ રજૂ કરી ચૂક્યાં છે. તેઓ યુનોના પોપ્યુલેશન ફંડ માટે કામ કરી ચૂક્યાં છે. તેમણે અમેરિકાની જહોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા પબ્લિક હેલ્થના વિષયમાં બેચલર ડિગ્રી અને એનરોય યુનિવર્સિટી દ્વારા માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે.

દાદા અભણ હતા. દલિત હતા. છતાં તેમના ડો.પુત્ર નરેન્દ્ર જાધવ પૂણેની યુનિવર્સિટીના કુલપતિ બન્યા. હવે તેઓ ભારત સરકારના પ્લાનિંગ કમિશનમાં ઉચ્ચ શિક્ષણના વડા છે અને તેમની પુત્રી અપૂર્વા જાદવ તબીબી ક્ષેત્રની શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બનવાની ખ્વાહીશ રાખી રહી છે.

શિક્ષણ શું નથી કરી શકતું. ચમત્કારો શા માટે બીજે શોધવા ?

‘સંદેશ’ના દેવેન્દ્ર પટેલને ‘પદ્મશ્રી’ એવોર્ડ એનાયત

દર સોમવારે ‘સંદેશ’માં પ્રગટ થતી તેમની કટાર ‘કભીકભી’ સમાજનું દર્પણ બની ગઈ છે

‘સંદેશ’ તેમજ સમગ્ર પત્રકાર જગત માટે ગૌરવની પળ

ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત અખબાર ‘સંદેશ’ના વરિષ્ઠ પત્રકાર અને લેખક દેવેન્દ્ર પટેલને આજે પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’નો એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે ‘સંદેશ’ અને સમગ્ર પત્રકાર જગત માટે એક ગૌરવની વાત છે.

સાબરકાંઠાના આકરૂન્દ ગામના ચુસ્ત ગાંધીવા
દી પરિવારમાં જન્મેલા દેવેન્દ્ર પટેલે પત્રકારત્વની શરૂઆત ૧૯૬૭થી શરૂ કરી હતી. ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એવા બંને કાંઠેથી આત્મસાત કરનાર આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે. ‘સંદેશ’ના વરિષ્ઠ પત્રકાર અને લેખક તરીકે એમની કલમ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ વધુ વેધક અને કંચનશુદ્ધ બની છે. સામાજિક ઘટનાઓના અત્યંત નિકટના સાક્ષાત્કારે એમને હૃદયને ભીંજવી દેતી શૈલી દ્વારા ઉત્તમ કથાલેખક બનાવ્યા છે. ‘સંદેશ’માં ‘કભી કભી’, ‘ચીની કમ’ અને ‘રેડ રોઝ’ કોલમ દ્વારા તેમણે દેશ-વિદેશમાં બહોળો વાચકવર્ગ પેદા કર્યો છે, તેમની કટાર ‘કભી કભી’ સમાજનું દર્પણ બની ગઈ છે. અને અનેક પીડિતાઓની વ્યથા ઠાલવવાનું તથા તેમને ન્યાય અપાવવાનું તે એક પ્લેટફોર્મ બની ગઈ છે. આ કટારમાં પ્રગટ થયેલી કેટલીક કથાઓની નોંધ લઈ ગુજરાત હાઈકોર્ટે એ ન્યૂઝસ્ટોરીને જ અરજી સમજી લઈ સુઓમોટો કેસ કરી પીડિતાઓને ન્યાય અને રક્ષણ અપાવ્યાં છે.

૪૫ વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન તેમની કથાઓ, પ્રવાસવર્ણનો, પ્રતિભાસંપન્ન વ્યક્તિઓના પરિચયથી માંડીને યુદ્ધકથાઓ પર તેમણે ૫૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે.’અંતરનાં એકાંત’, ‘દિલ ચાહતા હૈ’ અને ‘કભી કભી’ શિર્ષક હેઠળ તેમણે ટેલિવિઝન માટેની સિરિયલો પણ લખી છે. ‘ચાઇલ્ડ હસબંડ’ નાટક અને ‘મિયાં ફુસકી ૦૦૭’ ફિલ્મની કથા અને પટકથા પણ તેઓ લખી ચૂક્યા છે. તાજેતરમાં જ તેમણે પત્રકારત્વના તેમના અનુભવો પર આધારિત લખેલું પુસ્તક ‘આંતરક્ષિતિજ’ એક શ્રેષ્ઠ સાહિત્યકૃતિ છે. ગાંધીજી અને સરદાર પટેલ વિષે પણ તેમણે સંશોધનાત્મક લેખો લખ્યા છે.

સિમલાકરાર દરમિયાન તેમણે પાકિસ્તાનની ભીતર જઈ રિપોર્ટિંગ કર્યું છે. પૂર્વ વડાપ્રધાનો ઇન્દિરા

ગાંધી, મોરારજી દેસાઈ, નરસિંહરાવ, રાજીવ ગાંધી, અટલબિહારી બાજપાઈ જેવી વ્યક્તિઓ સાથે તેમણે પ્રવાસો કર્યા છે. દલાઈ લામા, અમેરિકાના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. ગાલબ્રેથ, આર્થર સી. ક્લાર્ક, જે. આર. ડી. તાતા, નવલ તાતા, મહારાણી ગાયત્રીદેવી, સામ પિત્રોડા, અમિતાભ બચ્ચન, મોહમ્મદ રફી, દેવ આનંદથી માંડીને જયપ્રકાશ નારાયણ અને કુખ્યાત દાણચોર હાજી મસ્તાનનો પણ તેઓ અખબારી ઇન્ટરવ્યૂ લઈ ચૂક્યા છે. ‘ગલ્ફ વોર’ અને ‘સદ્દામ હુસેન’ જેવાં યુદ્ધની કથા પર લખાયેલાં તેમનાં પુસ્તકો અત્યંત લોકપ્રિય છે.

બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, ઇઝરાયેલ, મલેશિયા, થાઇલેન્ડ, ઓમાનથી માંડીને અમેરિકાનો અનેકવાર પ્રવાસ કરી ચૂક્યા છે, તેમનું ‘ઇઝરાયેલ-ધી લેન્ડ ઓફ ધી બાઇબલ’ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યનું પ્રથમ પારિતોષિક મેળવી ચૂક્યું છે.

‘સંદેશ’ પરિવાર દેવેન્દ્ર પટેલને આ એવોર્ડ બદલ અભિનંદન પાઠવે છે.

‘આ મારું નહીં ગુજરાતના પત્રકાર જગતનું સન્માન છે’

‘આ મારું નહીં પણ સમગ્ર મીડિયાનું સન્માન છે અને ગુજરાતના પત્રકાર જગતનું સન્માન છે. જે પત્રકારો પત્રકારત્વને વ્યવસાય સમજવાને બદલે મિશન સમજે છે તેમનું સન્માન છે. જે પત્રકારો તમામ પ્રકારના જોખમો લઈને પણ લખે છે તેમનું આ સન્માન છે. પત્રકારત્વ એ માત્ર પૈસા કમાવાનો વ્યવસાય નથી પરંતુ તેમની બુદ્ધિ અને કૌશલ્યનો ઉપયોગ સમાજ માટે કરવાનો જેઓ હેતુ ધરાવે છે તેમનું આ સન્માન છે અને પત્રકારત્વને વ્યાવસાયિક જવાબદારી સમજવાને બદલે સામાજિક જવાબદારી સમજવાનો પ્રયાસ કરશે તો પત્રકારોનો અને અખબારોનો સમાજ પ્રત્યેનો હેતુ બર આવશે. હું ગુજરાતના તમામ પત્રકારોનો અને ગુજરાતના તમામ અખબારો સાથે સકળાયેલી વ્યક્તિઓનો આભાર માનું છું.’

BJPનો વિમેન પાવર બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ

ગુજરાતની ચૂંટણીઓમાં ભાજપાનાં મહિલા પ્રવક્તાઓ વધુ કામયાબ

રાજકીય પક્ષો માટે પ્રવક્તા હવે એક મહત્ત્વપૂર્ણ કામગીરીનું પદ બની રહ્યું છે. કોંગ્રેસ અને ભાજપા એ બેઉ પક્ષો વિવિધ મુદ્દાઓ પર તેમના પક્ષની નીતિ અને પ્રતિક્રિયા અભિવ્યક્ત કરવા માટે ખૂબ જ ચીવટપૂર્વક પ્રવક્તાની પસંદગી કરે છે. ઉત્કૃષ્ઠ પ્રવક્તા બનવા માટે દેખાવ, ડ્રેસિંગ, ભાષા, તર્ક અને સમજદારી ઉપરાંત હાજરજવાબી પણાની છૂટ રહે છે. કોંગ્રેસ પાસે હાલ રાષ્ટ્રીય કક્ષાએ મનિષ તિવારી અને રેણુકા ચૌધરી છે તો ભાજપા પાસે નિર્મલા સીતા રમન છે. કોંગ્રેસ પાસે રશીદ અલવી અને જર્નાર્દન ત્રિવેદી છે તો ભાજપા પાસે શાહનવાઝ હુસેન, મુક્તાર નકવી અને પ્રકાશ જાવડેકર છે. કોંગ્રેસની સરખામણીમાં ભાજપામાં નવાં મહિલા પ્રવક્તાઓનો વુમન પાવર્સ સૌથી વધુ નોંધપાત્ર છે. ભાજપામાં વધી રહેલી આ મહિલા પ્રવક્તાઓની લોકપ્રિયતાના કારણે શાહનવાઝ હુસેન રાજીવ પ્રતાપ રૂડી અને મુક્તાર નકવી અંદરથી ગભરાયા છે. તેમને તેમની નોકરી ગુમાવવાનો ડર પેદા થયો છે. ભાજપાના મહિલા પ્રવક્તાઓને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં જે શાબ્દિક તાકાત દર્શાવી તે પ્રશંસનીય રહી. નિર્મલા સીતારમન પાસે સખત અવાજમાં અત્યંત આર્િટક્યૂલેટ અંગ્રેજી બોલવાનું કૌશલ્ય છે. સ્મૃતિ ઈરાની પાસે નાટકીય સંવાદોની જેમ અભિવ્યક્ત કરવાનો અભિનય છે. ટીવી ન્યૂઝ ચેનલ પર કેટલાક દોઢ ડાહ્યા એન્કર્સ પ્રશ્નો પૂછવાની બાબતમાં કોઈ મર્યાદા ઓળંગે તો ”મેડમ વોચ યોર વર્ડસ” કહેવાની તાકાત પ્રવક્તા મીનાક્ષી લેખીમાં છે. તિશ્તા સેતલવાડ અને શબનમ હાસમી જેવી વ્યક્તિઓને વર્ડ ટુ વર્ડ જવાબ આપવા ભાજપાએ મહિલા પ્રવક્તાઓની એક સશક્ત પેનલ તૈયાર કરી છે.

સંઘ શું માને છે ?

અલબત્ત, નોંધનીય વાત એ છે કે, ભાજપામાં મહિલા પ્રવક્તાઓનો આ ઉદય એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જરીપુરાણી વિચારધારાથી વિપરીત છે. આર.એસ.એસ.ના પહેલા વડા કે.બી. હેડગેવાર સંઘની કામગીરીમાં મહિલાઓને મહત્ત્વ આપવાની બાબતમાં બહુ ઉત્સાહિત નહોતા. ૧૯૩૬માં લક્ષ્મી કેલકર કે જેઓ એક સુધારાવાદી હતા તેમણે આરએસએસમાં મહિલા વીંગ શરૂ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. પણ સંઘના વડાએ તે વાતને બહુ પ્રોત્સાહન ના આપતાં એટલું જ કહ્યું હતું કે, ”તમે ઈચ્છો તો એક મહિલા સેલ શરૂ કરી શકો છો.” તેના ઘણા દાયકા બાદ રાષ્ટ્રીય સેવિકા સમિતિની શરૂઆત થઈ હતી, પણ તેણે પરિવારની શરતો નીચે જ કામ કરવાનું રહ્યું હતું. સંઘ મહિલાઓને ‘માતૃત્વ’ની જવાબદારીમાં જ વ્યસ્ત રાખવાની વિચારધારા ધરાવે છે. પરંતુ બદલાતા સમયની સાથે ભાજપામાં કુદરતી જ રીતે મહિલા શક્તિનો ઉદય થયો છે. કપાળમાં મોટી બીંદી કરતા સુષ્મા સ્વરાજ તેનું એક કલાસિક ઉદાહરણ છે. સ્ત્રી હવે ઘરની ચાર દીવાલો વચ્ચે રહેનારી, કામ કરનારી, બાળકોનો ઉછેર કરવામાં અને પતિની સેવા કરવામાં વ્યસ્ત રહેનારી સ્ત્રી નથી એ વાત ભાજપા સમજવા લાગ્યું છે તેની સામે કોંગ્રેસે તો ઈન્દિરા ગાંધી જેવાં શક્તિશાળી વડાંપ્રધાન, પ્રતિભા પાટિલ જેવાં પૂર્વ રાષ્ટ્રપતિ, સોનિયા ગાંધી જેવાં પક્ષનાં રાષ્ટ્રીય અધ્યક્ષ, મીરાંકુમાર જેવાં સ્પીકર અને શીલા દીક્ષિત જેવા મુખ્યમંત્રી આપ્યા છે. ભાજપા હવે સંઘની પકડમાંથી આ બાબતમાં માંડ માંડ બહાર આવ્યું છે. 

અલબત્ત, આ શરૂઆત ગ્વાલિયરના રાજમાતા વિજયા રાજે સિંધિયાના સમયથી થઈ હતી. તે પછી તેમનાં પુત્રી વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્યમંત્રી બન્યા હતા.

નિર્મલા સીતારમન

ભાજપામાં જે મહિલા પ્રવક્તાઓનો ઉદય થઈ રહ્યો છે તેમાં નંબર- વન નિર્મલા સીતારમન છે. હૈદરાબાદ સ્થિત પરકલા પ્રભાકર નામના રાજકીય વિશ્લેષક સાથે તેઓ પરણેલાં છે. તેમના પતિ એક સમયે ચિરંજીવીની પ્રજા રાજ્યમ્ પાર્ટીમાં પ્રવક્તા હતા. એ પાર્ટી તે પછી કોંગ્રેસમાં ભળી ગઈ હતી. તેઓ એક દીકરીનાં માતા છે. નિર્મલા તિરુચિનાપલ્લીની સીથાલક્ષ્મી કોલેજ દ્વારા ગ્રેજ્યુએટ થયેલાં છે. તે પછી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા તેમણે ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં એમ.ફીલ કરેલું છે. ત્યાર બાદ તેમણે લંડનની એક કંપનીના રિસર્ચ વિભાગમાં કામ કર્યું હતું. તેઓ ૫૩ વર્ષની વયના છે.

મીનાક્ષી લેખી

મીનાક્ષી લેખી દિલ્હીના જાણીતા ધારાશાસ્ત્રી અને રાજકારણી પ્રાણનાથ લેખી સાથે પરણેલા છે. પ્રાણનાથ લેખી ભાજપાના સ્થાપકો પૈકીના એક હતા. તેઓ દિલ્હીની હિન્દુ કોલેજ દ્વારા ગ્રેજ્યુએટ થયેલાં છે. દિલ્હી યુનિવર્સિટી દ્વારા કાયદાની ડિગ્રી પણ ધરાવે છે. ૧૯૯૦માં તેમણે દિલ્હીની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેકિટસ શરૂ કરી હતી. તેઓ નેશનલ કમિશન ફોર વિમેન અને કેટલીક એનજીઓ સાથે સંકળાયેલા છે. તેઓ સખ્ત ચહેરો અને તીખી દૃષ્ટિ માટે જાણીતાં છે.

સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાની પંજાબી પિતા અને બંગાળી માતાનું સંતાન છે. તેમના પિતાનું નામ અજયકુમાર મલ્હોત્રા અને માતાનું નામ શિબાની બાગચી છે. તેમના પિતા દિલ્હીની એક કુરીયર કંપની ચલાવતા હતા. તેઓ મુંબઈનાં ઝુબીન ઈરાની નામના એક બિઝનેસમેન સાથે પરણેલાં છે. ૨૦૦૩માં ”ક્યોં કી સાસ ભી કભી બહુથી” ટીવી સિરિયલમાં તુલસી વિરાનીનાં રોલથી જાણીતા બન્યા હતાં. ૨૦૦૪માં દિલ્હીની બેઠક પરથી કપિલ સિબ્બલની સામે લોકસભાની ચૂંટણી લડયાં હતાં અને હારી ગયાં હતાં. ૨૦૦૨નાં ગુજરાતના કોમી તોફાનો દરમિયાન તેમણે નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી પછી પાછળથી મોદી પાવર જોયા બાદ તેઓ નરેન્દ્ર મોદીનાં પ્રશંસક બની ગયાં હતાં. તેઓ બે સંતાનોના માતા છે તેમની વય ૩૭ વર્ષની છે.

વાણી ત્રિપાઠી

વાણી ત્રિપાઠી આમ તો ઉત્તરાખંડથી આવે છે પણ તેમનો ઉછેર દિલ્હીમાં થયેલો છે. તેમનાં માતાપિતા દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવતાં હતાં. તેઓ દિલ્હીની હિન્દુ કોલેજ દ્વારા ગ્રેજ્યુએટ થયેલાં છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા તેમમે ડ્રામાનો પણ અભ્યાસ કરેલો છે. તેમણે આ ક્ષેત્રમાં શિક્ષણકાર્ય પણ કરેલું છે. તે પછી નાટકો અને ફિલ્મમાં કામ કરવા તેઓ મુંબઈ સ્થાયી થયાં. તેમની વય ૩૩ વર્ષની છે.

કોંગ્રેસમાં તંગી

નિર્મલા સીતારમન આ સહુમાં શ્રેષ્ઠ છે. સ્મૃતિ ઈરાની કોઈની સાથે સાસુ- વહુની જેમ ઝઘડો કરતાં હોય તેવાં લાગે છે. ઉત્કૃષ્ઠ પ્રવક્તા બનવા માટે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને રાજ્યોના પ્રશ્નોનો અભ્યાસ હોવો જરૂરી છે.   પ્રવક્તા આક્રમક હોવા જોઈએ પણ યુદ્ધમાં ઊતર્યાં હોય તેવું ના લાગવું જોઈએ. કેમેરાનો ભય ના હોવો જોઈએ. એક માહિતી પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની પંચાયતોમાંથી તેજસ્વી મહિલાઓને પસંદ કરી ૨૫૦ જેટલી મહિલાઓને પબ્લિક સ્પીકિંગ, ટેકનોલોજી યુઝર્સ અને આરટીઆઈના ક્ષેત્રમાં તાલીમ આપી તૈયાર કરવા માંગે છે. ભાજપાની આ મહિલા શક્તિ સામે પ્રવક્તાઓની બાબતમાં કોંગ્રેસ પાસે જયંતી નટ રોજન અને રેણુકા ચૌધરી છે. ઘણાં તો રેણુકા ચૌધરીને મહિલા જ સમજતા નથી. ઘણા કોંગ્રેસીઓ ભાજપાનાં પ્રભાવશાળી મહિલા પ્રવક્તાઓની તાકાતનો ખાનગીમાં   સ્વીકાર કરે છે. કોંગ્રેસે તેની ઈમેજ સુધારવા પ્રવક્તાઓની પેનલમાં નવા ગ્લેમરસ પણ જિનિયસ ચહેરા લાવવાની જરૂર છે.

જેના પાશમાં સમાઈ જવા અભિનેત્રીઓ તડપતી ઓમર શરીફ.

હોલિવૂડના લેજન્ડરી એક્ટર ઓમર શરીફ હવે એકલવાયું જીવન ગાળે છે

હોલિવૂડનાં અંગ્રેજી ચિત્રો જોનાર રસિયાઓ માટે આ નામ પરિચિત છે. એક જમાનામાં હોલિવૂડમાં જબરી ધાક જમાવી જનાર આ મૂળ તો ઈજિપ્શિયન એક્ટર છે. એમના ચહેરા અને દેખાવના કારણે હોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓ ઓમર શરીફના પ્રેમમાં પડી જતી. ઓમર શરીફ અનેક રીતે જાણીતા છે. જેમણે ”ડો. ઝિવાગો”ચિત્ર જોયું છે તેઓ ઓમર શરીફની અદાકારીને કદીયે ભૂલી શકશે નહીં. ”લોરેન્સ ઓફ અરેબિયા” અને ”મેકેન્નાઝ ગોલ્ડ”માં પણ એમણે યાદગાર ભૂમિકાઓ કરેલી છે. અમેરિકાના લાસ વેગાસ શહેરમાં જુગાર રમવાના અઠંગ શોખીન એવા ગ્લેમ્બર તરીકે પણ એ જાણીતા રહ્યા છે. એણે અભિનય ક્ષેત્રને સંપૂર્ણ પણે છોડી દીધું નથી. તેઓ એક અર્ધ નિવૃત્ત એક્ટર અને ગેમ્બલિંગનો શોખીન તો આજે પણ છે.

એક જમાનાની હોલિવૂડની મશહૂર અભિનેત્રીઓ જેવી કે બાર્બરા સ્ટ્રિસાન્ડ, ઈન્ગ્રીડ બર્ગમેન, સોફિયા લોરેન, આવા ગાર્ડનર અને ફાતેન હમામા સાથે એનું નામ જોડાયું હતું. હોલિવૂડના બીજા અભિનેતાઓ પણ બિન અમેરિકન દેખાતા આ એક્ટરની ઈર્ષ્યા કરતા હતા. પુષ્કળ પૈસો અને ઐશ્વર્ય પણ કમાયા પરંતુ તેઓ હવે સાવ એકાકી છે. આજે તેમને કોઈ યાદ પણ કરતું નથી.

લંડનની એવન્યુ રેસ્ટોરન્ટમાં ઓમર શરીફ બેઠેલા હતા. ધીમે ધીમે વ્હિસ્કીની ચુશ્કિઓ લેતા હતા. એની બાજુમાં લો કટ ડ્રેસ ધરાવતી ઉન્નત વૃક્ષઃસ્થળ પર લટકતી ગોલ્ડ જ્વેલરીથી શોભતી એક રૂપાળી યુવતી બેઠેલી હતી. એક કાર્યક્રમ માટે તે આવેલા હતા. જેવા એ ઊભા થયા એટલે આખીયે રસ્ટોરામાં બેઠેલા તમામે તાળીઓના ગડગડાટથી એનું અભિવાદન કર્યું. તેઓ બોલ્યોઃ ”હું પુરુષો સાથે આક્રમક છું પરંતું સ્ત્રીઓ સાથે લાગણીશીલ છું.” અને ક્રાઉડના ચહેરા પર ચમક આવી જાય છે.

ઓમર શરીફ પાસે ટિપિકલ અવાજ છે અને ટિપિકલ હાસ્ય છે. તે ઈજિપ્શિયન હોઈ એમનું અંગ્રેજી અમેરિકન ઉચ્ચારોવાળું નહીં પરંતુ ઐજિપ્તીક છે.શરીફ કહે છે : ”હું અધિકૃત રીતે રિટાયર્ડ છું. હવે હું બ્રીજ પણ રમતો નથી.” કોઈ એક જમાનામાં તે વિશ્વના શ્રેષ્ઠ બ્રીજ પ્લેયર હતા. આજે તે ૮૦ વર્ષના છે. નેવી ડ્રેસમાં તે અત્યંત સ્માર્ટ દેખાય છે. એમની બદામી આંખો ચમકી રહે છે. તેઓ આજે ય ચેરિશ્મેટિક લાગે છે. શરીફ વૃદ્ધ થયા છે તે વાતનો એને પૂરો અહેસાસ છે. તે કહે છે ” આજે અત્યંત સુંદર અને નાજુક યુવતીઓ મારી પાસે આવે છે. મારી પાસે વાત કરવા થનગની ઊઠે છે. પરંતુ ”આઈ લવ યુ” એમ કહેતી નથી. એ બધી યુવતીઓ મને કહે છે કે ”મારી મમ્મીને તમે બહુ ગમતા હતા.” અને આ વાત મારા હૃદયને સ્પર્શી જાય છે.

રોમેન્ટિક લવ તે ઓમર શરીફ માટે એ કન્ફયુઝિંગ ટોપિક છે. તેઓ માને છે કે વિશ્વમાં પ્રેમની સૌથી મજબૂત ગાંઠ મા અને તેના પુત્ર વચ્ચે જ હોય છે.”

ઓમર શરીફ અને તેની માતા કર્લર શાલહાઉબ વચ્ચે પ્રેમ અને વાત્સલ્યનું મજબૂત બંધન હતું. ઓમર શરીફ કહે છેઃ ” મારી મા મારા માટે વસ્ત્રો ખરીદી લાવતી હતી. હવે મારા જીવનમાં કોઈ સ્ત્રીની જરૂર નથી.” શરીફ હવે મોટે ભાગે પેરિસ હોટલમાં રહે છે એક રૂમ હોટલે તેમને કાયમ માટે મફત રહેવા આપી દીધો છે. એક હોટલે એક કલાકારનું આ પ્રકારે કરેલું સન્માન છે. તેઓ કહે છેઃ”મેં હવે ગેમ્બલિંગ છોડી દીધું છે. જે કરોડો ડોલર હું કમાયો હતો તે બધા હું ગુમાવી ચૂક્યો છું.”

તેમનો સૂરજ તપતો હતો ત્યારે હોલિવૂડની સુપ્રસિદ્ધ અભિનેત્રીઓ એમના પાશમાં સમાઈ જવા કેવી તલપાપડ હતી તે સુવર્ણ દિવસોને તેઓ યાદ કરી લે છે, એમના જીવનમાં જે પ્રથમ સ્ત્રી આવી તે ફાતેન હમામા હતી. એ તેમની પત્ની હતી અને ૧૫ વર્ષ સુધી એનું દામ્પત્યજીવન ચાલ્યું હતું. વિશ્વના શ્રેષ્ઠ ફિલ્મ ડિરેક્ટર ડેવીડ લીને તેમને ”લોરેન્સ ઓફ અરેબિયા” માટે ભૂમિકા આપી એ વખતે જ એમના લગ્નજીવનનો અંત આવી ગયો. આ ફિલ્મથી તેમને ઓસ્કાર નોમિનેશન પ્રાપ્ત થયું હતું. ૧૯૬૦ પછીના દાયકામાં તે કેરો છોડી હોલિવૂડમાં આવી ગયા. એ જમાનામાં ઈજિપ્તની સ્ત્રીઓને ઈજિપ્શિયન ડ્રેસ પહેરવો પડતો જ્યારે ઓમર શરીફ કડક ઈંગ્લિશ સ્ટાઈલની બોર્ડિગ સ્કૂલમાં ભણ્યા હતા. હોલિવૂડમાં આવ્યા પછી એ જમાનાની ટોચની અભિનેત્રી ઈન્ગ્રીડ બર્ગમેન સાથે ”ધી યલો રોલ્સ રોઈઝ” ફિલ્મમાં ચમક્યા. શરીફ કહે છે : ”ઈન્ગ્રીડ મારાથી મોટી હતી તે ૪૦ વર્ષની હતી પરંતુ હું તેના પ્રેમમાં પડી ગયો હતો એ વખતે હું ૩૦ વર્ષનો હતો. એ ૧૯૬૪ની સાલ હતી. એક કાર ઘરની બહાર રોજ આવીને ઊભી રહેતી. એમા બે જ બેઠેલા જણાતાં હતાં. એક ઓમર શરીફ અને બીજી ઈન્ગ્રીડ બર્ગમેન.

 ત્યાર પછી બોરિસ ડો. યુરીનું ”ડો ઝિવાગો” સેટ પર ગયું. રશિયાની ભૂમિકા પર બનેલી આ ફિલ્મમાં ઓમર શરીફ ડો.ઝિવાગોનો રોલ કરી રહ્યા હતા. તેમની સામે લારાની ભૂમિકા અભિનેત્રી જુલી ક્રિસ્ટી કરી રહી હતી. ઓમર શરીફ જુલિ ક્રિસ્ટી તરફ પણ આકર્ષાયા હતા. જુલિ ક્રિસ્ટી દેખાવમાં એક સામાન્ય છોકરી જેવી લાગતી હતી પરંતુ ડાયરેક્ટરે એની હેરસ્ટાઈલ બદલી નાંખતા તે જુદી જ તરી આવતી હતી. ડેવીડ લીન જ આ ફ્લ્મિનું નિર્દેશન કરી રહ્યા હતા. ઓમર શરીફ કહે છે : ”ગજબનું સ્ત્રૈણ ધરાવતી એ છોકરી હતી. તે આ ફિલ્મ પછી ફેન્ટાસ્ટિક કેરિયર બનાવી શકી હોત પરંતુ પ્રેમના કારણે તેની કારકિર્દી અટકી ગઈ. તમે જ્યારે કામ કરતા હોવ ત્યારે એક્ટ્રેસ માટે બે હસબન્ડસ છે એક તમે અને બીજી તેની કારકિર્દી.

ત્યાર પછી બાર્બરા સ્ટ્રિસાન્ડ આવી. ”ફની ગર્લ” તેની પહેલી ફિલ્મ હતી. ૧૯૬૭માં આ ફિલ્મ બની હતી. એક તરફ ઈજિપ્શિયન એક્ટર હતો તો બીજી તરફ યહૂદી છોકરી હતી. આખું યે વાતાવરણ એકદમ ગુપ્તતાભર્યું હતું. ઓમર શરીફ કહે છે : ”આવા વાતાવરણમાં એફેર કેમ ના સંભવી શકે? હું તેના ભરપુર પ્રેમમાં હતો પરંતુ કોઈ ફની બિઝનેશ નહીં.

”શું તમે તમારા પત્ની પછી ખરેખર કોઈ સ્ત્રીને પ્રેમ કર્યો છે?” : એવા પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે : ”હું હંમેશાં પ્રેમમાં હતો,આઈ એમ ઈન લવ વીથ લવ. પરંતુ તે સાચો પ્રેમ નહોતો. હું રોમેન્ટિક અને સેન્ટિમેન્ટલ જ હતો. મેં આવા ગાર્ડનરને પણ પ્રેમ કર્યો છે. એક ફિલ્મમાં એણે મારી માતાનો રોલ કર્યો હતો. તે અત્યંત આક્રમક અને વાઈલ્ડ હતી. ખૂબ જ ડ્રિંક્સ લેતી. રોજ સાંજે હું તેને કંપની આપતો અને એ ખૂબ પી જતી ત્યારે હું સાચવીને એને ઘેર મૂકી આવતો. હું એને ઘેર મૂકવા જતો ત્યારે એને બહુ ગમતું નહી. તે પોતે કાર ચલાવીને ઘેર જવાનો આગ્રહ રાખતી. મારું અપમાન કરીને કહેતી : ”ગો અવે.”

ત્યાર પછી ઓમર શરીફનું નામ અર્નોક એમી અને સોફિયા લોરેન સાથે પણ ચર્ચામાં આવ્યું હતું. આજે ભૂલાઈ ગયેલી બીજી અનેક અભિનેત્રીઓ સાથે ઓમરના સંબંધોની અફવાઓ હતી. પરંતુ તે કહે છે : ”મારે મારા જીવનમાં કોઈ સ્થિર સ્ટેડી ગર્લફ્રેન્ડ કદીયે નહોતી.”

તેઓ કબૂલ કરે છે : ”હું ૨૧ વર્ષનો હતો ત્યારે ફાતેન હામામા સાથે મારા લગ્ન થયા હતા. એવું નથી કે અમે એકબીજાને પ્રેમ કરવાનું છોડી દીધું હતું. બસ અમે જુદાં થઈ ગયાં હતા એ સત્ય છે.” ફાતેન હામામા ઈજિપ્શિયન એક્ટ્રેસ હતી. હું પશ્ચિમમાં જાણીતો બની ગયો હતો. તે ઈજિપ્તમાં ફેમસ હતી જ્યારે મારે આખા વિશ્વમાં શૂટિંગ માટે ફરવું પડતું હતું. હોટલોમાં રહેવું પડતું હતું. મહિનાઓ સુધી હું મારી પત્નીને જોઈ શક્તો નહોતો. મને બીક હતી કે હું કોઈ પણ ગોરી યુવતીના પ્રેમમાં પડી જઈશ તેથી મેં જ એકવાર મારી પત્નીને કહ્યું કે, જો ફાતેન આપણે મહિનાઓ સુધી એકબીજાને મળી શક્તાં નથી.”

મારી પત્નીએ મને પૂછયું: ” તું શું કોઈને ચાહે છે ?” મેં કહ્યું: ”ના, પરંતુ મને લાગે છે કે ક્યારેક એવું થવાની શક્યતા છે. હું શ્રેષ્ઠ સૌદર્ય ધરાવતી સુંદર અભિનેત્રીઓને ગમું છું. મને ક્યારેક ખેંચાણ થાય છે. પરંતુ તેમના પ્રેમમાં તો કદિયે નહીં પડું. એ કદાચ રોમાન્સ હોઈ શકે. અમે સમજી વિચારીને છૂટાં પડયાં.”

તેઓ કહે છે : ”મારી પત્ની સિવાય હું કોઈને ય સાચુંકલો પ્રેમ કરી શક્યો નથી તે એક પ્રકારની મને થયેલી દૈવી શિક્ષા છે. હું કોઈની યે સાથે કાયમ રહી શક્યો નહીં.કોઈને હું કાયમ મળતો રહું અને એ મારી પર આધારિત રહે એ શક્ય જ થવા દીધું નહીં.”

એક મિનિટ માટે તો એમ જ લાગે કે અનેક સ્ત્રીઓ જીવનમાં આવી પરંતુ ઓમર શરીફ પ્રેમવિહોણા લવલેસ લોનર સજા પામેલા એકાકી આદમી છે. ઓમર શરીફનો ફાતેનથી થયેલો પુત્ર તારીક આજે ૫૦ વર્ષનો છે અને ઈજિપ્ત- કેરોમાં રહે છે. તેના પુત્રના ઘેર પણ પુત્ર છે અને તારિકનો દીકરો કેનેડામાં મોન્ટ્રિયલ ખાતે રહે છે. તે એના પૌત્રોને ખૂબ જ ચાહે છે. એક ઈટાલિયન મહિલા પત્રકારથી થયેલો તેને એક બીજો ગેરકાનૂની પુત્ર પણ છે પરંતુ તે પુત્ર એની માને પ્રેમ કરતો ના હોઈ ઓમર શરીફ પણ તેના માટે પ્રેમ રાખતો નથી.

ઓમર શરીફ હવે ૮૦ વર્ષ વટાવી ગયા છે. તેઓ કહે છે : હું કોઈને પણ મળું તો તેઓ ક્યા ધર્મના છે, કઈ રાષ્ટ્રીયતા ધરાવે છે,કઈ માન્યતાઓ ધરાવે છે તે હું કદી પૂછતો નથી. મેં મારા પુત્રને પણ એ જ સલાહ આપી છે કે કોઈ ગર્લ ફ્રેન્ડને કીસ કરતાં પહેલાં તે ક્યા ધર્મની છે અને કઈ રાષ્ટ્રીયતા ધરાવે છે તે કદી પૂછીશ નહીં. તને એ ગમતી હોય અને રૂપાળી હોય તો જરૂર તેને કીસ કર. આ જગત હિંસાથી ભરેલું છે. દરેક વ્યક્તિ બીજાને મારવા માંગે છે. મેં જ્યોર્જ ડબલ્યુ બુશને પણ કહ્યું હતું કે આરબ રાષ્ટ્રોમાં લોકશાહી સ્થાપવાનું સ્વપ્ન ના જોશો. આરબ રાષ્ટ્રો કદી ડેમોક્રેટિક થઈ શકશે નહીં. કારણ કે અમારી પાસે શિક્ષણ નથી, શાળાઓ નથી, વળી અમે ટ્રાઈબલ લોકો છીએ. ઈરાકમાં યુદ્ધ શરૂ કરતાં મેં બુશને કહ્યું હતું: ”ત્યાં જશો નહીં ડૂબવાનું જ થશે.”

ઓમર શરીફ કહે છેઃ હોલિવૂડમાં એક માત્ર આરબ તરીકે ટકવાનું મારા માટે અઘરું હતું.”

ઓમર શરીફ રોજની સાંજ શરાબની બોટલ સાથે પસાર કરે છે. તે સાવ એકલવાયા છે, પરંતુ એનું એમને કોઈ દુઃખ નથી. ગ્લેમરની દુનિયા જ એવી છે. સ્ટાર્સ ચમકે છે જ આથમવા માટે.

Page 2 of 2

Powered by WordPress & Theme by Anders Norén