પાકિસ્તાનના પેશાવર શહેરની આર્મી સ્કૂલમાં તહેરિકે-તાલિબાન નામના આતંકવાદી સંગઠનના સાત આતંકવાદીઓએ લશ્કરના ગણવેશમાં પ્રવેશીને કરેલા બાળ સંહારમાં ૧૩૪ બાળકોના માથામાં ગોળીઓ ધરબી દીધી. આ સંગઠન પાકિસ્તાની તાલિબાની ગ્રૂપ પણ કહેવાય છે. વઝીરિસ્તાન અને ખૈબર વિસ્તારમાં પાકિસ્તાનના લશ્કરની કામગીરીનો વિરોધ કરવા આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને ‘દર્દ મહેસૂસ’ કરાવવા ૧૩૪ બાળકોની હત્યા કરી દીધી. કહેવાય છે કે The smallest coffin is heaviest coffin” કોફિન જેટલું નાનું તેટલું વધુ ભારે દુઃખદાયક.’ એક પિતાને તેના પુત્રનો જનાજો ઊંચકવો પડે તેથી વધુ દુઃખ જગતમાં બીજું કોઈ હોઈ ના શકે. તાહિર અલી નામના એક વાલીએ કહ્યું: મેં મારા પુત્રને યુનિફોર્મમાં મોકલ્યો હતો તે કોફિનમાં પાછો આવ્યો.’
બધું જ ધર્મના નામે
પાકિસ્તાનની આ ઘટનાનું દર્દ જેટલું પાકિસ્તાને અનુભવ્યું છે તેટલું જ ભારતની પ્રજાએ મહેસૂસ કર્યુ છે. માનવતા અને લાગણીઓને કોઈ સરહદો હોતી નથી. તે જ રીતે આતંકવાદીઓનો કોઈ ધર્મ હોતો નથી. દુનિયાના કોઈ ધર્મમાં લખ્યું નથી કે સ્કૂલમાં ભણતાં નિર્દોષ બાળકોની હત્યા કરી નાંખો અને ‘માલિક’ ખુશ થઈ જશે. આજે જે કાંઈ ચાલી રહ્યું છે તે બધું જ ધર્મના નામે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાલિબાનો છે તો ઈરાક અને સીરિયામાં ‘ઇસ્લામીક સ્ટેટ’ નામનું ઘાતકી સંગઠન છે, જે પત્રકારોના ગળાં કાપી નાખે છે. એ આતંકવાદીઓ બાળકોના ગળાં કાપી તેમના મસ્તકનો ફૂટબોલ તરીકે ઉપયોગ કરી રમે છે. અન્ય કોમની મહિલાઓને ગુલામ બનાવી તેમને આતંકવાદીઓ સાથે સેક્સ માણવા ફરજ પાડે છે. તેમ કરવાનો ઇન્કાર કરનાર મહિલાઓને રહેંસી નાખવામાં આવે છે. એક સ્ત્રી પર એક કરતા વધુ આતંકવાદીઓ માલિકી હક પ્રસ્થાપીત કરે છે. વિશ્વ આખુ ૨૧મી સદી-સભ્યતાની સદીમાં પ્રવેશ્યુ હોવા છતાં ઇસ્લામિક આતંકવાદીઓ મધ્યયુગના જુલ્મીઓ જેવો વ્યવહાર કરે છે અને તે પણ ઇસ્લામ ધર્મ પાળતાં પરિવારોના બાળકો અને બાળકીઓ સાથે.
આશ્ચર્યની વાત એ છે કે ધર્મના નામે ચાલતી આ બર્બરતા સામે નથી તો કોઈ ધર્મગુરુઓ અવાજ ઉઠાવતા કે નથી તો ધનાઢય આરબ દેશોના વડા. નથી તો કોઈ વિદ્વાનો અવાજ ઉઠાવતા કે નથી કે કોઈ રાજનેતાઓ. એક બિચારી મલાલા ઇસ્લામિક આતંકવાદ અને તાલિબાનો સામે બોલવાની હિંમત કરે છે?
નોંધપાત્ર વાત એ છે કે વિશ્વમાં ધર્મના નામે વકરતા આતંકવાદ સામે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા, ચીન, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો પણ ચૂપ છે. બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, આતંકવાદના જન્મના મૂળમાં પણ આતંકરરાષ્ટ્રીય રાજનીતિ જ જવાબદાર છે. અમેરિકા અને રશિયાના શીતયુદ્ધના કાળ દરમિયાન અફઘાનિસ્તાનમાં રશિયન દળો મોજુદ હતાં. રશિયનોને હરાવવા અને અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવો તે અમેરિકા માટે વ્યૂહાત્મક જરૂરિયાત હતી. અફઘાનિસ્તાનમાંથી રશિયનોને હરાવવા માટે અમેરિકાએ જ અફઘાનિસ્તાનમાં તાલિબાન નામ ધરાવતા કેટલાક કટ્ટરપંથીઓને શસ્ત્રો અને દારૂગોળો આપ્યાં હતા. તેમાંથી એક ઓસામા બિન લાદેન પણ હતો. એક તબક્કે રશિયનો તો અફઘાનિસ્તાનમાંથી રવાના થઈ ગયા પરંતુ અમેરિકાએ જેમને શસ્ત્રો આપ્યા હતા તે તાલિબાનો એટલા મજબૂત થઈ ગયા કે, અફઘાનિસ્તાનના માલિક થઈ બેઠા. તેઓ ત્રાસવાદીઓ બની ગયા. ડ્રગ્સની હેરાફેરી કરવા લાગ્યા. ગીત સંગીત અને રેડિયો પર પ્રતિબંધ મૂકી દીધો. બાળકીઓને ભણવા પર પ્રતિબંધ મૂકી દીધો. અફઘાનિસ્તાન પરથી તેમનો કબજો લાવવા અમેરિકાએ પ્રયાસ કર્યો તો ઓસામા બિન લાદેને જ અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉડાવી દેવા આતંકવાદીઓને મોકલ્યા. ૫૦૦૦ માણસો મૃત્યુ પામ્યા. આમ તાલિબાન નામનો રાક્ષસ એ અમેરિકાની જ પેદાશ છે.
પાક. ફ્રેન્કેસ્ટાઈન
જે રીતે અમેરિકાને તાલિબાનો ભારે પડી ગયા તેમ પાકિસ્તાનને પણ તેણે જ પેદા કરેલા આતંકવાદીઓ ભરખી રહ્યા છે. પાકિસ્તાન વિશ્વનો એક નિષ્ફળ દેશ ગણાય છે. પાકિસ્તાનમાં ચૂંટાતી સરકારો પાકિસ્તાન આર્મીની કઠપૂતળીઓ હોય છે. પાકિસ્તાનમાં પરદા પાછળથી આર્મી અને તેની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ રાજ કરે છે. પાકિસ્તાન આર્મીને ભારતને તબાહ કરવા સિવાય બીજો કોઈ રસ નથી. ભારતમાં બોંબધડાકા કરાવવા તે કરાંચીથી કસાબ જેવા આતંકવાદીઓને દરિયા માર્ગે ભારત મોકલે છે. પાકિસ્તાનની ભૂમિ પર આતંકવાદીઓ તૈયાર કરનાર સ્કૂલો ચલાવે છે. યુવાનોને ગુમરાહ કરી તેમના હાથમાં શસ્ત્રો અને બોંેબ મૂકી દે છે. મુંબઈ પર હુમલો કરનાર હાફિજ સઇદ અને ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઇબ્રાહીમને પનાહ આપે છે. આ બંને ગુનેગારો પાકિસ્તાન સરકારના ‘સ્ટેટ ગેસ્ટ’-અતિથિઓ છે. પાકિસ્તાન આર્મીએ તેમને સુરક્ષા પણ બક્ષેલી છે. જે તાલિબાનો પાકિસ્તાનમાં રહી ભારતને વિચલીત કરવા પ્રયાસ કરે છે. તેમને તે તમામ સહાય પૂરી પાડે છે હજુ થોડા દિવસ પહેલા અફઘાનિસ્તાનમાં આવેલી એક એમ્બેસી પર જે તાલિબાનોએ બોંબ ધડાકો કર્યો તે તાલિબાનીઓને પાકિસ્તાન આર્મીએ જ મદદ કરી હતી. પાકિસ્તાને ભારતને તરસનહસ કરવા માટે આતંકવાદીઓ પેદા કરવાની ફેક્ટરીઓ ઊભી કરી છે પરંતુ તેની દશા ફ્રેન્કેસ્ટાઈનની સ્ટોરી જેવી છે. એક વૈજ્ઞાનિકે દુનિયાભરના લોકોની હત્યા કરવા લેબોરેટરીમાં ફ્રેન્કેસ્ટાઈન નામનો માનવ રાક્ષસ પેદા કર્યો હતો. પરંતુ એ ફ્રેન્કેસ્ટાઈને સહુથી પહેલી હત્યા તેને પેદા કરનાર વૈજ્ઞાાનિકની જ કરી દીધી હતી. પાકિસ્તાનની પણ એજ દશા છે. પાકિસ્તાને પેદા કરેલો ફ્રેન્કેસ્ટાઈન જેવો આતંકવાદ હવે તેને જ ભરખી રહ્યો છે.
પાકિસ્તાનનું ભાવિ અંધકારમય છે.

Comments are closed.