આખરે બાબા રામપાલ જેલભેગા થયા.
હરિયાણાના હિસ્સાર ખાતે ૧૨ એકરની વિશાળ જમીન પર મોટા મહેલ જેવા આશ્રમમાં છુપાયેલા સંત રામપાલે પોલીસના હાથે પકડાતાં પહેલાં આખાયે પ્રશાસન અને પોલીસ સામે જે રીતે યુદ્ધ આદર્યું તે જોઈને લોકોને કોઈ યુદ્ધ ફિલ્મની યાદ આવી ગઈ. બાબા રામપાલની ધરપકડ પહેલાં હિસારની ભૂમિ પર જે સ્ટંટ ખેલાયો તે કહેવાતા એક સંત માટે તો શરમજનક છે, પરંતુ હરિયાણાની સરકાર માટે વધુ શરમજનક છે.
હરિયાણાના આ કહેવાતા સંત સામે ખૂનથી માંડીને બીજા અનેક આક્ષેપો છે. એક ઢોંગી માણસને પકડવા માટે અદાલતે ૪૪ વખત આદેશ આપવો પડે એ હરિયાણાની સરકાર માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી બાબત છે. પોલીસે વધુ વિલંબ કર્યો તેથી બાબા રામપાલને પોતાની સુરક્ષાઘેરો વધારવાનો સમય મળ્યો. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પોલીસે જ સંત રામપાલને જાણીબૂજીને મોકો આપ્યો. અદાલતના કડક આદેશ બાદ જ હરિયાણાની સરકાર હરકતમાં આવી અને જે ગુનેગાર આસાનીથી પકડી શકાય તેમ હતો તેને પકડવા ૩૦,૦૦૦નું પોલીસ સૈન્ય મેદાનમાં ઉતારવું પડયું. ૩૦૦થી વધુ બસો પોલીસની હેરાફેરી માટે રોકવી પડી. ગોળીબાર અને ટિયરગેસના પ્રયોગો કરવા પડયા. સંત રામપાલને પકડવાનું હરિયાણા સરકારને રૂ. ૩૦ કરોડનું બિલ આવ્યું. હરિયાણા સરકારની મૂર્ખતા અને સંત રામપાલનો ડ્રામા આખા દેશે ટેલિવિઝન પર નિહાળ્યો. નવી રચાયેલી હરિયાણાની સરકાર પહેલા જ ટેસ્ટમાં ધરાર નાપાસ થઈ. ૧૦૦માંથી ઝીરો માર્ક આપવા પડે.
સંત રામપાલ કોણ છે ?
સંત રામપાલ હરિયાણાના ધનાના ગામમાં તા. ૮ સપ્ટેમ્બર, ૧૯૫૧ના રોજ જન્મેલો છે. તે ખેડૂતના ઘરે જન્મેલો છે. તેનું મૂળ નામ રામપાલ સિંહ જતીન છે. હરિયાણા સરકારના સિંચાઈ વિભાગમાં તે જુનિયર એન્જિનિયર તરીકે જોડાયો હતો. ૨૦૦૦ની સાલમાં સ્વામી રામદેવાનંદના પરિચયમાં આવ્યા બાદ તેણે સરકારી નોકરી છોડી દીધી હતી. તે પછી એક તબક્કે તેણે પોતાની જાતને સંત કબીરના અવતાર તરીકે જાહેર કરી દીધી હતી. ૧૯૯૯માં હરિયાણામાં તેણે રોહતક પાસે કરોન્થા ગામ ખાતે સતલોક આશ્રમ શરૂ કર્યો હતો. સંત રામપાલ ટેક્નોસેવી અને સોશિયલ મીડિયા સેવી છે. તેની ફેસબુક પેજ પર ૪૦૦૦ લાઈક્સ જોવા મળે છે. બાબા રામપાલનો સત્સંગ વેબ ઉપર ઉપલબ્ધ છે. તેણે બીજા દેવી-દેવતાઓની પૂજા કરવા તેના અનુયાયીઓ પર પ્રતિબંધ મૂકેલો છે.
આર્યસમાજ સાથે સંઘર્ષ
૨૦૦૬ની સાલમાં તેણે આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી વિશે અભદ્ર ટીકાઓ કરી હતી. એ પછી સંત રામપાલના અનુયાયીઓ અને આર્ય સમાજના સભ્યો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ લોહિયાળ સંઘર્ષમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ લડાઈના સંદર્ભમાં પોલીસે સંત રામપાલની ધરપકડ કરી હતી. તેની સાથે બીજા ૧૪ જણાને પણ પકડવામાં આવ્યા હતા, પરંતુ તે તમામને જ જામીન મળી ગયા હતા. સંત રામપાલ સામે તા. ૧૯ જૂન,૨૦૦૬, તા. ૨૧ જુલાઈ, ૨૦૦૬, તા. ૨૪ ઓગસ્ટ, ૨૦૦૯ અને તા. ૧૩ મે, ૨૦૧૩ના રોજ હુમલાઓ કરવાના, હત્યાના તથા સત લોકઆશ્રમમાંથી ગોળીબાર કરી એક મહિલાની હત્યાના એમ અનેક ગુના નોંધાયેલા છે. ૨૦૦૬ની સાલમાં થયેલી હત્યાનો કેસ હિસ્સારની કોર્ટમાં ચાલતો હતો ત્યારે જુલાઈ,૨૦૧૦માં સંત રામપાલના અનુયાયીઓએ કોર્ટમાં પણ હુમલો કર્યો હતો અને સુનાવણીને ખોરવી નાખવા પ્રયાસ કર્યો હતો. ૨૦૦૮માં સંત રામપાલ જામીન પર છૂટયો તે પછી કોર્ટમાં હાજર થયો નહોતો. તેની સામે હવે હત્યા, ગોળીબાર, કોર્ટનો તિરસ્કાર અને રાષ્ટ્રદ્રોહનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સંત રામપાલ અગાઉ ૧૮ મહિના જેલમાં રહી આવ્યો છે.
સંત રામપાલની પ્રોફાઈલ નેટ પર ઉપલબ્ધ છે. તેની અધિકૃત વેબસાઈટ દ્ધટ્વખ્તટ્વંખ્તેિેટ્વિદ્બૅટ્વઙ્મદ્ધૈ.ર્ખ્તિ છે. તે કેટલાક હિન્દુ દેવી-દેવતાઓના અસ્તિત્વ સામે જ પડકાર ફેંકે છે. તેના અનુયાયી સમક્ષ પ્રવચન કરતી વખતે આક્રમક ભાષા વાપરે છે. તેનો એવો દાવો છે કે, અત્યારે જે ગુરુઓ પ્રવચન કરે છે તે ઘણું બધું સત્ય છૂપાવે છે. સંત રામપાલના અનુયાયીઓ મોટેભાગે મધ્યમ વર્ગમાંથી આવતા અભણ લોકો છેે. તે કાળા રંગનો યુનિફોર્મ પહેરેલા સશસ્ત્ર પ્રાઈવેટ કમાન્ડોઝ પણ રાખે છે. જાતે જ બની બેઠેલો આ સંત-ગોડમેન સમાજને વિભાજિત કરનાર ‘સંત’ કહેવાય છે. તેના અનુયાયીઓને પેટ્રોલ બોમ્બ કે એસિડ બોમ્બ વાપરવા માટે પણ ઉશ્કેરે છે. તેમના આશ્રમમાંથી ૪૦,૦૦૦ લાઠીઓ, એસિડ અને શસ્ત્રો મળ્યા છે.
આવા ખતરનાક સંત રામપાલને પકડવા પહેલાં બાબાના અનુયાયીઓ અને લોકતાંત્રિક દેશની પ્રશાસનિક સંસ્થાઓ વચ્ચે જે ખુલ્લો ટકરાવ જોવા મળ્યો તે અપ્રત્યાશિત અને વરવો જ હતો. ગયા વર્ષે આસારામ બાપુની ધરપકડ વખતે પણ આવો જ ખેલ થયો હતો. આસારામ બાપુ, સંત રામપાલ, નારાયણ સાંઈ કે સ્વામી નિત્યાનંદ જેવા લોકો પોતાને આધ્યાત્મિક ગુરુ કહેવડાવે છે,પણ તેમનું અને તેમના અનુયાયીઓનું આચરણ ધર્મ કે અધ્યાત્મને અનુરૂપ નથી. બાબાઓ, બાપુઓ અને કેટલાક સંતો હત્યાઓ,બળાત્કાર અને જમીનો કબજે કરવાના આક્ષેપો ધરાવે છે. ધર્મના નામે ગેરકાનૂની પ્રવૃત્તિ કરતાં આવા લોકો હિંદુ ધર્મને કલંક લગાડી રહ્યા છે. ધર્મના નામે ભોળી પ્રજાને છેતરી રહ્યા છે. ર્ધાિમક સંસ્થાનો પાસે બેસુમાર સંપત્તિ અને હવે પ્રાઈવેટ આર્મી પણ છે તેઓ ભારતીય કાનૂનને માનતા નથી. તેઓ ઝડપથી પકડાતા નથી. તેનું એક કારણ આવા ઢોંગી, ધૂતારા અને ગુનેગાર બાબાઓને રાજનેતાઓનું પણ રક્ષણ હોય છે. રાજકારણીઓને આવા ખતરનાક બાબા-સંતોમાં વોટબેંક દેખાય છે, પરંતુ ‘અપરાધ’ દેખાતો નથી. હવે એ જરૂરી છે કે, દેશના તમામ ધર્મોના સંસ્થાનો, ગુરુઓ, ગાદીપતિઓ અને તેમની સંપત્તિને કાનૂનના દાયરામાં લાવી તેઓ ગુનેગાર જણાય તો કડક હાથે કામ લેવું જોઈએ. ધર્મના નામે જાહેર રાજમાર્ગો પર સરઘસો કાઢી ટ્રાફિક જામ કરનારા, મોટાં લાઉડ સ્પીકરો વગાડી અવાજનું પ્રદૂષણ કરનારા, જમીનો હડપનારા, હત્યાઓ કરનારા અને આશ્રમોમાંથી ગોળીઓ ચલાવનારાઓને ભારતીય ગણતંત્રમાં સમાંતર સરકાર ચલાવવાનો કોઈ હક નથી.
ઢોંગી સંત રામપાલને પકડવામાં વિલંબ કરનાર પ્રશાસન પણ નબળું સાબિત થયું

Comments are closed.