ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે, પરંતુ ડુંગળી ગરીબોને જ નહીં,પરંતુ રાજકારણીઓને પણ રડાવી રહી છે. ડુંગળીનું અર્થકારણ એવું છે કે, તે પકવનારને પણ રડાવે છે અને ખાનારને પણ રડાવે છે. નથી તો ખેડૂત સુખી કે નથી તો ગ્રાહક. ખેડૂત વેચવા જાય તો તેને કિલોના માંડ ૧૦ કે ૨૦ રૂપિયા મળે છે અને ગૃહિણી ખરીદવા જાય તો તે કિલોના રૂ. ૮૦થી ૯૦ ચૂકવે છે. આ એક વિચિત્ર પરિસ્થિતિ છે.
દેશમાં હાલત એવી પેદા થઈ છે કે, છેલ્લા એક વર્ષમાં ડુંગળીની કિંમત ચાર ગણી વધી ગઈ છે. એના કારણે જથ્થાબંધ મોંઘવારી દર ૧૨ ટકાથી વધીને ૧૮ ટકા પર ચાલ્યો ગયો છે. ડુંગળી સિવાય બીજાં શાકભાજીના ભાવોમાં પણ ૮૦ ટકા વધારો થયો છે. એક કિલો ડુંગળીની કિંમત એક લિટર પેટ્રોલ કે ડિઝલ કરતાં પણ વધી ગઈ છે. ડુંગળીના ભાવવધારા અંગે ટીપ્પણી કરતાં કેન્દ્રિય કૃષિમંત્રી શરદ પવારે કહ્યું છે કે, “ડુંગળીના ભાવ વધે છે તેથી બધા નારાજ થાય છે, પરંતુ ખેડૂતોને સારા ભાવ મળે છે.” શરદ પવારની આ વાત સાચી નથી. કાંદા-બકાલા પકવનારો હંમેશાં માંદો જ હોય છે. હકીકત એ છે કે, ડુંગળી અને બીજાં શાકભાજીનાં બજારો ખેડૂતો કે ગ્રાહકોના હાથમાં નથી. એ બજાર સંગ્રહખોરો, સટ્ટાખોરો અને નફાખોરોના હાથમાં છે. ૧૦ રૂપિયે કિલોની ડુંગળી ગ્રાહક સુધી પહોંચતાં રૂ. ૮૦ કે ૯૦ની થઈ જાય છે. ખેડૂતો પાસેથી જથ્થાબંધ રીતે ડુંગળી કે બીજાં શાકભાજી વેપારીઓ અને વચેટિયાઓ કરોડો-અબજો રૂપિયા કમાઈ લે છે. સંગ્રહખોરો અને સટ્ટાબાજ નફાખોરો મોસમની કમીનો લાભ ઉઠાવી બજારમાં કૃત્રિમ તંગી ઊભી કરે છે. મોટાપાયે ડુંગળી ખરીદવાવાળા વેપારીઓને સરકારે તથા આવકવેરા ખાતાએ સાણસામાં લેવાની જરૂર છે. ડુંગળી એ જીવન જરૂરિયાતની ચીજ છે અને તેની સંગ્રહખોરી કરનારા મોટા દલાલો અને વેપારીઓને પાસા હેઠળ પૂરી દેવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો, ગ્રાહકો અને સરકાર પણ રડતી રહેશે.
ભારતમાં સામાન્ય રીતે ૪૭૦ લાખ ટન ડુંગળીની માગ રહે છે. આ વર્ષે મોસમના કારણે માગ કરતાં ૧૦૦ લાખ ટન ડુંગળી ઓછી પાકી છે. આ સંજોગોમાં સરકારી ગોદામોમાં ડુંગળી ના હોવાના કારણે સંગ્રહખોરોએ ડુંગળીનો સંગ્રહ કરીને ૧૦૦ લાખ ટનની કમીને વધુ નીચે લાવી કૃત્રિમ તંગી પેદા કરી દીધી છે અને આ સંગ્રહખોરોએ જ ડુંગળીના ભાવ વધારી દીધા છે. સરકાર પાસે કોઈ સિસ્ટમ ના હોવાના કારણે બધું જ નિયંત્રણ સંગ્રહખોરોના હાથમાં ચાલ્યું ગયું છે. પરિણામે ૧૦ કે ૧૫ રૂપિયાની ચીજ ૬૦ કે ૮૦ રૂપિયે વેચાય છે. કેન્દ્ર સરકારે ઇજિપ્તથી ૧૦૦ ટન ડુંગળીની આયાત કરી, પરંતુ રસ્તામાં ભેજના કારણે ૩૦ ટકા ડુંગળી બગડી ગઈ. જે વધી છે તે પણ બગડી જવાની તૈયારીમાં છે એટલું જ નહીં, પરંતુ ભારતની અને ઇજિપ્તની ડુંગળી વચ્ચે માત્ર ચાર કે પાંચ જ રૂપિયાનો ફરક છે.
દેશમાં ડુંગળીની ખાધ પૂરી કરવા માટે પાકિસ્તાનથી પણ ડુંગળી મંગાવવામાં આવી છે. પાકિસ્તાને સતત ૧૬ દિવસ સુધી દોઢ હજાર ટ્રક ભરીને ડુંગળી રોજ મોકલી. પરિણામે પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ વધી ગયા એટલે પાકિસ્તાને ભારતને ડુંગળી આપવાનું બંધ કરી દીધું. એ પછી ઓસ્ટ્રેલિયા અને ચીનથી ડુંગળી ખરીદવામાં આવી, પણ તે મોંઘી પડી. વળી એ ડુંગળી ભારતે ડોલરમાં ખરીદવી પડી. એક તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો, બીજી તરફ દૂધથી માંડીને ડુંગળીના ભાવમાં વધારાએ સામાન્ય માનવીની કેડ ભાંગી નાખી છે. મુશ્કેલી તો એ છે કે, ગૃહિણી જ્યારે બજારમાંથી ડુંગળી લઈને ઘરે આવે છે ત્યારે જો એ ડુંગળી સરકારી દુકાનમાંથી ખરીદી હોય તો તે સડેલી કે બગડી ગયેલી જ હોય છે. એ ડુંગળી કોઈ ખરીદતું નથી. કોઈ એક કિલો ખરીદી પણ લે તો તેમાંથી માંડ ૪૦૦ ગ્રામ ડુંગળી ખાવા યોગ્ય હોય છે.
કમનસીબી એ છે કે, એક જમાનામાં શાહુકારોની દાદાગીરી હતી જે સહકારી બેંકોએ તોડી નાખી. એક જમાનામાં દૂધની પ્રાઈવેટ ડેરીઓની દાદાગીરી હતી જે સહકારી ડેરીઓએ તોડી નાખી. આ કામ શાકભાજીના કારોબારમાં ના થઈ શક્યું. ઉત્પાદક અને ગ્રાહક- એ બંનેનાં દુઃખ દૂર કરવાની તાકાત એકમાત્ર સરકાર પાસે જ છે. સરકાર પાસે શાકભાજી કે અનાજના ભાવોને નિયંત્રણમાં રાખવાની કોઈ સિસ્ટમ જ નથી અને છે તો તેનો અમલ જ થતો નથી. સરકાર પાસે આખું ને આખું કૃષિ ખાતું છે. સરકારી ગોડાઉનો છે. વાજબી ભાવની દુકાનો છે, પણ એ બધું જ બેકાર છે. સરકારી અધિકારીઓ સવારના દસથી પાંચ સુધી ઓફિસમાં આવે છે અને ખુરશીઓ તોડી, આમતેમ આંટા મારી, ચા-પાણી કરી ઘરે જતા રહે છે. તેમને માત્ર પહેલી તારીખે પગારનો ઇન્તજાર હોય છે. નવી નક્કોર નોટો ખિસ્સામાં મૂકી ઘરે જતાં રહે છે. દર મહિને અબજોની નફાખોરી કરતાં સંગ્રહખોરો પર નજર રાખવાનું કામ જેમનું છે તે બધાની નજર તેમની પગારની તારીખ સિવાય બીજા કોઈ પર નથી. સરકાર પાસે જે સરકારી ગોડાઉન્સ છે તે ક્યાં તો ખાલી હોય છે અથવા તો જો અનાજથી ભરેલાં હોય તો અનાજ સડી જાય કે વરસાદમાં પલળી જાય ત્યાં સુધી અધિકારીઓ સૂતા રહે છે. રેશનની દુકાનો પરથી વિતરિત થતું ગરીબો માટેનું અનાજ ગરીબોને મળવાના બદલે બારોબાર વેચાઈ જાય છે. રેશનકાર્ડનું વાજબી ભાવનું કેરોસીન ટ્રકોવાળા કે ટેમ્પો ચલાવવાવાળા ખરીદી લે છે. રેશનની દુકાનો લૂંટમારની દુકાનો બની ગઈ છે.
ડુંગળીની બાબતમાં તો હવે ત્રણ મહિના બાદ સરકારના એક વરિષ્ઠ અધિકારીને ખ્યાલ આવ્યો કે, ડુંગળીના ભાવ આસમાને છે. ડુંગળી પેદા કરવાવાળો ખેડૂત તો કિલોએ માંડ પાંચ કે દસ રૂપિયા જ મેળવી શક્યો છે. ત્યારે સરકારી અધિકારી કહે છે કે, “અમે બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે, મોસમની કમીના કારણે તેનો ફાયદો ઉઠાવી ડુંગળીની કિંમતમાં કૃત્રિમ ભાવવધારો કરનાર સંગ્રહખોરો અને સટ્ટાખોરો સામે કાર્યવાહી કરવી.” પરંતુ આજ સુધી આવો એક પણ સંગ્રહખોર જેલ ભેગો થયો નથી, કારણ કે સરકારી અમલદાર જ સંગ્રહખોરનો મીલીભગત છે. ડુંગળીના ભાવવધારાનો હવે દેશમાં રાજકીય ઉપયોગ પણ થઈ રહ્યો છે. વિપક્ષ ડુંગળીના ભાવવધારાને રાજકીય મુદ્દો બનાવવા માગે છે. દિલ્હીમાં આમઆદમી પાર્ટીવાળા અરવિંદ કેજરીવાલે પણ ડુંગળીને મુદ્દો બનાવ્યો છે. તેની સામે કોંગ્રેસ અને ભાજપે પણ સસ્તી ડુંગળી વેચવાની દુકાનો ખોલીને હાસ્યાસ્પદ રાજનીતિ શરૂ કરી છે. ડુંગળીના મુદ્દે ચૂંટણી પણ લડી શકાય છે તેથી ડુંગળીએ પણ ખુશ થવું જોઈએ. જેનો કદી ભાવ પૂછાતો નહોતો તેનો હવે ભાવ પૂછાવા લાગ્યો છે.

Leave a Reply