Devendra Patel

Journalist and Author

પોતાના જ કુટુંબના લોહિયાળ સંઘર્ષની કથા કોણ લખી શકે?

ભગવાન વેદવ્યાસને મહાભારતના યુદ્ધના દોઢસો વર્ષ અગાઉ યુદ્ધની ઝાંખી થઈ હતી

હજારો વર્ષ પૂર્વે રાજા શાંતનુના મૃત્યુ પછી ચિત્રાંગદ હસ્તિનાપુરની ગાદી પર બેઠો. તેના પછી વિચિત્રવીર્ર્ય રાજા થયો. વિચિત્રવીર્ર્ય રાજાને બે રાણીઓ હતી. એકનું નામ અંબિકા અને બીજીનું અંબાલિકા. વિચિત્રવીર્ર્ય રાજાને કોઈ સંતાન નહોતું અને નિઃસંતાન હાલતમાં તેઓ મૃત્યુ પામ્યા. રાજા વગરના રાજ કોણ ચલાવે?મહર્ષિઓ આવ્યા અને તેમણે રસ્તો કાઢયો કે વેદવ્યાસને બોલાવો. વેદવ્યાસ આવ્યા. બધા મહર્ષિઓએ કહ્યું:”વ્યાસજી ! આ રાજ્યને રાજા આપો. આ રાણીઓને પ્રજા આપો.”

પોતાના જ કુટુંબના લોહિયાળ સંઘર્ષની કથા કોણ લખી શકે?

વ્યાસે કહ્યું: ”હું આ બધાથી પર છું. હું આ બધામાં પડવા માંગતો નથી!”

મહર્ષિઓએ રસ્તો બતાવ્યોઃ ”તમે માનો છો એવું નથી. તમે ભગવાન છો. વેદવ્યાસ છો. દૃષ્ટિ માત્રથી તમે સંતાન આપી શકો છો.”

ભગવાન વ્યાસ સંમત થયા. તેમનાં માતા સત્યવતીની હાજરીમાં સહુથી પહેલાં રાણી અંબિકાને બોલાવવામાં આવ્યા. સહુથી પ્રથમ આવેલાં રાણી અંબિકા લજ્જાના કારણે બંને આંખો પર હાથ ઢાંકીને આવ્યાં. વેદવ્યાસે તેમની તરફ દૃષ્ટિ કરી સંતાન બક્ષ્યું અને આશીર્વાદ આપતાં કહ્યું: ”આ સ્ત્રી આંખો બંધ કરીને આવી હોવાથી તેને પુત્ર થશે પણ તે આંધળો હશે.” વેદવ્યાસની દૃષ્ટિથી રાણી અંબિકાને જે પુત્ર થયો તે ધૃતરાષ્ટ્ર.

તે પછી બીજાં રાણી અંબાલિકાને બોલાવવામાં આવ્યા. તેઓ શરીર પર ચંદનનો લેપ કરીને આવ્યા હતાં. ભયભીત હતાં. વેદવ્યાસે તેમની પર દૃષ્ટિ કરી સંતાન બક્ષ્યું. ભયના કારણે અંબાલિકાનો ચહેરો પીળો પડી ગયો. વેદવ્યાસે કહ્યું આ રાણીનો પુત્ર થશે પણ તે હંમેશા બીમાર રહેશે. અંબાલિકાને જે પુત્ર જન્મ્યો તેનું નામ પાંડું.

તે પછી દાસીને બોલાવવામાં આવી. દાસી ભગવાનનું નામ લેતી લેતી આવી હતી. તે શાંત અને સ્વસ્થ હતી. વ્યાસે તેની પર દૃષ્ટિ કરી તેને પણ સંતાન બક્ષ્યું. દાસીને જે પુત્ર થયો તે વિદુર. દૃષ્ટિમાત્રથી સંતતિ બક્ષી વેદવ્યાસ ચાલ્યા ગયા. વેદવ્યાસની દૃષ્ટિથી જન્મેલા ધૃતરાષ્ટ્રના પુત્રો તે કૌરવો અને પાંડુના પુત્રો તે પાંડવો. કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો એકબીજાની સામે આવીને ઊભા હતા ત્યારે પોતાના જ પૌત્રોને સમજાવવા વેદવ્યાસ પોતે ગયા પણ દુર્યોધન માન્યો નહીં. ભગવાન શ્રીકૃષ્ણ પણ અગાઉ વિષ્ટિકાર બનીને ગયા હતા પરંતુ તેમને પણ નિષ્ફળતા મળી હતી. છેવટે યુદ્ધની નોબત આવી ગઈ અને કુરુક્ષેત્રમાં પોતાના જ ભાઈ-ભાંડુઓને જોઈ અર્જુને ગાંડીવ નીચે મૂકી દીધું અને વિષાદમાં આવી ગયો. એ સમયે ભગવાન શ્રીકૃષ્ણે તેને જે જ્ઞાાન બક્ષ્યું તે જ શ્રીમદ્ ભગવદગીતા.મહાભારતની રચના વેદવ્યાસે કરી પરંતુ તેમાં તેમનાથી જ પેદા થયેલી પ્રજાની કથા હતી, જે દાદાજીએ લખી.

‘મહાભારત’ના વિષય વસ્તુની કલ્પના કરી લીધા બાદ વેદવ્યાસે બ્રહ્માજીનું ધ્યાન ધર્યું. બ્રહ્માજી પ્રગટ થયા. વેદવ્યાસે કહ્યું: ”હે પ્રભુ! મેં ઉત્તમ કૃતિની કલ્પના કરી છે, પણ હું બોલું તે પ્રમાણે લખી આપે તેવું કોઈ મળતું નથી. શું કરવું?”

બ્રહ્માજીએ કહ્યું: ”હે મુનિ! તમારા લહિયા થવા ગણેશજીને પ્રાર્થના કરો!”

વેદવ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું. ગણેશજી પ્રગટ થયા. વેદવ્યાસે તેમને વિનંતી કરીઃ ”હે ગણેશજી! મેં મહાભારતની કથા મનમાં રચી છે. હું બોલીશ અને આપ તે લખી આપવાની કૃપા કરો.” ગણેશજી સંમત થયા પણ તેમણે શરત મૂકીઃ ”તમે લખાવશો તેમ લખીશ પણ હું લખતો હોઉં ત્યારે કલમ અટકવી જોઈએ નહીં. તમારે સતત લખાવવું પડશે.”

વ્યાસજી સંમત થયા પરંતુ તેમણે પણ સાવધાનીપૂર્વક શરત મૂકીઃ ”એમ જ થશે પણ હું જે લખાવું તે સમજ્યા પછી એટલે કે તેનો અર્થ ગ્રહણ કર્યા પછી જ તમારે લખવું.”

ગણપતિએ સ્મિત કર્યું અને સંમત થયા. તે પછી વ્યાસજીએ મહાભારતની કથા શ્લોકબદ્ધ કરીને લખાવવા માંડી. વચ્ચે વચ્ચે અઘરા શ્લોક લખાવતા રહ્યા. તે સમજવામાં ગણેશજીને થોડો સમય લાગતો અને તેનો લાભ લઈ વ્યાસજી આગળનો શ્લોક રચી લેતા. આ રીતે મહાભારત લખાઈ ગયું.

મહાભારત વિશે કહેવામાં આવ્યું છે કે સાડાત્રણ શ્યામ વર્ણનના માણસોનું કૃત્ય એ જ મહાભારત. કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ વેદવ્યાસ શ્યામ હતા. અર્જુન પણ કૃષ્ણ જ કહેવાતા તે પણ શ્યામ. કૃષ્ણ તો શ્યામ હતા જ અને દ્વૌપદી પણ કૃષ્ણા જ કહેવાતાં. ત્રણ પુરુષો એટલે આખા અને દ્વૌપદી સ્ત્રી હોવાથી અડધાં એમ સાડા ત્રણ શ્યામ માનવીઓનું કૃત્ય તે મહાભારત બન્યું. વિશ્વના ફલક પર બે મહાકાવ્યો જાણીતાં છે : એક મહાભારત અને બીજું ઈલિયડ. બંને મહાકાવ્યોમાં યુદ્ધની કથા છે અને યુદ્ધના કેન્દ્રમાં સ્ત્રી છે. એકમાં દ્રૌપદી અને બીજામાં હેલન. દ્રૌપદીના મહેલમાં દુર્યોધન પ્રવેશ્યા અને મહેલની સંગેમરમરની ફર્શથી અભિભૂત થયેલા દુર્યોધનને લાગ્યું કે તેમના પગ નીચે પાણી કેમ છે? ત્યારે દ્રૌપદીએ દુર્યોધન પર વ્યંગ કર્યોઃ ”આંધળાના છોકરાં પણ આંધળાં જ હોય.”

દ્રૌપદીનાં આ વચનોથી દુર્યોધનને ખોટું લાગ્યું અને પોતાના અપમાન અને ઉપહાસનો બદલો લેવા એ દિવસે જ એણે મનોમન નિશ્ચય કરી લીધો હતો. એનું પરિણામ જ મહાભારત. મહાભારતની ખૂબી એ છે કે અઢારનો આંકડો વેદવ્યાસને બહુ જ પ્રિય છે. કુરુક્ષેત્રમાં અઢાર ઔક્ષોહિણી સેના, મહાભારતનાં પર્વો પણ અઢાર. ભગવદ્ગીતાના અધ્યાય પણ અઢાર. મહાભારતમાં નવ પર્વ છે. તેની બરાબર વચ્ચે તેમણે ભગવદ્ગીતા પર્વ મૂકી દીધું છે.

મહાભારતની રચના કરનાર વેદવ્યાસ માટે એવું કહેવાય છે કે વેદવ્યાસ તપોબળથી યોગ વિદ્યાના જાણકાર હતા. તેઓ ભૂત અને ભવિષ્યને પણ જાણતા હતા. મહર્ષિ વેદવ્યાસ મહાભારતની ઘટનાને દોઢસો વર્ષ અગાઉથી જાણતા હતા. તેમને દોઢસો વર્ષ અગાઉથી મહાભારતના યુદ્ધની ઝાંખી થઈ હતી. મહાભારતના યુદ્ધ વખતે વેદવ્યાસ હાજર હતા. એ સમયે યોગીઓ અને તપસ્વીઓ ૪૦૦થી ૫૦૦ વર્ષનું આયુષ્ય ભોગવતા. મહાભારતનું લોહિયાળ યુદ્ધ પૂરું થયા બાદ પાંડવો વેદવ્યાસને લઈ ધૃતરાષ્ટ્રને મળવા ગયા હતા. ખુદ યુધિષ્ઠિરે પણ વેદવ્યાસ સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું હતું: ”મારું મન દુઃખી છે. મારું મન માનતું નથી. મારા કારણે આટલા બધા લોકોનો સંહાર થયો?”

 વેદવ્યાસે કહ્યું: ”મહારાજ! અહીં કોઈ મર્યું જ નથી. બધા અહીંના અહીં જ છે. તમને એ દેખાતા નથી તેથી તમે કહો છો કે, તેઓ મૃત્યુ પામ્યા છે. એ તો આપણા આંગણે જ છે.”

એ વખતે ગાંધારીએ પણ વેદવ્યાસને વિનંતી કરી હતી કે મૃત્યુ પામેલા સર્વ કૌરવો અને પાંડવકુળના કુટુંબીજનોને જીવિત કરો. હવે કોઈ વેરઝેર રહ્યાં નથી. સર્વેને જીવિત કરી તેમનું મિલન કરાવો જેથી સર્વેને શાંતિ થાય.” ગાંધારીની આ વિનંતીથી વેદવ્યાસને કરુણા ઉપજી અને બધાંને ગંગા કિનારે લઈ ગયાં. વેદવ્યાસે મૃત્યુ પામેલા કૌરવો અને પાંડવ- પરિવારનાં સભ્યોને પોતાની અલૌકિક શક્તિથી જીવિત કર્યા અને એ સહુ એક રાત ગંગાના કિનારે સાથે રહ્યાં. એ રીતે બધાંનાં મન અને હૃદયને ખૂબ જ શાંતિ અને સુખ મળ્યાં.

મહાભારતમાં અર્જુનનો વિષાદ દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણે ગીતા બોધ આપ્યો હતો. વળી પાછળથી ફરી એક વાર અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને ગીતાબોધ કરવા કહ્યું હતું. તેના જવાબમાં શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, ”તારો મોહભંગ કરવા માટે આપેલો ગીતાબોધ હવે હું ભૂલી ગયો છું.”

પરંતુ વેદવ્યાસે પોતાના તપ અને યોગબળથી ભગવાન શ્રીકૃષ્ણે આપેલા ગીતાબોધનું પવિત્ર જ્ઞાાન યોગબળના પ્રતાપે જ પાછું મેળવ્યું હતું અને ગીતારૂપે રજૂ કર્યું હતું. આવું અદ્ભુત ‘મહાભારત’ આમ તો વેદવ્યાસે રચ્યું પણ તે નારદે દેવોને સંભળાવ્યું . દેવોએ પિતૃઓને તથા શુકદેવજીને સંભળાવ્યું. શુકદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવ્યું.   આ પૃથ્વી પર વેદવ્યાસ જેવા કોઈ લેખક થયા નથી અને થશે નહીં. મહાભારતમાં સેંકડો પાત્રો આવે છે અને દરેક પાત્રની સ્વતંત્ર કથા છે. અનેક પાત્રો પર આધારિત આવા મહાનગ્રંથની રચના કોઈ અલૌકિક શક્તિ ધરાવતી દૈવી પ્રતિભા જ કરી શકે. એ પ્રતિભા તે ભગવાન વેદવ્યાસ જ હતા. ભગવાન વેદવ્યાસ એ કૌરવો અને પાંડવોના દાદા હતા છતાં એમણે પોતાના જ કુટુંબના ઝઘડાની કથા લખી. જગતને સ્વાર્થ, માન-અપમાન, કૂટનીતિ અને છેવટે ધર્મના વિજયનું જ્ઞાાન આપ્યું. એ કરતાં યે તેમણે ભગવાન શ્રીકૃષ્ણના મુખે કહેવાયેલા દિવ્ય ગ્રંથ- શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવો શ્રેષ્ઠ જ્ઞાાનબોધ વિશ્વને આપ્યો.

ચક્રવર્તી રાજગોપાલાચારીએ લખ્યું છે કે, ”મહાભારત પર માત્ર ભારતનો જ નહીં, પણ સમગ્ર વિશ્વનો અધિકાર છે. આ મહાકાવ્ય આધ્યાત્મિક અને દૈવીશક્તિનો ચિરંજીવ સ્ત્રોત છે. માતાના ખોળે બેસીને પ્રેમ અને ભક્તિથી મેળવેલા એના પરિચયે મહાત્માઓ અને વીરોને પ્રેરણા આપી છે જ્યારે સામાન્ય માનવીને કષ્ટ, ધીરજ અને શ્રદ્ધાથી સહન કરવાનું બળ આપ્યું છે. ભારત જેવા વિરાટ દેશની પ્રજાના વ્યક્તિત્વ અને સંસ્કાર ઘડવામાં ‘મહાભારતે’ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. મહાભારતના પાત્રોમાં જીવનનો ધબકાર સંભળાય છે. વિશાળ પાયા પર થયેલું આવું તાદૃશ્ય આ લેખન અન્યત્ર મળવું મુશ્કેલ છે. વીર યોદ્ધા અને રાજનીતિજ્ઞા ભીષ્મ પિતામહ, વિદ્યા ગુરુ દ્રોણ, સ્વાભિમાની છતાં દાનવીર કર્ણ, શુરવીર છતાં પ્રપંચી દુર્યોધન, પરાક્રમી પાંડવો, ત્યાગ અને કરુણાની મૂર્તિ છતાં અભાગી દ્રૌપદી, વીરપુત્રોની માતા કુંતી, દુષ્ટ પુત્રોની દુઃખી માતા અને અંધ ધૃતરાષ્ટ્રની પતિવ્રતા પત્ની ગાંધારી- આ બધા ‘મહાભારત’નાં અમર પાત્રો છે. આ બધાં જ શક્તિશાળી પાત્રો હોવા છતાં સમગ્ર મહાકાવ્ય પર સર્વત્ર પ્રભાવ પાડતા યોગેશ્વર તો છેવટે પૂર્ણ પુરુષ શ્રીકૃષ્ણ જ છે. માનવદેહમાં રહેલા એ પરમાત્મા સહુને સહુને મુગ્ધ કરી પૂજ્યભાવ જન્માવે છે, ‘મહાભારત’ની બધી જ ઘટનાઓની વચ્ચે વચ્ચે ધર્મબોધ નિરંતર વહેતો જ રહે છે. વેરથી વેર જન્મે છે. હિંસાથી હિંસા જન્મે છે. વાસના, કામ, ક્રોધ અને લોભ પર કાબૂ મેળવવો એ જ સાચો વિજય છે. જ્યાં નીતિ છે, જ્યાં સત્ય છે ત્યાં જ વિજય છે- એ જ મહાભારતનો સંદેશ છે.”

કહેવાય છે કે ભારતમાં તમે સઘળે ફરી આવો પણ ‘રામાયણ’ અને ‘મહાભારત’ ને વાંચ્યા અને સમજ્યા વિના ભારત અને તેના જીવનને સમજી શકશો નહીં.

ભારતીય પુરાણો અનુસાર પૃથ્વી પર જે સાત પ્રતિભાઓ આજે પણ હયાત છે તેમાંના એક ભગવાન વેદવ્યાસ પણ છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Previous

૨૦૧૪ની ચૂંટણીઓ માટે સજ્જ થઇ રહેલા : વોર રૂમ્સ

Next

વિઝન ડોક્યુમેન્ટ અંગ્રેજીમાં તો અંગ્રેજીનો વિરોધ કેમ ?

1 Comment

  1. Salim Savani

    Nice article. You have provided some thought provoking and not easily available information. Please provide me with the sources of this article. I would appreciate it.

Leave a Reply

Powered by WordPress & Theme by Anders Norén