Devendra Patel

Journalist and Author

ગાડાના પૈડા જેવો રૂપિયો કેમ ઘસાયો?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.
આઝાદી વખતે એક રૂપિયા બરાબર એક ડોલર હતો

એક જમાનામાં રૂપિયો ગાડાના પૈડા જેવો ગણાતો. આજથી ૧૦૦ વર્ષ પહેલાં કોઈની પાસે ૧૦૦ રૂપિયા હોય તો તે માણસ શ્રીમંત ગણાતો. આજથી ૫૦ વર્ષ પહેલાં પાંચ રૂપિયામાં વિરમગામથી અવાતું, ફિલ્મ જોવાતી, ચંદ્રવિલાસમાં જમી શકાતું અને ટ્રેનમાં બેસી પાછા જવાતું. એ બધું જ પાંચ રૂપિયામાં. આટલું બધું કર્યા પછી પણ પૈસા વધતા એક જમાનામાં છબીઘરમાં ફિલ્મ જોવાની ટિકિટ ચાર આના એટલે કે ૨૫ પૈસા હતી. વધુ બાલ્કનીની ટિકિટ ૧૨ આના એટલે કે ૭૫ પૈસા હતી. અમદાવાદથી મુંબઈ જવાની પ્લેનની ટિકિટ રૂપિયા ૨૫ હતી. એ ર્સિવસ શરૂ થઈ ત્યારે તો અમદાવાદથી મુંબઈ માત્ર ૧૦ રૂપિયામાં પ્લેનમાં જવાતું હતું. ૧૯૭૩માં અમદાવાદથી રોમ થઈ ન્યૂયોર્ક અને એ જ રૂટથી પાછા આવવાની ટિકિટ રૂપિયા ૪૦૦૦ હતી. એ સમયે એક ડોલરની કિંમત આઠ રૂપિયા હતી.

ગાડાના પૈડા જેવો રૂપિયો કેમ ઘસાયો?

આજે બધું જ બદલાઈ ગયું છે. એક રૂપિયો ભિખારી પણ લેવા તૈયાર નથી. એક રૂપિયામાં કોઈ બૂટ પોલીસ પણ કરવા તૈયાર નથી. ૧૦૦ રૂપિયાની નોટ ૧૦ રૂપિયાની નોટ જેવી થઈ ગઈ હોય ખિસ્સામાં લોકો હવે ૫૦૦ની કે ૧૦૦૦ની નોટો જ રાખે છે. પહેલાં કોઈની પાસે લાખ રૂપિયા હોય તો તે લખપતિ શ્રીમંત કહેવાતો. આજે જેની પાસે રૂપિયા ૧૦૦ કરોડથી ઓછા છે તે ધનવાન ગણાતો નથી. આ બધાંનું કારણ છે વૈશ્વિક બજારમાં રૂપિયાની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. ગાડાના પૈડા જેવો ગણાતો રૂપિયો ઘસાઈ ગયો છે. દુનિયાનો કોઈ પણ દેશ વર્ષોથી રૂપિયાને હાર્ડ કરન્સી તરીકે સ્વીકારતો નથી. ભારતની બહાર પગ મૂકો એટલે ડોલર પાઉન્ડ કે યુરોમાં જ વ્યવહાર કરવો પડે છે. વેનિસ, વેટિકન કે પીસા જેવા શહેરમાં પબ્લિક ટોઇલેટમાં પ્રવેશવા માટે એક યુરો (૭૦ રૂપિયા) આપવા પડે છે.

કોઈ પણ દેશની મુદ્રાની મજબૂતી તેની અર્થવ્યવસ્થાની મજબૂતીનું પ્રમાણ ગણાય છે. એક જમાનામાં ભારતમાં સમ્રાટ વિક્રમાદિત્યના શાસનમાં મુદ્રાનું પ્રચલન સિક્કાઓના રૂપમાં હતું. ચન્દ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના સમયગાળા સુધી સિક્કાના રૂપમાં ચલણ ચાલતું રહ્યું. સમ્રાટ વિક્રમાદિત્યના સમયમાં સોનાના સિક્કા હતા. સોનામહોર શબ્દ અનેક કથાઓમાં આવે છે. એ સમયગાળામાં ભારતની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત હતી. એ જમાનામાં રાજાઓના ખજાના ભરેલા રહેતા અને કુદરતી આફતો વખતે એ ખજાના પ્રજાને મદદ કરવા ખોલી દેવાતા. આજે દેશના અને રાજ્યોના ખજાના ખાલી છે. સરકારો દેવાદાર છે. ગુજરાતમાં જન્મતું બાળક માથે રૂપિયા ૫૦ હજારનું દેવું લઈને જન્મે છે. કેન્દ્ર સરકાર પણ નોટો જ છાપ્યા કરે છે. દેશમાં જેટલું સોનું હોય તેટલી જ કિંમતની નોટો છાપવી તે એ જમાનામાં પ્રમાણ હતું. હવે એ ધારાધોરણ નેવે મૂકી દેવામાં આવ્યાં છે, જેથી ફુગાવો વધ્યો છે. મોંઘવારી વધી છે. કચ્છના ગાંધીધામમાં ૮૦થી ૯૦ રૂપિયાથી નીચે એક કિલો શાક મળતું નથી. ચીનમાં એક જમાનામાં ફુગાવો એટલો બધો વધી ગયો હતો કે લોકો કોથળા ભરીને ચીની પૈસા લઈને બજારમાં જતા અને કોથળી ભરીને શાકભાજી લઈને ઘેર આવતા. ભારતમાં આ સમય દૂર નથી. દેશને આઝાદી મળી ત્યારે એક રૂપિયાની કિંમત એક ડોલરની બરાબર હતી. એટલે કે મુકાબલો બરાબર હતો. આજે એક ડોલર લેવો હોય તો ૬૦ કરતાં વધુ રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે ૬૬ વર્ષ બાદ રૂપિયામાં ૬૦૦૦ ટકાની ગિરાવટ આવી છે. એનો બીજો અર્થ એ પણ કાઢી શકાય કે અંગ્રેજોએ રૂપિયાની મજબૂતાઈ ટકાવી રાખી હતી. આઝાદી બાદ ભારતનાં રાજકારણીઓએ રૂપિયાને ફાલતુ અને સસ્તો બનાવી દીધો છે. આશ્ચર્યની વાત એ છે કે યુરોપિય દેશોની અર્થવ્યવસ્થા મજબૂત થવા લાગી છે ત્યારે ભારતમાં રૂપિયાની કિંમત ઘટતી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ડોલરની સામે રૂપિયો પછડાટ ખાતો રહ્યો છે. એક તબક્કે તો ડોલરના મુકાબલે રૂપિયો ૬૧.૨૧ થઈ ગયો. જોકે પાછળથી રિકવરી થઈ. છેલ્લા છ મહિના દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા સામે અનેક પડકારો ઊભા થયા છે.

વિકાસદર ઘટી ગયો છે. નિકાસની પરિસ્થિતિ સારી નથી. અમેરિકાએ તેની આર્થિક નીતિમાં કેટલાક એવા ફેરફારો કર્યા છે જેની સીધી અસર ભારત પર થઈ છે. એ જ રીતે વૈશ્વિક અસ્થિરતાના કારણે પણ પરિસ્થિતિ ગંભીર બની છે. સતત રૂપિયાની ઘટતી કિંમતના કારણે ભારતના અર્થશાસ્ત્રીઓ તો ચિંતામાં છે જ પરંતુ સાથે સાથે દેશની જનતાને પણ રૂપિયો હવે ડરામણો લાગવા માંડયો છે.

આશ્ચર્યની વાત એ છે કે રૂપિયો ધ્વસ્ત થઈ રહ્યો છે પણ નેતાઓ મસ્ત છે. તમામ પક્ષના નેતાઓને રૂપિયાની ઘટતી કિંમતની ઓછી અને ૨૦૧૪ની ચૂંટણીઓની વધુ ચિંતા છે. રૂપિયાની ઘટતી કિંમતના કારણે મધ્યમ વર્ગના લોકોનું જીવન દોહ્યલું બની રહ્યું છે, પરંતુ દેશના અને રાજ્યોના નેતાઓના ફાઈવ સ્ટાર કલ્ચરથી ભરેલા રોજિંદા જીવનમાં કોઈ જ ફરક પડતો નથી. લોકો મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યા છે ત્યારે નેતાઓ ઇકોનોમી ક્લાસની હવાઈ મુસાફરી કરવા પણ તૈયાર નથી. તેમને સ્પેશિયલ પ્લેન કે હેલિકોપ્ટર જ જોઈએ છે. એ બધું જ પ્રજાના પૈસે.

દેશની વસતી વધી રહી છે. વાહનોની સંખ્યા પણ વધી રહી છે. ભારત તેની જરૂરિયાત પૂરી કરવા ૭૦થી ૮૦ ટકા તેલ વિદેશોમાંથી આયાત કરે છે. વિદેશોની તેલ કંપનીઓ રૂપિયો સ્વીકારતી નથી. એ બિલ ડોલરમાં ભરવું પડે છે. રૂપિયાની સામે ડોલરનું મૂલ્ય વધી જવાથી પેટ્રોલિયમ પદાર્થો પરના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભાવ હજુ વધશે. બહુ ટૂંક સમયમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ ૧૦૦ રૂપિયા થશે. પેટ્રોલ ડીઝલનો ભાવવધારો સ્પાયરલ પ્રભાવ ધરાવે છે. પેટ્રોલ ડીઝલના ભાવવધારાની સાથે જ ટ્રક ભાડાં વધે છે. ટ્રક ભાડાં વધતાં અનાજ શાકભાજીથી માંડીને જીવનજરૂરિયાતની તમામ ચીજોના ભાવ વધે છે. સિમેન્ટ અને લોખંડના ભાવ પણ વધે છે. જે જે ચીજવસ્તુની હેરાફેરી ટ્રક દ્વારા થાય છે તે તમામ ચીજોના ભાવ વધે છે. એ દુર્ભાગ્યની વાત છે કે, આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ ક્રૂડ ઓઇલની બાબતમાં આપણે સ્વાવલંબી થઈ શક્યા નથી. બીજી બાજુ વસ્તીવધારાએ દેશની અર્થવ્યવસ્થાને તોડી નાંખી છે. બળતણના તેલની વાત તો બાજુએ રાખો પણ ખાદ્યતેલની બાબતમાં પણ આપણે આત્મનિર્ભર થઈ શક્યા નથી. ખાદ્યતેલોની આયાત પણ વધી રહી છે. દેશની તિજોરીને ભારે નુકસાન થઈ રહ્યું છે.

આમ શા માટે?

આજે આર્થિક ઉદારીકરણનો પવન ચાલી રહ્યો છે. તેના ફાયદા અને ગેરફાયદા પર વિસ્તૃત અભ્યાસની જરૂર છે. આર્થિક ઉદારીકરણની નીતિ બાદ સરકારે બધું જ બજારના હવાલે કરી દીધું છે. ભારતમાં બનતા માલ કરતાં ચીનનાં જંગી કારખાનાં સાવ સસ્તો માલ ભારતમાં પધરાવી દે છે. આર્થિક ઉદારીકરણ બાદ ભારતને ફાયદો થયો છે કે ચીનને તેનો પણ અભ્યાસ જરૂરી છે. અર્થતંત્રમાં નાણાકીય શિસ્ત રહી નથી. મોરારજી દેસાઈ આ દેશના નાણામંત્રી હતા ત્યારે તેમણે નાણાકીય શિસ્ત દ્વારા ફુગાવો કાબૂમાં લઈ લીધો હતો. આજે કેમ્બ્રિજ અને ઓક્સફર્ડમાં ભણેલા નેતાઓ પાસે દેશના અર્થતંત્રને બચાવવાનો કોઈ સચોટ ઉપાય નથી. સરકારો પોતે પોતાના વહીવટી ખર્ચા ઘટાડે એ જરૂરી છે. સામાન્ય લોકોને મદદ કરવાની યોજનાઓના ૧૦ ટકા પૈસા જ લોકો સુધી પહોંચે છે. ૮૦થી ૯૦ ટકા પૈસા સરકારના ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ખાઈ જાય છે.

એ જ રીતે પ્રાઇવેટ સેક્ટરના સહારે દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવાનાં સરકારનાં સ્વપ્ન ચકનાચૂર થઈ ગયાં છે. ઉદારીકરણની નીતિઓનો લાભ ઉઠાવી દેશના પ્રાઇવેટ સેકટરે ધૂમ પૈસાની કમાણી કરી છે. દેશનાં મોટા મોટાં ઉદ્યોગગૃહોના દબાણ હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો એવા નિર્ણયો લઈ રહી છે જેથી ઉદ્યોગપતિઓને જ ફાયદો થાય. કેટલાક મંત્રીઓના વિરોધ છતાં સરકારે પ્રાકૃતિક ગેસના ભાવોમાં વધારો કર્યો છે જે આગલા વર્ષે એપ્રિલથી લાગુ પડશે. એની સાથે કોલસાની કિંમતમાં પણ વધારો કરાયો છે. એ કારણે હવે વીજળી દર પણ વધશે. સરકારે ગેસના ઉત્પાદનને વધારવા પર ધ્યાન આપવાના બદલે તેના ભાવ વધારવા પર જ ધ્યાન વધુ આપ્યું છે.

દેશની કથળતી આર્થિક પરિસ્થિતિમાંથી દેશને બહાર કાઢવા માટે એફ.ડીની આંધળી વકીલાત થઈ રહી છે. વિદેશી મૂડીરોકાણકર્તા જ આ દેશને બચાવી શકશે તેવી ધારણા બૂમરેંગ સાબિત થઈ શકે છે. અમેરિકાની આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે તેવા સમાચાર આવતાં જ વિદેશી નિવેશકો તેમનું ધન લઈ ભારતમાંથી ભાગવા લાગ્યા છે. તેમને હવે ભારતમાં મૂડીરોકાણ કરવામાં ખતરો લાગે છે. ટૂંકમાં ક્યાં સુધી વિદેશી મૂડીરોકાણકર્તાઓના સહારે ભારત જીવશે? સાચી વાત એ છે કે રૂપિયો હવે ગભરાટ ફેલાવી રહ્યો છે. રૂપિયો ઘસાઈ જતાં સમાન્ય માનવીએ મોંઘવારીની ચક્કીમાં પીસાવું પડશે એ નક્કી છે.

www.devendrapatel.in

Previous

એક તેજસ્વી યુવાન યુવતી બની ગયો ટ્રાન્સજેન્ડર : રોઝ

Next

એક ઋષિના આશીર્વાદથી મત્સ્યગંધા સુગંધા બની ગઈ

1 Comment

  1. Bakul Shah

    Excellent article.
    The value of ruppes in 1925 was $1 = Rs.0.10 and in 1947,$1 = Rs.1. My father was telling me that gold price of one oz was Rs.20 in 1930!!!

Leave a Reply

Powered by WordPress & Theme by Anders Norén