એ એક ભયાનક માનવી હતો. એણે ૨૦ વ્યક્તિઓને વારાફરતી મિત્રો બનાવ્યા હતા. મિત્ર બનાવીને તેમને તેમની પસંદગીની વાનગીઓ ખવડાવતો અને અચાનક તેમની હત્યા કરી દેતો. ખૂન કરી દીધા બાદ મૃતદેહને એક ગોડાઉનમાં લઈ જઈ તેના અનેક ટુકડા કરતો અને એ ટુકડાઓને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેંકી આવતો. એની પસંદગીનું શહેર દિલ્હી છે અને દિલ્હીમાં જ હત્યા કરી મરેલા માનવીના પગ કોઈવાર શાલીમાર બાગ ખાતે આવેલા બાબા રામદેવના મંદિરના દરવાજે લટકાવી દેતો. મરનાર માનવીનું માથું યમુના નદીમાં તરતું મૂકી દેતો. પેટ નીચેના ટુકડાઓ એક ગુણ- કોથળામાં ભરી કોથળો દિલ્હીની તીસ હજારી કોર્ચ પાસે મૂકી આવતો. જ્યારે બાકીનું ધડ તિહાડ જેલના ગેટ નં:૩ આગળ મૂકી આવતો.
આ તેનો નિત્યક્રમ હતો એટલું જ નહીં પરંતુ આ બધું કર્યા બાદ તે પોતે જ પબ્લિક ટેલિફોન બુથ પર જઈ પોલીસને ફોન કરી હત્યા કરાયેલા માણસનાં અંગો ક્યાં છે તેની જાણ પોલીસને કરતો. પોલીસને તે પડકાર ફેંકતોઃ ”અગર તુમ મુઝે પકડ શકતે હો તો પકડ લો.”
તેનું બાળપણ સામાન્ય હતું. ઘરમાં માતા-પિતાના કોઈ ઝઘડા નહોતા. કોઈ સ્ત્રી તરફથી એને દગો થયો નહોતો. એની સેક્યુઅલ લાઈફ પણ નોર્મલ હતી. સામાન્ય રીતે સિરિયલ કિલર્સમાં જે લક્ષણો જોવા મળે છે તેવું એનામાં કાંઈ નહોતું. આમ છતાં એણે વારાફરતી ૨૦ જેટલી વ્યક્તિઓની હત્યા કરી નાંખી હતી.
એ સિરિયલ કિલરનું નામ છેઃ ચંદ્રકાંત ઝા. તે પરિણીત છે. નોર્મલ હસબન્ડ છે. પાંચ દીકરીઓનો પિતા છે. ઘરનાં સભ્યો તેની આ બહારની પ્રવૃત્તિઓ વિશે કાંઈ જાણતાં જ નહોતાં. ચંદ્રકાંત ઝા મૂળ બિહારનો વતની છે. ૪૪ વર્ષની વયે તે કામની તલાશમાં બિહારથી દિલ્હી આવ્યો હતો. શરૂઆતમાં તે અલીપુરમાં રહેતો હતો અને શાકભાજી વેચવાની લારી શરૂ કરી હતી. એ દરમિયાન તે કેટલાક નાના ગુનેગારોના સંપર્કમાં આવ્યો હતો અને ચોરીઓ કરવા લાગ્યો હતો. તે પછી તે બિહાર અને ઝારખંડથી આવતી રિવોલ્વરો અને બંદૂકોનું ગેરકાયદે વેચાણ કરવા લાગ્યો હતો. શસ્ત્રોના ગેરકાયદે વેચાણના કેસમાં એક વાર તેની ધરપકડ પણ થઈ હતી. એનો દાવો છે કે, ”પોલીસે મારી સામે ખોટી રીતે કેસ ઊભો કર્યો હોઈ પોલીસને પાઠ ભણાવવા જ મેં હત્યાઓ શરૂ કરી હતી અને હત્યા કરી નાંખ્યા બાદ માનવ અંગો કોર્ટ અને જેલના દરવાજે મૂકી આવતો હતો. કોર્ટ કે જેલ આગળ ફેંકી દેવાયેલા અંગોના કોથળામાં હું મારી સહી સાથે પોલીસ જોગ કાગળ- નોટ પણ મૂક્તો હતો. જેમાં હું લખતો હતોઃ ” મેં જે ગુનો કર્યો જ નહોતો તે માટે તમે મારી ધરપકડ કરી હતી તો હવે તમારી તાકાત હોય તો મને પકડો.”
ચંદ્રકાંત ઝા પકડાયો કેવી રીતે તે પણ જાણવા જેવું છે. તા. ૨૦મી ઓક્ટોબર ૨૦૦૬ના રોજ કેટલાંક લોકો સંસદ પર હુમલો કરનાર અફઝલ ગુરુને ફાંસીની સજા મળે તે માટે તિહાડ જેલની બહાર દેખાવો કરી રહ્યા હતા ત્યારે તે જ વખતે ચંદ્રકાંત ઝાએ દિલ્હીના હરીનગર પોલીસ સ્ટેશનને પોલીસ અધિકારી સુંદરસિંહને ફોન કરી જાણ કરી હતી કે, ”મેં એક વ્યક્તિનું ખૂન કરી તેનું ધડ જેલની બહાર ફેંકી દીધું છે.”
શરૂઆતમાં તો પોલીસે એ ફોનને ગંભીરતાથી લીધો નહીં પરંતુ જેલની આગળ ફેંકી દેવાયેલું માનવ ધડ મળી આવતાં પોલીસ સજાગ થઈ. પોલીસ અધિકારીએ નક્કી કરી નાખ્યું કે આ માણસનો ફરીથી ફોન આવશે જ. ફરી એનો ફોન આવ્યો અને હત્યારાએ ફરી પોલીસને પડકાર ફેંક્યોઃ ”તમારી તાકાત હોય તો મને શોધી કાઢો.”
ફોનમાં ઝાએ કહ્યું: ”આ પહેલાં પણ હું પકડાઈ ચુક્યો છું અને મારું નામ ચંદ્રકાંત ઝા છે”. એ પછી એણે એને પકડનારા પોલીસ અધિકારીઓનાં નામો પણ આપ્યાઃ ચંદ્રકાંત ઝાએ જે નામો આપ્યા હતા તે પોલીસ કોન્સ્ટેબલોને બોલાવી પૂછપરછ કરી તો ખબર પડી કે એ વખતે ચંદ્રકાંત ઝા દિલ્હીના અલીપુર વિસ્તારમાં તેના પરિવાર સાથે રહેતો હતો. એની પત્નીએ છેલ્લી બાળકીને જ્યાં જન્મ આપ્યો હતો તે હોસ્પિટલમાં પણ તપાસ કરાવી પણ તેના ઘરનું ચોક્કસ સરનામું ના મળ્યું. પાછળથી એટલી ખબર પડી કે તે ઓટોરિક્ષા ચલાવતો હતો. પોલીસે કેટલાંક પરિચિત ઓટોરિક્ષાવાળાઓની પૂછપરછ કરી તો એક રિક્ષાવાળાએ કહ્યું : ”મારી બાજુમાં જે રિક્ષાવાળો ઊભો છે તે જ ચંદ્રકાંત ઝાની રિક્ષા ભાડે ચલાવે છે.”
પોલીસે એ રિક્ષાવાળાને પક્ડયો. તેની પાસેથી સરનામું લઈ પોલીસ અલીપુરમાં રહેતા ચંદ્રકાંત ઝાના ઘરે ગઈ તો ચંદ્રકાંત ઝા ઘરમાં જ હતો અને બેઠાં બેઠાં હલવો ખાઈ રહ્યો હતો. શરૂઆતમાં તો તેણે ચંદ્રકાંત ઝા હોવાનો ઈનકાર કર્યો પરંતુ પોલીસે તેના ઘરની તલાશી શરૂ કરતાં જ તે ઊભો થઈ ગયો અને બોલી ઊઠયોઃ ”આપ હી ઈન્સ્પેક્ટર સુંદરસિંહ હો ન ! લો આપ જીત ગયે, મેં હારા.”
ચંદ્રકાંત ઝાને પકડી લેવામાં આવ્યો ૨૦૦૨થી ૨૦૦૭ સુધીમાં તેણે ૨૦ લોકોની હત્યા કરી નાખી હતી. એ કેવા લોકોની હત્યા કરતો હતો તે પણ જાણવા જેવું છે. ૨૦ વર્ષની વયનો ઉપેન્દ્ર નામનો યુવાન આઝાદપુરની એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. ઉપેન્દ્રને કોઈ કારણસર નોકરીમાંથી કાઢી મુકાતાં તે ચંદ્રકાંત ઝા પાસે મદદ માંગવા ગયો હતો. ચંદ્રકાંત ઝાએ તેને કહ્યું કે, તને બીજી નોકરી ના મળે ત્યાં સુધી તું મારા ઘરમાં રહી શકે છે. પરંતુ ચંદ્રકાંત ઝાએ એક દિવસ ઈયર ફોના મુદ્દે જ ઉપેન્દ્રની હત્યા કરી નાંખી. ઈયર ફોન ઉપેન્દ્રનો હતો. ઉપેન્દ્રએ તે આપવા આનાકાની કરતાં એક દિવસ ચંદ્રકાંત ઝાએ એક અજાણ્યા સ્થળે દારૂની પાર્ટી યોજી ઉપેન્દ્રને ખૂબ દારૂ પીવડાવ્યો તે પછી તેના હાથ પગ, બાંધી દીધા અને નાયલોનની દોરીથી તેનું ગળું રુંધી નાંખ્યું. તે પછી તેના શરીરના અનેક ટુકડા કરી શાલીમાર બાગ પાસેના મંદિરે તેના પગ ફેંકી આવ્યો. લોની બસ સ્ટેન્ડ પાસે તેનું ધડ મૂકી આવ્યો. અને માથું તેના ફેવરિટ સ્થળ તિહાડ જેલ આગળ મૂકી આવ્યો.
ચંદ્રકાંત ઝા સામે કોર્ટમાં ખટલો ચાલ્યો. ત્રણ કેસ સંબંધી ચુકાદો આવી ગયો છે અને ઝાને ત્રણેય કેસમાં ફાંસીની સજા થયેલી છે. તે હાલ તિહાડ જેલમાં છે અને તિહાડ જેલમાં તેણે અફઝલ ગુરુ સાથે મિત્રતા કેળવી હતી.
અફઝલ ગુરુને ફાંસી ફાંસી અપાઈ તે પહેલાં તે બંને જેલના એક જ સેલમાં હતા. અફઝલ ગુરુ ચંદ્રકાંત ઝાને કોર્ટનો કેસ કેવી રીતે હેન્ડલ કરવો તે માટે જરૂરી સલાહ આપતો હતો. આરટીઆઈનો પણ કેવી રીતે ઉપયોગ કરવો તે પણ તે અફઝલ ગુરુ પાસેથી શીખ્યો હતો. અફઝલ ગુરુને ફાંસી અપાઈ તે દિવસે ચંદ્રકાંત ઝા એકદમ શૂન્યમનસ્ક થઈ ગયો હતો. અફઝલ ગુરુની સલાહ બાદ ચંદ્રકાંત ઝાએ દિલ્હી પોલીસ અને કોર્ટના ન્યાયાધીશ સામે પણ ઘણી આરટીઆઈ કરી હતી.
ચંદ્રકાંત ઝા મમતા નામની મહિલા સાથે પરણેલો છે. પાંચ દીકરીઓનો તે પિતા છે. તે બધી જ ૧૫ વર્ષથી નાની છે. ચંદ્રકાંત ઝાથી તેના ધારાશાસ્ત્રી પણ થાકી ગયા છે. હજુ તે કોર્ટમાં જાતજાતની કાયદાશાસ્ત્રની હિન્દીમાં છપાયેલી બુક્સ મંગાવે છે. તેને મળેલી ફાંસીની સજાને પડકારવા તે તૈયારી કરી રહ્યો છે. ચંદ્રકાંત ઝાને ફાંસીની સજા આપનાર ન્યાયાધીશ કામિની લાઉએ તેમના ચુકાદામાં પોલીસની પણ ટીકા કરતાં લખ્યું છે કે, ” આ પ્રકારનું પોલિસીંગ એક ચંદ્રકાંત ઝાને પેદા કરે છે પરંતુ પોલીસનો લોકો પ્રત્યે આવો જ રવૈયો રહેશે તો બીજા ઘણાં ચંદ્રકાંત ઝા પેદા થશે. સરકારે પણ હવે પોલીસ સુધારણાંના પગલાં લેવાની જરૂર છે. પોલીસે વધુ કાર્યક્ષમ તથા લોકો પ્રત્યે મૈત્રીપૂર્ણ બનવું પડશે.”
સવાલ એ છે કે શું ચંદ્રકાંત ઝાને પોલીસે પહેલીવાર કોઈ ખોટા કારણસર પકડયો હતો ?
Leave a Reply