ડ્રેગન સાથે દુશ્મની કે દોસ્તી?રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

રશિયા પાકિસ્તાન અને ચીન એક નવી ધરી બનીને ભારતનો ભરડો લઈ રહ્યા છે. તેમાં રશિયા કે ચીનનો વાંક છે કે ભારતની અસંદિગ્ધ વિદેશનીતિનો એ એક ગહન ચિંતન કરવા જેવો વિષય છે. જવાહરલાલ નહેરુના સમયમાં ચીને ભારત પર આક્રમણ કર્યું હતું. ચીન આજે પણ અરુણાચલ પર તેનો દાવો કરી રહ્યું છે, પરંતુ ભારતે રશિયા જેવા પરંપરાગત મિત્રો ગુમાવીને અમેરિકાની ચાલમાં ફસાઈ જવાની જે મૂર્ખતા કરી છે તે ભવિષ્યમાં બીજી અનેક મુશ્કેલીઓ સર્જી શકે છે. ચીન એ શક્તિશાળી દેશ છે. વિશ્વનું સહુથી મોટું લશ્કર ધરાવે છે.

ભારત ચીન વચ્ચે પ્રાચીન સંબંધો કેવા હતા?

૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું અને તે પછી વધેલી ગેરસમજોના કારણે ચીને પાકિસ્તાનને મિત્ર બનાવી દીધું. એ યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. ૧૯૬૨ વખતે ચીનમાં જે નેતાઓ હતા તે આજે નથી. ૧૯૬૨માં ચીનના નેતાઓની જે માનસિકતા હતી તે આજે નથી. હવે ચીનને પણ યુદ્ધ નહીં વેપાર જોઈએ છે. સહેલાણીઓ જોઈએ છે અને ગ્રાહકો પણ જોઈએ છે. ચીન હવે અમેરિકાથી ડરવાના બદલે અમેરિકાને ડરાવે છે. તે પરિપ્રેક્ષ્યમાં ભારત અને ચીન વચ્ચે ભૂતકાળમાં કેવા સુમધુર સંબંધો હતા તે પર એક નજર નાખી લેવા જેવી છે.

પ્રાચીન સંસ્કૃતિ

અમેરિકા એ નવો દેશ છે તેની પાસે પ્રાચીન સંસ્કૃતિ નથી, ભારત અને ચીન પાસે હજારો વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિ છે. અમેરિકા ભારતનો પડોશી દેશ નથી. ચીન ભારતનો પડોશી દેશ છે. ભારતમાંથી ઉદ્ભવેલો બૌદ્ધ ધર્મ સહુથી પહેલાં ચીન પહોંચ્યો હતો. ઈસુના મૃત્યુનાં ૬૫ વર્ષ બાદ બે ભારતીય બૌદ્ધ સાધુઓ કશ્યપ માતંગ અને ધર્મરત્ન ચીન ગયા હતા. તેમણે ચીનની પ્રજાને બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ દર્શનથી પરિચિત કરાવ્યા હતા. તેમની સ્મૃતિમાં આજે પણ ચીનના લુયોપાંગ નામના સ્થળે બૌદ્ધ મઠ ઊભો છે. આ મઠ ભારત અને ચીન વચ્ચેના પ્રાચીન સંબંધોના સાક્ષી છે.

બીજી નોંધપાત્ર વાત એ છે કે, એ સમયના કાશ્મીરે ચીનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસારમાં બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એ જમાનામાં કાશ્મીરના સંગભૂતિ અને ગૌતમ સંઘદેવા નામના બે કાશ્મીરી વિદ્વાનોને ચોથી સદીમાં ચીન મોકલ્યા હતા. તેમણે ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. એ પછી પાંચમી સદીમાં કુમારજીવ નામના ભારતીય વિદ્વાને ચીન જઈ સેંકડો દુર્લભ ગ્રંથોનો અનુવાદ કર્યો અને ઈ.સ. ૪૧૩માં તેમણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

ચીનના વિદ્વાનો આવ્યા

સમય જતાં ચીનથી પણ અનેક વિદ્યાર્થીઓ ભારત આવ્યા. હ્યુ એન સાંગ અને ફાહિયાન જેવા બે ચીની ઇતિહાસકારો પણ ભારતની મુલાકાતે આવ્યા. એ જમાનામાં ભારતમાં નાલંદા વિશ્વવિદ્યાલયનું અસ્તિત્વ હતું. ચીનના વિદ્યાર્થીઓ અહીં આવતા. સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળામાં ભારત ચીન વચ્ચે આવું સાંસ્કૃતિક આદાનપ્રદાન થતું રહ્યું. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પણ ૧૯૨૪માં ચીનની યાત્રાએ ગયા અને ચીનથી પાછા આવ્યા બાદ શાંતિનિકેતનમાં ‘ચીન ભવન’નો પાયો નાખ્યો. ચીન પર આધારિત ‘કોટનીસ કી અમર કહાની’ જેવી ફિલ્મો પણ ભારતમાં જ બની. જાપાને ચીન પર આક્રમણ કર્યું તે વખતે ભારતે જાપાન સાથે અસંમતિ દર્શાવી અને ચીનનું સમર્થન કર્યું હતું. એ વખતે ચીનના લશ્કરી કમાન્ડર ચિયાંગ કાઈ શેક ભારત આવ્યા હતા અને પંચશીલની વાતો કરી હતી. એ જ દર્શાવે છે કે કેટલાક કૂટનીતિજ્ઞાના પૂર્વગ્રહ અને કેટલાકની રાજનીતિના કારણે ૧૯૬૨માં જે યુદ્ધ થયું તે શત્રુતાને શાશ્વત સમજવાની જરૂર નથી. એના બદલે ભારત-ચીન વચ્ચેના સંબંધોને પારંપરિક સંબંધોની દૃષ્ટિએ એક લાંબા ગાળાની વ્યૂહરચનાના ભાગરૂપે નવી દિલ્હીથી વિકસાવવા જોઈએ.

ચીનના નવા નેતાઓ

માઓત્સે તુંગના સમયનું ચીન આજે નથી. ચાઉ એન લાઈના સમયનું ચીન આજે નથી. એ વાત સાચી છે કે ચીન વિસ્તારવાદી છે. ભારતને તેણે ચારે તરફથી ઘેરેલું છે. ચીનને એ વાતની પણ ખબર છે કે તેને ભય પાકિસ્તાન, બંગલાદેશ કે શ્રીલંકા તરફથી નથી. એને ડર ભારતની વધતી તાકાતનો છે. ચીનના નવા પ્રમુખ શી જિનપિંગે પણ ભારત પ્રત્યે સકારાત્મક વલણ પ્રગટ કર્યું છે. તેમણે ભારતને એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું છે અને બંને દેશો વચ્ચેના સંબંધો સારા રસ્તે લાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભારત-ચીન વચ્ચેની સરહદનો વિવાદ રાતોરાત પતી શકે તેમ નથી. તેથી એ વિવાદથી પ્રભાવિત થયા વગર સરહદો પર શાંતિ જાળવવી આવશ્યક છે. ભારત સાથેના સંબંધો સુધારવા માટે તેમણે પાંચ મુદ્દાની ફોર્મ્યુલા જાહેર કરી છે. બ્રિક્સ(બ્રાઝિલ, રશીયા,ઇન્ડિયા અને ચીન) દેશોના સંમેલન વખતે તેઓ વડાપ્રધાન મનમોહનસિંહને મળ્યા પણ હતા અને ભારત સાથેના સંબંધો સુધારવાના તેમણે સંકેત પણ આપ્યા હતા.

ચીન ભારત-અઢી અબજ

ભારત અને ચીન એ વિશ્વની મોટામાં મોટી વસ્તીવાળા દેશ છે. બંને દેશની કુલ વસ્તી અઢી અબજ જેટલી થાય છે જે સ્વયં એક જબરદસ્ત તાકાત છે. અમેરિકા વિકસિત દેશ છે જ્યારે ભારત અને ચીન એ વિકાસશીલ દેશો છે. હવે એ સમયની માંગ છે કે વિશ્વના તમામ વિકાસશીલ દેશોએ અમેરિકા જેવા વિકસીત દેશોના પીઠ્ઠું બનવાના બદલે પોતાના અધિકારોની રક્ષા માટે એક મંચ પર આવવું જોઈએ. અંગ્રેજોએ જેમ ભારતમાં ભાગલા પડાવી રાજ કર્યું એ જ કામ આજે અમેરિકા ભારત ચીન અને પાકિસ્તાન વચ્ચે કરી રહ્યું છે.

ભારત હવે એક પુખ્ત દેશ છે. એની વિચારસરણી પણ પુખ્ત થવી જોઈએ. ચીનને કાયમી શત્રુ માનવાની માનસિકતા બદલવાની જરૂર છે. ચીનના નવા પ્રમુખ શી જિનપિંગ એક સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતા નેતા છે. અલબત્ત, તેમના વિચારોને તેઓ કેટલું વ્યવહારિક સ્વરૂપ આપી શકશે એ અત્યારથી કહેવું મુશ્કેલ છે. બંને દેશો વચ્ચેથી અવિશ્વાસ અને સંદેહનું વાતાવરણ દૂર થાય તે માટે કૂટનીતિ પર આધારિત સંવાદ જારી રાખવો જોઈએ.બંને દેશો વચ્ચે સહયોગ વધારવાની જરૂર છે. બંને દેશોએ એકબીજાની ચિંતાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. બંને દેશો એકબીજા દેશોનાં મૂડીરોકાણ વધારે તથા બંને દેશો વચ્ચે વધુ ને વધુ સાંસ્કૃતિક આદાનપ્રદાન વધે તેવા પ્રયાસો કરવા જોઈએ. દેશની તમામ યુનિવર્સિટીઓમાં ચીની ભાષા શીખવાની વ્યવસ્થા કરવી જોઈએ.

ચીન ભારત વચ્ચે વેપાર વધી રહ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓમાં ચીની ભાષા શીખવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અમેરિકન યુનિવર્સિટીઓમાં આ સુવિધા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પ્રેસિડેન્ટ હોવા ઉપરાંત ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના અને ચીનની સેનાના પણ પ્રમુખ છે. તેથી તેમણે વ્યક્ત કરેલા સકારાત્મક વલણનો ફાયદો ઉઠાવી ડ્રેગન સાથે દુશ્મની વહોરી લેવાના બદલે દોસ્તી કરવી એ જ શાણપણ છે.