અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ મહિલા એટર્ની જનરલની સુંદરતા વખાણી

અમેરિકાના પ્રેસિડેન્ટસ છૂપી સેક્સ અપીલ માટે જાણીતા છે. અમેરિકામાં એક ઉક્તિ જાણીતી છે : “અમેરિકાના લશ્કરનાં રહસ્યો જાણવા હોય તો પેન્ટેગોનના કોમ્પ્યુટર્સને હેક કરવાની કોઇ જરૂર નથી. અમેરિકાના પ્રેસિડેન્ટની ગર્લફ્રેન્ડને હેક કરી દો. બધું જ જાણી શકશો.”

ફિમેલ ઓબામા

અમેરિકાના લોકપ્રિય પ્રેસિડેન્ટ બરાકા ઓબામા પણ હવે બાકાત નથી તેમણે તેમની જ સરકારના ખૂબસૂરત એટર્ની જનરલ કમલા હેરિસની સુંદરતાની જાહેર પ્રશંસા કરીને અમેરિકનો કરતાં શ્રીમતી મિશેલને વધુ ચોંકાવી દીધા છે. કમલા હેરિસ મૂળ ભારતીય મૂળનાં અમેરિકાના એટર્ની જનરલ છે તેમના ભારતીય માતાનું નામ શ્રીમતી શ્યામલા ગોપાલન છે. તેમના પિતા મૂળ જમૈકાના પણ અમેરિકન છે. કમલા હેરિસનો ચહેરો બરાક ઓબામા જેવો છે તે માટે કે પછી તેઓ બરાક ઓબામાની વધુ નજીક છે તે માટે’ફિમેલ ઓબામા’ અથવા ‘લેડી ઓબામા’ તરીકે પણ જાણીતા છે. અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ એટર્ની જનરલ કમલા હેરિસની કાર્ય કરવાની પદ્ધતિ અને તેમની કાર્યદક્ષતાના વખાણ કરવાની સાથે સાથે એમ પણ કહી દીધું કે,કમલા હેરિસ અમેરિકાના બેસ્ટ લુકીંગ એટર્ની જનરલ છે. ઓબામાના આ વિધાન બાદ ખુદ અમેરિકામાં જ વિવાદ ઊભો થયો છે. અમેરિકાના મહિલા સંગઠનોએ પણ વિરોધ કર્યો છે. અમેરિકાના મહિલા સંગઠનોનું કહેવું છે કે, “બરાક ઓબામાના આ નિવેદન પરથી લાગે છે કે, ઓબામા પણ મહિલાઓના કામને નહીં પરંતુ મહિલાની સુંદરતાને જ જુએ છે.” ઓબામાના આ વિધાન પર અમેરિકાથી માંડીને ઇગ્લેન્ડના અખબારોએ પણ ટિપ્પણીઓ કરી છે અને છેવટે ઓબામાએ કમલા હેરિસને સહુથી સુંદર એટર્ની જનરલ કહેવા બદલ માંફી માંગી છે.

કેનેડી અને ક્લિન્ટન

આશ્ચર્યની વાત એ છે કે એક સુંદર સ્ત્રીને તમે સુંદર ના કહો તો તેને ખોટું લાગે છે અને એજ સ્ત્રીને તમે સૌથી સુંદર સ્ત્રી કહો તો બીજી સ્ત્રીઓને ખોટું લાગે છે. અમેરિકાના પ્રેસિડેન્ટસ સ્ત્રીઓની બાબતમાં હંમેશાં રોમાંસ સભર રહ્યા છે. પ્રેસિડેન્ટ જહોન એફ. કેનેડી એમના જમાનાના હેન્ડસમ પ્રેસિડેન્ટ હતા. જ્યારે એ જ સમયગાળામાં મેરિલિન મનરો હોલિવુડની જ નહીં પરંતુ વિશ્વની અત્યંત સુંદર અભિનેત્રી હતી. એક કાર્યક્રમમમાં તેઓ મળ્યાં અને બેઉ એકબીજાના પ્રેમમાં પડી ગયા. મેરિલિન મનરો રોજ રાત્રે પ્રેસિડેન્ટ કેનેડીની ડાયરેકટ ફોન લાઇન પર વાત કરતી હતી. ધીમે ધીમે કેનેડીના પત્ની શ્રીમતી જેકવેલીન કેનેડીને તે પછી કેનેડીના માતા-પિતાને, તે પછી આખા વાઇટહાઉસને અને સીઆઇએને પણ આ સંબંધોની ખબર પડી ગઇ હતી. અમેરિકાના પ્રેસિડેન્ટની કારકિર્દી જોખમમાં છે એવું લાગતા તેમને ચેતવવામાં આવ્યા હતા. કેનેડીએ મેરિલિન મનરોએ મળવાનું અને ફોન પર વાત કરવાનું બંધ કરી દેતાં મેરિલિન મનરોએ આપઘાત કરી લેવાની ધમકી આપી હતી. પ્રેસીડેન્ટ કેનેડીએ મેરિલિન મનરોને સમજાવી લેવા તેમના સેનેટર ભાઇ એડવર્ડ કેનેડીને મેરિલિન પાસે મોકલ્યા હતા. સમજાવવાની વાત તો બાજુએ રહી પણ એડવર્ડ કેનેડી ખુદ મેરિલિન મનરોના પ્રેમમાં પડી ગયા હતા અને તેમને પાછા લાવવા ત્રીજુ પ્રતિનિધિમંડળ મોકલવુ પડયું હતું. છેવટે એ સંબંધો કરુણાન્તિકામાં પરિવર્તીત થયા હતા અને મેરિલિન મનરોએ ઊંઘવાની ગોળીઓ ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. એ પછી અમેરિકાના બીજા હેન્ડસમ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન વ્હાઇટ હાઉસમાં ઇન્ટર્ન તરીકે કામ કરતી મોનિકા લેવિસ્કિીના પ્રેમમાં પડી ગયા હતા અને તેમની સામે મહાભિયોગ ખટલો ચાલ્યો હતો. જેમાં બિલ ક્લિન્ટને માફી માંગવી પડી હતી.

આવું જ હવે બરાક ઓબામાની બાબતમાં બન્યું છે. ૨૦૧૪માં અમેરિકામાં કેટલીક બેઠકો પર મધ્યવર્તી ચૂંટણીઓ આવી રહી છે તે સંદર્ભમાં તેમના પક્ષના ફંડ રેઇઝીંગ કાર્યક્રમની ગાર્ડન પાર્ટી દરમિયાન ઓબામા સાહેબ એટર્ની જનરલ કમલા હેરિસના વખાણ કરી બેઠા. એ ગાર્ડન પાર્ટીમાં ઓબામાએ સહુથી પહેલાં કહ્યું : She is brilliant and she is dedicated and she is tough, and she is exactly you would want in anybody who is administering the law and making sure that everybody is geting fair shake.”

એ પછી તેઓ અટક્યા. તેઓ ઓડિયન્સની પ્રતિક્રિયા જાણવા માંગતા હતા. લોકો સ્તબ્ધ હતા. તેથી તેઓ ફરી બોલ્યા : “she is the most beautifull attorney general of country.”હું જે કહું છું તે સાચું જ છે…. અને તાળીઓ પડી. એ સાંભળી કમલા હેરિસ શરમાયા કે નહીં તેની ખબર ના પડી પરંતુ સોશિયલ મીડિયાની વેબસાઇટસ પર મારો શરૂ થઇ ગયો. ઘણાંએ એ રિમાર્કને ‘સેકસી’કહી કેટલાંક બ્લોગર્સે કહ્યું : “ઓબામાને જેન્ડર સેન્સિટિવીટીની તાલીમ આપવી જોઇએ.” કેટલાકે એમ પણ લખ્યુ કે કેટલીક સ્ત્રીઓની સફળતા તેમની સુંદરતાના કારણે જ હોય છે. આ બધાની સામે અમેરિકાના પ્રતિષ્ઠિત અખબારોએ સંતુલીત અભિપ્રાય આપ્યો. ‘વોશિંગ્ટન પોસ્ટે’ ઓબામાના ટીકાકારોને કહ્યું ‘એ પ્રેસિડેન્ટે એટર્ની જનરલની સુંદરતા ઉપરાંત તેમની બીજી કાર્યદક્ષતા વિષે પણ કહ્યું છે.”

આ બખેડા બાદ આ વિવાદનો અંત લાવવા વ્હાઇટ હાઉસે નિર્ણય કર્યો અને વ્હાઇટ હાઉસના પ્રવકતા જે કાર્નીએ કહ્યું : “પ્રેસિડેન્ટ ઓબામાએ કમલા હેરિસને ફોન કરી માફી માંગી લીધી છે. ઓબામા અને કમલા હેરિસ જૂનાં મિત્રો છે અને સારા મિત્રો છે. તેઓ એટર્ની જનરલની પ્રતિભાને નુકસાન પહોંચાડવા માંગતા નહોતા.”

કમલાનું ઉજ્જવળ ભાવિ

હવે હીટ એન્ડ ડસ્ટ શમ્યા છે ત્યારે કેટલાકનું માનવું છે કે આ વિવાદથી છેવટે તો કમલા હેરિસને જ ફાયદો થશે. કમલા હેરિસ કેલિફોર્નિયાની બહાર બહુ જાણીતા નહોતા પણ હવે આખા અમેરિકામાં ઘેર-ઘેર જાણીતાં થઇ ગયાં છે. કમલા હેરિસ કેલિફોર્નિયા સ્થિત મહિલા છે. એમ પણ કહેવાય છે કે, કમલા હેરિસ કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીના સંભવિત ઉમેદવાર પણ છે. જો તેમને ટિકિટ મળશે તો કેલિફોર્નિયામાં તેમની જીત નિશ્ચિત મનાય છે. કમલા હેરિસ જીતી જશે તો તેઓ કેલિફોર્નિયાના ગવર્નર તરીકે ભારતીય મૂળના પહેલા મહિલા હશે. બીજી એક શક્યતા એ છે કે ભવિષ્યમાં કમલા હેરિસને અમેરિકન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પણ બનાવી દેવામાં આવશે. ૨૦૧૨ની ચૂંટણીઓ દરમિયાન કમલા હેરિસે ઓબામાની ચૂંટણી ઝુંબેશમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. પક્ષના અધિવેશનમાં બરાક ઓબામાને ફરી ટિકિટ આપવાનો નિર્ણય થયો ત્યારે પણ તેમણે અધિવેશનના અધ્યક્ષની ભૂમિકા ભજવી હતી.

એ જે હોય તે પણ બરાક ઓબામાની કમલા હેરિસની સુંદરતાની પ્રશંસા બાદ કમલા હેરિસ હવે સ્પોર્ટ લાઇટમાં છે. સવાલ એ છે કે અમેરિકાના રાજકારણીઓની સરખામણીમાં ભારતના રાજકારણીઓ શુષ્ક કેમ?