Devendra Patel

Journalist and Author

એક શિક્ષિકાને અજાણ્યા શખસે કોતરોમાં આંતરી

એક શિક્ષિકાને અજાણ્યા શખસે કોતરોમાં આંતરી

એક શખસ શિક્ષિકાને રોજ ફોન કરી પરેશાન કરવા લાગ્યો અને એક દિવસ-

સુનયનાનો જન્મ એક નાનકડા ગામમાં થયો હતો. એ નાની હતી ત્યારથી જ શિક્ષિકા બનવા માંગતી હતી. એણે ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો અને એક દિવસ તે શિક્ષિકા બની ગઈ. એને સરકારી નોકરી પણ મળી ગઈ, પણ પોતાના વતનથી દૂરના એક જિલ્લામાં. હિંમત કરીને તે એક મોટા ગામમાં ભાડાંનું મકાન રાખી રહેવા લાગી પણ તેની નોકરી અંતરિયાળ વિસ્તારમાં આવેલી દૂરના એક નાનકડાં ગામની સ્કૂલમાં હતી. એ ગામ જવા તે એકલી સ્કૂટી પર જતી.

કેટલાક સમય બાદ સુનયનાનાં લગ્ન પણ એના જ સમાજના એક શિક્ષિત યુવક સાથે થઈ ગયાં. યુવક પણ શિક્ષક જ હતો. પતિ અને પત્નીની નોકરી અલગ અલગ દૂર હોવા છતાં શનિ- રવિની રજામાં તેઓ મળતાં અને સંસાર જીવન ચાલું થયું. બંને શિક્ષક દંપતી હોવાથી દંપતી તરીકેની બદલી માટે તેમણે અરજી કરી પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી બદલીના કેમ્પ ના થતાં બેઉએ એકબીજાથી દૂર જ રહીને નોકરી ચાલુ રાખી.

એક દિવસ બન્યું એવું કે, સુનયના રોજની જેમ સ્કૂટી લઈને અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામની સ્કૂલે જવા નીકળી. અંદરના ગામ જવાનો રસ્તો નિર્જન હતો. તે દરમિયાન તેના મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી મીસ કોલ આવ્યો. એ પછી તે સ્કૂલ પહોંચી ત્યારે પણ તેની પર મીસ કોલ આવ્યો. રાતના સમયે પણ કોઈ અજાણી વ્યક્તિએ તેની સાથે અશોભનીય વાત કરવા લાગ્યો. એ અજાણી વ્યક્તિએ કહ્યું: ”હું તને ઓળખું છું. તું ક્યાં જાય છે તેની મને ખબર છે. તે કેવા રંગની સાડી પહેરી છે તેની મને ખબર છે. હાલ તું ક્યાં ઊભી છે તેની પણ મને ખબર છે.”

બીજા દિવસે બીજા કોઈ નંબર પરથી એજ અવાજમાં કોઈનો ફોન આવ્યોઃ ”તું કોની સાથે વાતો કરો છો, તેની મને ખબર છે. હું તારા ઘરની બધી જ વ્યક્તિઓને ઓળખું છું.”

સુનયનાએ પૂછયું: ”તમે કોણ બોલો છો ? તમારું નામ શું છે ?”
તો એ અજાણી વ્યક્તિએ ફોન પર જણાવ્યું: ”હું તને રૂબરૂ મળીશ ત્યારે જ તમને ખબર પડશે કે હું કોણ છું.”

સુનયના ડરી ગઈ પણ એ ચૂપ રહી.કેટલાક સમય બાદ તે રોજની જેમ આજેય પણ સ્કૂટી લઈ દૂરના ગામે સ્કૂલે જવા નીકળી, એ નિર્જન રસ્તા પર એક વાઘુ- કોતરો આવે છે. ચારેબાજુ ઝાડી ઊગી નીકળેલી છે. સુનયનાએ રોજ આજ રસ્તે જવાનું હોય છે. એ જેવી કોતરોના રસ્તે ઊતરી ત્યાં જ એક યુવક સામેથી તેની મોટરબાઈક રસ્તાની વચ્ચે આડી ઊભી કરીને ઊભો હતો. એણે કહ્યું:”હું જ તને ફોન કરતો હતો, તું જે ગામમાં ભાડેથી એકલી રહે છે એ જ ગામમાં હું પણ રહું છું. મેં જે તને ફોન કર્યા છે તે વાતની તારા ઘરના માણસોને કહીશ નહીં. તું એ વાત કોઈને પણ કરીશ તો તને અહીં નોકરી કરવા નહીં દઉં.”

એટલી જ ધમકી આપી તે જતો રહ્યો પરંતુ તેના રેગ્યુલર મોબાઈલ પરથી તે સુનયનાને રોજ ફોન કરવા લાગ્યો. ફરી સુનયનાને એ નિર્જન કોતરોમાં આંતરવા લાગ્યો. એક દિવસ તો એણે સુનયનાનું પર્સ, તેમાં રહેલી ડાયરી અને મોબાઈલ ઝૂંટવી લીધા અને ધમકી આપતાં કહ્યું: ”કોઈને પણ વાત કરીશ તો તારી પર એસિડ છાંટીશ. તને કદરૂપી બનાવી દઈશ એટલું જ નહીં પણ સમાજમાં તને બદનામ કરી નાખીશ.”

આ સમયગાળા દરમિયાન સુનયના એમના દામ્યત્યજીવનના પરિપાકરૂપે એક બાળકની માતા પણ બની. બીજી બાજુ એ જ ગામમાં રહેતો યુવાન તરફથી તેના બાળકને પણ એસિડ છાંટી કદરૂપું બનાવી દેવાની ધમકીઓ મળતી રહી. સુનયનાને આપઘાત કરી લેવાનો વિચાર આવ્યો પરંતુ નાનકડા બાળકનો ચહેરો યાદ આવી જતાં એ વિચાર એણે માંડી વાળ્યો.

સુનયનાએ શાળાના મુખ્ય આચાર્યને વિનંતી કરી નજીકની સ્કૂલમાં બદલી કરાવી દીધી તો એ માણસ એ સ્કૂલ પર પણ આવવા લાગ્યો. સ્કૂલની બહાર જ સુનયનાને રોકીને કહેવા લાગ્યોઃ ”તું મારો ફોન કેમ ઉપાડતી નથી ? તારો મારી સાથે પ્રેમ સંબંધ છે તેમ કહી તારા ઘરમાં ઝઘડો ઊભો કરાવીશ.”

સુનયના ગભરાઈ ગઈ. એણે ફોનનું કાર્ડ બદલાવી નાખ્યું. એ માણસે ક્યાંકથી તેનો નવો નંબર શોધી કાઢયો અને ફરી ફોન કરવા લાગ્યો. એક દિવસ દારૂ પીધેલી હાલતમાં તે સુનયના જ્યાં નોકરી કરતી હતી ત્યાં પહોંચી ગયો અને તેનો હાથ પકડી ખેંચવા કોશિશ કરી. સદ્નસીબે એ વખતે સુનયનાનાં મમ્મી અને તેનો દીકરો ત્યાં હાજર હતાં. એમને જોઈએ ફોનધારક ભાગી ગયો.

એક તબક્કે સુનયનાના પતિને પણ પત્ની પર સંશય થયો. પતિએ ખાનગી રાહે તપાસ કરાવરાવી. તે જે સ્થળે નોકરી કરતી હતી તે સ્થળે ગુપ્ત રીતે જાસૂસી કરાવી. સુનયના ક્યાંય પણ કોઈનીયે સાથે પ્રેમસંબંધમાં નહોતી. તે નિર્દોષ અને નિખાલસ હોવા છતાં તેનો પતિ શંકાના કારણે તેની પર ગુસ્સો કરવા લાગ્યો. તે જ દિવસે એણે નોકરી પરથી પગાર વગરની રજા મૂકી તે પિયર ચાલી ગઈ. સમય વીતતો રહ્યો. કેટલાંક સમય બાદ સાસરિયાંને લાગ્યું કે સુનયના સાચે જ નિર્દોષ છે એટલે એને સાસરીમાં બોલાવી લીધી અને તે હવે ફરી એકવાર સ્વમાનભેર પતિ સાથે રહેવા લાગી.

આ વાતને સાતેક મહિના વીતી ગયા. છેલ્લા ૭ માસથી તે ‘લીવ વિધાઉટ પે’ પર હતી અને સાસરીમાં જ રહેતી હતી. એ દરમિયાન એક બીજી ઘટના ઘટી.તેના સસરાના ઘેર લેન્ડલાઈન પર બીજી જ કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો. ફોન સુનયનાના પતિએ ઉપાડયો. સામેથી કોઈ અજાણી વ્યક્તિએ કહ્યું: ”સુનયનાને ફોન આપો.”

સુનયનાના પતિએ પૂછયું: ”તમે કોણ છો અને સુનયનાનું શું કામ છે ?”

તો અજાણી વ્યક્તિએ કહ્યું: ”ફેસબુક પર સુનયના પટેલના નામની પ્રોફાઈલ બનેલી છે. સુનયના મિત્રો બનાવવા માંગે છે તેવો તેમાં ઉલ્લેખ છે અને તેમાં સુનયનાનો કોન્ટેક નંબર મૂકેલો છે તેથી મેં ફોન કર્યો છે.”

સુનયનાના પતિએ તરત જ ઈન્ટરનેટ પર સુનયનાના નામની કોઈએ બનાવેલી ફેસબુક તપાસી. તેમાં સુનયનાની મોબાઈલ પરથી પાડી લીધેલી તસવીર મૂકવામાં આવી હતી તેમાં કોઈએ સુનયનાનો સંપર્ક કરવો હોય તો એનો મોબાઈલ નંબર પણ મૂક્યો હતો. સુનયનાને ખ્યાલ આવી ગયો કે આ ગંદી હરક્ત પેલા માણસની છે જે તેને રોજ હેરાન કરતો હતો. સુનયનાએ અગાઉ તેને થયેલી તમામ પરેશાનીની વાત સહુને કરી દીધી હતી. પરંતુ સુનયનાના નામે બનેલી ફેસબુકના આધારે એના પતિ સસરાના ઘરના લોકલ લેન્ડલાઈન પર ગંદી માંગણીઓ કરતા ફોન આવવા લાગ્યા. કેટલાંક તો બીભત્સ વાતો કરતા હતા. નેટ પર કોઈ અજાણી વ્યક્તિએ બનાવેલી ફેસબુક પરથી નંબર લઈ કહેતાઃ ”અમે સુનયનાના દોસ્ત બનવા માંગીએ છીએ.” તપાસ કરતાં ખબર પડી કે કોઈએ સુનયનાના નામે ડમી- ખોટી ફેસબુક બનાવી હતી. આ બનાવથી ચોંકી જઈને સુનયના અને તેનો પતિ પોલીસ સ્ટેશન પર ગયા અને અગાઉ જે ફોનધારક સુનયનાને રસ્તામાં રોકી પરેશાન કરતો હતો તેની સામે વિસ્તૃત ફરિયાદ નોંધાવી. ટેલિવિઝન ચેનલોથી માંડીને સ્થાનિક અખબારોને પણ જાણ કરવામાં આવી. મુખ્યમંત્રીની કચેરીને પણ શિક્ષિકાએ પોતાની આપવીતી મોકલી આપી. મહિલા આયોગને પણ ફરિયાદ મોકલી આપી. ફોન ધારક અગાઉ જે નંબર પરથી ફોન કરતો હતો તે તમામ નંબરો પણ પોલીસને આપવામાં આવ્યા. જે જે લોકોએ બનાવટી ફેસબુકમાંથી ફોન નંબર લઈ સુનયનાના દોસ્ત બનવાની માગણી કરતા હતા તે તમામના નંબરો પણ પોલીસને આપવામાં આવ્યા. આરોપીની કોલ ડિટેઈલ્સ પણ આપવામાં આવી. સુનયના કહે છેઃ ”આરોપી રાજકીય વગ ધરાવે છે. હું ઈચ્છું છું કે આરોપીએ કરેલા ગુનાઓની કોઈ સાઈબર ક્રાઈમ નિષ્ણાત દ્વારા સચોટ તપાસ થાય અને તે કસૂરવાર પુરવાર થાય તો તેને તેનાં કર્મોની સજા મળે જેથી સમાજની નિર્દોષ બહેન-દીકરી સાથે ભવિષ્યમાં આવું કૃત્ય કોઈ ના કરે.”

નોંધનીય છે કે છેલ્લાં દોઢ વર્ષથી ગભરાયેલી શિક્ષિકા- સુનયના લીવ- વિધાઉટ- પેની રજા પર છે.આરોપી સામે આરોપનામું પણ હવે મૂકાઈ ગયું છે પરંતુ પીડિતા શિક્ષિકા તેની નોકરી સ્થળે જતાં પેલા મોબાઈલ ધારકથી હજુ પણ ફફડે છે. આશા છે કે સુનયનાને ન્યાય મળશે.

(નામ પરિવર્તિત છે)
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Previous

ચીન-રશિયા-પાક. વચ્ચેનું ખતરનાક ગઠબંધન (રેડ રોઝ)

Next

ભારતના નેતાઓમાં આવી સૌંદર્યાત્મક સૂઝ કેમ નહીં!

1 Comment

  1. kaushik patel

    ham bhi jante hai ki yah jo kuch bhi ho raha hai wo sab kuch galat ho raha hai

Leave a Reply

Powered by WordPress & Theme by Anders Norén