આજે શિવરાત્રિ નિમિત્તે પરમપિતા શિવને જાણો

આજે શિવરાત્રિ છે. વિશ્વની બધી જ મહાન વિભૂતિઓના જન્મોત્સવ પ્રાયઃ જન્મદિન તરીકે ઊજવવામાં આવે છે પરંતુ પરમાત્મા શિવની જયંતી જ એવી છે જેને જન્મોત્સવના બદલે શિવરાત્રિ કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે પરમાત્મા શિવ જન્મ મરણથી ન્યારા અથવા અયોનિ છે. તેમનો શારીરિક કે લૌકિક જન્મ નથી જેથી એમનો જન્મ દિવસ ઊજવવામાં આવતો નથી. તેમનું દિવ્ય અવતરણ વિષય અને વિકારોની કાલિમાથી લિપ્ત અજ્ઞાન નિદ્રામાં સૂતેલા માનવીને જગાડવા માટે થયું છે. શિવરાત્રિ ફાગણ માસના કૃષ્ણપક્ષની ચૌદશ – એટલે કે અમાવસ્યાના એક દિવસ પહેલાં મનાવવામાં આવે છે.

ફાગણ માસની ૧૪મી રાત્રિ ઘોર અંધકારની નિશાની છે. આ શિવરાત્રિ મનાવવાનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે શિવ ભગવાને કલ્પાંતના ઘોર અજ્ઞાનરૂપી અંધકારની રાત્રિએ પુરાણી સૃષ્ટિના વિનાશના થોડા સમય પહેલાં અવતરિત થઈને તમોગુણ અને પાપાચારનો વિનાશ કરી દુઃખ અને અશાંતિ દૂર કર્યાં હતાં.

પરમાત્મા શિવની પૂજા અને માહાત્મ્યને બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા આગવી રીતે સમજાવવામાં આવ્યું છે.

સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એમ ચારેય યુગોને મિલાવીને એક સૃષ્ટિ ચક્ર બને છે. આ ચક્રમાં મનુષ્ય જીવનનું ઉત્થાન અને પતનની પૂરી કહાણી એક રંગમંચ અને નાટક જેવી છે. જેમાં આ સૃષ્ટિમાં આવવાવાળા બધા મુષ્ય આત્માઓ પોતાના શારીરિક રૂપમાં અભિનય કરે છે. તેમાં શરૂઆતમાં શ્રેષ્ઠાચારી દુનિયા પણ છે, પરંતુ સૃષ્ટિના અંતમાં ભ્રષ્ટાચારી દુનિયા એટલે કે કળિયુગનો અંત આવે છે. એમ માનવામાં આવે છે કે આજે દરેક બાબતમાં તમોપ્રધાન દુનિયા એની ચરમસીમાએ છે. ગીતામાં દર્શાવાયેલા કળિયુગના અંતના લક્ષણથી પણ માનવી નિમ્ન સ્તરે પહોંચી ગયો છે. કેટલાક માને છે કે દુનિયાનો અંત નજીક છે અને પરમાત્માનું અવતરણ પણ થઈ ગયું છે.

બ્રહ્માકુમારીઝ સંસ્થાની આધ્યાત્મિક માન્યતા છે કે ભારત ૩૩ કરોડ દેવી-દેવતાઓનો દેશ છે પરંતુ એ બધાં દેવી-દેવતાઓ બનાવવાવાળા એક જ પરમ પિતા શિવ છે જેમની અનેક ધર્મો અને અનેક રૂપોમાં ભલે પૂજા થતી હોય પરંતુ તેનું કેન્દ્રબિંદુ શિવની પાસે જઈને જ સમાપ્ત થઈ જાય છે. શિવ દેવોના પણ દેવ છે. તેઓ ત્રિલોકનાથ અને ત્રિકાળદર્શી પણ છે. વિશ્વના બધા આત્માઓના પરમ પિતા શિવ જ છે. પરમાત્મા શિવ અજન્મા, અભોક્તા, જ્ઞાનના સાગર, પ્રેમના સાગર અને સુખના સાગર છે. તેમનું સ્વરૂપ જ્યોતિબિન્દુ છે. પરમાત્મા શિવ પરમધામના નિવાસી છે. શિવનો અર્થ જ કલ્યાણકારી થાય છે. પરમાત્મા શિવને બધા જ ગ્રંથો, પુરાણો અને પદોમાં સર્વોપરિ ઈશ્વર માનવામાં આવ્યા છે.

આ અધ્યાત્મ જ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે આ સુષ્ટિચક્રમાં ત્રણ લોક છે. પહેલું સ્થૂળ વતન, બીજું સૂક્ષ્મ વતન અને ત્રીજું પરમધામ. મનુષ્ય સ્થૂળ વતન એટલે કે સૃષ્ટિ લોકમાં વસે છે. સૃષ્ટિ આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વીથી બનેલી છે. તેને કર્મક્ષેત્ર પણ કહે છે. જેવું કર્મ તેવું ફળ. આ લોકમાં જન્મ અને મરણ પણ છે. આ સૃષ્ટિને વિરાટ નારીધામ પણ કહેવામાં આવે છે. આ સૃષ્ટિની દર ૫૦૦૦ વર્ષે હૂબહૂ પુનરાવૃત્તિ થાય છે. તે પછી સૂર્ય ચંદ્રથી પાર એક અતિ સૂક્ષ્મ (અવ્યક્ત ) લોક છે. તે સૂક્ષ્મ લોકમાં પહેલા શ્વેત રંગના પ્રકાશતત્ત્વમાં બ્રહ્માપુરી, તેની ઉપર સોનેરી રંગના પ્રકાશમાં વિષ્ણુપુરી અને તેની પેલે પાર મહાદેવ શંકરપુરી છે. આ દેવતાઓનાં શરીર, આભૂષણ, વસ્ત્ર વગેરે પાંચ તત્ત્વોમાંથી બનેલાં ના હોઈ દિવ્ય ચક્ષુ દ્વારા જ તેમનો સાક્ષાત્કાર થઈ શકે છે. આ પુરીઓમાં સંકલ્પ અને ગતિ તો છે પણ ધ્વનિ અને વાણી નથી. તેમાં દુઃખ, વિકારો કે મૃત્યુ નથી. ધર્મરાજપુરી પણ આ સૂક્ષ્મ લોકમાં છે. આ સૂક્ષ્મ લોકની ઉપર પણ એક અસીમિત રૂપથી ફેલાયેલું તેજ સોનેરી લાલ રંગનો પ્રકાશ ધરાવે છે. તેને અખંડ જ્યોતિ બ્રહ્મતત્ત્વ કહે છે. જ્યોતિર્બિન્દુ ત્રિમૂર્તિ પરમપિતા પરમાત્મા શિવ તથા બધા જ ધર્મોના આત્માઓ અવ્યક્ત વંશાવળીમાં આ લોકમાં જ વસે છે. તેને બ્રહ્મલોક, નિર્વાણધામ, મોક્ષધામ અથવા શિવપુરી કહે છે. અહીં આ લોકમાં ન તો સંકલ્પ છે કે ના તો કર્મ છે. અહીં ન તો કર્મ છે. અહીં ન તો સુખ છે કે ન તો દુઃખ, બસ એક અનોખી અવસ્થા જ છે.

આ લોકમાં અપવિત્ર કે કર્મબંધનવાળું શરીર હોતું નથી.

વર્તમાન સમય કળિયુગ એના અંતિમ ચરણમાં હોવાનું મનાય છે. આ આખોય કાળ, રાત્રિ અથવા તો મહારાત્રિ જ છે. આ સમયે બ્રહ્માકુમારીઝનો અધ્યાત્મ સંદેશો છે કે હવે પરમપિતા શિવ સંસારને પાવન અને સુખી કરવા ફરીથી પ્રજાપિતા બ્રહ્માના તનમાં અવતરિત થઈને સહજ રાજયોગ શિક્ષા આપી રહ્યા છે. હવે આપણું કર્તવ્ય છે કે તેમની આજ્ઞા અનુસાર આપણે બધા નૈષ્ઠિક,પવિત્રતા અને શુદ્ધતાનું પાલન કરીએ અને શિવને અર્પણ કરી સંસારની જ્ઞાનસેવા કરીએ.

એનું ફળ મુક્તિ અને જીવન મુક્તિની પ્રાપ્તિ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે શાસ્ત્રોમાં લખવામાં આવ્યાં છે તે કરતાં પણ નિમ્ન સ્તરનાં પાપકર્મો આજનો મનુષ્ય કરી રહ્યો છે. મંદિરોમાં જતો માણસ પણ કોઈ નોકરી માગે છે તો કોઈ સંતાન માગે છે. કોઈ તેના દુશ્મનની સમાપ્તિ માગે છે તો કોઈ બીજું જ વરદાન માંગે છે. બહુ ઓછા લોકો એવા છે કે જે મુક્તિ અને જીવન મુક્તિના આશીર્વાદ માગે છે.

કહેવાય છે કે પરમાત્મા શિવની પૂજા રામેશ્વરમ્ના રૂપમાં ભગવાન શ્રી રામે પણ કરી હતી. રાવણને પણ પોતાની જે શક્તિનું અભિમાન હતું તે શક્તિ તેણે શિવની તપસ્યા કરીને મેળવી હતી. તેથી રાવણને પ્રાપ્ત થયેલી શક્તિનો મુકાબલો કરવા શ્રીરામને પણ યુદ્ધમાં વિજય માટે શિવની આરાધના કરવી પડી હતી. એ જ રીતે મહાભારતના યુદ્ધ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં સ્વયં શ્રીકૃષ્ણએ પણ થાનેશ્વર – સર્વેશ્વરની સ્થાપના કરી પરમપિતા શિવની પૂજા અર્ચના કરી હતી. શ્રીકૃષ્ણએ પાંડવો પાસે પણ શિવની પૂજા કરાવી હતી. વેદ પુરાણોમાં પણ શિવના અવતરણની વાત કહેવામાં આવી છે. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે હું બ્રહ્માજીના સંસારમાંથી પ્રગટ થઈશ.

બ્રહ્માકુમારી અધ્યાત્મ વિદ્વાનોની માન્યતા અનુસાર શંકર હંમેશાં ધ્યાનની અવસ્થામાં બેઠેલા હોય છે. પરમપિતા શિવ શંકરના પણ રચયિતા છે. તેઓ આ શંકર દ્વારા આસુરી શક્તિનો વિનાશ કરાવે છે.

બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય લોકોને તેમનો સંદેશો આપતાં કહે છે કે પુરાણી પતીત દુનિયાના વિનાશ માટે મહાપ્રલયકારી અણુઆયુધોના ભંડાર તૈયાર થઈ ગયા છે. પ્રાકૃતિક શક્તિઓ પણ તેનું ઉગ્ર સ્વરૂપ દર્શાવી રહી છે. તાપમાનમાં વૃદ્ધિ, મોસમમાં પરિવર્તન, ભૂકંપ જેવી કુદરતી હોનારતો વધી રહી છે. આ બધું પુરાણી દુનિયાનો અંત નજીકમાં છે તેવો સ્પષ્ટ સંકેત છે. તેથી બધા જ મનુષ્ય આત્માઓને ર્હાિદક નિમંત્રણ છે કે વર્તમાન સંગમ યુગમાં નિરાકાર પરમાત્મા શિવ તથા સ્વયંને યથાર્થ રીતે ઓળખો અને ભવિષ્યમાં આવવાવાળી નવી સતયુગી દૈવી સંસ્કૃતિપ્રધાન દુનિયાના ઈશ્વરીય વારસાને પ્રાપ્ત કરો.