એનું નામ છે : જિના લોલોબ્રિગીડા.

એક જમાનાની ‘મોસ્ટ બ્યૂટીફૂલ વૂમન ઓફ ધી વર્લ્ડ’ તરીકે જાહેર થયેલી જિના લોલોબ્રિગીડા એક ઇટાલિયન ફિલ્મસ્ટાર છે. ૧૯૫૦ના ગાળામાં ‘ગોડેસ ઓફ સ્ક્રીન’ તરીકે પંકાયેલી જિના લોલોબ્રિગીડાની વય આજે ૮૫ વર્ષની છે. આ ઉંમરે પણ તેની સાથે તેના એક પૂર્વ બોયફ્રેન્ડે તેની જાણ બહાર જ તેની સાથે સિક્રેટ મેરેજ કરી લીધું હોવાની અજીબોગરીબ ઘટનાએ ઇટાલીથી માંડીને છેક હોલિવૂડમાં રસપ્રદ ચર્ચા જગાવી છે. જિના લોલોબ્રિગીડા હાલ ઇટાલીમાં સિસિલીના એક ભવ્ય ફાર્મહાઉસ, રોમના ‘વીપા એપિના એન્ટિકા’નામના વિલા અને મોન્ટેકાર્લોના એક ભવ્ય વિલામાં રહી તેનું સિક્રેટ જીવન પસાર કરે છે. એક દિવસ અચાનક જ તેને ખબર પડી કે,તેના પૂર્વ બોયફ્રેન્ડ જેવિયર રાફોલે તેની સાથે લગ્ન કરી લીધાનાં દસ્તાવેજો રજિસ્ટર કરાવી લીધા છે.

જેવિયર રાફોલ જિના લોલોબ્રિગીડાથી ૩૪ વર્ષ નાના છે અને સ્પેનિશ બિઝનેસમેન છે. જેવિયરની ઉંમર હાલ ૫૧ વર્ષની છે. જિના લોલોબ્રિગીડા કહે છે : “જેવિયર રિગાઉ રાફોલ એક જમાનામાં મારો મિત્ર હતો એ વાત સાચી, પરંતુ મેં તેની સાથે કદીયે લગ્ન કર્યાં નથી. અમે વર્ષો સુધી સાથે રહ્યાં છીએ અને કેટલાંયે વર્ષોથી છૂટાં પણ પડી ગયાં છીએ. જો જેવિયરે મારી સાથે લગ્ન ક્યાંય રજિસ્ટર કરાવ્યાં હોય તો તે મારી સાથે થયેલું ફ્રોડ-છળકપટ છે. મારી પરવાનગી વિના જ આમ થયું છે અને હું સમજું છું કે, મારા મૃત્યુ પછી જેવિયર મારી સંપત્તિનો માલિક-વારસદાર બની જાય તે હેતુથી જ તેણે આ ફ્રોડ કર્યું છે. જેવિયર સ્પેનિશ છે અને તે જ્યારે મારો બોયફ્રેન્ડ હતો ત્યારે મારા કેટલાક કાનૂની કેસોમાં તે મને મદદ કરતો હતો. મેં તેને પાવર ઓફ એટર્ની પણ આપી રાખ્યો હતો. એક વખત તેણે મને કેટલાંક ફોર્મ પર સહી કરવા કેટલાક કાગળો મને મોકલી આપ્યા હતા. એ ફોર્મ સ્પેનિશ ભાષામાં હતાં. હું સ્પેનિશ જાણતી નથી. એ ફોર્મ પર મેં સહીઓ કરી હતી, પણ મને ખબર નથી કે તેમાં શું હતું ? આ સમગ્ર કાવતરાની મેં તપાસ માગી છે.”

એક જમાનાની ખૂબસૂરત અભિનેત્રી સાથે તેની જાણ બહાર જ લગ્નનાં કાગળો ઊભાં કરવા માટે જિના લોલોબ્રિગીડાના પૂર્વ બોયફ્રેન્ડ જેવિયરે જિના લોલોબ્રિગીડા જેવી જ દેખાતી કોઈ સ્ત્રીનો ઉપયોગ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. મેડ્રિડ-સ્પેનમાં રહેતા એક સ્પેનિશ ધારાશાસ્ત્રીના જણાવ્યા અનુસાર “જેવિયરે અસલી જિના લોલોબ્રિગીડા સાથે બનાવટી લગ્ન કરવા માટે જિના જેવી દેખાતી કોઈ સ્ત્રીનો પૈસા આપી ઉપયોગ કર્યો હતો. લગ્નનાં કાગળો રજૂ કરવા એણે જિના લોલોબ્રિગીડાની કહેવાતી સહીવાળા અસલી કાગળો રજૂ કર્યા હતા. જેવિયર સ્પેનની હાઈ સોસાયટીમાં ફરતો-પાર્ટીઓમાં ઘૂમતો માણસ છે.”

કહેવાય છે કે, જિના લોલોબ્રિગીડા અને જેવિયરના મિત્રતાપૂર્ણ સંબંધો ૨૦ વર્ષ ટક્યા હતા. એક તબક્કે તે તેની સાથે લગ્ન કરવા પણ વિચારતી હતી, પરંતુ પાછળથી તેણે વિચાર બદલ્યો હતો અને એ સંબંધોનો ૨૦૦૬માં અંત આવી ગયો હતો.

જિના લોલોબ્રિગીડાનો જન્મ ઇટાલીના સુબિઅકો ખાતે થયો હતો. તેના પિતા એક ફર્નિચર મેન્યુફેક્ચરર હતા. એક નાનકડા ગામમાં તેનો ઉછેર થયો હતો. તેણે મોડેલિંગથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે પછી ઇટાલીમાં યોજાતી સૌંદર્ય સ્પર્ધાઓમાં તે ભાગ લેતી રહી. ૧૯૪૭માં તેણે ‘મિસ ઇટાલી’ સ્પર્ધામાં ભાગ લીધો પણ ત્રીજા નંબરે આવી. એ પછી એને ઇટાલિયન ફિલ્મોમાં કામ મળ્યું. ૧૯૪૯માં એણે મિલ્કો સ્કોફિડ નામના યુગોસ્લોવિયન સાથે લગ્ન કર્યાં. તેનાથી તે એક પુત્રની માતા બની. તેમનું આ લગ્નજીવન ૨૪ વર્ષ ટક્યું. તે પછી છૂટાછેડા થઈ ગયા. ૧૯૬૦ના ગાળામાં વિશ્વનું પ્રથમ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડો. ક્રિશ્ચિયન બર્નાડ સાથે પણ તેને એફેર હોવાની વાતો સંભળાતી હતી. તે પછી સ્પેનિશ બિઝનેસમેન જેવિયર રિગાઉ રાફોલના સંપર્કમાં આવી અને બેઉ એકબીજાના પ્રેમમાં પડી ગયાં. પૂરાં ૨૦ વર્ષ સુધી તેઓ એકબીજાના કંપેનિયન થઈને રહ્યાં.

૧૯૫૫માં જિના લોલોબ્રિગીડાની ફિલ્મ ‘બ્યૂટીફૂલ બટ ડેન્જરસ’ રજૂ થઈ અને એ ફિલ્મ પછી તે વિશ્વની સૌથી સુંદર સ્ત્રી તરીકે નામના પામી. એ ફિલ્મ બાદ જ જિનાને ‘લોલો’ એવું તખલ્લુસ આપવામાં આવ્યું. જિના ટિપિકલ ઇટાલિયન બ્યૂટી ધરાવતી હતી. માથામાં વાંકડિયા વાળની ખાસ સ્ટાઈલ માટે ઇટાલીમાં ‘લોલો’ શબ્દપ્રયોગ થાય છે. ૧૯૬૧માં હોલિવૂડના સુપ્રસિદ્ધ એક્ટર રોક હડસન સાથે તે ‘કમ સપ્ટેમ્બર’ નામની સુપરહિટ ફિલ્મમાં ચમકી. આ ફિલ્મે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મેળવ્યો. એણે યુલબ્રીનર સાથે’સોલોમન એન્ડ શીબા’ ફિલ્મમાં કામ કર્યું. તેણે ક્વિન શીબાનો રોલ કર્યો. એ જમાનાના મશહૂર કલાકારો ફ્રેન્ક સિનાત્રા, ટોની કર્ટીસ, બર્ટ લેન્કેસ્ટર અને બોબ હોપ સાથે પણ કામ કર્યું. જિના લોલોબ્રિગીડાએ ફાલ્કન ક્રેલ્ટા જેવી ટી.વી. સિરિયલમાં પણ કામ કર્યું.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે, ૧૯૭૦માં તેની ફિલ્મી કારકિર્દી મંદ પડી ત્યારે જિનાએ ફોટો જર્નાલિઝમ શરૂ કર્યું. એણે પોલ ન્યૂ મેન, સાલ્વાડોર ડાલી, હેન્રી કિસીંજર, ઓડ્રી હેપબર્ન અને એલા ફિટઝગેરાલ્ડની પણ એક્સક્લુઝિવ ફોટોગ્રાફી કરી. ક્યૂબાના સરમુખત્યાર ફિડલ કાસ્ટ્રોનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ લઈ એણે વિશ્વના અખબારજગતને સ્તબ્ધ કરી દીધું હતું.

જિના લોલોબ્રિગીડા ૧૯૯૭ પછી નિવૃત્ત જીવન ગાળે છે. રોમ અને મોન્ટેકાર્લોના તેના ભવ્ય વિલામાં કોઈનેય પ્રવેશ નથી. જિના લોલો ખુદ એક શિલ્પકાર છે. તેનું ઘર ભાતભાતનાં શિલ્પોનું સંગ્રહસ્થાન પણ છે. તેનાં ત્રણ પુસ્તકો જાણીતાં છે (૧) ‘ઇટાલિયન મિઆ’ કે જે તેણે લીધેલી ઇટાલીની તસવીરોનો સંગ્રહ છે. (૨) વન્ડર ઓફ ઇનોસન્સ : તે અન્ય ફોટોગ્રાફ્સનો સંગ્રહ છે (૩) ત્રીજું પુસ્તક ‘સ્કલ્પ્ચર ૨૦૦૩’ છે.

તે કહે છે : “લોકપ્રિયતાની એક ઊજળી બાજુ છે, તે ઘણાં દ્વાર ખોલી નાખે છે, પરંતુ બીજી વાસ્તવિકતા એ પણ છે કે, મને મારી લોકપ્રિયતા ગમતી નથી. લોકપ્રિયતા તમારી પ્રાઈવેટ લાઈફને સીમિત કરી દે છે. ‘૫૦ અને ‘૬૦ના વર્ષોમાં બનતી ફિલ્મો અને આજની ફિલ્મોમાં ઘણો ફરક છે.”

આવો ભવ્ય અને રોમાન્સસભર ભૂતકાળ ધરાવતી ઇટાલીની એક જમાનાની સૌંદર્ય સામ્રાજ્ઞાી હવે તેના પૂર્વ બોયફ્રેન્ડ જેવિયર સાથે બનાવટી લગ્નનું ફ્રોડ કરવા બદલ કોર્ટમાં જઈ રહી છે અને રોમની પોલીસ સમક્ષ ફરિયાદ પણ નોંધાવી દીધી છે. જિના કહે છે : “મારે ઘણા પ્રેમીઓ હતા. હજુ પણ છે. હું બહુ જ સ્પોઈલ્ડ લેડી છું. મારે ઘણા પ્રશંસકો પણ છે. અલબત્ત, મારે જે કરવું હોય તે હું કરું જ છું.”

યાદ રહે કે, જિના લોલોબ્રિગીડાની ઉંમર અત્યારે ૮૫ વર્ષની છે.

– દેવેન્દ્ર પટેલ