Devendra Patel

Journalist and Author

એક બાજુ ક્રિકેટ મેચ ને બીજી બાજુ શાકુન્તલમ્


એલ.ડી. આર્ટ્સ કોલેજ. ૧૪ નંબરનો વર્ગખંડ.

૧૫૦ વિદ્યાર્થીઓને સમાવી શકાય એવા વર્ગખંડમાં ૩૦૦થી ૪૦૦ બીજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ બેસી ગયા હતા. કેટલાક ઊભા રહ્યા હતા. કેટલાક બારીઓમાં બેઠા હતા અને વર્ગમાં બીજી ફેકલ્ટીઓના અને બીજી કોલેજના વિદ્યાર્થીઓ પણ પ્રવેશી ગયા હતા. એલ.ડી.ની નજીક જ માત્ર ૧૦૦ મીટર દૂર આવેલી કોમર્સ કોલેજમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની મેચ ચાલતી હતી, પરંતુટાંકણી પડે તો યે સંભળાય એટલી શાંતિવાળા ખંડમાં વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચ જોવાનું છોડીને એક અધ્યાપકને સાંભળી રહ્યા હતા. શ્રોતાઓ મંત્રમુગ્ધ હતા.

આ ૧૯૬૦ના દાયકાની વાત છે. ભણાવનાર અધ્યાપક હતા પ્રાધ્યાપક એ. જી. ભટ્ટ એમને બધા ભટ્ટસાહેબ તરીકે જ ઓળખતા. ભટ્ટસાહેબ મહાકવિ કાલિદાસનું શાકુન્તલમ્ ભણાવી રહ્યા હતા. સંસ્કૃતના એ અધ્યાપક હતા. જેઓ ભટ્ટસાહેબની પાસે ભણ્યા છે તેઓ પણ આજે વૃદ્ધ થઈ ગયા છે. કેટલાક તો હયાત પણ નથી. એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કહે છે કે, મહાકવિ કાલિદાસના સાહિત્યમાં શાકુન્તલમ્નું અધ્યાયન અને અધ્યાપન કરાવનાર તેમના જેવો કોઈ પ્રાધ્યાપક હજી થયો નથી કે થશે નહીં. ન ભૂતો ન ભવિષ્યતિ. ભટ્ટસાહેબનું આખું નામ અનુપરામ ગોવિંદરામ ભટ્ટ હતું,પરંતુ તેઓ પ્રો. એ. જી. ભટ્ટના નામે જ જાણીતા હતા. તેમનો જન્મ તા. ૨૨-૮-૧૯૧૩ના રોજ અમદાવાદમાં થયો હતો. અમદાવાદની પ્રોપરાયટરી હાઈસ્કૂલમાં તેઓ ભણ્યા હતા. ત્યાર બાદ રાયપુરની સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત ભણ્યા. ગુજરાત કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ ૧૯૩૩માં એમ.એ.માં સંસ્કૃત વ્યાકરણના વિષયમાં ડો. ભંડારકર પ્રાઈઝ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ એક વિરલ ગુજરાતી હતા. ૧૯૩૭માં આનંદશંકર ધ્રુવે તેમની નિમણૂક એલ.ડી. આર્ટ્સ કોલેજમાં કરી હતી. માત્ર ૧૮ વર્ષની ઉંમરે સંસ્કૃતની વકતૃત્વ સ્પર્ધામાં સતત અડધો કલાક પ્રવચન કરીને તેમણે વિદ્વાનોને પણ ચકિત કરી દીધા હતા.

તેઓ આઝાદી પહેલાં જન્મ્યા હતા અને આઝાદી પછી પણ ભણાવતા રહ્યા હતા. આછા બદામી રંગનો કોટ, સફેદ પેન્ટ, ટાઈ, કાળી ટોપી અને બુટથી સજ્જ ભટ્ટસાહેબે સતત ૩૭ વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું ત્યાં સુધીમાં એ એક જ એવા શિક્ષક હતા કે જેમને સાંભળવા વિદ્યાર્થીઓ બારીની બહાર પણ ઊભા રહેતા. વિજ્ઞાનની કોલેજના વિદ્યાર્થીઓને પણ તેમનું આકર્ષણ રહેતું. મા સરસ્વતી એમની જીભ પર રહેતાં. બીજી કોલેજના વિદ્યાર્થીઓ પણ ભટ્ટસાહેબના વર્ગખંડમાં આવીને બેસી જતા. કેટલાક તેમને શ્વેત વસ્ત્રોમાં રહેલા સર્વસંકલ્પ ત્યાગી, સંન્યાસી એવા સંત સમજતા. કેટલાક તેમને નચિકેતા જેવા ત્યાગી, જનક વિદેહી જેવા નિસ્પૃહ અને જીવનમાં નિષ્કામ જ્ઞાનયજ્ઞા ચરિતાર્થ કરનાર નિત્ય અધ્યાત્મયોગી તરીકે ઓળખતા.

એલ.ડી. આર્ટ્સ કોલેજમાં એ વખતે એમના સમકાલીન પ્રો. રામચંદ્ર આઠવલે, પ્રો. ફિરોઝ દાવર જેવા અંગ્રેજીના પ્રાધ્યાપકો હતા. ભટ્ટસાહેબના ગૌરવશાળી વિદ્યાર્થીઓમાં સંસ્કૃતના વિદ્વાનો તરીકે જેમની ગણના થાય છે તેવા ડો. ભગવતીપ્રસાદ પંડયા, વિષ્ણુદેવ પંડિત, એસ. વી. દેસાઈ, તપસ્વી નાન્દી, એમ. ડી. ભટ્ટ, સી. એલ. શાસ્ત્રી, સાહિત્યકારો કવિરાજ રાજેન્દ્ર શુક્લ, ઋષિરાજ અગ્નિહોત્રી, પ્રો. નિરંજન ભગત, એસ. આર. ભટ્ટ, ગૌતમ પટેલ, પ્રિયકાંત મણિયારથી માંડીને પ્રો. પી. જી. માવળંકર જેવાઓનો પણ સમાવેશ થાય છે.

સંસ્કૃતમાં મહાકવિ કાલિદાસ એક ચરમસીમા છે. કહેવાય છે કે, કાલિદાસે શાકુન્તલમ્ લખ્યા પછી બીજું કાંઈ પણ ના લખ્યું હોત તો પણ તેઓ મહાકવિ કહેવાત. કાલિદાસે આપેલી ઉપમાઓનો કોઈ જોટો નથી. કાલિદાસની ઉપમા વિશે ભટ્ટસાહેબને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, “કાલિદાસની ઉપમા ઘટાટોપ આમ્રવૃક્ષ પર છવાઈ ગયેલી આમ્રમંજરી જેવી છે. જ્યારે વાલ્મિકીની ઉપમા આમ્રવૃક્ષ પર છૂટીછવાઈ આમ્રમંજરી જેવી છે.”

કાલિદાસને તેઓ ભારતીય સંસ્કૃતિનું સમીકરણ કહેતા. તેઓ કહેતા : ‘શાકુન્તલમ્’ની રચનામાં દૈવનું પ્રાધાન્ય એ જ નાટકનો મુખ્ય ધ્વનિ છે. શકુન્તલા રાજા દુષ્યંતની પ્રેયસી બની, પત્ની બની, તિરસ્કૃત થઈ અને મહારાણી બની અને છેવટે સૂર્ય જેવા પુત્ર ભરતની માતા બની ‘દૈવ’ આધીન જ હતું. શકુન્તલાનો પુત્ર ભરત કે જેના નામ પરથી આજે આ દેશ ‘ભારત’ તરીકે ઓળખાયો- એ મહાકાવ્ય પર ભટ્ટસાહેબની મીમાંસા જેમણે સાંભળી છે તેઓ જિંદગીભર ભૂલી શકે તેમ નથી. તેઓ કહેતા : “કાલિદાસને માપવા માટે આજના વિવેચકોનો ગજ ટૂંકો પડે તેમ છે.” દર્શનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હોય તો જ શાકુન્તલ સમજી શકે. ભટ્ટસાહેબની ખૂબી એ હતી કે, વિદ્યાને તેઓ કદી વેચતા નહીં. વિદ્યાર્થીને ઘરે બોલાવીને ટયૂશન કરવાના બદલે કોલેજમાં વધારાના વર્ગો ગોઠવી, રજાના દિવસે વર્ગો ગોઠવી અભ્યાસક્રમ પૂર્ણ કરતા. શીખવતી વખતે સસ્તું મનોરંજન કે વિષયાંતરની વાત જ નહીં. તેઓ કહેતા : “અઘરામાં અઘરી વાતને સહેલી બનાવવી જોઈએ. સરળ વાતને અઘરી બનાવવાનો કોઈ અર્થ નથી.”

ભટ્ટસાહેબ મુંબઈ યુનિવર્સિટીનું ભંડારકર પ્રાઈઝ મેળવનાર એકમાત્ર ગુજરાતી હતા. એમના એક વિદ્યાર્થી ગૌતમ પટેલને અધ્યાપક તરીકે સેન્ટ ઝેવિયર્સમાં નિમણૂક મળી. તેઓ તેમના ગુરુ પાસે આશીર્વાદ લેવા ગયા. ભટ્ટસાહેબે કહ્યું : “જુઓ, ગૌતમ ! એક શિક્ષક અને બીજો ન્યાયાધીશનો વ્યવસાય એવો છે કે એમાં એ પોતે ધારે તો જ નીચો પડી શકે. બીજું તમારા અને તમારા વિદ્યાર્થી વચ્ચેનું અંતર તે તમારા વિષયનું જ્ઞાન. વિદ્યાર્થીને પ્રતીતિ થશે કે તમે તમારો વિષય સારી રીતે જાણો છો તો તે તમને માન આપશે, નહીં તો નહીં.. અને છેલ્લે જ્ઞાનનું પોટલું માથે લઈને ક્યારેય ફરશો નહીં. હું જ્ઞાની છું, મને બધું આવડે છે એવું અભિમાન ક્યારેય કરશો નહીં. આજીવન વિદ્યાર્થી રહેજો… જાવ – શુભમ્ ભવતુ.”

પ્રો. એ. જી. ભટ્ટ જ્યોતિષશાસ્ત્રના જાણકાર હતા. કહેવાય છે કે, તેમણે આ વિદ્યા વેચી હોત તો તેમના ઘરે ચાર-પાંચ ગાડીઓ ફરતી હોત. જ્યોતિષ તેઓ જાણતા હતા, પરંતુ જ્ઞાનનો વિનિયોગ તો મુક્તિ માટે જ હોય છે તેવું તેમનું દૃઢ મંતવ્ય હતું. તેઓ કથાકાર બન્યા હોત તો લાખોની મેદનીને મંત્રમુગ્ધ કરી મોરારિબાપુને ભૂલાવી દેત. ભટ્ટસાહેબ અમદાવાદમાં રાયપુરમાં હનુમાનવાળી પોળમાં રહેતા. સાંજે તેઓ હીંચકા પર બેઠા હોય અને એ સમયે સાક્ષરોનો મેળો જામે. પ્રો. નિરંજન ભગત, એસ. આર. ભટ્ટ, પ્રા. રણધીરભાઈ, પ્રા. બ્રહ્મા પણ હોય. એમનું નિવાસસ્થાન જ શિક્ષણનું સંસ્કારધામ હોય એવું લાગે. ભટ્ટસાહેબ બહારથી નિર્ભય એવા અંદરથી પ્રામાણિક હતા. રાયપુર-ખાડિયામાં વારેવારે તોફાનો થતાં હોઈ તેઓ મકાન વેચવા મિત્રોની સમજાવટથી સંમત થયા, પરંતુ શરત એ મૂકી કે, “હું રોકડા નહીં, ચેકથી જ પૈસા લઈશ.” કાળાં નાણાંના વિરોધી ભટ્ટસાહેબ પાસે મકાન લેવા લોકો બહુ આવે, પણ તેઓ રોકડા લેવાની ના પાડે. ચેકના આગ્રહના કારણે એ મકાન છેવટે સાવ સસ્તામાં ગયું. આર્િથક નુકસાન વેઠીને પણ તેમણે પ્રામાણિકતા જતી ના કરી.

પ્રસિદ્ધિ અને પ્રશંસા તેમને ગમતાં નહોતાં. એકવાર ભટ્ટસાહેબના પિતા પુત્રનું કોઈ સમારંભમાં પ્રવચન ગોઠવીને આવ્યા. પ્રો. એ. જી. ભટ્ટને જાણ થઈ એટલે એમણે કહ્યું : “બાપા મારે ભાષણ કરવા જવાનું નથી.”

પુત્ર ના માનતા છેવટે એમના પિતા ગોવિંદરામ ભટ્ટને માથે ફેંટો બાંધી ભાષણ કરવા જવું પડયું હતું. દિલ્હીમાં યોજાયેલા સન્માન સમારંભમાં જવાનું નકારીને તેમણે કહ્યું હતું કે, “આ પ્રકારના સન્માન સમારંભોથી મારામાં શું ફરક પડવાનો છે ?”

તેઓ કહેતા : “અભિમાન એટલે સૂરાપાન, ગૌરવ એટલે ઘોર રૌરવ અને પ્રતિષ્ઠા એટલે સૂકરી વિષ્ટા. ડાહ્યા માણસે અભિમાન,ગૌરવ અને પ્રતિષ્ઠાનો ત્યાગ કરવો જોઈએ. ઝેરી ભોજનની જેમ સન્માનથી પણ ડાહ્યા માણસે દૂર રહેવું જોઈએ.”

એમના વિદ્યાર્થીઓ પાછળથી અધ્યાપક કે લેખક બન્યા ત્યારે તેમનું પુસ્તક પ્રગટ થાય તો પુસ્તક પહેલાં ભટ્ટસાહેબના ચરણોમાં મૂકતા. ભટ્ટસાહેબે શરૂઆતમાં યુનિવર્સિટી માટે પરીક્ષક તરીકેનું કામ કર્યું હતું, પરંતુ જ્યાં સુધી તેઓ પ્રાશ્નિક રહ્યા ત્યાં સુધી તેમનું પ્રશ્નપત્ર સરળ રહેતું. તેઓ કહેતા હતા : “આપણે વિદ્યાર્થીઓના અજ્ઞાનની નહીં, પરંતુ જ્ઞાનની કસોટી કરવાની છે.”

વિદ્યાચ્યાંસાંગી હોવાના કારણે રાતના ૧૨ વાગ્યા સુધી લેખકો અને વિદ્વાનોથી તેમનું ઘર ઊભરાતું. કવિઓ, લેખકો તેમની કૃતિઓ ભટ્ટસાહેબ સમક્ષ રજૂ કરતા ગૌરવ અનુભવતા. ભટ્ટસાહેબ કદીક રમૂજી વાતો પણ કરતા. તેમણે એકવાર તેમના પિતા ગોવિંદરામ ભટ્ટનો પ્રસંગ કહ્યો હતો. એ વખતે એટલે કે આઝાદી પહેલાં અમદાવાદની પ્રોપરાયટરી હાઈસ્કૂલ (આજની દીવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ)માં ભટ્ટસાહેબના પિતા ગોવિંદરામ ભટ્ટ શિક્ષક હતા. એકવાર એક અંગ્રેજ શિક્ષણાધિકારી સંકુલમાં ઇન્સ્પેક્શન માટે આવ્યા. બધા શિક્ષકોએ તેમના પ્રશ્નોની રજૂઆત માટે ગોવિંદરામ ભટ્ટને કામ સોંપ્યું. અંગ્રેજ શિક્ષણાધિકારી તુંડમિજાજી હતો. ગોવિંદરામ ભટ્ટે અંગ્રેજ અધિકારી જે રૂમમાં બેઠા હતા તે રૂમમાં પ્રવેશતાં જ ગોવિંદરામ ભટ્ટે બે હાથ જોડી નમ્રતાથી બોલવાની શરૂઆત કરી : “સાહેબ, આપ દયાના સાગર છો.”

તેઓ કાંઈ આગળ બોલે તે પહેલાં પેલો રોફવાળો અંગ્રેજ અધિકારી બોલ્યો : “હું સાગર બાગર નથી.”

આ સાંભળીને સહેજ પણ વાર થંભ્યા વગર ગો
વિંદરામ ભટ્ટ બોલ્યા : “તો ખાબોચિયાને મારા નમસ્કાર.”

અંગ્રેજ અધિકારી સડક થઈ ગયો અને એણે તરત જ રૂઆબ છોડી દીધો. ભટ્ટસાહેબ કદીક આવી રમૂજી વાતો પણ સંભળાવતા. આવા ભટ્ટસાહેબે ૩૭ વર્ષ સુધી અધ્યાપક તરીકે સેવાઓ આપી નિવૃત્ત થયા અને તા. ૬-૧૧-૧૯૮૭ના રોજ ૭૫ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. તેમના મૃત્યુને આજે વર્ષો થયા, પરંતુ વિદ્વાન વિદ્યાર્થીઓની એક ગેલેક્સી ઊભી કરનાર ભટ્ટસાહેબને આજેય સાહિત્ય અને સંસ્કૃત ભાષાના પ્રેમીઓ યાદ કરે છે.

એક અધ્યાપક કેવો હોવો જોઈએ ? પ્રો. એ. જી. ભટ્ટ એક આદર્શ-ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

Previous

રાહુલ ગાંધી-Test of Poison?

Next

ખૂબસૂરત સ્ત્રીઓ સાથેનું ડેન્જરસ લાયેઝન

1 Comment

  1. Ketan Bhavsar

    ગુજરાત ટીચર્સ યુનિવર્સીટીનાં અભ્યાસક્રમમાં શિક્ષણ જગતના આવા મહાપુરુષોના પ્રેરક જીવન ચરિત્રોનો સમાવેશ થાય તેમ કરવા વિનંતી.
    આજનો લેખ વાંચીને ખુબ આનંદ થયો.આભાર…

Leave a Reply

Powered by WordPress & Theme by Anders Norén