કોંગ્રેસ પક્ષે જયપુરમાં યોજેલી ચિંતન શિબિરનું તમામ ચિંતન નબળી પડી રહેલી કોંગ્રેસના નવા નેતાની ખોજમાં લગાવી દીધું અને રાહુલ ગાંધીને પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ જાહેર કરી દીધા. અલબત્ત, રાહુલ ગાંધીને જાણે નંબર -૨ જાહેર કર્યા, પરંતુ હકીકતમાં પક્ષના નિર્ણયોમાં નંબર -૧ જેવા જ રહેશે. રાહુલ ગાંધી હવે પક્ષમાં કેટલી ઊર્જાનો સંચાર કરી શકશે એ તો આવનારો સમય જ કહેશે,પરંતુ હાલ તો ૧૨૭ વર્ષ પુરાણી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ ૪૩ વર્ષના યુવા નેતાના હાથમાં સોંપાઈ ગયું છે.

આમ જોવા જઈએ તો આ એક પ્રકારનું સોનિયા ગાંધી પાસેથી રાહુલ ગાંધી તરફ સત્તાનું હસ્તાંતરણ છે. રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી ૮ વર્ષ જૂની છે. હવે કોંગ્રેસ પાર્ટીમાં તેમનો અવાજ હુકમ બની જશે.

ટેસ્ટ ઓફ પોઇઝન

રાહુલ ગાંધીના વ્યક્તિત્વને સમજવા માટે ભારે માનસિક કવાયત કરવી પડે તેમ છે. ઘણા તેમને ‘રિલક્ટન્ટ લીડર’ અર્થાત્ અનિચ્છા ધરાવતા નેતા સમજે છે. કોંગ્રેસમાં નંબર -૨ નો હવાલો સંભાળતા પહેલાં તેમણે લાંબો સમય લીધો છે. શરમાળ પ્રકૃતિ ધરાવતા રાહુલ ગાંધી એ વાત સારી રીત સમજે છે કે કોંગ્રેસની કમાન હાથમાં લેવી તેનો મતલબ છે કે યુપીએની બહુમતી આવે તો વડાપ્રધાન પદની જવાબદારી પણ સંભાળવી અને વડાપ્રધાન બનવું એટલે સુરંગો પર ચાલવું. નહેરુ-ગાંધી પરિવાર ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને આતંકવાદીઓના હાથે ગુમાવી ચૂક્યાં છે અને તેથી જ કોંગ્રેસમાં નંબર -૨ નો હવાલો સોંપ્યા બાદ સોનિયા ગાંધી રાહુલ ગાંધીના ઓરડામાં ગયાં હતાં. ખુદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મારી મા ડરી ગયેલાં હતાં. મારા રૂમમાં આવીને રડવા લાગ્યાં હતાં. મારી મા અનુભવોથી જાણતાં હતાં કે સત્તા એક ઝેર છે. મારાં દાદી જે સુરક્ષા કર્મચારીઓ સાથે બેડમિંટન રમતાં હતાં તે લોકોએ જ મારાં દાદીને મારી નાંખ્યાં.’

સોનિયા ગાંધી જાણે છે કે અમેરિકાના કેનેડી પરિવાર અને પાકિસ્તાનના ભુટ્ટો પરિવારની જેમ ભારતના નહેરુ-ગાંધી પરિવાર પર એક અભિશાપ છે અને એ ડરથી જ રાહુલ ગાંધી એક ‘રિલક્ટન્ટ લીડર’ રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે રાહુલ ગાંધી ઓછું બોલે છે, પરંતુ સત્તા માટે વલખાં મારતાં હોય એવું ક્યારેય દેખાયું નથી. જલદી વડાપ્રધાન બની જવાની મહત્ત્વાકાંક્ષા કદીયે દેખાઈ નથી. આખી કોંગ્રેસ ઇચ્છતી હતી કે રાહુલ ગાંધી જલદી જવાબદારી સંભાળી લે, પણ રાહુલ ગાંધી એ બધાને લાંબો ઇંતજાર કરાવ્યા પછી કોઈ એક ચોક્કસ નિર્ણય પર આવ્યા છે. રાહુલ ગાંધીએ ઇચ્છયું હોત તો તેઓ યુપીએ-૨ સરકારમાં જ વડાપ્રધાન બની શક્યા હોત અને સોનિયા ગાંધી ચાહતાં હોત તો

યુપીએ-૧ સરકારમાં તેઓ ખુદ વડાપ્રધાન બની શક્યાં હોત. સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદની ખુરશી ઠુકરાવીને સત્તા માટે વલખાં મારતાં એલ. કે. અડવાણીથી માંડીને વિપક્ષોના અનેક આગેવાનોને ચૂપ કરી દીધા હતા. રાહુલ ગાંધીએ પણ ડો. મનમોહનસિંહની સરકારમાં મંત્રી બનવાનો ઇન્કાર કરીને એ પરંપરા જાળવી રાખી છે, પરંતુ કોંગ્રેસના ભારે દબાણ બાદ તેઓ હવે ઝૂક્યા છે, પણ એ વાત મનમાં બરાબર સમજી લઈને કે સત્તા એ ઝેર છે. આવી કડવી વાસ્તવિકતા આ દેશના બીજા નેતાઓ કદી ઉચ્ચારી શકશે નહીં. વિપક્ષી નેતાઓના મોંમાંથી સત્તાની મધલાળ ટપકે છે ત્યારે સત્તાને ઝેર કહેવું એ ઇતિહાસનાં દુઃસ્વપ્નોની યાદ તાજી કરાવે છે.

રાહુલ સામે પડકારો

રાહુલ ગાંધીની સૌથી મોટી કસોટી ૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ હશે. તેમની સામે જે પડકારો છે તેમાં ભ્રષ્ટાચાર,મોંઘવારી, ફુગાવો, પેટ્રોલ, ડીઝલ અને રસોઈગેસના ભાવ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, બેરોજગારી મુખ્ય છે. દેશનું પાટનગર દિલ્હી સૌથી વધુ અસલામત છે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસની પરંપરાગત વોટબેંક દલિતો, ગરીબો, શ્રમજીવીઓ, પછાત વર્ગો, આદિવાસીઓ અને લઘુમતી કોમ છે. આ વોટબેંકોમાં માયાવતી, મુલાયમ, લાલુ યાદવ, નીતીશકુમાર જેવા નેતાઓ ભાગ પડાવી રહ્યા છે. દેશનો મધ્યમવર્ગ ભાજપા સાથે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્યમવર્ગે જ નરેન્દ્ર મોદીના હાથમાં ફરી સત્તા સોંપી છે. કોંગ્રેસે મધ્યમવર્ગને રાજી કરવા નવેસરથી વિચારવું પડશે. અલબત્ત, રાહુલ ગાંધીની પ્રોટેક્નોલોજી અને ઉદારીકરણની નીતિવાળી ઇમેજ તેમને મધ્યમવર્ગમાં સ્વીકાર્યતા અપાવી શકે છે, પરંતુ તેમના સલાહકારોએ માત્ર કમ્પ્યુટરની સ્ક્રીન સામે બેસી વ્યૂહરચના નક્કી કરવાના બદલે કેટલી ભૂમિગત વાસ્તવિકતાઓનો અભ્યાસ કરવો પડશે.

પ્લસ પોઇન્ટ

રાહુલ ગાંધીના પ્લસ પોઇન્ટ્સનો વિચાર કરવો હોય તો એમ કહી શકાય કે તેઓ યુવાન છે. તે તેમનો પ્લસ પોઇન્ટ છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળ બે ટર્મથી યુપીએ સત્તા પર હોવા છતાં રાહુલ ગાંધીની છબિ પર કોઈ ડાઘ નથી. તેમને સત્તાની ગલીયારોની રાજનીતિ કરતાં પક્ષના સંગઠનમાં વધુ રસ છે. તેમણે પહેલી જ વાર યુવક કોંગ્રેસમાં લોકશાહી સ્થાપિત કરી અને સંગઠનમાં ચૂંટણીઓ લાવ્યા. રાહુલ ગાંધી ચીલાચાલુ પરંપરા કરતાં દરેક બાબતમાં પરિવર્તનની તરફેણ કરે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીતની શક્યતાઓ નહિવત્ છે તે વાત જાણતા હોવા છતાં તેમણે પૂરી તાકાતથી શરમાયા વગર સામનો કર્યો અને એક ફાઇટર તરીકે કાર્ય કર્યું. રાહુલ ગાંધીનો બીજો એક પ્લસ પોઇન્ટ કોઈને ગમે કે ના ગમે પણ તેઓ ગાંધી – નહેરુ પરિવારના વારસ છે તે પણ છે. દેશમાં એક એવો મોટો વર્ગ છે કે જે હજુ પણ નહેરુ અને ઇન્દિરા ગાંધીના પરિવારનો ચાહક છે.

માઇનસ પોઇન્ટ

નહેરુ-ગાંધી પરિવારના વારસ હોવું તે જે રીતે પ્લસ પોઇન્ટ છે તે રીતે વિરોધ પક્ષ તેમના પર વંશવાદનો આરોપ મૂકી તેમની વિરુદ્ધ પ્રચાર અભિયાન ચલાવી શકે છે. તેમનો બીજો માઇનસ પોઇન્ટ એ છે કે તેઓ રિલક્ટન્ટ લીડર કહેવાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે બોલવામાં આકરા છે, પણ પ્રકૃતિથી શરમાળ છે. તેઓ કોઈ પણ બાબત કે સમસ્યા પર જલદી તેમના વિચારો પ્રગટ કરતા નથી. જલદી નેતૃત્વ લેતા નથી. અણ્ણા હજારેના લોકપાલ બિલના આંદોલન વખતે તેઓ માત્ર એક જ વાર લોકસભામાં બોલ્યા, તે પછી તેઓ મૌન થઈ ગયા. તે વખતે તેમણે પહેલી તક ગુમાવી ત્યાર પછી દિલ્હીમાં પેરામેડિકલની એક વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો અને એ વખતે આખા દેશમાં સ્વયંભૂ જનાક્રોશ ફાટી નીકળ્યો ત્યારે પણ તેઓ મૌન રહ્યા. દેશના વડાપ્રધાન પદના ઉમેદવાર ગેંગરેપ સામે કેવો કાનૂન લાવવા માંગે છે તે જાણવામાં આખા દેશને રસ હતો. લોકજુવાળનું તેમણે નેતૃત્વ લેવાની જરૂર હતી. તેઓ પીડિત પરિવારોના હમદર્દ બનીને બહાર આવી હીરો બની જાત, પણ એ તક પણ તેમણે ગુમાવી દીધી. હજુ તેમની પાસે એક વર્ષ છે. રાહુલ ગાંધીએ તેમની શરમાળ પ્રકૃતિમાંથી બહાર આવવું પડશે. રાહુલ ગાંધીનો ત્રીજો માઇનસ પોઇન્ટ એ છે કે તેઓ જબરદસ્ત અને કુશળ વક્તા નથી. અત્યારે લોકો શ્રેષ્ઠ વક્તાને શ્રેષ્ઠ લીડર માની લે છે. અલબત્ત,બધા જ કેસોમાં એ સાચું નથી. દા.ત., જવાહરલાલ નહેરુ લાખો લોકોને મંત્રમુગ્ધ કરી દેનાર શ્રેષ્ઠ વક્તા હતા ઇન્દિરા ગાંધી મોટા ગજાના વક્તા નહોતાં, પણ તેમના લોકોના રાષ્ટ્રીયકરણ, રાજાઓના સાલિયાણાંની નાબૂદી અને પાકિસ્તાન સામેના યુદ્ધથી માંડીને પ્રાદ્યોગિક, અણુધડાકો કરવાના નિર્ણયોથી લોકપ્રિય હતાં. રાજીવ ગાંધી પણ શ્રેષ્ઠ વક્તા નહોતા, પરંતુ તેમની સાદગી, સરળતા, મોહક વ્યક્તિત્વ અને સ્વચ્છ ઇમેજના કારણે લોકપ્રિય હતા. રાહુલ ગાંધીએ આ બધામાંથી કાંઈક પસંદ કરવું પડશે.

ઓપોર્ચ્યુનિટીઝ

રાહુલ ગાંધી પાસે બાજી જીતવાની તકો પણ છે. એક તો તેમની સામે જે વિરોધ પક્ષ છે તે વિભાજિત છે. દા.ત., બિહારમાં એન.ડી.એ.ના સહયોગી નીતીશકુમારને ભાજપાથી નારાજ થવાનાં કારણો છે. રાહુલ ગાંધી માટે એક તક એ છે કે ભાજપાની સાંપ્રદાયિક નીતિ સામે બિન સાંપ્રદાયિક ગઠબંધનમાં તેમની સાથે રહી શકે છે. દા.ત., ૨૦૧૪ની ચૂંટણીઓમાં ભાજપાને સત્તા પર આવતું રોકવા માટે લાલુ, મુલાયમ, માયાવતી, નીતીશકુમારથી માંડીને ડાબેરીઓ પણ કોંગ્રેસને સાથ આપી શકે છે. એ જ રીતે આર્થિક નીતિઓમાં ઉદારીકરણના કારણે શેરબજાર ખુશ છે. તેનો લાભ પણ તેમને મળી શકે છે.

કેટલાંક જોખમો

રાહુલ ગાંધી સામેનો સૌથી મોટો ખતરો નરેન્દ્ર મોદી હશે. ૨૦૧૪ની ચૂંટણીઓમાં રાહુલ ગાંધીએ ભાજપાના ભાવિ વડાપ્રધાન તરીકેના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે લડવાનું હશે. નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અને પ્રહારમાં આક્રમક છે. અલબત્ત, યુપી અને બિહાર જેવાં રાજ્યોમાં કે જ્યાં મુસ્લિમોની વસ્તી ઘણી મોટી છે ત્યાં નરેન્દ્ર મોદીની કટ્ટર હિન્દુત્વની છબિ ભાજપાને ફાયદો કરાવશે કે વિપક્ષોને તે અત્યારથી કહેવું મુશ્કેલ છે.

મોદીનો હાઈટેક પ્રચાર અને થ્રીડી ટેક્નોલોજી દ્વારા થનારો પ્રચાર વધુ આક્રમક અને પ્રોફેશનલ હશે. એ જ રીતે બે ટર્મથી યુપીએ સરકાર કેન્દ્રમાં સત્તા પર છે, તેથી એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટર પણ રાહુલ ગાંધી માટે એક ખતરો સાબિત થઈ શકે છે. ખેર, એ જે હોય તે, પરંતુ રાહુલ ગાંધીને હવે નંબર-૨ ના નામે ૨૦૧૪ની ચૂંટણીઓનું જે રીતે નેતૃત્વ સોંપવામાં આવી રહ્યું છે તે જોતાં કોંગ્રેસ પાર્ટીમાં તો ઉત્સાહનો સંચાર થયો જ છે. રાહુલ ગાંધીએ જે રીતે ભાવુક થઈને જયપુરમાં પ્રવચન કર્યું તે ઘણાંને સ્પર્શી ગયું. પક્ષમાં અને લોકોમાં જગાવેલી આ ભાવનાઓ ૨૦૧૪માં કેટલી કારગત નીવડે છે તે આવનારો સમય જ કહેશે.