ઈતિહાસમાં દરબારી નર્તકી મસ્તાની અને બાજીરાવ પેશવાની પ્રણય કથા હૃદયંગમ છે.

બાજીરાવ એક પ્રભાવશાળી અને તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા શિવાજી પછીની મહત્ત્વપૂર્ણ પ્રતિભા હતા. તેઓ એક શક્તિશાળી યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞા પણ હતા. હૃદયથી કોમળ અને ઉદાર પણ હતા. કથાની શરૂઆત છત્રસાલથી શરૂ થાય છે. છત્રસાલ એક બહાદુર નેતા હતા. ઔરંગઝેબ જ્યારે હિંદુ મંદિરો તોડતો હતો ત્યારે હિંદુ ધર્મ અને બુંદેલોની રક્ષા માટે લોકોએ છત્રસાલને રાજાના સ્વરૂપમાં સ્વીકાર કર્યો. એ કારણે છત્રસાલ મોગલોનો મોટો શત્રુ બની ગયો. મોગલો સાથે સંઘર્ષ દરમિયાન તે જ્યારે મુશ્કેલીમાં આવી ગયો ત્યારે એણેે બાજીરાવ પેશવાની મદદ માંગી. બાજીરાવની સમયસરની મદદના કારણે છત્રસાલ વિજયી થયો અને મોગલોએ ભાગવું પડયું.

બાજીરાવના આ ઉપકારનો બદલો વાળવા છત્રસાલે એક ખૂબસૂરત દરબારી પ્રિન્સેસ કે જે એક ઉત્કૃષ્ટ નર્તકી પણ હતી તે બાજીરાવને ભેટ ધરી. એનું નામ મસ્તાની હતું. તે અત્યંત સ્વરૂપવાન અને ગુણિયલ પણ હતી. તે હિન્દુ પિતા તથા મુસલમાન માતાનું સંતાન હતી. નૃત્ય અને સંગીત ઉપરાંત તેનામાં અન્ય દુર્લભ ખૂબીઓ હતી. શિષ્ટાચારમાં એટલી કુશળ હતી કે કોઈ પણ પુરુષ તેનો દાસ બની જતો. સદ્નસીબે તે બાજીરાવ પેશવાના પ્રેમની આરાધ્ય દેવી બની ગઈ. બાજીરાવ પેશવા તેના પ્રેમપાશમાં બંધાઈ ગયા.

બાજીરાવ મસ્તાનીના પ્રેમમાં એટલા બધા ડૂબી ગયા કે, હવે રાજ્યના કારોબારમાં તેમનું મન જ લાગતું નહોતું. તેઓ મસ્તાનીના સાનિધ્યમાં એશ-આરામમાં જ ડૂબેલા રહેવા લાગ્યા. લોકોને પણ આ વાતનો હવે ખ્યાલ આવી ગયો. મસ્તાની પ્રત્યેની તેમની આસક્તિના કારમે તેમનો યશ-કીર્તિ પણ ધૂમિલ થવા લાગી. મસ્તાનીની વેશભૂષા વાતચીત અને રહેણીકરણી હિંદુ સ્ત્રી જેવી હતી અને એક પતિ-ભક્ત સ્ત્રીની જેમ તે બાજીરાવની સેવા કરતી.

બાજીરાવ અગાઉથી જ પરિણીત હતા. તેમની વિવાહિત પત્ની કાશીબાઈ એક સમજદાર સ્ત્રી હતાં. તેમણે મસ્તાની સાથે દ્વેષ કરવાના બદલે સખી જેવો વ્યવહાર રાખ્યો. તેમની એક માત્ર ઈચ્છા બાજીરાવને ખુશ રાખવાની હતી. પતિની ખુશી માટે એણે મસ્તાની સાથે એક બહેન જેવો સંબંધ રાખ્યો. કેટલાક સમય બાદ કાશીબાઈ અને મસ્તાની એ બંનેને બાજીરાવથી પુત્રરત્ન પેદા થયા. કાશીબાઈના પુત્રનું નામ રાઘોબા અને મસ્તાનીના પુત્રનું નામ શમશેર બહાદુર રાખવામાં આવ્યું. શરૂઆતમાં તો બધું ઠીક રહ્યું, પરંતુ પાછળથી કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ. રાઘોબાનો ઉપનયન સંસ્કાર થયો, પરંતુ શમશેર બહાદુરને એ અધિકારથી વંચિત રાખવામાં આવ્યો. બાજીરાવને પણ આ ના ગમ્યું. તેમણે ક્રોધ કરી પંડિતો અને બ્રાહ્મણોને સખ્ત ઠપકો આપ્યો. પરંતુ હિંદુ ધર્મના ઠેકેદારો ટસથી મસ ના થયા અને શમશેર બહાદુરને હિંદુ સંસ્કાર વિધિથી વંચિત રહેવું પડયું.

આ ઘટનાની બાજીરાવના દિલોદિમાગ પર ભારે અસર થઈ. તેઓ ફરી એકવાર રાજકાજમાં અરુચિ રાખવા લાગ્યા. એકવાર દુશ્મનો નજીક આવી ગયાના સમાચાર મળ્યા છતાં તેમણે યુદ્ધમાં જવા ઈન્કાર કરી દીધો. મંત્રીઓે અને દરબારીઓએ વિચાર્યું કે આ બધી શિથિલતાઓનું કારણ એકમાત્ર મસ્તાની જ છે. એનાથી બાજીરાવને છુટકારો અપાવવા યોજનાઓ વિચારવામાં આવી.

બાજીરાવને સમજાવીને યુદ્ધમાં મોકલવામાં આવ્યા. પૂનાની મધ્યમાં એક કિલ્લો હતો જે તૂટેલો- ફૂટેલો હતો. મંત્રીઓ બાજીરાવ અને મસ્તાનીને અલગ કરવાના પ્રયત્નમાં અસફળ રહ્યા, ત્યારે તેમણે બાજીરાવની ગેરહાજરીમાં મસ્તાનીનું અપહરણ કરી પૂનાના આ કિલ્લામાં કેદ કરી દીધી. મંત્રીઓએ અને લોકોએ આ પગલું રાજ્યના હિતમાં લીધું હતું, પરંતુ તેની અસર પ્રેમી-યુગલ પર પડી. યુદ્ધમાં વિજયી થઈ બાજીરાવ પાછા આવ્યા ત્યારે તેમણે મસ્તાનીને ના જોઈ. તપાસ કરતા બાજીરાવને ખબર પડી ગઈ કે મસ્તાનીને તેમની ગેરહાજરીમાં હરણ કરી અન્યત્ર કેદ કરવામાં આવી છે. આ જાણ થતાં જ બાજીરાવ બીમાર પડી ગયા.

બાજીરાવ હવે પથારીવશ હતા, પરંતુ ધર્મના રક્ષકોને તેમની હાલતની પણ કોઈ ચિંતા નહોતી. એથી ઊલટું તેમનો ઈલાજ કરાવવાના બહાને દૂરના કોઈ એકાંત સ્થળે લઈ ગયા. બાજીરાવની હાલત હવે વધુ ને વધુ બગડવા લાગી. પતિના કથળેલા સ્વાસ્થ્યની ખબર પડતાં જ તેમની પત્ની કાશીબાઈ બાજીરાવ પાસે ગઈ. પતિની હાલત જોઈ તે વિક્ષુબ્ધ થઈ ગઈ. બાજીરાવ અર્ધબેહોશ હતા. પથારીમાંથી ઊભા થઈ શકે તેમ નહોતા. કાંઈક બોલ બોલ કરતા હતા. તેમણે સંપૂર્ણ ભાન નહોતું. તંદ્રાવસ્થામાં તેઓ કાશીબાઈને મસ્તાની સમજી બેઠા. કાશીબાઈને’મસ્તાની’ કહી બોલાવવા લાગ્યા.

કાશીબાઈ પણ દુઃખી થઈ ગયાં. તે સમજી ગયાં કે આ હાલતમાં પણ તેમના હૃદયમાં મસ્તાની જ વસેલી છે. તેમનું હૃદય ચીરચીર થઈ ગયું. તેમને ખ્યાલ આવી ગયો કે મસ્તાનીના વિરહમાં જ પતિની આવી હાલત થઈ છે, પરંતુ હવે પરિસ્થિતિ ગંભીર હતી. તે લાચાર હતી. તે કાંઈ કરી શકે તેમ નહોતી. પ્રેયસીના વિરહનો આઘાત એટલો ઊંડો હતો કે બાજીરાવે ‘મસ્તાની’ની યાદમાં જ કાયમ માટે આંખો મીંચી દીધી. અલબત્ત, બધી જ વેદના સહન કરીને પણ પત્ની કાશીબાઈ અંતિમ શ્વાસ સુધી પતિની સેવા કરતી રહી. એ વખતે એમનો પુત્ર પણ એમની સાથે હતો. પતિના અંતિમ સંસ્કાર કરી કાશીબાઈ લાંબી તીર્થયાત્રા પર ચાલી ગયાં. આ તરફ પૂનાના કિલ્લામાં કેદ મસ્તાનીની હાલત પણ એટલી જ ખરાબ હતી. બાજીરાવની ગંભીર હાલતના સમાચાર જાણ્યા હતા તે દિવસથી જ તે કેદખાનામાંથી ભાગીને બાજીરાવ પાસે પહોંચી જવા માગતી હતી જેથી તે તેના પ્રિયતમને બીમારીમાં મદદ કરી શકે. એણે એના પહેરેદારને ફોડી નાંખ્યા. બહાર નીકળ્યા બાદ ખૂબ ધન આપવાનો વાયદો કરી એણે એક તેજ ઘોડો પ્રાપ્ત કરી લીધો. એ છલાંગ મારી ઘોડા પર સવાર થઈ ગઈ. એ માહિતીના આધારે બાજીરાવને જે એકાંત સ્થળે રાખ્યા હતા ત્યાં પહોંચી ગઈ પરંતુ ત્યાં પહોંચતાં જ ખબર પડી કે તે ત્યાં પહોંચે તે પહેલાં જ બાજીરાવનો સ્વર્ગવાસ થઈ ચૂક્યો હતો.

બાજીરાવને અંત સમયમાં ચિકંદના જંગલોમાં રાખવામાં આવ્યા હતા. ચિકંદના જંગલમાં જ પ્રિયતમના મૃત્યુના સમાચાર સાંભળી મસ્તાની ભાંગી પડી. તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી, પણ એનું રુદન સાંભળનારું કોઈ જ નહોતું. તે પ્રિયતમના વિરહથી આમેય અશક્ત થઈ ગઈ હતી. વળી લાંબી યાત્રાના કારણે જબરદસ્ત થાકી ગઈ હતી. પ્રિયતમના મોતનો આઘાત તે સહન ના કરી શકી અને જંગલમાં જ ભોંય પટકાઈ. થોડી જ વારમાં તે ત્યાં જ મૃત્યુ પામી અને આ રીતે બાજીરાવ અને મસ્તાનીની અનુપમ પ્રણય કથાનો અંત આવી ગયો. મસ્તાનીના મૃતદેહને પૂનાથી ૨૦ માઈલ પૂર્વ તરફ પાપલ નામના એક ગામ ખાતે લાવવામાં આવ્યો. અહીં તેને દફનાવવામાં આવી. આ સ્થળે બનેલી એક નાનકડી મજાર અહીંથી આવતાજતા લોકોને મસ્તાનીની યાદ અપાવતી રહે છે.

તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ની કથા અને આ કથા વચ્ચે કેટલોક તફાવત હોઈ શકે છે. બાજીરાવ અને મસ્તાની અંગે એક બીજી પણ કથા છે. બાજીરાવના એક વંશજના ખ્યાલ મુજબ ઈ.સ. ૧૭૨૭થી ૧૭૨૯ દરમિયાન એક મોગલ સેનાપતિએ મહારાજા છત્રસાલ પર હુમલો કરી દીધો હતો. મહારાજા છત્રસાલ હારી જાય તેવી સ્થિતિમાં આવી જતાં તેમણે બાજીરાવની મદદ માગી હતી. સંદેશો મળતા જ બાજીરાવ બુંદેલની લાજ રાખવા છત્રસાલને મદદ કરવા પહોંચી ગયા હતા. આ યુદ્ધ વખતે જ યુદ્ધ મેદાનમાં જ બાજીરાવ અને મસ્તાની વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી જે પાછળથી પ્રેમમાં પરિર્વિતત થઈ હતી. મસ્તાની યુદ્ધકળામાં નિષ્ણાત હતી અને શ્રેષ્ઠ તલવારબાજીમાં નિપૂણ હતી. મસ્તાનીની આ તલવારબાજી જોઈ બાજીરાવ મસ્તાનીના પ્રેમમાં પડી ગયા હતા. મરાઠા સામ્રાજ્ય અંગે બાજીરાવ પેશવાની સાતમી પેઢીના વંશજે લખેલા પુસ્તકમાં ઉપરોક્ત ઉલ્લેખ છે. એ પ્રેમકથા ક્યાંથી શરૂ થઈ એ કરતાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે, બાજીરાવ પેશવા મહાન પ્રેમી, મહાન યોદ્ધા અને મહાન શાસક હતા.

બાજીરાવ પેશ્વા એક યોદ્ધા હતા. ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મમાં તેમને તે રીતે જાહેરમાં નાચતા બતાવવામાં આવ્યા છે તે વિચિત્ર લાગે છે. ચિત્રમાં બાજીરાવનાં પત્ની કાશીબાઈના પાત્રને પણ પૂરો ન્યાય મળ્યો નથી એમ ઘણાને લાગે છે. ફિલ્મ નિર્માતાએ મરાઠા ઇતિહાસને વિકૃત રીતે રજૂ કર્યો હોવાનું પણ કેટલાકને લાગે છે. ફિલ્મનું ‘પિંગા પિંગા’ ગીત પણ મરાઠી અસ્મિતાને બંધ બેસતું નથી. કેટલાકને આ ફિલ્મ પેશવા બાજીરાવ જેવી પ્રતિભા માટે અપમાજનક લાગે છે.

– દેવેન્દ્ર પટેલ