અલ્યા, તું કાગડો, ને આવી રૂપાળી ભાભી ક્યાંથી લાવ્યો‘એનું નામ માહી હતું. એ મારી પત્ની હતી. હું તેને બહુ જ ચાહતો હતો. ચંદન જેવું લીસું શરીર અને કમનીય કાયા.’

 વ્યારા વિસ્તારના એક ગામમાં રહેતા અમર નામના એક શિક્ષક તેમના જીવવની આપવીતીની વાત આ રીતે શરૂ કરે છે. તેઓ કહે છેઃ ”હું માહીને પરણીને ગામમાં લઈ આવ્યો ત્યારે આખું ગામ માહીને જોવા હિલોળે ચડયું હતું.” મારા મિત્રોએ મજાક કરી હતી કે ” અલ્યા, અમરા, તું કાગડો, આ દહીંથરું ક્યાંથી લઈ આવ્યો? આ રૂપાળી ભાભી ક્યાં અને તું ક્યાં?”

આખા ગામના લોકો મારી ઈર્ષા કરતા. માહીને પરણીને લાવ્યા બાદ મારા ભાઈબંધો પણ વધી ગયા હતા. મોડી રાત સુધી મારા ઘેર બેસી રહેતા. કોઈ ને કોઈ રીતે મારી પત્ની સાથે વાતો કરતા રહેતા.

વાત જાણે કે એમ હતી કે , ‘અમારા ઘરની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી એટલે અમારા ઘરમાં દીકરી નાખતાં સગો સો વાર વિચાર કરે. અને બીજી બાજુ સમાજમાં કન્યાઓની અછત. સમાજમાં સાટા પદ્ધતિ હતી. ૨૮ વર્ષ વીતવા છતાં મારું સગપણ થઈ શક્યું નો’તું. મારી ઉંમર દિવસે દિવસે વધતી જતી હતી પણ સાટુ લાવવું ક્યાંથી? મારાથી મોટાભાઈ પણ સમાજ બહારથી કન્યા લાવ્યા હતા. યુવાનીનાં દિવસો વીતતા જતા હતા. મારા ગામમાં મારાથી ઉંમરનું પરણવામાં લગભગ જ કોઈ બાકી હતું. મારાથી નાની ઉંમરનાને પરણતા જોવું ત્યારે મારા મનમાંય કેટલાય સ્વપ્નો આકાર લેતાં… અને એ સ્વપ્નો સ્વપ્ન બનીને જ રહી જતા. મારા કુટુંબીજનોને પણ મારા સગપણ ન થવાની વાત ખટકતી. એટલે વડીલોએ નક્કી કર્યું. બહારના સમાજની કન્યા લાવીને પણ મને પરણાવવો. કુટુંબીઓની કંઈ કેટલીય રઝળપાટો પછી એક કન્યા શોધી કાઢી નામ એનું માહી. એનું નામ એવું જ રૂપ… ચંદન જેવું લીસું અને ઘાટીલું શરીર… અણિયારી આંખો… અને ગુલાબની પાંદડી જેવા હોઠ. લગ્ન કરવાની કોઈ સગવડ ન હતી એમ છતાં દેવું કરીને પણ ઘડિયા લગ્ન લીધા.

મારી પત્નીના મારા ઘરમાં આવવાથી તો જાણે મારું જીવન જ પલટાઈ ગયું. આખો દિવસ માહીને જોયા કરવાનું મન થતું. એનો સહવાસ કેમેય કરીને છોડવો ગમતો નહીં. હવે, મને સમજાયું કે લોકો વહુ ઘેલા કેમ થતા હશે!

માહીએ મને મજાકમાં કહ્યું પણ ખરું: ”આ લોકો તમને વહુ ઘેલા કે છે તે ગમે છે? તમે આમ પાસે ક્યાં સુધી બેસી રહેશો… લગ્નનું દેવું પણ કેટલું છે? નોકરી સાથે ટયૂશન પણ કરો ને?” માહીનું કહેલું વેણ હું કેમ કરી ટાળી શકું! તરત જ બાજુવાળાની સાઈકલ માંગી હું તો નીકળ્યો ટયૂશન શોધવા… બાજુમાં બે ગામોમાં ટયૂશન શોધી કાઢયા. સવારે સાઈકલ લઈને જાઉં. માહી ટિફિન કરી આપે, સાંજે આવી માહીના આગોશમાં છુપાઈ જાઉં… એટલે થાક છુમંતર. મહિનાનો જે કંઈ પગાર મળતો એ સીધો માહીના હાથમાં દઈ દેતો અને માહી એમાંથી ઘર ચલાવે.

નોકરી ઉપરાંત ટયૂશન આપવામાં મારી ધગશ જોઈ વાલીઓએ ફી પણ વધારી આપી. સમય જતાં માહીએ એક દીકરીને જન્મ આપ્યો. ઘરમાં આનંદ સમાતો નહોતો. ઘરમાં લક્ષ્મી આવીને અમારા સીતારા બદલાયા. મારા કામથી આચાર્ય ને સંસ્થાના વડા પણ ખુબ આફરીન હતા. એમને મને થોડી મદદ કરી અને થોડી બચત મારી હતી એમાંથી ટ્રેક્ટર ખરીદ્યું. હવે તો બચત પણ સારી એવી થવા લાગી હતી અને બધી જ બચત હું માહીના હાથમાં મૂકતો. માહી પણ ખુબ ખુશ રહેતી.. હવે તો માહીને કહી જ રાખ્યું’તું ખુબ દુઃખ વેઠયું, પણ હવે તો લ્હેરથી જ જીવવું છે દર મહિનાના પગારમાંથી માહી માટે હું નવી સાડી અચૂક લઈ આવતો. માહીને ખુશ જોવી એ જ મારે મન મોટી ખુશી હતી.

એકાંતની પળોમાં માહીને હરખાતી જોઉ એટલે જાણે સ્વર્ગમાં મહાલતો હોઉં એવું લાગતું. માહી પણ મને પ્રેમથી તરબર કરી દેતી. કામ પરથી હું આવું ત્યારે મારી સામે પાણીનો પ્યાલો નહીં, પ્રેમનો પ્યાલો ભરીને ઊભી હોય! જેમ જેમ પીતો જોઉં તેમ તેમ દિવસ ભરનો થાક ગરી જતો.

માતાજીની કૃપાથી સૌ સારાવાના હતા. એક શેર માટીની ખોટ હતી એ પણ માતાજીએ પૂરી કરી માહીએ મને પુત્રરત્ન આપ્યો.   સાવ સૂકા રણ જેવા મારા જીવનમાં માહી મીઠી વીરડી બનીને આવી અને મારા જીવનને મઘમઘતું ઉપવન બનાવી દીધું. માહીએ મને કંઈ કેટલું આપ્યું! એટલે મેંં પણ માહીને સોને મઢવાનું નક્કી કર્યું. એને જોઈતા તમામ ઘરેણા મેં બનાવી આપ્યા. હજું કંઈક ઓછું લાગતું હોય એમ સરસ મજાનો એક મોબાઈલ પણ લાવી આપ્યો. હવે હું કામ પર હોઉં ત્યારે પણ જ્યારે મન થતું ત્યારે માહીનો અવાજ સાંભળી લેતો.

આખા ગામમાં સુખી લોકોમાં હવે મારી ગણના પણ થવા લાગી હતી. રહેવા માટે સરસ મજાનું ઘર હતું અને જમીન પણ વસાવી હતી. સ્કૂલના સંચાલકને હવે બીજી સ્કૂલ શરૂ કરવા બહાર જવું પડે તેમ હતું. તેથી તેમણે આ સ્કૂલની જવાબદારી મારે માથે નાખી.’હવે મારે પૂરેપૂરો સમય સ્કૂલ માટે આપવો પડતો. હું સવારે અને સાંજે જમવા માટે જ ઘરે જતો ક્યારેક તો ટિફિન પણ મંગાવી લેતો અને સ્કૂલ ઉપર જ ધ્યાન આપતો… વચ્ચે વચ્ચે ક્યારેક સમય મળે ત્યારે માહીને ફોન અચૂક કરી લેતો અને કહેતો કે માહી આ શેઠનું ઋણ ચૂકવવાનો અવસર છે. તને પૂરતો સમય આપી શકતો નથી મને માફ કરજેઃ મારી મારે પણ સંસ્થાના માલિકની જેમ ખૂબ પૈસા કમાવવા છે. એ પણ તારા માટે, આપણા બે સંતાનો માટે જે દિવસો મેં જોયા છે, જે અછત મેં વેઠી છે એવી કોઈ અછત મારા સંતાનોને વર્તવા દઉં.’

સ્કૂલ ઉપર વધુ સમય રહેવાથી માહી થોડી અપસેટ જણાતી હતી. ફોન પર પણ પહેલાના જેવી વાતો નો’તી કરતી પણ જ્યારે ઘરે જતો ત્યારે માહીને જોઈને લાગે જ નહીં કે લગ્નને દસ વર્ષ વીત્યાં હશે…માહીની યુવાની દિવસે દિવસે ખીલી રહી હતી. એકાંત પળોમાં એ મારકણી બની જતી અને થોડા સમય બાદ સૂનમૂન બનીને બેસી રહેતી. હું સ્કૂલ પર હતો અને માહીના પિતાના અવસાનના સમાચાર મળ્યા. અમે તરત માહીના પિયર જવા નીકળ્યા. માહીને ત્યાં મૂકી હું પાછો આવતો રહ્યો અને તેરમા દિવસે પાછો ગયો. ત્યાં ઘરમાં બીજું કોઈ નો’તું. માહીની માની ઉંમર પણ વધુ હતી. વિધિ પતાવ્યા બાદ હું ઘરે આવવા નીકળ્યો. પણ માહીને હજુ ત્યાં રોકાવાની ઈચ્છા હતી. માહીની ઈચ્છા એ મારી ઈચ્છા. હું કામ પર ધ્યાન આપવા લાગ્યો. પણ હવે એક પરિવર્તન દેખાયું, હું માહી સાથે ફોન પર વાત કરું તો તે પહેલાની જેમ હવે વાત કરતી નો’તી. પૂરા બે અઠવાડિયા પછી મારા મોટાભાઈ માહીને તેડી લાવ્યા. પિયર જઈ આવ્યા પછી તેના વર્તનમાં ખાસ્સો ફરક પડી ગયો હતો. મને એમ થતું કે એને એની માની ચિંતા સતાવ્યા કરતી હશે? એક વાર મેં એને કહ્યું પણ કે ‘માહી તું આમ બેચેન રહે છે એ મને ગમતું. તારું હસતું મોઢું જોવાયેલી મારી આંખોને તારો આ ચહેરો મને દુઃખી કરે છે. જો તંુ તારી બાની ચિંતા કરતી હોય તો આપણે બાને અહીં તેડી લાવીએ… એ આપણી સાથે ભલેને રહેતા….’

પણ એ દિવસે માહી તબિયત સારી ન હોવાનું કહી પડખું ફેરવીને સૂઈ ગઈ. માહીનું આ દુઃખ હું સમજી શક્તો ન હતો અને સહી શક્તો પણ ન હતો. શું કરું તો માહી પહેલાની જેમ હરખાય? અઠવાડિયા પછી પુત્રની પ્રથમ વર્ષગાંઠ હતી અને અમારા લગ્નની બારમી વર્ષગાંઠ પણ. મેં વિચાર્યું આ દિવસે માહીને કંઈક સરપ્રાઈઝ આપું અને ખુશ કરી દઉં. બારમી એનિવર્સરીનો દિવસ આવી પહોંચ્યો. હું નવી કાર હંકારી ઘર તરફ આવી રહ્યો હતો. મનમાં બસ એક જ વિચાર રમતો કે કાર જોઈ માહી ખુશ થશે. જીવનનું એક સ્વપ્ન હતું કે પોતાની એક કાર હોય. આજે એ સ્વપ્ન સાકાર થયાનો આનંદ કંઈક જુદો હતો. વિચારોને વિચારોમાં ઘર સુધીનો રસ્તો ક્યાં કપાઈ ગયો તેનું ભાન જ ન રહ્યું.

… પણ આ શું ? ઘરે આવીને જોયું તો ઘરનું બધું જ વેરવિખેર… તિજોરી પણ ખુલ્લી…. અંદર દાગીના કે પૈસા કંઈ ન મળે. બધું જ સાફ.હું બેડરૂમમાં ગયો ત્યાં નાનાં બાળકો ઘસઘસાટ સૂતાં હતા. માહી- માહી ની હું બુમો પાડતો રહ્યો. પણ મારો અવાજ કોણ સાંભળે? મેં જોયું તો ઓશિકા નીચે પડેલી એક ચિઠ્ઠી હાથમાં આવી. અને બીજું ઘેનની ગોળીઓ હતી. જે થોડી બાળકોને દૂધ સાથે પિવડાવી દીધી હતી. બાળકોને ઘેનની ગોળીથી ઊંઘાડી દીધા હતા.

ચિઠ્ઠીમાં લખ્યું હતું :

‘અમર,

તારી સાથે બાર બાર વર્ષ મેં ઘર સંસાર માંડયો એ મારી એક મજબૂરી હતી.તું માત્ર શરીર ચૂંથતો રહ્યો. હું મનથી તો બાર વર્ષ પહેલાં મારા ગામના કાનાને વરી ચૂકી છું. પણ મારા પિતાના ઉગ્ર સ્વભાવથી હું ડરતી હતી. મારા પિતાના ડરના કારણે જ મારે બાર વર્ષ તારી સાથે રહેવું પડયું, એ મારી મજબૂરી હતી. હવે પિતાના અવસાન બાદ મને કોઈનોય ડર નથી. બાર બાર વરસથી કાનો મારી રાહ જોઈ રહ્યો છે. આ તારા દીકરા અને દીકરીમાં મને કોઈ રસ નથી. તારાથી સચવાય તો સાચવજે નહીં તો… અનાથ આશ્રમમાં મૂકી આવજે. હવે કાના અને મને કોઈ જુદા નહીં કરી શકે. અમને શોધવાની મહેરબાની કરીને કોશિશ પણ ન કરતો.

લી. કાનાની માહી.

 આ ચિઠ્ઠી વાંચતાં જ મારા પગ નીચેની જમીન સરકી ગઈ. મને ભાન આવ્યું ત્યારે હું હોસ્પિટલમાં હતો.

અને વાત પુરી કરતા અમર કહે છેઃ ‘હું તો કદાચ મરવાના વાંકે જીવી જઈશ. પણ આ બાળકોનું શું? માહી આજે ય હું તને ચાહું છું. જ્યાં હોય ત્યાંથી પાછી ફર, પાછી ફર.’

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in