‘જગતનો તાત’ એ હવે કહેવા માટે જ છે. ખેડૂતને ‘જગતનો તાત’ કહીને આ દેશ નર્યા દંભનું પ્રદર્શન કરી રહ્યો છે. ભારત એ ખેતીપ્રધાન દેશ છે અને દરરોજ ભારતમાં ૪૩ ખેડૂતો આપઘાત કરે છે. ભારત એ ખેતીપ્રધાન દેશ છે, પરંતુ ગુજરાત સહિત દેશનાં તમામ રાજ્યોમાં લાખ્ખો ખેડૂતોને વર્ષોથી કૃષિ વીજજોડાણનો ઇંતજાર છે. ભારત એ કૃષિ દેશ છે, પરંતુ પાનના ગલ્લાવાળાને જે વીમા કવચ મળે છે એ ખેડૂતને તેના પાક માટે નથી. ભારત એ ખેતી આધારિત દેશ છે, પરંતુ મોસમના બદલાતા મિજાજથી એક ખેડૂતને લાખ્ખોનું નુકસાન થાય છે ત્યારે રૃ. ૧૮૦૦ કે બે હજારનું વળતર આપી સરકાર ખેડૂતોની ક્રૂર મજાક કરે છે. વળતરમાં પણ બે હેક્ટરની મર્યાદા બાંધી દઈ પ્રશાસન ખેડૂતોને મૂર્ખ બનાવે છે. આ બધાનું કારણ એક જ છે કે દેશની વિધાનસભાઓમાં અને સંસદમાં બેસતા પ્રજાના પ્રતિનિધિઓ ખેડૂતો કરતાં ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ વધુ કરે છે. વિધાનસભાઓ કે લોકસભામાં બિરાજતા મોટા ભાગના પ્રતિનિધિઓ પૈકી કેટલાંક હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરે છે, કેટલાંક લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરે છે, કેટલાંક દલિતોનું પ્રતિનિધિત્વ કરે છે, કેટલાંક પછાત જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે, કેટલાંક ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરે છે, કેટલાંક મલ્ટિ નેશનલ્સનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ ખેડૂતોનું પ્રતિનિધિત્વ ભાગ્યે જ કોઈ કરે છે.
ખેડૂતોની બરબાદી અને તેની પરાકાષ્ઠાનો લાઇવ શો આખા હિન્દુસ્તાને દિલ્હીમાં જંતરમંતર ખાતે નિહાળ્યો. એક તરફ હરિયાણાથી આવેલ યુવાન ખેડૂત ગજેન્દ્ર સિંહ વૃક્ષ પર ચડી પોતાની પાઘડીનો ફાંસો બનાવી આત્મહત્યા કરી રહ્યો હતો ત્યારે હજારોની જનમેદની આ સ્યુસાઇડના લાઇવ શોને સંવેદનહીન બની નિહાળી રહી હતી. કોઈ હસી રહ્યા હતા, કોઈ તાળીઓ પાડી રહ્યા હતા. એક ફાંસો ખાઈ રહેલા દુઃખી ખેડૂતને બચાવવાના બદલે કેટલાક રાજકારણીઓ ભાષણો ઠોકી ખેડૂતોની બદહાલી પર રાજનીતિ કરી રહ્યા હતા. શું આ દેશના રાજકારણીઓ આટલા બધા બેદર્દ થઈ ગયા કે સત્તા માટે મંચ પર બેઠેલા આમ આદમી પાર્ટીના નેતાઓ ગજેન્દ્ર સિંહ અંતિમ શ્વાસ લે અને તેના મૃતદેહને નીચે લાવવામાં આવે તેનો ઇંતજાર કરતા રહ્યા. આ કયા પ્રકારની રાજનીતિ?
આ ઘટના પછી બધા જ રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા. ખેડૂતોની દુર્દશા સુધારવાના બદલે તમામ રાજકીય પક્ષો પોતાનો રાજકીય રોટલો શેકવા મંડી પડયા. જોકે, આજ સુધી આમ જ થતું આવ્યું છે. ખેડૂતોની દુર્દશા માટે તમામ રાજકીય પક્ષો અને અત્યાર સુધીમાં આવેલી મોટાભાગની તમામ સરકારો જવાબદાર છે. એક જમાનામાં ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી એમ કહેવાતું. આજે ઊલટું છે. આજે નોકરી કરતાં સરકારી બાબુઓને લહેર છે. ટાઢ, તાપ કે પૂર એમને નડતાં નથી. વેપાર મધ્યમ જ રહ્યો છે અને ખેતી કનિષ્ઠ થઈ ગઈ છે.
વર્ષ ૨૦૦૩માં થયેલા એક સર્વેક્ષણમાં માલૂમ પડયું હતું કે, ખેતી હવે ખોટનો ધંધો છે. આજે ખેડૂતોને બીજો કોઈ વિકલ્પ મળતો હોય તો ૪૦ ટકા ખેડૂતો ખેતી છોડવા તૈયાર છે. કડકડતી ઠંડી અને આકરા તાપમાં કામ કરવાનો તેમને કોઈ લાભ મળતો નથી. દેશના જાણીતા કૃષિ નિષ્ણાત એમ.એસ. સ્વામિનાથનના નેતૃત્વ હેઠળ બેઠેલા રાષ્ટ્રીય કૃષિ પંચે ૨૦૦૦ના દશકમાં એક વચગાળાનો અહેવાલ આપ્યો હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, દેશના ખેડૂતની સરેરાશ આવક સરકારી કચેરીમાં કામ કરતા પટાવાળાના વેતન કરતાં પણ ઓછી છે. દેશના ખેડૂતોના જીવન અને ખેતી-એ બંનેની હાલત દયાજનક છે. જાન્યુઆરી, ૨૦૧૪માં પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસીસ સેલ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં માલૂમ પડયું હતું કે, ડીઝલનો ૭૦ ટકા વપરાશ પરિવહનમાં થાય છે, પરંતુ તેનો લાભ ખેડૂતો કરતાં કોર્પોરેટ ક્ષેત્રને વધુ થાય છે. ડીઝલ પર આપવામાં આવતી કુલ સબસિડી રૃ. ૯૪૦૬૧ કરોડ છે. તેમાંથી ભારે કોર્મિસયલ વાહનો માટે રૃ. ૨૬,૦૦૦ કરોડ, પ્રાઇવેટ કારો તથા યુટિલિટી વાહનો માટે રૃ. ૧૨,૧૦૦ કરોડ તથા કોર્મિસયલ કારો માટે રૃ. ૮૨૦૦ કરોડ આપવામાં આવે છે. રૃ. ૧૫૦૦ કરોડની સબસિડી અન્ય ક્ષેત્રોમાં જાય છે, જેમાં જનરેટર પણ આવી જાય છે. આમ તો ડીઝલ સબસિડી ખેતીક્ષેત્રના નામ પર જરૃર બતાવવામાં આવે છે, પરંતુ ૯૦ ટકા ખેડૂતોને કૃષિ સબસિડીનો લાભ મળતો નથી.
હવે આ દેશની આ વર્ષની પરિસ્થિતિ જુઓ. બટાકા પકવવાવાળા પાયમાલ થઈ ગયા. બટાકા રસ્તા પર ફેંકી દેવા પડયા. એ જ હાલત ટામેટાંની થઈ. પંજાબની મંડીઓમાં કોઈ ઘઉં ખરીદવા તૈયાર નથી. ગુજરાતના અને દેશના કપાસ પકવતા ખેડૂતો ભાવ ના મળવાના કારણે બરબાદ થઈ ગયા છે. બેમોસમી વરસાદના કારણે ગુજરાતમાં ઘઉંનો પાક આડો પડી ગયો. જીરું અને વરિયાળી સાફ થઈ ગયા. ગુજરાતમાંથી ૭૦થી ૮૦ ટકા કેરીનો પાક બરબાદ થઈ ગયો. ખેડૂતો દેવાદાર બની ગયા છે. એક રાષ્ટ્રીય સર્વેક્ષણ અનુસાર દેશના ૭૦ ટકા ખેડૂતોના માથે કર્જ છે, જે તેઓ ચૂકવી શકે તેમ નથી.
દેશભરમાં ખેડૂતોની દુર્દશા દર્શાવતો એક વધુ સર્વે બહાર આવ્યો છે. સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીએ કરેલા એક સર્વેક્ષણ અનુસાર દેશના ૬૧ ટકા ખેડૂતો જો તેમને શહેરમાં કોઈ સારી નોકરી મળે તો તેઓ ખેતી છોડી દેવા તૈયાર છે. ખેતીની આવકથી તેમનું ઘર ચાલતું નથી. ૨૦૧૪ની સાલમાં દેશનાં ૧૮ રાજ્યોના ૫૩૫૦ જેટલા ખેડૂતો પર આ મોજણી કરવામાં આવી હતી.
ખેડૂતોની મુશ્કેલી વધારનારુ એક પરિબળ બદલાતી મોસમ પણ છે. જલવાયુ પરિવર્તન ખેડૂત માટે મોટામાં મોટો વિલન બની રહ્યું છે. બિનમોસમ વરસાદના કારણે ખેડૂત નાદાર થઈ ગયો છે. દેશના કૃષિ મંત્રાલયના જ આંકડા અનુસાર બેમોસમી વરસાદ અને કરા પડવાના કારણે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ૫૦ લાખ હેક્ટર જમીન પર ઊભા પાકને નુકસાન થયું છે.
આ આંકડામાં ગુજરાતમાં થયેલ નુકસાનને ઉમેરીએ તો એ આંકડો અનેકગણો વધી જશે. એકમાત્ર પંજાબમાં જ ૫૦ ટકા બટાકા નાશ પામ્યા છે. હરિયાણામાં ઘઉંમાં ૨૫ ટકા, સરસોમાં ૨૦ ટકા અને મહારાષ્ટ્રમાં મરાઠાવાડા વિદર્ભમાં ઘઉંના પાકમાં ભારે નુકસાન થયું છે. બિહારમાં કેરી અને લીચી સાફ થઈ ગયાં છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેરીનો પાક લગભગ નાશ પામ્યો છે.
પાછલા દિવસોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘે જલવાયુ પરિવર્તનના સંદર્ભમાં એવી ચેતવણી આપી હતી કે, મોસમના બગડતા મિજાજના કારણે એક ખલેલયુક્ત હવામાન મહાદ્વીપો અને મહાસાગરોમાં વિસ્તૃત સ્વરૃપ લઈ ચૂક્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના આ રિપોર્ટ પ્રમાણે પર્યાવરણમાં ગરબડના કારણે સમગ્ર એશિયામાં પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, કરા પડવા અને તેથી અસંખ્ય લોકોનાં મૃત્યુ જેવી કુદરતી આફતો આવી શકે છે. જે દેશો માત્ર કૃષિ પર નિર્ભર છે તેમને સહુથી વધુ આર્િથક નુકસાન પહોંચશે. ભારત જેવા દેશોમાં તો ખાસ દક્ષિણ એશિયામાં ઘઉંનું ઉત્પાદન ઘટી શકે છે. વૈશ્વિક અન્ન ઉત્પાદન પણ ધીમે ધીમે ઘટી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની આ ચેતવણી સાચી પડી રહી છે.
ખેડૂતો હજુ વધુ આપત્તિઓ માટે તૈયાર રહે. ચોમાસામાં કેટલાંક વિસ્તારોમાં અતિવર્ષા પણ થઈ શકે છે. કેટલાંક વિસ્તારોમાં ભારે દુકાળ પણ પડી શકે છે. ક્યાંક અલ્પ વરસાદ થઈ શકે છે. વાવાઝોડાં ત્રાટકી શકે છે. અન્ન અને શાકભાજીના ભાવ તળિયે જઈ શકે છે અથવા આસમાને પહોંચી શકે છે. કૃષિ ક્ષેત્રે અનિશ્ચિતતા જ છે અને રહેશે. ખેડૂતો વધુ ગરીબ અને દેવાદાર બનશે. આવનારા સમયમાં ખેડૂતોના આપઘાતની સંખ્યા વધશે. આ એક કમનસીબી હશે.
Lebensjahr andauert und blog von studierenden bis ins 25.