રાજસ્થાનના ઉદયપુર શહેરથી દૂર એક નાનકડા ગામમાં જન્મેલી કામિની બચપણમાં જ માતા-પિતા ગુમાવી બેઠી હતી. તેના કોઈ સગા-સંબંધી ના હોવાથી ઉદયપુરના એક બાળસંરક્ષણ ગૃહમાં તેનો ઉછેર થયો. અહીં જ તે ભણી, અહીં તેણે નૃત્યની પણ તાલીમ લીધી. ટેલિવિઝન પર તે રોજ જુદા જુદા કાર્યક્રમો જોતી. એણે એક ટીવી ચેનલની નૃત્ય સ્પર્ધાના કાર્યક્રમમાં ભાગ લેવા અરજી કરી. કામિની દેખાવમાં સુંદર અને આકર્ષક તો હતી જ. સ્વભાવથી ચંચળ હતી હવે તે અઢાર વર્ષની સોહામણી કન્યા હતી.

ડાન્સ સ્પર્ધામાં ભાગ લેવા તે મુંબઈ પહોંચી. તે ડાન્સ સ્પર્ધામાં પ્રથમ આવી. તેને જે પૈસા મળ્યા હતા તે થોડા વખતમાં ખતમ થઈ ગયા. હવે તે મુંબઈમાં જ કામ શોધવા લાગી. કામ ના મળતા તે ઉદયપુર પાછી આવી ગઈ. હવે તે કિશોરી નહીં હોવાથી બાળસંરક્ષણ ગૃહમાં તે રહી શકે તેમ નહોતી. એણે ઉદયપુરમાં જ એક નાનકડું ઘર ભાડે રાખી લીધું. તે હવે તે મકાનના એક રૂમમાં છોકરીઓેને નૃત્ય શીખવવા લાગી. એનાથી તેની આવક શરૂ થઈ.

કામિની હવે યુવાન થઈ ચૂકી હતી પણ તેને એકલવાયું લાગતું હતું. એ દરમિયાન તેનો પરિચય સમશેરસિંહ નામના એક યુવાન સાથે થયો. સમશેરસિંહ એક સજ્જન વ્યક્તિ હતો. તેણે કામિની સાથે લગ્ન કરી લીધું પરંતુ એમનું દાંપત્ય જીવન લાંબંુ ચાલ્યું નહીં. કામિનીને લક્ઝુરિયસ જિંદગી જીવવી હતી. તે બેફામ ખર્ચાળ હતી. તેની મહત્ત્વાકાંક્ષાઓ ઊંચી હતી. તે થોડો સમયમાં જ સમશેરસિંહથી અલગ થઈ ગઈ.

કામિની હવે આઝાદ હતી. હવે તે મોટામોટા મોલમાં જવા લાગી. મોટા ઘરના યુવાનો સાથે ‘હાય-હલ્લો’ કહી દોસ્તી કરવા લાગી. અવળા માર્ગે પૈસા કમાવા લાગી. ધીમેધીમે તે હાઈપ્રોફાઈલ કોલગર્લ બની ગઈ. એણે પોશ વિસ્તારમાં એક લક્ઝુરિયસ ફલેટ પણ લઈ લીધો. ફલેટ પર રોજ અજાણ્યા લોકો આવવા લાગ્યા. પડોશીઓ બારીકાઈથી બધું જોતા હતા. કામિનીને થયું કે આ બહું લાબું નહીં ચાલે. કોઈ દિવસ મુશ્કેલી આવી શકે છે તેથી લોકોને દેખાડવા તેણે કોઈ જીવનસાથીને સાથે રાખવો જરૂરી છે તેમ વિચાર્યું. આ દરમિયાન કિશોર નામનો એક માણસ તેને મળી ગયો. એણે કિશોરને બનાવટી પતિ બનાવી ઘેર રાખી લીધો. કામિની હવે મુક્ત હતી. એણે એક પળમાં નોકરી શોધી કાઢી. અહીં તેને ગ્રાહકો મળી જતા હતા. એ દરમિયાન તેની મનોહર ડુંગરપુર નામના વ્યક્તિ સાથે પરિચય થયો. મનોહર શરાબ અને શબાબનો શોખીન હતો. બંને દોસ્ત બની ગયા. મનોહર હવે નિયમિત કામિનીના ફલેટ પર જવા લાગ્યો. કામિની તેને શરાબ પીરસતી.

મનોહર મૂળ બિકાનેરનો રહેવાસી હતો. તે સ્મિતા નામની યુવતી સાથે પરણેલો હતો અને એ જ શહેરમાં રહેતો હતો. તેને એક મોટર વ્હિકલ- ડીલરની ઓફિસમાં નોકરી મળી ગઈ હતી. મનોહર ડુંગરપુર કામિનીની રૂપજાળમાં ફસાઈ ચૂક્યો હતો. તે હવે રોજ કામિનીના ફલેટ પર આવવા લાગ્યો પરંતુ આ વાત કામિનીના સાથી અને દેખાવ ખાતરના પતિ કિશોરને બહુ ગમી નહીં. રોજની સાંજ મનોહર તેના જ ફલેટ પર કામિની સાથે જ પસાર કરતો. કામિનાના બનાવટી પતિને હવે મનોહર ખૂંચવા લાગ્યો હતો. તેને સંદેહ હતો કે સોનાના ઈંડા આપતી કામિની જેવી મુરઘી કદાચ કાયમ માટે તેના હાથમાંથી નીકળી મનોહર પાસે જતી રહેશે તો?વળી કિશોર હવે કામિની સાથે કાયદેસરના લગ્ન પણ કરી લેવા માગતો હતો.

બીજી બાજુ કામિનીને પણ ખબર પડી કે કિશોર કે જે તેની સાથે લગ્ન કરી લેવાની વાત કરે છે તે ખુદ પરણેલો છે અને ત્રણ સંતાનોનો પિતા પણ છે.આવા પરણેલા માણસ સાથે લગ્ન કેવી રીતે કરી શકાય. કિશોર તેના ઘેર બહારગામ કામ છે તેમ જણાવી કામિની સાથે રહેતો હતો. કામિની હવે કામચલાઉ પતિ કિશોરથી છુટકારો મેળવવા માગતી હતી કારણ કે કિશોર તેના બધા જ રહસ્યો અને ધંધા જાણતો હતો.

આ તરફ તેણે કામિનીને મનોહર ડુંગરપુરથી દૂર રહેવા સમજાવી પણ કામિની મનોહરને છોડવા તૈયાર નહોતી. કિશોરે ખૂબ વિચાર્યા બાદ એક યોજના બનાવી. એણે મનોહર ડુંગરપુરની હત્યાનો પ્લાન બનાવ્યો, આ કામમાં તેણે કામિનીની જ મદદ લેવાની યોજના ઘડી કાઢી. આ અપરાધમાં કામિની પણ કિશોરને મદદ કરવા તૈયાર થઈ ગઈ. કામિનીની યોજના એવી હતી કે,કિશોર જો મનોહર ડુંગરપુરની હત્યા કરી દેશે તો એ અપરાધમાં કિશોરને જેલ થશે અને તે કિશોરથી પણ છુટકારો મેળવશે. તે પછી તો બધી જ આઝાદી છે જ. બંનેને સાથે મળીને મનોહર ડુંગરપુરની હત્યાની યોજના બનાવી દીધી.

આ યોજના અનુસાર કામિનીએ એક સાંજે ફોન કરીને મનોહર ડુંગરપુરને પોતાના ફલેટ પર બોલાવ્યો. મનોહર ખુશ થતો કામિનીના ફલેટ પર પહોંચ્યો. કામિનીએ પહેેલેથી જ વ્હિસ્કીની બોતલ તૈયાર રાખી હતી. ટ્રિપોય પર સ્નેકસ પણ મૂકી દીધા. અલબત્ત, કામિનીના ફલેટ પર આવતા પહેલા મનોહર ડુંગરપુરે તેની પત્ની સ્મિતાને કહ્યંુ હતું કે, ”આજે ઓફિસમાં અગત્યની મિટિંગ છે તેથી રાત્રે મોડું થશે. તમે બધા જમીને સૂઈ જજો.”

આ તરફ મનોહર હવે કામિનીના ફલેટ પર શરાબ પીવા લાગ્યો. એમાં કિશોર પણ સામેલ હતો. કામિનીએ મનોહરને કહી રાખ્યું હતું કે કિશોર તેનો દૂરનો ભાઈ થાય છે, પણ તેને આપણા સંબંધોનો વાંધો નથી. શરાબનો નશો ચડતાં જ મનોહર કામિની સાથે છેડછાડ કરવા લાગ્યો. કિશોરને આ ગમતું નહોતું. બેઉ શરાબના જામ પર જામ ખાલી કરી રહ્યા હતા. મનોહર હવે લડખડાવા માંડયો હતો. એણે કામિનીને ખેંચીને અંદરના ખંડમાં લઈ જવા પ્રયાસ કર્યો. એ અંદરના બેડરૂમમાં ગયો પણ તે અર્ધબેભાન જેવો હતો. બરાબર તે જ વખતે કિશોરે પાયજામાના નાડાથી મનોહરના ગળાને ભીંસમાં લઈ લીધું. એ નાડાથી એના ગળાને એટલીવાર કસી રાખ્યું કે મનોહરનો શ્વાસ રૃંધાઈ ગયા. તે મૃત્યુ પામ્યો.

આ તરફ કિશોર મનોેહરના ગળાને ભીંસમાં લઈ રહ્યો હતો ત્યારે કામિની તેના મોબાઈલથી એ દૃશ્યનું વીડિયો રેકોર્ડિંગ કરી રહી હતી. સાજિશની ભીતરની આ સાજિશ હતી. કામિની મોતની એ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ એટલા માટે કરી હતી કે એ વીડિયો રેકોર્ડિંગ તે પાછળથી પોલીસને સુપરત કરી કિશોરને જેલમાં મોકલી શકે. મનોહરનું હવે મોત નીપજી ગયું. મનોહરના મોત બાદ કિશોર જ તેની લાશને ઠેકાણે પાડવા મૃતદેહ પર ચાદર ઓઢાડી દીધી. તેની પર દોરી બાંધી દીધી. બહાર અંધારું હતું. રાત આગળ વધતી હતી. ચૂપચાપ તે લાશને ઊંચકીને નીચે આવ્યો. એ લાશ તેણે પોતાની કારની ડેકીમાં ગોઠવી દીધી. કાર લઈ કિશોર અને કામિની લાશ ફેંકવા આગળ વધ્યા.

એક ટોલનાકું પસાર કર્યા બાદ જંગલના રસ્તે દૂરના એક નિર્જન વિસ્તારમાં પહોંચ્યા. રસ્તાની બાજુમાં લાશ ફેંકી બેઉ પાછા આવ્યા.

બીજા દિવસે મનોહર ડુંગરપુર તેના ઘેર ના પહોંચતા તેની પત્નીએ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. તે જ દિવસે ટોલનાકાથી સહેજ આગળના રસ્તેથી મનોહરની લાશ મળી. પોલીસે ટોલનાકા પરથી પસાર થયેલા વાહનોની નંબર પ્લેટ ચેક કરી તેમાં કામિનીની કારનો નંબર પણ હતો. મનોહર ડુંગર પરના મોબાઈલ નંબર પર એ જ સાંજે કામિનીનો ફોન આવેેલો હતો. પોલીસે કારની નંબરપ્લેટના આધારે કામિનીને પકડી. કામિનીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા બાદ પોલીસે સખ્તાઈથી પૂછપરછ કરી. કામિનીએ કહ્યું, “આ હત્યા કિશોરે કરી છે.”

તે પછી કામિનીએ મનોહરની હત્યાની વીડિયો સીડી પોલીસને સુપરત કરી દીધી. કામિનીએ આપેલી માહિતીના આધારે પોલીસે કિશોરની પણ ધરપકડ કરી. મનોહર ડુંગરપુરની હત્યા કરવા માટે કિશોરની અને હત્યામાં સાથ આપવા માટે કામિની સામે કેસ દાખલ કરવામાં આવ્યો.

બેઉ હવે જેલમાં છે.

એક સ્ત્રી હત્યા પણ કરાવે અને હત્યારાને જેલમાં મોકલવા માટેની સાજિશ પણ રચી શકે છે, પણ છેવટે તેણે પણ સળિયા પાછળ જવું પડશે તે વાતની તેને ખબર નહોતી.

– દેવેન્દ્ર પટેલ