ગુજરાત માટે હવે આવનારા મહિનાઓથી માંડીને ૨૦૧૭ સુધી ચૂંટણી પર્વ છે. આવનારા દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને ગુજરાતની તાલુકા પંચાયતો તથા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, હવે આનંદીબેન પટેલ છે. હવે મ્યુનિ. કોર્પોરેશનો તથા તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં જે પરિણામો આવશે તે આનંદીબેન પટેલની સરકારનું મૂલ્યાંકન હશે.

આ બધી ચૂંટણીઓ કરતાં સહુથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી બિહાર વિધાનસભાની હશે, જે વર્ષના અંતમાં આવી રહી છે. બિહાર વિધાનસભાની ચૂંટણી માત્ર લાલુ- મુલાયમ- નીતિશકુમારના ગઠબંધનનું જ નહીં પરંતુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીનું પણ મૂલ્યાંકન હશે. તેથી સહુની નજર બિહાર વિધાનસભાની આવનારી ચૂંટણી પર છે. એક જમાનામાં લગ્નો એ રાજનીતિનો એક ભાગ હતો. ગ્રીસના રાજાઓ પ્રતિસ્પર્ધી દેશોના રાજાની પુત્રીને પરણીને સાથીઓ વધારતા. બિહારના લાલુપ્રસાદે પણ ઉત્તર પ્રદેશના સુપ્રીમો મુલાયમસિંહના વેવાઈ બનાવીને મુલાયમસિંહના બિહારના યાદવ મતો પરના પ્રભાવનો લાભ લેવા પ્રયાસ કર્યો છે. બીજી બાજુ તેમના કટ્ટર વિરોધી એવા નીતીશકુમાર સાથે દોસ્તી કરી લીધી છે. આ બધું નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે છે. અલબત્ત નરેન્દ્ર મોદી સામે રચાયેલા આ મોરચામાં નીતીશકુમારના જ પૂર્વ સાથી અને પૂર્વ મુખ્યમંત્રી એવા જીતનરામ માંઝી પંચર પાડી શકે તેમ છે. જિતનરામ માંજિએ નારાજ થઈ નવી પાર્ટી ઊભી કરી છે. પોતાની તાકાતના પ્રદર્શન માટે પટનામાં મહારેલીનું આયોજન કરી રહ્યા છે. હવે બિહાર પણ ભાજપા માટે એક ચિંતાનું કારણ છે. તેથી સંઘ અત્યારથી જ સાવધાનીપૂર્વક વર્તી રહ્યો છે. બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપા માટે સારી વાત એ છે કે, બિહારના હાલના મુખ્યમંત્રી નીતીશકુમારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે અને લાલુ સાથેનું તેમનું ગઠબંધન તથા જીતનરામ માંઝીની હકાલપટ્ટી નીતીશકુમારને ભારે પડી શકે છે. આ બધું હોવા છતાં સંઘના નેતાઓ માને છે કે સૈદ્ધાંતિક વિચારધારા સાથે સમાધાન ભાજપાનેનુકસાન પણ કરી શકે છે. આ સલાહ સંઘની ભાજપના નેતાઓને છે.

સંઘ ચિંતામાં છે

આ બધી જ પરિસ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બારીકાઈથી નજર રાખી રહ્યો છે. બિહારમાં કોઈ પણ સંજોગોમાં ભાજપાનો ભગવો ઝંડો લહેરાય તે જોવાની તેની તીવ્ર ઈચ્છા છે. દિલ્હીની ચૂંટણીઓ પૂર્વે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર સંઘે પૂરો વિશ્વાસ મૂક્યો હતો. અમિત શાહ ચૂંટણીની વ્યૂહરચનાના ચાણક્ય મનાય છે, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ બાદ સંઘ ચિંતામાં છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની વ્યૂહરચના વિફલ સાબિત થઈ. ભાજપાએ કદી વિચાર્યું નહોતું કે નરેન્દ્ર મોદી જેવા લોકપ્રિય નેતાનો વિજયરથ દિલ્હીમાં જ રોકાઈ જશે અને ૭૦માંથી માત્ર ત્રણ બેઠકો મળશે. આ પરિણામો સંઘને ગમ્યાં નથી. એજ રીતે જમ્મુ અને કાશ્મીરમાં પક્ષની મૂળ વિચારધારાને બાજુમાં રાખીને ભાજપાએ અલગતવાદી પક્ષ- પીડીપી સાથે જે ગઠબંધન કર્યું તે પણ સંઘમાં કેટલાંકને પચ્યું નથી. કારણ કે સરકારની રચનાના બીજા જ દિવસે એક ખતરનાક ગુનેગારને મુફતી- સરકારે મુક્ત કરી દીધો. સંઘના સામાન્ય કાર્યકર્તાઓને પણ આ ગમ્યું નથી. અલબત્ત, અમિત શાહ ચતુર રાજનીતિજ્ઞા છે,કુશળ અને વ્યવહારુ પણ છે. દિલ્હીની ચંૂટણીના પરિણામો ઊંધા આવ્યા તેનું એક કારણ દિલ્હીના ભાવી મુખ્યમંત્રી તરીકે કિરણ બેદીની પસંદગી જ હતી. કિરણ બેદીની અહંકારી ભાષા દિલ્હીવાસીઓને પસંદ આવી નહોતી. વળી કિરણ બેદીની પસંદગીમાં હાલ કેન્દ્રીય કેબિનેટમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા દિલ્હીના જ એક નેતાનો મહત્ત્વપૂર્ણ રોલ હતો. કિરણ બેદીની પસંદગી જેણે પણ કરી પણ તે પસંદગી પક્ષ માટે બૂમરેંગ સાબિત થઈ. વળી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ફેકટર એક મહત્ત્વનું પરિબળ હતું. નિષ્ણાતો માને છે કે અરવિંદ કેજરીવાલ એક શહેરના જ નેતા છે, આખા દેશના નહીં. રાષ્ટ્રીય નેતા બનવાની તેમનામાં ક્ષમતા નથી. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ અનુસાર આજે દિલ્હીમાં ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટી કરતાં ભાજપાને વધુ મત મળી શકે છે, જો એ સર્વેક્ષણ સાચો હોય તો !

સંઘ સતર્ક બન્યું

ઉદારીકરણના સમયમાં ભાજપની સહુથી મોટી મૂંઝવણ એ હતી કે, નીતિગત બાબતોમાં તે કોેગ્રેસથી અલગ તેવી રીતે દેખાય. સંસદીય લોકતંત્રમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે રાષ્ટ્રીય નીતિ અને બહુ આયામી નીતિઓની બાબતમાં બહુ અંતર હોતું નથી. સંઘ આ વિષય પરત્વે પણ સતર્ક છે. સંઘ અને ભાજપા માટે પ્રિય અને મુખ્ય મુદ્દો રાષ્ટ્રવાદ છે, તેની સાથે હિન્દુવાદ સ્વતઃ એકાકાર થતો જાય છે. જમ્મુ- કાશ્મીરમાં પીડીપી સાથેના ગઠબંધન બાદ મુફતી સરકાર ભાજપા તથા સંઘને ન ગમે તેવા નિર્ણયો લઈ રહી છે. સંઘનો એક વર્ગ માને છે કે પક્ષના નેતાઓનો સંઘ અને પક્ષના કાર્યકર્તાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો તે પણ દિલ્હીમાં હારનું એક કારણ હતું.

અત્રે એ નોંધવું જોઈએ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફરી એકવાર મજબૂત થઈ રહ્યો છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકાર પ્રસ્થાપિત થયા બાદ સંઘમાં જોડાવા માગતા યુવાનોની સંખ્યા વધી રહી છે. છેક સ્થાપનાના સમયથી સંઘનું હેડક્વાર્ટર જે નાગપુરમાં રહ્યું છે તેને દિલ્હીમાં ખસેડવા ચક્રો ગતિમાન થયા છે. દિલ્હીમાં ‘કેશવ કુંજ’ નામનું સંઘનું હાલ જે મકાન છે તેને તોડીને ત્યાં અદ્યતન બે ઊંચા ટાવર ઊભા કરવાની યોજના છે. દેશમાં એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવો પક્ષ છે કે જેનો અસલી સ્ત્રોત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંઘના જ પ્રચારક હતા અને સંઘે તેમને ભાજપામાં પ્રક્ષેપિત કર્યા હતા. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાથી સંઘ પ્રભાવિત અને રાજી છે પણ આખી સરકાર અને પક્ષને લાગે વળગે   ત્યાં સુધી સંઘના નેતાઓએ ભવાં ચઢાવ્યા પણ છે.

સંઘ જ ‘બોસ’

ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જ્યારે પણ આંતરિક ગૃહયુદ્ધ થયું ત્યારે ત્યારે સંઘે વટહુકમ બહાર પાડેલો જ છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલાં એલ. કે. અડવાણી એક યાત્રા કાઢી પોતાની જાતને ભાવી વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા માગતા હતા. ત્યારે સંઘે સ્પષ્ટ આદેશ કર્યો કે યાત્રા કાઢો પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નહીં. સંઘે એ વખતે મેજર શસ્ત્રક્રિયા કરીને ભાવી વડા પ્રધાનપદ માટે પોતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને આપી દીધા હતા. ભૂતકાળમાં પણ જનસંઘના જમાનામાં બલરાજ મધોક અને અટલબિહારી વાજપેયી વચ્ચે આંતરિક સંઘર્ષ શરૂ થયો હતો ત્યારે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બલરાજ મધોકને રણભૂમિમાંથી બહાર નીકળી જવા આદેશ કર્યો હતો અને અટલજીને વિજેતા જાહેર કર્યા હતા અને ઈન્દિરા ગાંધીના સમયગાળા દરમિયાન જનસંઘની કમાન સંભાળવા માટે અટલજી ને જ સર્વશક્તિમાન સેનાપતિ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. ભાજપામાં આજે પણ ‘સંઘ’ બોસ છે. બિહારમાં પરિણામો ઊંધાચત્તા આવે તો ‘બોસ’ ઘણા બધાં પર બગડી શકે છે.