છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ધંધાદારી નાટકોના નિર્માતાઓ અને આયોજકો દ્વારા અગાઉ કદી ના ભજવાયાં હોય એવા ગંદા, બીભત્સ અને સુરુચિનો ભંગ કરતાં નાટકોનો રાફડો ફાટતાં અમદાવાદના ભદ્ર સમાજ અને શહેરની સુસંસ્કૃત પ્રજામાં રોષની લાગણી પ્રગટી છે. આ નાટકો માત્ર અશ્લીલ જ નહીં, પરંતુ અશ્લીલ ચેષ્ટાઓથી ભરપૂર હોઈ પરિવાર સાથે માણી શકાય તેમ ના હોવાનું જણાયું છે. કેટલાક નાટકોમાં તો સ્ત્રી ગૌરવનું હળાહળ અપમાન કરતા સંવાદોથી ગુજરાતનો ભદ્ર અને મહિલા વર્ગ ચોંકી ઊઠયો છે. ગુજરાતની બહેન-દીકરીઓના સન્માન અને સમાજની મર્યાદાનો ભંગ કરતાં કેટલાંક નાટકો સામે ચોમેરથી પ્રચંડ વિરોધ પ્રગટયો છે.

અસ્મિતાનું અપમાન

ગુજરાત કે જયાં એક સન્માનનીય મહિલા મુખ્યમંત્રી છે અને અત્યારે સ્ત્રી-શિક્ષણ, સ્ત્રી સુરક્ષા અને મહિલા સશક્તિકરણની વાતો થાય છે ત્યારે તે જ ગુજરાતમાં મુખ્યમંત્રીના ધ્યાન બહાર ગુજરાત રાજ્ય સરકારના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડ અને તેના નીમાયેલા સભ્યો દ્વારા આવા બીભત્સ નાટકો સામે કોઈ રહસ્યમય કારણસર આંખ આડા કાન થઈ રહ્યા છે. માત્ર રૂપિયાની ટંકશાળ પાડવા માટે રજૂ થતાં આ નાટકો ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડની મહેરબાનીથી ગુજરાતની અસ્મિતાના લીરેલીરા ઉડાવી રહ્યાં છે. આ નાટકો દ્વિઅર્થી સંવાદોવાળાં, ઓછાં વસ્ત્રોવાળાં અને સેક્સનું બેફામ પ્રદર્શન કરતાં હોવાનું જોઈ પ્રેક્ષકો ચોંકી ઉઠે છે. સ્ત્રીઓને સેક્સના સાધન તરીકે રજૂ કરતા આવાં કેટલાક અશ્લીલ નાટકોને સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડ દ્વારા અપાતી મંજૂરી દર્શાવે છે કે, બોર્ડના કેટલાક અધિકારીઓ અને નાટકોના આયોજકો-નિર્માતાઓ વચ્ચે કોઈ સાંઠગાંઠ છે. સમાજ અને સરકાર બેઉની આબરૂને ધક્કો પહોંચાડાંતા કેટલાક નાટકો પિતા-પુત્ર કે પિતા-પુત્રી સાથે બેસીને જોઈ શકે તેમ નથી. પ્રમાણપત્ર બોર્ડના અધિકારીઓ પણ તેમની પુત્રી સાથે આ નાટક જોઈ ના શકે તેવા બીભત્સ સંવાદોને અને ચેષ્ટાઓને કોણે અને કેમ પરવાનગી આપવામાં આવી તેની તપાસ થવી જરૂરી છે.

બિભત્સ જાહેરાતો

ચોંકાવનારી વાત તો એ છે કે આવાં નાટકો ભજવાય તે પહેલાં તેની અશ્લીલ જાહેરાતો અને વિજ્ઞાાપનો પણ આપવામાં આવે છે. આ જાહેરાતો સ્વયં અશ્લીલ હોય છે. અમદાવાદમાં ભજવાતા નાટકોમાં લખાતા કેટલાક વાક્યો કેટલા ગંદા અને અશ્લીલ તેનો ઉલ્લેખ કરતાં અમને પણ ક્ષોભ થાય છે પરંતુ ગુજરાતની અસ્મિતાના હિતમાં અને ગુજરાતની પ્રજા અને રાજ્ય સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ આંખ ઉઘાડવા અમે એક અખબારી ધર્મ તરીકે એ નાટકોના આયોજકો દ્વારા જાહેરાતોમાં છપાયેલી કેટલીક જાહેરાતોના નમૂના અત્રે રજૂ કરીએ છીએ. દા.ત. એક નાટકની જાહેરાતમાં લખવામાં આવે છે કે “સની લિઓન હોય કે સવિતા… આંખ બંધ કરો એટલે બધા સરખા.” એ જ નાટકની જાહેરાતમાં લખવામાં આવે છે કે “શરીરના દરેક અંગને પલાળી નાંખતું નાટક.” એક નાટકની જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે “દોડો ધોતિયા પોતિયા બાંધીને.” એ પછી એક નાટકની જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે “મફત પાસ માંગનારા ઘેર બેઠા બેઠા મુઠિયા ખાય.” બીજા એક નાટકની જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે, “સાળીની જુવાનીની ચઢતા પતંગ પર પોતાનું લંગર નાખતા બનેવીની બબાલ.”

આ નાટકોને કોણે મંજૂરી આપી? આ પ્રકારની જાહેરાતોને કોણે મંજૂરી આપી? જેમણે મંજૂરી આપી તેમણે કયો ‘વ્યવહાર’ સ્વીકારી મંજૂરી આપી? આનાથી વધુ બીભત્સ જાહેરાતો બીજી કઈ હોઈ શકે? શું ગુજરાત સરકારના એકપણ મંત્રી આ નાટક પોતાની પત્ની, બહેન કે દીકરી સાથે જોવા ગયા છે ખરા? જોઈ શકે તેમ છે, ખરા? ભારતીય સંસ્કૃતિની દુહાઈ દેતા રાષ્ટ્રીય સ્વયંસેવકના મોવડીઓએ પણ આ નાટકોની ગંદી જાહેરાતો અને રજૂ થતાં અશ્લીલ નાટકો સામે કોઈ જ લાલ આંખ કરી નથી તે પણ એક આશ્ચર્યજનક વાત છે.

નિયમોનો ભંગ

સૌથી વધુ નોંધપાત્ર વાત એ છે કે નાટકો ભજવાય તે પહેલાં નાટકોના નિર્માતા-આયોજકોએ રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડની મંજૂરી લેવી પડે છે અને તે માટે કેટલાક સખ્ત નિયમોનું પાલન કરવું પડે છે. અમદાવાદમાં ભજવાતાં કેટલાંક નાટકોના આયોજકો-નિર્માતાઓ આ નિયમોનો સરિયામ ભંગ કરી ગુજરાત સરકારની ઐસી કી તૈસી કરી રહ્યા છે. દા.ત. પ્રમાણપત્ર બોર્ડનો એક નિયમ છે કે “કાર્યક્રમના આયોજકે કાર્યક્રમની પ્રસિદ્ધિ માટે વર્તમાનપત્રો, બેનરો બોર્ડ કે ચોપાનિયા દ્વારા સુરુચિનો ભંગ કરતી કે અશ્લીલ જાહેરખબરો છપાવવી નહીં.”… પરંતુ નાટય આયોજકો લોકોને ગલગલિયા થાય તેવી બીભત્સ જાહેરાતો ખુલ્લેઆમ આપીને ગુજરાત સરકારના નિયમોનો સરિયામ ભંગ કરી રહ્યા છે. આમ છતાં તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી.

રાજ્ય સરકારના સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડ દ્વારા નક્કી કરાયેલા બીજો એક નિયમ છે કે “અરજદાર દ્વારા કાર્યક્રમની પ્રસિદ્ધિ માટે કરવામાં આવતી જાહેરાત અને ટિકિટમાં પ્રસ્તુત કાર્યક્રમને બોર્ડ દ્વારા મંજૂરી મળેલ યોગ્યતા પ્રમાણપત્ર નંબર અને તારીખ લખવાની રહેશે.” કેટલાક નાટય આયોજકો આ શરતનો પણ સરિયામ ભંગ કરતાં હોવા છતાં ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર તથા પ્રમાણપત્ર બોર્ડ ભેદી મૌન સેવી રહ્યા છે અને આ કાનૂનભંગ સામે આંખ આડા કાન કરીરહ્યા છે.

એ જ રીતે પ્રમાણપત્ર બોર્ડના એક નિયમમાં લખવામાં આવ્યંુ છે કે, “નાટકના શો ના આયોજન કરતી વખતે અરજદાર,આયોજક કે સંસ્થાએ ભજવણી સ્થળ પર કચેરી દ્વારા મંજૂર થયેલી સ્ક્રિપ્ટ તથા અસલ પ્રમાણપત્ર સ્થળ પર રાખવાના રહેશે અને ભજવતી વખતે યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના કમિશનર કે નિયુક્ત તજજ્ઞા નાટકની સ્ક્રીપ્ટ માંગે ત્યારે મંજૂર થયેલી સ્ક્રીપ્ટ આપવાની રહેશે.”….. લાગે છે કે હજુ સુધી સરકારના સાંસ્કૃતિક વિભાગના કમિશનરે કે પ્રમાણપત્ર બોર્ડના સભ્યએ આવી સ્ક્રિપ્ટની માંગણી કરી હોય તેમ જણાતું નથી અથવા તેમને ગમે તેવા ગંદા નાટકો ભજવાય તેની સામે વાંધો નથી.


બોર્ડમાં કોણ સભ્યો છે?

એ જાણવું રસપ્રદ થઈ પડશે કે કોઈપણ નિર્માતા કે આયોજક તેના નાટકની સ્ક્રિપ્ટને મંજૂરી માટે સરકાર સમક્ષ રજૂ કરે છે ત્યારે તે સ્ક્રીપ્ટ વાંચીને તેને મંજૂરી માટેનો અભિપ્રાય આપવા માટે રાજ્ય સરકારે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડની રચના કરી છે. હાલ આ બોર્ડમાં સરકારે સભ્યો (તજજ્ઞાો)માં (૧) રજનીકુમાર પંડયા (૨) ચીનુભાઈ મોદી (૩) શ્રીકાંત વિદાણી (૪) પી. ખરસાણી (૫) રઘુવીર ચૌધરી (૬) જીતેન્દ્રકુમાર ઠક્કર (૭) નિકુંજ દવેનો અમદાવાદમાંથી સમાવેશ થાય છે. આ બોર્ડમાં (૧) પ્રકાશ લાલા (૨) ભાનુપ્રસાદ ત્રિવેદી (૩) ડો. મીનાબેન પંડયાનો ગાંધીનગરમાંથી સમાવેશ થાય છે. જ્યારે (૧) માર્કંડ ભટ્ટ (૨) પ્રભાકર દાવડે (૪) પી.એલ.ચારીનો વડોદરામાંથી સમાવેશ થાય છે. બોર્ડના સભ્યો તરીકે સુરતમાંથી (૧) યઝદી કરંજિયા (૨) હરનીશ દેસાઈ (૩) જયંતીભાઈ વૈદ્યનો સુરતમાંથી સમાવેશ થાય છે. રાજકોટમાંથી (૧) હીરાલાલ ત્રિવેદી (૨) હસમુખ રાવલનો સમાવેશ થાય છે. ભાવનગરમાંથી (૧) વિનોદ જોશી (૨) જયેન્દ્ર દવેનો સમાવેશ થાય છે. મહેસાણામાંથી દિનકર ભોજક, અમરેલીમાંથી વસંત પરીખ, ભરૂચમાંથી ડો. નરોત્તમ વાણંદ, સુરેન્દ્રનગરમાંથી ડો. ચંદ્રકાન્ત જોશી, જૂનાગઢમાંથી જયકર ધોળકિયા અને પંચમહાલમાંથી પ્રવીણ દરજીનો સમાવેશ થાય છે.

સભ્યો તેમની દીકરી ને નાટક બતાવે

આ કહેવાતા સાક્ષરો, વિદ્વાનો અને સમાજ શ્રેષ્ઠીઓએ આવા દ્વિઅર્થી સંવાદોવાળા બીભત્સ નાટકોની સ્ક્રિપ્ટની મંજૂરી કેવી રીતે આપી તે એક પ્રશ્ન છે. શું તેમણે આ નાટકોની સ્ક્રિપ્ટ ખરેખર વાંચી હતી કે તેઓએ સ્ક્રીપ્ટ વાંચીને સમજણપૂર્વક મંજૂરી આપી છે તે સ્પષ્ટતા થાય તે જરૂરી છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી, ઉમાશંકર જોશી અને નરસિંહ મહેતા જેવા સાક્ષરોની ભૂમિ પર સ્ત્રીઓના સન્માનની છેડતી કરતા આ નાટકો મંજૂરી આપીને આ સભ્યોએ ગુજરાતની અસ્મિતાની કઈ સેવા કરી છે તે અંગે તેઓ જ ખુલાસો કરે. આ તજજ્ઞાો તેમની પુત્રી, બહેન કે માતાને લઈ આ અશ્લીલ નાટકો જોવા જાય અને એ નાટકોની બીભત્સતાને માણતી તસવીરો અમને મોકલી આપે તો અમે એમની ગલપચીવાળા હાસ્યની તસ્વીરો જરૂર છાપીશું. હા, નાટકોમાં આવતી જાહેરાત પ્રમાણે તેમણે તેમના શરીરના દરેક અંગને પલળી જવાની તૈયારી રાખવી પડશે. જે તે નાટકની જાહેરાતમાં આવતી લાઈન પ્રમાણે તેમણે ધોતિયા પોતિયા બાંધીને જવું પડશે. નાટકની જાહેરાત પ્રમાણ સની લિયોન હોય કે સવિતા આંખ બંધ કરીને નાટક જોવું પડશે. બોર્ડના સાક્ષરોને એ નાટકો ગમે તો તેમનો અભિપ્રાય પણ મોકલે જે એમના નામ સાથે જરૂર છાપીશું ગુજરાતની અસ્મિતાના આ કહેવાતા ક્સ્ટોડિયનો મહેરબાની કરીને ગુજરાતની સંસ્કૃતિના રખેવાળ હોવાનો ઢોંગ બંધ કરે અને ગુજરાતની અસ્મિતાને શોભે એવા શુદ્ધ, સંસ્કારી અને સપરિવાર માણી શકાય તેવા નાટકોને જ મંજૂરી આપે.