રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

યમન આંતરવિગ્રહની આગમાં લપેટાયું છે.

હજારો લોકો આ યુદ્ધથી ત્રસ્ત છે. રોજી રળવા ગયેલા સેંકડો ભારતીયોને સહીસલામત પાછા લાવવા ભારત સરકાર જબરદસ્ત પ્રયાસ કર્યો છે. પાછા ફરેલા લોકો કહે છેઃ “દર એક મિનિટે કાન ફાડી નાખે તેવો બોમ્બ ધડાકો સંભળાય છે.” યમનની સરહદે અરબી સમુદ્ર આવેલો છે. તેના પાડોશી દેશોમાં સાઉદી અરેબિયા, ઓમાન તથા સંયુક્ત આરબ અમીરાત વગેરે આવેલા છે. યમનમાં ભારતીયો ઉપરાંત અન્ય દેશોના નાગરિકો પણ ફસાયેલા છે. જેમાં બહેરીન, બાંગ્લાદેશ, ક્યૂબા, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ઇરાક, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, લેબેનોન, મલેશિયા, માલદીવ્સ, નેપાળ, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, રોમાનિયા, શ્રીલંકા, સ્વિડન, ટર્કી અને અમેરિકા પણ તેના ફસાયેલા નાગરિકોને સહીસલામત બહાર લાવવા ભારતીય નૌકાદળની સહાય માગી રહ્યા છે.

યમનની ભીતર પરિસ્થિતિ ખરાબ છે. અનાજ અને પાણીની તંગી પેદા થઈ છે. હોસ્પિટલો છે પણ દવા નથી. પેટ્રોલપંપો છે, પણ પેટ્રાલ-ડીઝલ નથી. મોટા ભાગની શેરીઓ પથ્થરોથી ઉભરાઈ ગઈ છે. યમનની હોસ્પિટલોમાં સેંકડો ભારતીયો કામ કરી રહ્યા છે. સત્તાવાળાઓએ તેમને હોસ્પિટલોમાં જ રહેવા અપીલ કરી છે, પરંતુ તેમની સલામતીની જવાબદારી લેવા તેઓ તૈયાર નથી.

યમન ભીતરથી બે જૂથો વચ્ચે વહેંચાઈ ગયું છે. બંને જૂથો આંતરરાષ્ટ્રીય રાજનીતિથી પ્રભાવિત છે. એક જૂથને સુન્ની સાઉદી અરેબિયાનું સમર્થન છે જ્યારે બીજા જૂથને શિયા ઈરાનનું સમર્થન છે. ભારતે આ આંતરવિગ્રહથી ભરેલી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં તટસ્થ વલણ અપનાવ્યું હોઈ એ બંને જૂથો ભારતનું સન્માન કરી રહ્યાં છે. આ કારણે હજુ સુધી કોઈ ભારતીયને ઈજા પહોંચાડવા કોશિશ થઈ નથી.

યમનના આ લોહિયાળ આંતરવિગ્રહમાં અત્યાર સુધીમાં ૧૦૦ નાગરિકો માર્યા ગયા છે. ૩૦૦ ઘવાયા છે. સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ તેના સાથી દેશોનાં યુદ્ધવિમાનો યમનનાં શહેરો પર બોમ્બ વરસાવી રહ્યાં છે. આ કારણે અત્યાર સુધીમાં ૬૦થી વધુ બાળકો માર્યાં ગયાં હોવાનું મનાય છે. આ પરિસ્થિતિમાં પણ ૪૦૦થી વધુ ભારતીયોને સહીસલામત બચાવી યમનની બહાર કાઢી લેવામાં આવ્યા છે.

અખાતના દેશોમાં કેટલાયે સમયથી આંતરવિગ્રહ જોવા મળે છે. છેલ્લાં ચાર વર્ષમાં એકમાત્ર સીરિયામાં જ ૨,૧૦,૦૬૦ જેટલા લોકો માર્યા ગયા છે. તેમાં અડધોઅડધ તો નાગરિકો હતા. માર્યા ગયેલાઓમાં ૧૦,૦૦૦ બાળકો અને ૬૦૦૦ સ્ત્રીઓ હતી. ખતરનાક આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા છેલ્લા આઠ મહિનામાં ૨૪,૦૦૦ નાગરિકો માર્યા ગયા છે. આ કારણે ૧૮ લાખ ઇરાકી નાગરિકોને હિજરત કરવી પડી છે.

યમનના આંતરવિગ્રહમાં કોણ કોની સાથે છે તે સમજવા જેવું છે. એક તરફ સાઉદી અરેબિયાનું જૂથ છે. તેના સાથી દેશોમાં સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, ઇજિપ્ત અને જોર્ડન છે, જ્યારે બીજા જૂથમાં ઈરાન છે. ઈરાનના સાથી દેશોમાં ઇરાક અને સીરિયા છે. આ વાતને બીજા શબ્દોમાં કહેવી હોય તો એમ કહી શકાય કે, એક તરફ સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ છે,તો તેમની સામે ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખોમેની છે.

આ લોહિયાળ યુદ્ધ શા માટે છે, તે પણ સમજી લેવું જોઈએ. પશ્ચિમ એશિયામાં પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવા છેલ્લાં કેટલાંક વર્ષોથી જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની છેલ્લી રણભૂમિ યમન છે. આ સર્વોપરિતા સાબિત કરવા સાઉદી અરેબિયા મરણિયું થયું છે. તેણે ઈરાન સમર્થક બળવાખોરોને કચડી નાખવા પોતાની તમામ તાકાત યુદ્ધભૂમિમાં ઝીંકી દીધી છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે,ઈરાનના સમર્થનવાળા બળવાખોરોએ યમનનો ઉત્તરીય અને મધ્ય હિસ્સો કબજે કરી લીધો છે. સાઉદી અરેબિયાનાં નાણાં પર જે દેશો નભે છે તેવા પાકિસ્તાન, ઇજિપ્ત તથા મોરોક્કોએ પણ સાઉદી અરેબિયાના મિશન માટે પોતાનાં યુદ્ધવિમાનો તથા સૈનિકો મોકલવાની ખાતરી આપી છે. સાઉદીના રાજાને પોતાનું શાસન બચાવવા આ કવાયત કરવી પડી છે.

સાઉદી અરેબિયાને ટેકો આપી રહેલા સુન્ની દેશો એક બીજી રમત પણ રમી રહ્યા છે. તેઓ ખાનગીમાં ઇસ્લામિક સ્ટેટ નામના આતંકવાદી સંગઠનને પણ ખાનગીમાં મદદ કરી રહ્યા છે, જેથી ઈરાનને દૂર રાખી શકાય. ક્રૂડના ભાવમાં ઘટાડો પણ એ જ આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો એક ભાગ છે, જેથી તહેરાનની તિજોરી ખાલી રાખી શકાય. રિયાધે સેબેનીઝ આર્મીને ત્રણ બિલિયન ડોલરની સહાય કરીને શિયા મિલિટરી તાકાત હજબુલ્લાને દૂર કરવા રમત ખેલેલી છે. તેમને હજી એવી આશા છે કે એક દિવસ ઇઝરાયેલ ઈરાનનાં અણુમથકો પર બોમ્બ વરસાવશે. કૈરો, દમાસ્કસ અને ઇસ્લામાબાદને સાઉદીએ એટલી બધી નાણાકીય સહાય કરી છે કે તેઓ રિયાધની તમામ સૂચનાઓ ઝીલવા તત્પર છે. નવા કિંગ સલમાન અલ સાઉદ તેમના હેતુઓ પાર પાડવા તેમની તમામ લશ્કરી તાકાતનો ઉપયોગ કરવાની માનસિકતા ધરાવે છે.

પશ્ચિમ એશિયાની ભીતર સુપ્રીમસી માટેની આ પાવર ગેઇમમાં સહુથી મોટા અને જાણીતા પ્લેયર અમેરિકાની આ વખતે સૂચક ગેરહાજરી છે. વિશ્વમાં ક્યાંય પણ છમકલું થાય તો તેમાં હંમેશાં અમેરિકાનો એક રોલ હોય છે, પરંતુ યમનમાં ચાલી રહેલા યુદ્ધમાં આ એક્શન-હીરોની હાજરી નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા માને છે કે જે તે વિસ્તારોમાં જ્યારે જ્યારે પણ સંઘર્ષ થાય ત્યારે ત્યારે રિજિયોનલ પાવર્સને તેમની સમસ્યાઓ તેમની રીતે જ હલ કરવા દેવી જોઈએ. યમનમાં જેવું આંતરિક યુદ્ધ શરૂ થયું તેવું જ અમેરિકા યમનમાંથી હટી ગયું. અમેરિકન સૈનિકો યમનમાંથી બહાર નીકળી ગયા. હા, અમેરિકા સીરિયા અને ઇરાકમાં કાર્યરત આઈએસ પર બોમ્બમારો કરે છે, પરંતુ તે પણ મર્યાદિત ક્ષેત્રમાં જ. દરેક યુદ્ધમાં સામેલ નહીં થવું એ અમેરિકાની નવી સમજણ અને કૂટનીતિ છે. સીરિયા અને લિબિયામાંથી પણ તેણે પોતાના હાથ ધોઈ નાખ્યા છે. એ જ રીતે તુર્કી અને કતાર એ સુન્ની દેશ હોવા છતાં તેઓ વિદેશનીતિની બાબતમાં સ્વતંત્ર રહ્યા છે. તેઓ સાઉદીની એક તરફી લાઇનમાં જોડાવાને બદલે મુસ્લિમ બિરાદરીની હિમાયત કરી રહ્યા છે.

આ યુદ્ધમાં સાઉદી અરેબિયાના દાવા પ્રમાણે તેણે વિવિધ સુન્ની દેશોમાંથી આણેલા ૧,૫૦,૦૦૦ સૈનિકોને યમનના યુદ્ધમાં ઉતાર્યા છે. કહેવાય છે કે અમેરિકા સાઉદીને પોતાના સૈનિકો દ્વારા નહીં, પરંતુ અમેરિકન ઇન્ટેલિજન્સ દ્વારા ક્યાં બોમ્બમારો કરવો તે અંગેની મદદ પૂરી પાડી રહ્યું છે, જેથી ઈરાનના સમર્થનવાળા બળવાખોરોને મહાત કરી શકાય. યમન તો મુખ્યત્વે રણપ્રદેશ છે,પર્વતો પણ છે. આવી ભૂમિ પર સાઉદી અરેબિયા અને ઈરાન તેમનાં નાણાં દ્વારા આ ભૂમિને લોહિયાળ બનાવી રહ્યા છે.