નાતાલિયા રિવોલ્ટા કલ્યૂઝનું ૮૯ વર્ષની વયે અવસાન થયું. નાતાલિયાનું ટૂંકું નામ ‘નેટી’ હતું, તે ક્યૂબાના લેજન્ડરી સરમુખત્યાર ફિડલ કાસ્ટ્રોની મિસ્ટ્રેસ હતી. નેટી ક્યૂબાની હાઈ સોસાયટીમાં અત્યંત સુંદર સ્ત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ય મહિલા હતી.

નેટીના જીવન વિશે જાણતા પહેલાં તે   જેમની પ્રેયસી હતી તે રાજનેતા ફિડલ કાસ્ટ્રો વિશે જાણી લેવું જરૂરી છે. ફિડલ કાસ્ટ્રો કયૂબાના વર્ષો સુધી લોકપ્રિય સરમુખત્યાર રહી ચૂક્યા છે. અમેરિકાએ કાસ્ટ્રોને મારી નાંખવા અનેકવાર નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. શીતયુદ્ધ વખતે ફિડલ કાસ્ટ્રોની મૈત્રી રશિયા સાથે હતી અને ક્યૂબા અમેરિકાને ગાઠતું ના હોઈ એક તબક્કે અમેરિકા અને રશિયા વચ્ચે અણુયદ્ધ ફાટી નીકળવાની અણી પર હતું. આજનું જે ક્યૂબા છે તે ફિડલ કાસ્ટ્રોની કલ્પનાનું ક્યૂબા છે. હવાના તેની મુખ્ય નગરી છે.

આવા ફિડલ કાસ્ટ્રો જ્યારે બહુ જ ઓછા જાણીતા હતા ત્યારે નેટી તેમના પ્રેમમાં પડી ગઈ હતી. પરિણીત હતી અને ફિડલ કાસ્ટ્રો પણ પરિણીત હતા. નેટી રિવોલ્ટાનો જન્મ તા. ૬ ડિસેમ્બર, ૧૯૨૫ના રોજ થયો હતો. તેના માતા-પિતાના છુટાછેડા થઈ ગયા બાદ તે ૧૦ વર્ષની હતી ત્યારે તેની માતાએ બીજું લગ્ન કર્યું હતું. નેટીએ હવાનામાં આવેલી અમેરિકન સંસ્થા- રસ્ટન એકેડેમી અને ત્યારપછી અમેરિકામાં સેન્ટ જોસેફ એકડેમીમાં શિક્ષણ લીધું હતું. ત્યાર પછી વોશિંગ્ટનની કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ૧૯ વર્ષની વયે તે ક્યૂબા પાછી ફરી હતી. કારકિર્દીની શરૂઆત તેણે હવાનામાં આવેલા અમેરિકી દૂતાવાસમાં નોકરીથી કરી હતી.

નેટી ૨૨ વર્ષની હતી ત્યારે આર્લેન્ડો ફર્નાન્ડીઝ નામના એક સર્જન સાથે પરણી હતી. તેના પતિ તેના કરતાં ૨૦ વર્ષ મોટા હતા. તેમનાથી તે નીના નામની એક બાળકીની માતા બની હતી. પતિ અતિ પ્રતિષ્ઠિત હોવાના કારણે હવાનાના ભદ્ર સમાજમાં તેની ઓળખ વધી હતી. હવાનાની કંટ્રી કલબમાં દર શનિ- રવિવારે ટેનિસ રમવા જતી અને દરિયામાં તરતી લકઝુરિયસ યાચમાં લંચ લેતી, ભૂરી નીલી આંખો, વિશાળ બદન, ઉન્નત વક્ષઃસ્થળ અને સ્વરૂપવાન દેહના કારણે અનેક લોકોના આકર્ષણનું તે કેન્દ્ર બની હતી એના ભરાવદાર તનબદનના કારણે ઘણા તેને ‘ગેરિલા પ્રિન્સ’ કહેતા.

મુશ્કેલી એ હતી કે તેના પતિ એક તબીબ હોવાને કારણે અત્યંત વ્યસ્ત રહેતા. મોડી રાત સુધી તેઓ ઘેર જ ના આવતા. એ કારણે નેટી એક કોકટેલ પાર્ટીથી બીજી કોકટેલ પાર્ટીમાં વિહરતી રહેતી. એ વખતે ક્યૂબામાં રાજકીય અસ્થિરતા હતી. સરકાર ભ્રષ્ટાચારમાં લથપથ હતી. એ વખતે ‘ઓર્થોડોક્સ પાર્ટી’ સરકારના ભ્રષ્ટાચારની વિરુદ્ધ એક ચળવળ ચલાવી રહી હતી.

આ સમયગાળા દરમિયાન ૧૯૫૨માં એક ચાંદની રાતે યુનિર્વિસટી ઓફ હવાનાના પગથિયાંમાં એક જોશીલા પણ સરકાર સામે ચળવળ ચલાવતા એક યુવાન સાથે નેટીની મુલાકાત થઈ. એ યુવાન ફિડલ કાસ્ટ્રો હતો. એ વખતે નેટી માત્ર ૨૬ વર્ષની હતી અને ફિડલ કાસ્ટ્રો મિર્તા ડિયાઝ- બાલાઝ નામની મહિલા સાથે પરિણીત હતા. આ એક પ્રાથમિક અને ઔપચારિક મુલાકાત હતી. એ વખતે કેટલાક સ્પેનિશ સૈનિકો દ્વારા ક્યૂબાની આઝાદી માટે લડત ચલાવતા કેટલાક તબીબી વિદ્યાર્થીઓી હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાની વાર્ષિક તિથિ નિમિત્તે યોજાયેલા એક વિરોધ કાર્યક્રમમાં તે ફિડલ કાસ્ટ્રો સાથે જોડાઈ. ફિડલ કાસ્ટ્રો પણ તે વખતની ભ્રષ્ટ ક્યૂબન સરકાર વિરુદ્ધ ચળવળ ચલાવતા હતા.

કાસ્ટ્રોએ એક મિત્ર દ્વારા નેટી અને તેના પતિ સાથે સંબંધો કેળવવા ઓફર મોકલી. નેટીએ કાસ્ટ્રોને સાંજના પાંચ વાગ્યા પછી ઘેર આવવા કહ્યું. ફિડલ કાસ્ટ્રોના ઘરમાં આગમન પછી નેટીને લાગ્યંું કે, આ એક એવો પુરુષ છે જેની ઉપેક્ષા કરવી શક્ય નથી.બંને વચ્ચે મૈત્રી કેળવાઈ. પતિની જાણ બહાર જ નેટી તેના ઘરમાં સરકાર વિરોધી લડતના આયોજનનો બેઝ બનાવી ચૂકી હતી. આ ઘરમાંથી સરકાર સામે ક્યા ક્યા સ્થળે હુમલા કરવા છે તેનું આયોજન થતું. નેટી રિવોલ્ટાએ ઝુંબેશમાં કામ કરતા સ્વાતંત્ર્ય સૈનિકો માટેના યુનિફોર્મ પણ સીવવા લાગી. આઝાદીની લડાઈ માટેની પત્રિકાઓ વહેંચવા લાગી. એટલું જ નહીં પરંતુ તેની પાસે જે બચત હતી તે નાણાં તેના ડાયમંડસ અને ઝવેરાત પણ સ્વતંત્રતાની લડાઈ માટે આપી દીધા. બંને વચ્ચે પ્રેમ પણ પાંગર્યો.

આ લડત દરમિયાન એક હુમલામાં નિષ્ફળતા મળતા યુવાન ફિડલ કાસ્ટ્રો પકડાઈ ગયા. તેમની ધરપકડ થઈ. તેમને જેલમાં પુરવામાં આવ્યા. એ દરમિયાન નેટી તેના પ્રેમી ફિડલ કાસ્ટ્રોને જેલમાં પુસ્તકો, કવિતાઓ અને તેનાં પોતાના ચિત્રો મોકલતી રહી. એકવાર તો એણે એક પરબીડિયામાં દરિયાની રેતી મોકલીને બીચ પર તેમણે ગાળેલા સમયની યાદ અપાવી. તેણે તેમાં લખ્યું: ”તમે ઘણા દૂર છો, છતાં તમે એક સારા સાથી છો- યુ આર અ ગુડ કંપની.”

એ પત્રના જવાબમાં ફિડલ કાસ્ટ્રો પણ પત્રો લખતા તેઓ લખતાઃ ”તું પત્રો લખતી રહેજે. તારા પત્રો સિવાય હું રહી શક્તો નથી, આઈ લવ યુ વેરી મચ.”

એક વાર તેમણે લખ્યું હતું: ”તું ટાઈપ રાઈટર પર લખેલા પત્રો મોકલીશ નહીં. તારા હાથે લખેલા પત્રો જ મોકલ. તારા હાથ નાજુક, કોમળ અને ક્ષતિરહિત છે.”

એ વખતે ફિડલ કાસ્ટ્રો તેમના પત્નીને પણ પત્રો લખતા. એ તમામ પત્રો સેન્સર થતા. એક વખત જેલના અધિકારીઓએ જાણીબુઝીને પત્નીને લખેલો પત્ર નેટીને મોકલી આપ્યો અને પ્રેયસીને લખેલો પત્ર કાસ્ટ્રોની પત્નીને મોકલી આપ્યો.

૧૯૫૫માં ફિડલ કાસ્ટ્રો જેલમાંથી છૂટયા. ફિડલ કાસ્ટ્રોની પત્નીએ પતિને છુટાછેડા આપી દીધા. કારણ કે પત્રોની અદલાબદલીથી પત્નીને પતિના નેટી સાથેના સંબંધોનો ખ્યાલ આવી ગયો હતો. કેટલાક મહિનાઓ સુધી કાસ્ટ્રો અને નેટી પ્રેમીઓ તરીકે સાથે રહ્યા. તે પછી કાસ્ટ્રો ક્યૂબાની સરકાર સામે ક્રાંતિ કરવાનો પ્લોટ રચવા મેક્સિકો ચાલ્યા ગયા. એ વખતે નેટી તેના પ્રેમી કાસ્ટ્રોથી ગર્ભવતી હતી. અલબત્ત કાસ્ટ્રો આ વાત જાણતા નહોતા. મેકિસકો ગયા પછી કાસ્ટ્રોએ નેટીને મેક્સિકો આવવા આમંત્રણ આપ્યું. તેઓ નેટી સાથે લગ્ન પણ કરી લેવા માંગતા હતા પરંતુ આ હિંસક ક્રાંતિમાં કાસ્ટ્રો માર્યા જશે એવા ભયથી તે મેકિસકો ના ગઈ.

તે પછી ૧૯૫૬માં નેટીએ એલિના નામની બાળકીનોે જન્મ આપ્યો જે હકીકતમાં કાસ્ટ્રોથી થયેલી બાળકી હતી. એ પછી કયૂબાની સરકારને ઉથલાવવામાં કાસ્ટ્રો વ્યસ્ત થઈ ગયા. આ લડત બીજાં ત્રણ વર્ષ સુધી ચાલી. આ દરમિયાન એકવાર કાસ્ટ્રો તેમની પ્રેયસી નેટીને મળવા તેના ઘરે ગયા. તેમણે પહેલી જ વાર પુત્રી એલિનાને જોઈ પણ તેઓ ઓળખી શક્યા નહીં. એ દરમિયાન નેટીના પતિએ એલિનાને પોતાની અટક આપી. આ સમયગાળા દરમિયાન નેટી પણ બદલાઈ ચૂકી હતી. તેને હજુ ભૌતિક દુનિયામાં રસ હતો જ્યારે કાસ્ટ્રો ગરીબોના મસીહા તરીકે ઉપસી રહ્યા હતા. કાસ્ટ્રો ક્યૂબન સરકાર વિરુદ્ધ યુદ્ધે ચઢેલા સ્વાતંત્ર્ય સૈનિકોના નેતા અને તેમના સરસેનાપતિ હતા. તેમણે ક્યૂબાની સરકાર ઉથલાવી દીધી. હવે તેઓ ખુદ નવી કમ્યુનિસ્ટ કયૂબન સરકારના પ્રેસિડેન્ટ બની ગયા. પ્રેમીને ક્યુબાના શાસક બનેલા જોઈ નેટીને હવે કાસ્ટ્રો સાથે લગ્ન કરી ક્યૂબાની ‘ફર્સ્ટ લેડી’ બનવાની મહેચ્છા પ્રગટ થઈ, પરંતુ ફિડલ કાસ્ટ્રોએ હવે એ મોભો આપવા ઈન્કાર કરી દીધો. એટલું જ નહીં પરંતુ નેટી સાથે એક અંતર પણ રાખ્યું.

૧૯૫૯માં નેટી અને તેના પતિના છૂટાછેડા થઈ ગયા. તે પછી નેટી કદી પરણી નહીં. કયૂબાની તમામ સંપત્તિનું રાષ્ટ્રીયકરણ થતાં તેણે પોતાનું ભવ્ય નિવાસસ્થાન પણ ગૂમાવ્યું.

આ તરફ કાસ્ટ્રોથી થયેલી પુત્રી એલિના ૧૯૯૭માં કોઈ સ્પેનીશ ટૂરિસ્ટ સાથે ભાગી ગઈ. કાસ્ટ્રો કમ્યુનિસ્ટ વિચારસરણીવાળા નેતા હતા. બહારથી એવા સમાચાર મળતા જ રહ્યા કે એલિના ક્યૂબાની સામ્યવાદી સરકારની વિરુદ્ધમાં ક્યાંક લેખો લખતી રહે છે, જે સ્વયં ક્યૂબાના કમ્યુનિસ્ટ શાસક કાસ્ટ્રોથી પેદા થયેલી પુત્રી હતી.

વર્ષો વીતતા રહ્યા. નેટી ઉર્ફે નાતાલિયા એકાકી જીવન જીવતાં રહ્યા. કાસ્ટ્રો સાથે હવે તેમનો કોઈ સંપર્ક રહ્યો નહોતો. તે હજુ હવાનાના કોકટેલ પાર્ટીમાં ક્યારેક દેખાતા, સિગારેટ ફૂંક્યા કરતા. મૃત્યુ પર્યંત તેઓ માનતા રહ્યા કે ”કાસ્ટ્રોએ ક્યૂબાની ક્રાંતિ માટે પોતાની અંગત જિંદગીને બાજુમાં મૂકી દીધી હતી. કાસ્ટ્રોને મારા હૃદયમાંથી ભૂલતા મને વર્ષો લાગ્યા.”

આવી છે ફિડલ કાસ્ટ્રોના પ્રેયસીની કથા. ફિડલ કાસ્ટ્રો એ ઉંમરના કારણે પ્રમુખપદ અન્યને સોંપી દીધું છે અને હવે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.