નિશા.

એક નાનકડા ગામના જમીનદારની પુત્રી. તેનું લગ્ન પોતાની જ્ઞાાતિના ચંદ્રભાણ નામના એક યુવક સાથે કરવામાં આવ્યું. લગ્નની લાલ સાડીમાં લપટાયેલી નિશા નવવધૂ બની સાસરીમાં પહોંચી અને તેણે ઘૂંઘટ ઉતાર્યો ત્યારે તેના સુંદર ચહેરાને જોઈને સહુ પ્રભાવિત થઈ ગયા. સુહાગરાતે એનો પતિ ચંદ્રભાણ તો અપલક બની તેની ખૂબસૂરતીને જ જોઈ રહ્યો.

લગ્ન પછીના પાંચ વર્ષ દરમિયાન નિશા ચાર બાળકોની માતા બની ગઈ. સ્વરૂપનું બીજું નામ સુખ નથી. વાસ્તવિક જીવન અનેક કડવી સચ્ચાઈઓથી ભરેલું હોય છે. નિશા હવે ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ. તેના સાસરિયા નિશા પાસેથી સખ્ત કામ લેવા માંડયાં. સાસુ હંમેશા મ્હેણાં-ટોણાં મારતી. પતિ પણ નિશાની ઈચ્છાઓ પર પૂરતું ધ્યાન આપી શક્તો નહોતો. ચંદ્રભાણ ખેતીકામમાં વ્યસ્ત રહેતો હતો.

નિશાની મોટી બેન ગીતાનું લગ્ન નજીકના એક ગામમાં હુકમસિંહ સાથે કરવામાં આવેલું હતું. એક દિવસ નિશા તેની બેનના ઘેર થોડા દિવસ રહેવા માટે ગઈ. અહીં તેનો પરિચય અરવિંદ નામના યુવક સાથે થયો. અરવિંદ એ જ મહોલ્લામાં રહેતો હતો. કુંવારો હતો, દેખાવડો હતો. અવારનવાર ગીતાના ઘેર આવતો હતો. પહેલી જ મુલાકાતમાં તે ગીતાની પરિણીત બહેન નિશાનો દીવાનો થઈ ગયો. બેઉ વચ્ચે પ્રાથમિક પરિચય થયો. એક દિવસ તેણે નિશાને કહ્યું: ”ભાભી! તમને જોઈને લાગતું નથી કે તમે ચાર બાળકોની મા છો. સ્કૂલની છોકરી જેવા જ લાગો છો.”

અરવિંદે કરેલી આ તારીફ પર નિશા ખુશ થઈ ગઈ. બેઉ વચ્ચે આત્મીયતા વધી. કેટલાક દિવસો બાદ નિશા ફરી તેની બહેનના ઘેર આવી. ફરી અરવિંદ તેને મળવા આવ્યો. આ વખતે તો અરવિંદે પૂછી જ લીધું : ”ભાભી, તમારા પતિ ચંદ્રભાણ તમારો ખ્યાલ રાખતા હોય તેમ લાગતું નથી. આ વખતે તમે સહેજ સુકાયેલાં હોય તેમ લાગે છો.”

અરવિંદે નિશાની દુખતી રગ પર હાથ મૂકી દીધો. નિશાએ કોઈ જવાબ આપ્યો નહીં. એની આંખ રડુ રડુ થઈ રહી. અરવિંદે નિશાની આંખોમાં કોઈ છૂપી વેદના જોઈ લીધી. એ વખતે ઘરમાં કોઈ નહોતું. અરવિંદે નિશાનો હાથ પકડી પોતાના હાથમાં લેતાં કહ્યું: ”આજથી હું તમારો ખ્યાલ રાખીશ.” નિશા અરવિંદની કરીબ સરકી. બેઉ વચ્ચે લાગણીના સંબંધો બંધાયા.

એ પછી અરવિંદે નિશાના પતિ ચંદ્રભાણ સાથે દોસ્તી કરી લીધી. અવારનવાર તે ચંદ્રભાણને મળવાના બહાને નિશાના ઘેર જવા લાગ્યો. ચંદ્રભાણને શરાબની આદત હતી, અરવિંદ વ્હિસ્કીની બોતલ લઈને જતો હતો. એક દિવસ તે બપોરના સમયે નિશાના ઘેર પહોંચી ગયો. ચંદ્રભાણ તથા તેના સાસુ- સસરા ખેતરમાં ગયેલા હતા, બાળકો સ્કૂલમાં ગયેલા હતા. નિશા એકલી હતી. એ વખતે તે સ્નાન કરી રહી હતી. સ્નાન કરતી નિશાને જોતાં જ અરવિંદે કહ્યું: ”આજ તો ક્યામત આવી જશે.”

પોતાની તારીફ સાંભળી નિશા પુલક્તિ થઈ ઊઠી. એણે બાથરૂમનું બારણું પહેલાથી જ અડધું ખુલ્લું રાખ્યું હતું. એ ટોવેલ વીંટાળીને ભીના શરીરે જ બહાર આવી. મર્યાદા સમાપ્ત થઈ ગઈ. અને તે દિવસ પછી આ સિલસિલો ચાલુ રહ્યો. એ દિવસ પછી અરવિંદ દર બે ત્રણ દિવસે નિશાને મળવા બપોરના સમયે આવી જતો. એ વખતે ઘરના સભ્યો ખેતરમાં જ કામ કરતા રહેતાં. પરંતુ પડોશીઓના ધ્યાન પર આ વાત આવી ગઈ. કેટલાકે ચંદ્રભાણને સાવચેત કર્યો. પત્નીના અરવિંદ સાથેના આડા સંબંધોની જાણકારી મળતાં ચંદ્રભાણ વ્યાકુળ થઈ ગયો. એણે ઘેર આવી નિશા સાથે પૂછપરછ કરી. નિશાએ અરવિંદ સાથે એવા કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો. છતાં ચંદ્રભાણે નિશાને સખ્ત શબ્દોમાં ચેતવણી આપી દીધી. નિશાએ કહ્યું: ”હવે હું અરવિંદને ઘરમાં જ પેસવા નહીં દઉં.”

ચંદ્રભાણે એ સમયે તો ઝઘડો અટકાવી દીધો. પરંતુ તેનો શક યથાવત્ રહ્યો. એણે નિશા પર નજર રાખવાની વ્યવસ્થા ગોઠવી દીધી. બપોરના સમયે અરવિંદ તેના ઘરમાં આવે તો તેને ખેતરમાં જાણકારી આપવાની વ્યવસ્થા પણ કરી દીધી.

એક દિવસ ફરી એક વાર બપોરના સમયે અરવિંદ નિશાને મળવા તેના ઘેર આવી ગયો. તે નિશા વગર રહી શક્તો નહોતો અને નિશા પણ તેના વગર રહી શકતી નહોતી. તે ઘરમાં પ્રવેશ્યો અને નિશાએ બારણું બંધ કરી દીધું. અગાઉથી કરાયેલી ગોઠવણ પ્રમાણે કોઈકે ખેતરમાં જઈ ચંદ્રભાણને જાણ કરી દીધી. ચંદ્રભાણ ખેતરનું તમામ કામ છોડીને ચૂપચાપ ઘેર આવ્યો. બારણું ખટખટાવ્યું. ડરી ગયેલી નિશાએ બારણું ખોલ્યું. ચંદ્રભાણ ધસમસતો અંદર પ્રવેશ્યો. અરવિંદ તેના ઘરની અંદર જ હતો. બારણું અંદરથી બંધ હતું. તે પરિસ્થિતિ પામી ગયો. ચંદ્રભાણે નિશા અને અરવિંદને ફટકાર્યા. અરવિંદે બે હાથ જોડી માફી માંગી ”હવે ફરી કદી નહીં આવું.”

ચંદ્રભાણે વિચાર્યું કે વધુ મારઝૂડ કરવાથી સમાજમાં તમાશો થશે. એના હાથમાં કુહાડી હતી છતાં એણે કુહાડી ફેેંકી દેતાં કહ્યું: ”આ છેલ્લી તક છે. હવે આવું થશે તો બંનેને કાપી નાંખીશ.”

એ પછી અરવિંદ ત્યાંથી ભાગી ગયો. ચંદ્રભાણની ધમકીથી નિશા અને અરવિંદ એટલા ડરી ગયા હતા કે, મહિનાઓ સુધી અરવિંદ આ તરફ ફરક્યો જ નહીં. પરંતુ પ્રેમ અને વાસના આંધળા હોય છે. ફરીથી નિશા અને અરવિંદ ચોરી છૂપીથી મળવા લાગ્યા. હવે તેઓે ઘરની બહાર નદી કિનારે કોતરોમાં મળવા લાગ્યા. ફરી ચંદ્રભાણને આ વાતની ખબર પડી ગઈ. હવે તેણે મનોમન નિશા અને અરવિંદનો ખેલ ખતમ કરી નાખવાનો નિર્ણય કર્યો. એણે એક નાટક કર્યું. એણે નિશાને જ કહ્યું: ”નિશા! મે ં કારણ વગર તારા અને અરવિંદ પર શક કર્યો. ખરેખર તો તમે બંને નિર્દોષ છો. લોકોએ મારા મનમાં ખોટી ગેરસમજ પેદા કરી હતી. મારી ઈચ્છા છે કે આજે બા- બાપુ બહારગામ ગયાં છે. અરવિંદને બોલાવીએ. હું તેને દારૂ પિવરાવું. તેની માફી માંગું.”

નિશાને પતિના વિચારોમાં આવેલું પરિવર્તન ના સમજાયું. પણ પતિના કહેવાથી નિશાએ મોબાઈલ પર ફોન કરી અરવિંદને રાત્રે ઘેર આવવા આમંત્રણ આપ્યું. ચંદ્રભાણે આગલા દિવસથી જ કુહાડી ઘરમાં લાવી સંતાડી રાખી હતી. નિશાએ અરવિંદને ફોન કરીને કહ્યું: ”આજે રાત્રે આવી જાવ. મારા ઘેર પાર્ટી છે. મારા પતિને તેમની ભૂલ સમજાઈ છે. તેઓ તમને પાર્ટી આપી માફી માંગવા માંગે છે.”

અરવિંદને શક પડયો છતાં તે આવ્યો.

ચંદ્રભાણે એ રાત્રે જ અરવિંદને ખૂબ દારૂ પિવરાવી અરવિંદ અને નિશાની હત્યા કરી દેવાની યોજના બનાવી હતી. પાર્ટી ચાલુ થઈ. દારૂના જામ પર જામ ખાલી થવા લાગ્યા. બત્તી ધીમી થઈ ગઈ. ચંદ્રભાણ ઓછું પીતો હતો અને અરવિંદને વધુ પિવરાવતો હતો. રાત આગળ વધતી હતી. જમવાનું પણ બાકી હતું. ચંદ્રભાણે નિશાને કહ્યું: ”રસોડામાં જઈ જમવાનું કાઢ.”

નિશા રસોડામાં ગઈ.

ચંદ્રભાણ બીજા રૂમમાં છુપાયેલી કુહાડી લેવા ગયો. એણે જોયું તો કુહાડી નહોતી. એણે આખો રૂમ ફેંદી નાખ્યો. એણે બૂમ પાડીઃ”કુહાડી કયાં ગઈ?”

નિશા તેના હાથમાં કુહાડી સાથે ઊભી હતી. તે કોઈ પણ સંજોગોમાં તેના પ્રેમી અરવિંદને ગુમાવવા માગતી નહોતી. દિવસ દરમિયાન નિશાએ ઘરમાં છુપાવવામાં આવેલી કુહાડી જોઈ ગઈ હતી.પતિના ષડયંત્રનો અમલ થાય તે પહેલાં તેણે પોતાની યોજના બનાવી દીધી હતી અને રાત થાય તે પહેલા નિશાએ કુહાડી અન્યત્ર છુપાવી દીધી હતી. રાત્રે દારૂની પાર્ટી બાદ ચંદ્રભાણ હુમલો કરે તે પહેલા પતિ ચંદ્રભાણનો જ ખેલ ખત્મ કરી દેવા નિશાએ પ્લાન બનાવી રાખ્યો હતો. આ યોજના તેણે અરવિંદથી પણ છુપાવી હતી અને નિશાએ પતિના માથામાં કુહાડી ઝીંકી દીધી.

ચંદ્રભાણ તરફડિયા મારીને મૃત્યુ પામ્યો. પતિની યોજના પહેલાં પત્નીની ખતરનાક યોજના કામ કરી ગઈ. ઘરમાં હવે લોહીનું ખાબોચીયું હતું.

અરવિંદ પણ આ દૃશ્ય જોઈને આભો બની ગયો. આ દૃશ્ય જોયા બાદ તે પણ નિશાને ત્યાં જ મૂકી ભાગી ગયો.

સમયાંતરે નિશાની ધરપકડ થઈ. આ ષડયંત્રમાં અરવિંદને સામેલ ગણવો કે કેમ તે અંગે પોલીસ દ્વિધામાં છે.