આ દિવસે વડોદરા જિલ્લાના સાવલી ગામે એક બાળકનો જન્મ થયો. નામ ચુનીલાલ. આખું નામ ચુનીલાલ આશારામ ભગત. પિતા વ્યવસાયે રંગરેજ હતા. ભજનો ગાતાં. ગરીબાઈ છતાં બાળકને ગુજરાતી નિશાળમાં ભણવા મૂક્યો. આખું પરિવાર કાલોલમાં એક ઓરડામાં રહે. આગળ પરસાળ. પિતાને હુક્કો અને અફીણની ટેવ. રોજ રાતે ઘર પાસે ઓટલા નજીક છાણાંથી દેવતા જીવતા રાખે. તેમાંથી દેવતા લઈ હુક્કો પીવે. રાત્રે રોન ફરનારા સિપાઈઓ પણ ત્યાં આવે અને ચુનીલાલના પિતા સાથે બેસી હુક્કો પીએ.
એક દિવસે ઘરે મહેમાન આવ્યા હતા. તેમને બહાર ખાટલો પાથરી રાત્રે સૂવાડયા હતા. રાત્રે રોન ફરનારા બે સિપાઈ આવ્યા. તેમાંના એક સિપાઈએ પૂછયું, “અલ્યા ભગત !આ કોણ સૂતું છે ?”
ભગતે જવાબ આપ્યો, “મહેમાન છે.”
પેલા સિપાઈએ કહ્યું : “તો પછી પોલીસ ચોકીએ ખબર કેમ નથી આપી ?”
ભગતે જવાબ આપ્યો : “એવી ખબર અમારે આપવાની ના હોય.”
આ સાંભળતાં જ સિપાઈનો પિત્તો ગયો. એણે ચુનીલાલના પિતાને ફટકાર્યા અને મારતાં મારતાં પોલીસ ચોકી લઈ ગયો. આ કારમું દૃશ્ય સ્કૂલમાં ભણતાં નાનકડા બાળક ચુનીલાલથી જોઈ શકાયું નહીં. તે દોડતો દોડતો નાગરવાડામાં ગયો અને એક પ્રતિષ્ઠિત વ્યક્તિને બોલાવી લાવ્યો. તેમણે ચુનીલાલના પિતાને છોડાવ્યા. આ ઘટનાએ નાનકડા બાળકને વિચારતો કરી મૂક્યો. એને લાગ્યું કે, “ગરીબને આ સંસારમાં સૌ કોઈ હડધૂત કરે છે, અપમાનિત કરે છે. આપણે ગરીબ ભલે હોઈએ, પણ કોઈ આવી અહવેલના ના કરે તે માટે શું કરવું જોઈએ ?”
મનમાં વિચાર તો ઝબક્યો, પરંતુ ગરીબી તો હજુ યથાવત્ જ હતી. કાલોલમાં નવી અંગ્રેજી શાળા શરૂ થયેલી. બાળકને તેમાં ભણવું હતું, પરંતુ ફી ભરવાના પૈસા નહોતા તેથી એણે આખી નિશાળનું મકાન વાળવાનું માથે લીધું. તેના બદલે મહિને દોઢ રૂપિયો મહેનતાણું મળે. એ રકમમાંથી બાળક ભણ્યો, પણ ગરીબીના કારણે પેદા થયેલી ભાવનાનો પ્રચંડ અગ્નિ તેના હૃદયમાં પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો. બચપણમાં જ ગામના એક અનાજના વેપારીને ત્યાં નોકરી શરૂ કરી. વેપારીએ ખેડૂતો પાસેથી લેવાતા તોલમાપમાં ચાલાકી કરી વધુ માલ પડાવવાની તરકીબ શીખવી. બાળકે ખેડૂતોના અનાજનું પૂરેપૂરું તોલમાપ બરાબર કર્યું. એણે શેઠની તરકીબનો ઉપયોગ ના કર્યો. શેઠને આ વાતની ખબર પડતાં ચુનીલાલે નોકરી છોડવી પડી.
જેમતેમ કરીને ૧૯૧૯માં ઊંચા માર્ક્સે તે બાળક મેટ્રિક થયો. વડોદરાની કોલેજમાં ભણવાનું શરૂ કર્યું. ફૂટપાથ પર જઈ બેસીને વાંચવાનું. એ પછી કિશોર ગાંધીજીની સ્વતંત્રતાની લડતના રંગે રંગાયો. કોલેજ છોડી દીધી. નવી શરૂ થયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા વિચાર્યું, પણ પૈસા ક્યાંથી લાવવા ? દર અઠવાડિયે ‘નવજીવન’ વેચીને ચલાવ્યું. એક નકલે એક પૈસો મળતો. ઇન્દુલાલ યાજ્ઞિાક સાથે કામ કર્યું. દરમિયાન ફેફરું (એપિલપ્સી) નામનો રોગ થયો. આરામ કરવા નર્મદા કાંઠે જવાનું થયું. અહીં એક સાધુ મહારાજે કહ્યું : “એક વર્ષ પછી તને કોઈ સદ્ગુરુ મળશે.”
એક તરફ દેશની સેવાની ધૂન અને બીજી તરફ ગરીબાઈ. યુવાને કંટાળીને નર્મદા નદીમાં ઝંપલાવીને જીવનનો અંત લાવવા નિર્ણય કર્યો. ગરુડેશ્વરથી આગળ જતાં ઊંચી ભેખડ પરથી નર્મદા મૈયામાં ઝંપલાવ્યું. નર્મદા મૈયાના મૃદુ, કોમળ અને શીતળ જળનો સ્પર્શ થતાં જ પાણીના પ્રવાહમાં પ્રચંડ વંટોળ સર્જાયો. તે શરીરે યુવાનના શરીરને ઉછાળીને ભેખડ પર પાછું ફેંકી દીધું. એ અલૌકિક દૃશ્ય હતું. બચી ગયા પછી લાગ્યું કે, “ઈશ્વરે મને કોઈ હેતુ માટે જ મોકલ્યો છે.”
એ દેહ તે પછી ‘પૂજ્ય શ્રી મોટા’ તરીકે દેશભરમાં પ્રચલિત બન્યો.
એ પછીની ઘટનાઓ લાંબી, ચમત્કારિક, અલૌકિક અને અદ્ભુત છે. પૂજ્ય મોટાને સાપ કરડયો, તેઓ દિવસોના દિવસો સુધી ખાધા-પીધા વિના ગુફામાં રહ્યા જેવી અનેક ઘટનાઓ તેમના જીવનમાં ઘટી. તા. ૨૯મી માર્ચ, ૧૯૩૯ના દિવસે કાશીમાં તેમને નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો. તેમને પોતાના સાચા સ્વરૂપનો, જીવનમાં સત્યનો અને જન્મના હેતુનો સાક્ષાત્કાર થયો. આથી જ રામનવમી પૂજ્ય શ્રી મોટાના સાક્ષાત્કાર દિન તરીકે ઓળખાય છે.
એક વાર તેઓ બનારસ ગયા હતા. બનારસ સાક્ષર નરસિંહરાવ દીવેટિયાની બે દોહિત્રીઓના વાલી-પિતાની ફરજ બજાવવા તેઓ ગયા હતા. બંને બહેનો બનારસ પરીક્ષા આપવા ગઈ હતી. એ બંને બહેનો બહાર ફરવા જાય ત્યારે ઘરેણાં પહેરે અને પાછી આવે ત્યારે પૂજ્ય શ્રી મોટાને ઘરેણાં સાચવવા પાછું આપી દે. પૂજ્ય શ્રી મોટા એ ઘરેણાં પહેરણના ખિસ્સામાં સાચવે, પણ વિશ્વનાથના મંદિરે દર્શન કરતી વખતે ભીડમાં કોઈએ તેમનું ખિસ્સું કાપી ઘરેણું ચોરી લીધું. બીજા દિવસે ગંગામાં નૌકા વિહાર દરમિયાન ખબર પડી કે, ખિસ્સું કપાઈ ગયું છે. તે ઘરેણું ચોરાઈ ગયું છે. બહેનોએ તે ઘટનાને નજીવી હકીકત કહી, પરંતુ પૂજ્ય શ્રી મોટાને લાગી આવ્યું. નૌકામાં બંને બહેનો ભજનો ગાતી હતી. એ ભજનો સાંભળતાં જ પૂજ્ય શ્રી મોટાના હૃદયમાં ભાવાવેશ પ્રગટયો. શરીરની સ્થિતિ બાહ્ય ભાનરહિત થઈ ગઈ. ભાવાવેશમાં આવી અલૌકિક ધ્યાનમાં પ્રવેશેલા તેમનાથી કોઈ માણસ-ચોર દેખાયો. તેઓ બોલ્યા, “અલ્યા ! આ ઘરેણાં મારાં નથી. કોઈએ મને સાચવવા આપ્યા હતા. હું તો ગરીબ માણસ છું. હું ભરપાઈ કરી શકું તેમ નથી. એ ઘરેણું તારાથી જીરવી શકાશે નહીં. તું મને પાછું આપી જા.”
બીજા જ દિવસે એક માણસ દોડતો આવ્યો. એણે પૂજ્ય શ્રી મોટાને કહ્યું : “આ ઘરેણાં તમે પાછા લઈ લો. હું આખા શરીરે દાઝી રહ્યો છું. મને દાહ મટાડી દો.”
પૂજ્ય શ્રી મોટાએ કહ્યું : “ભાઈ ! તું એક વ્રત લે. આજથી કોઈ પણ મંદિરમાં દર્શને આવનારનું ખિસ્સું તું કાપીશ નહીં. પ્રભુકૃપાથી દાહ મટી જશે.”
આવનાર માણસે પ્રતિજ્ઞાા લીધી : “હું ભૂખે મરીશ, પણ કદી કોઈનું ખિસ્સું કાપીશ નહીં.” અને થોડી જ ક્ષણોમાં તેનો દાહ શાંત થઈ ગયો.
પૂજ્ય શ્રી મોટાનું જીવન આવી અનેક અલૌકિક ઘટનાઓથી ભરેલું છે, પરંતુ તેમનું સૌથી મોટું યોગદાન તો સમાજસેવાનું હતું. તેઓ કહેતા : “મારે સમાજને બેઠો કરવો છે.”
પૂજ્ય શ્રી મોટાએ મોટાં મંદિરો બંધાવી ર્ધાિમક સંત હોવાનો દાવો કદી કર્યો નહોતો. તેમણે આત્મોન્નતિ માટે આશ્રમો ઊભાં કરી’મૌન-મંદિરો’ની રચના કરી. તેઓ એક ક્રાંતિકારી પ્રતિભા હતા. તેઓ સામાજિક અને આધ્યાત્મિક ક્રાંતિના પ્રણેતા હતા. તેમણે સમાજને બેઠો કરવા ટહેલ નાખી. લોકોએ ધનથી તેમની ઝોળી છલકાવી દીધી. એ ધનનો ઉપયોગ તેમણે ગુજરાતમાં અનેક ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડા બંધાવવા માટે કર્યો. પૂજ્ય શ્રી મોટાએ ઊભા કરેલા આશ્રમો હરિઃ ઁ આશ્રમોના નામે ઓળખાયા જ્યાં તરણ સ્પર્ધા, સાહસ પ્રવૃત્તિ તથા વૈજ્ઞાાનિક સંશોધનો જેવી પ્રવૃત્તિઓ આજે પણ ચાલે છે. ખૂબી એ છે કે, ક્યાંયે પૂજ્ય શ્રી મોટાનું નામ નથી. નામ છે માત્ર હરિ ઁ આશ્રમનું. પૂજ્ય શ્રી મોટાને એક સમયે એવો વિચાર આવ્યો કે, અંગ્રેજીમાં ‘એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ જેવાં વિશ્વકોષ જ્ઞાાન સંગ્રહનાં પુસ્તકો છે તેવાં ગુજરાતી ભાષામાં પણ હોવા જોઈએ. આ હેતુથી તેમણે ગુજરાત યુનિર્વિસટીને લાખો રૂપિયાનું દાન આપ્યું. તેઓ માનતા હતા કે સમાજમાં વીરતા, ખમીર અને સાહસનાં ગુણો પ્રગટ થવા જોઈએ. હું મારા માટે નહીં, પણ સમાજના માટે ભીખ માગી રહ્યો છું. એટલું બોલતાં તો એમની આંખો સજળ બની જતી. સમાજના ઉત્થાન માટે તેઓ આટલા બધા ભાવુક હતા.
પૂજ્ય શ્રી મોટાના જીવન કરતાં તેમના જીવનનો અંત વધુ રોમાંચક છે. તેમણે અગાઉથી જાહેર કરી દીધું કે, “ફલાણા દિવસે હું સ્વેચ્છાએ શરીર છોડી દઈશ.”
અને તેમ જ થયું.
આજે કેટલાક મોટા સાધુ-સંતોના દેહાંત બાદ ભવ્ય સ્મશાનયાત્રાઓ નીકળે છે. હજારોની ભીડ થાય છે. પણ શ્રી મોટાએ તેમ ના થવા દીધું. તેમના સ્વેચ્છા મૃત્યુ વખતે પાંચ-છ વ્યક્તિઓએ હાજર રહેવું તેવી તેમની સૂચના હતી. બીજા કોઈને ખબર આપવા તેમણે મનાઈ ફરમાવી હતી. તા. ૨૩-૧-૧૯૭૬ના રોજ પાંચ-છ જણાની હાજરીમાં પોતાની ઇચ્છાથી જ દેહ છોડયો. ફાજલપુર મુકામે મહી નદીમાં તેમની ભસ્મ વહાવી દીધા બાદ જ લોકોને જાણ થઈ. અંતકાળે તેમણે એક વસિયત લખી નાખી હતી : “મારા દેહાંત વખતે લોકો પ્રેમથી જે કાંઈ પૈસા આપે તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવા કરજો. મારું કોઈ ઇંટ-ચૂનાનું સ્મારક બનાવશો નહીં.”
આજે કરોડોના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિરો બાંધવાની સ્પર્ધા ચાલી રહી છે ત્યારે પૂજ્ય મોટાનું જીવન અને મૃત્યુ બેઉ એક ક્રાંતિકારી પ્રભાવ છોડી જાય છે.
Comments are closed.