દેશમાં રાજ્યપાલનું પદ ફરી એક વાર વિવાદમાં છે. બ્રિટિશ રાજના અંત પછી ભારતમાં દરેક રાજ્યમાં રાજ્યપાલનું પદ ઊભું કરવામાં આવ્યું છે. દરેક રાજ્યમાં એક રાજભવન હોય છે. રાજ્યપાલને એડીસી, સચિવો તથા વહીવટી સ્ટાફ આપવામાં આવે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પછી સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવાનું અને તેમને શપથ ગ્રહણ કરાવવાનું કામ રાજ્યપાલ કરે છે. બાકીના સમયમાં રાજ્યપાલ ઉદ્ઘાટનો કરવામાં કે જાહેર સમારંભોની શોભામાં અભિવૃદ્ધિ કરવાનું કામ કરે છે. રાજ્યપાલ પાસે વહીવટીતંત્ર પર કોઈ સીધો કાબૂ હોતો નથી. કોઈ વાર સરકારનો કોઈ ઠરાવ ના ગમે તો તેને પાછો મોકલી શકે છે. મોટા ભાગના રાજ્યપાલોની નિમણૂક કેન્દ્રમાં સત્તાધારી પક્ષની સરકાર કરે છે. તેથી રાજ્યમાં ક્યારેક કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય ત્યારે રાજ્યપાલનો રોલ નિર્ણયાત્મક બને છે. ઘણી વાર પક્ષના જૂના વફાદાર અને વૃદ્ધ થઈ ગયેલા નેતાઓને રાજ્યપાલ બનાવી તેમને ઉપકૃત કરવામાં આવે છે. રાજભવનોના કરોડોના ખર્ચા પ્રજાના કરમાંથી નિભાવવામાં આવે છે.

રાજ્યપાલની ગરિમા

આ બધું હોવા છતાં ભારતમાં રાજ્યપાલનું પદ એક ગરિમા અને પ્રતિષ્ઠાભર્યું છે. દેશને ઘણાં ઉત્કૃષ્ટ અને સમાજસેવામાં પરોવાયેલા રાજ્યપાલો પણ પ્રાપ્ત થયા છે. ગુજરાતને વર્ષો પહેલાં પ્રાપ્ત થયેલા મહેંદી નવાજજંગ એક આવા ઉત્કૃષ્ટ રાજ્યપાલ હતા, ગુજરાતના હાલના રાજ્યપાલ મહામહીમ ઓ. પી. કોહલી એક ઉમદા વ્યક્તિ છે, પરંતુ હમણાં હમણાં ગુજરાત સિવાયના એટલે કે દેશના અન્ય રાજ્યોમાં કેટલાક રાજ્યપાલોએ રાજ્યપાલ પદની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું છે. કહેવાય છે કે, જે લોકો સક્રિય રાજનીતિના ખેલમાંથી બહાર નીકળી જાય છે અને પોતાની કળામાં માહેર હોય છે તેવા કેટલાક રાજ્યપાલ બની જાય છે. કોઈક વાર કેટલાકને સક્રિય રાજનીતિમાંથી ફારેગ કરવા પણ રાજ્યપાલ બનાવી દેવાય છે. કહેવાય છે કે, ભારતમાં રાજકારણીઓ કદી નિવૃત્ત થવા માગતા નથી. અંગ્રેજીમાં કહેવત છે કે, “A Politician never retires, unless he dies.”મધ્યપ્રદેશના રાજ્યપાલ રામનરેશ યાદવે વૃદ્ધાવસ્થામાં બેઆબરૂ થઈને રાજભવન છોડવું પડે તેમ છે. મધ્યપ્રદેશના રાજ્યપાલને વ્યાપમ્ ગોટાળામાં આરોપી બનાવાયા છે અને તેમની સામે એફ.આઈ.આર. નોંધાતા તેમને રાજ્યપાલપદ છોડવું પડે તેવી પરિસ્થિતિ છે. વળી તાજેતરમાં જ તેમના પુત્રનું સંદિગ્ધ હાલતમાં મૃત્યુ નીપજ્યું છે તે પણ એક સંદેહ પેદા કરે છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ હાલ બીમાર છે.

આરોપ શું છે ?

મધ્યપ્રદેશની સરકારને ધ્રૂજવતું વ્યાપમ્ કૌભાંડ અત્યંત ચર્ચાસ્પદ બન્યું છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, વન સંરક્ષકની પરીક્ષામાં તેમણે પાંચ ઉમેદવારોના નામની ભલામણ કરી હતી. આરોપ એવો પણ છે કે, એ ભલામણો કરવાના બદલામાં તેમણે પૈસા પણ લીધા હતા. આમ તો વ્યાપમ્ ગોટાળાની તપાસ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને બીજા કેટલાક લોકો સુધી પહોંચેલી છે, પરંતુ મધ્યપ્રદેશના ઇતિહાસમાં પહેલી વાર આવા કોઈ કૌભાંડમાં રાજ્યપાલને આરોપી બનાવાયા છે. ૮૮ વર્ષના રામનરેશ યાદવ પહેલાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે રહી ચૂક્યા છે. પહેલાં તેઓ જનતા પાર્ટીમાં હતા. સમાજવાદી વિચારધારા ધરાવતા રામનરેશ યાદવ કોઈ જમાનામાં રાજનારાયણના સાથી હતા. તે પછી ચૌધરી ચરણસિંહના સમયગાળા દરમિયાન એટલે કે ૧૯૭૭માં તેમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે પછી તેમણે કોંગ્રેસ પાર્ટીના સભ્ય બની જવાનું પસંદ કર્યું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક યુપીએ સરકારે કરી હતી. ડો. રામમનોહર લોહિયા અને મહાત્મા ગાંધીજીના વિચારોને પોતાનો આદર્શ માનવાવાળા રામનરેશ યાદવ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. આરોપ મુકાયો છે તેથી તેઓ દોષી છે તેમ માની શકાય નહીં, કારણ કે એ વાતનો ફેંસલો તો હવે અદાલત કરશે, પણ આ આરોપથી તેમની પ્રતિભા ખંડિત તો જરૂર થઈ છે.

અન્ય રાજ્યપાલો

દેશની રાજનીતિના ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે કેટલાક રાજ્યપાલોએ કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેના હિતમાં જ કામ કર્યું હોય. દા.ત. પૂર્વ રાજ્યપાલો જેવા કે ઠાકુર રામલાલ, બૂટાસિંહ, હંસરાજ ભારદ્વાજ અને રોમેશ ભંડારીએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષની કઠપૂતલીઓની જેમ જ કામ કર્યું છે. એક રાજ્યપાલ તો રાજભવનમાં બેસીને ગેરકાયદે જમીનોની ખરીદીને વેચાણનું કામ જ કરતા હતા. એક રાજ્યપાલનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત નીપજ્યું, પરંતુ એ દુર્ઘટનાના સમયે હિમાલયની પહાડીઓ પર એટલી બધી ચલણી નોટો એમાંથી પડી કે લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા.

રાજભવનમાં રંગરેલિયાં

પૂર્વ રાજ્યપાલ નારાયણદત્ત તિવારી તો વયોવૃદ્ધ હોવા છતાં રાજભવનમાં જ અનેક મહિલાઓ સાથે રંગરેલિયાં કરતાં દેખાયા હતા. તે સંબંધની એક વીડિયો બહાર આવતા તેમણે રાજીનામું આપી દેવું પડયું હતું. ત્યાર પછી એક યુવાને દાવો કર્યો હતો કે, હું જ નારાયણદત્ત તિવારીનો પુત્ર છું. આખો મામલો કોર્ટમાં ગયો હતો. નારાયણદત્ત તિવારીનો ડીએનએ ટેસ્ટ લીધા બાદ એ યુવાનનો દાવો સાચો સાબિત થયો હતો. રાજ્યપાલનું પદ ગરિમાપૂર્ણ પદ છે. રાજ્યપાલની નિમણૂક ભલે એક સરકાર કરે, પરંતુ એક વાર તેમની નિમણૂક થઈ તે પછી તેઓ નિષ્પક્ષ બની જાય તેવી અપેક્ષા હોય છે. એવી જ રીતે રાજભવન એ રંગરેલિયાં મનાવવાનું સ્થળ નથી. રાજભવન એ વૃદ્ધાશ્રમ નથી. આપણે એવી અપેક્ષા રાખીએ હાલના તમામ મહામહીમ રાજ્યપાલો રાજ્યપાલ પદની ગરિમા પુનઃ પ્રસ્થાપિત કરે.