ભારતમાં રહેવું અને ભારતને નફરત કરવી એવું તમે ક્યાંય સાંભળ્યું છે ?

હા, એક શખસ એવો હતો જેનો જન્મ હિંદુસ્તાનમાં થયો,હિંદુસ્તાનની ભૂમિ પર પાકતું અન્ન ખાધું, હિંદુસ્તાનનું પાણી પીધું,હિંદુસ્તાનની ધરતી પર શ્વાસ લીધા છતાં તે આખી જિંદગી હિંદુસ્તાનને ધિક્કારતો રહ્યો.

શેખ નઝીર અહેમદ

એ શખસનું નામ હતું : શેખ નઝીર અહેમદ. શેખ નઝીર અહેમદ એ બીજા કોઈ નહીં, પરંતુ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના કાકા થાય. છેક મોતીલાલ નહેરુના સમયથી ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા પરિવારનું નામ કાશ્મીરના ઈતિહાસ સાથે સંકળાયેલું છે. ઓમર અબ્દુલ્લા કે તેમના પિતા ફારુક અબ્દુલ્લા આજે ભલે જમ્મુ-કાશ્મીરમાં સત્તા પર નથી, પરંતુ તેમનું પરિવાર જમ્મુ-કાશ્મીરનું ફર્સ્ટ ફેમિલી ગણાય છે. ભારતના ભાગલા પહેલાંથી જ શેખ અબ્દુલ્લા પરિવાર કાશ્મીરમાં એક જાણીતું પરિવાર હતું. જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ પણ કાશ્મીરી પંડિત જ હતા. એમના સમયમાં શેખ મોહંમદ અબ્દુલ્લાનો એક આગવો દબદબો હતો. આવા શેખ અબ્દુલ્લાનો એક ભત્રીજો હતો જેનું નામ શેખ નઝીર અહેમદ હતું. નેશનલ કોન્ફરન્સ નામની પાર્ટીના સ્થાપક શેખ અબ્દુલ્લાએ તેમના ભત્રીજા શેખ નઝીર અહેમદને તે માત્ર ૭ વર્ષની વયનો હતો ત્યારે જ દત્તક લઈ લીધો હતો. આ રીતે શેખ અબ્દુલ્લાના પુત્ર ફારુક અબ્દુલ્લા અને નઝીર અહેમદ ભાઈ થાય અને એ નાતે શેખ નઝીર અહેમદ ઓમર અબ્દુલ્લાના કાકા થાય.

નઝીર એક કોયડો

આટલી પશ્ચાદ્ ભૂમિકા પરથી હવે મૂળ વાત પર આવીએ. શેખ નઝીર અહેમદ એક કોયડારૂપ ગૂઢ માણસ હતા. તેમના પાલક પિતા શેખ અબ્દુલ્લાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો ત્યારે પૂરા ૨૪ વર્ષ સુધી તેઓ તેમના મજબૂત ટેકેદાર રહ્યા હતા, પરંતુ એક વાર અબ્દુલ્લા પરિવારને જમ્મુ-કાશ્મીરમાં સત્તા હાંસલ થઈ તે પછી શેખ નઝીર અહેમદે જાહેર કર્યું કે, “હું કાશ્મીરી છું, ભારતીય નથી.”

શેખ નઝીર અહેમદ આખી જિંદગી તેમની પાર્ટીને અને પરિવારને વફાદાર રહ્યા, પરંતુ હૃદયથી તેઓ બળવાખોર રહ્યા. તેઓ ભાગ્યે જ કોઈ મીડિયાને મળતા કે ભાગ્યે જ જાહેરમાં દેખાતા. અલબત્ત, શેખ નઝીરના ભારત વિશેના જે અભિપ્રાયો હતા તેમાં તેમની પાર્ટી કદી સૂર પૂરાવતી નહીં, પરંતુ તેમના ‘હું ભારતીય નથી’ એવા વિચારોથી તેઓ પાર્ટી માટે અને દેશ માટે એક કોયડો રહ્યા.

ભારતનું કાંઈ ના ખપે

શેખ નઝીર તાજેતરમાં જ ૭૮ વર્ષની વયે મૃત્યુ પામ્યા. ભારતની આઝાદીના સંગ્રામ દરમિયાન ભારત તરફી પોલિટિકલ પાર્ટી- નેશનલ કોન્ફરન્સના એક સ્તંભ જેવા શેખ નઝીરનું પાછળથી ભારત પ્રત્યે ધિક્કારનું વલણ કેમ રહ્યું તે ઘણાંને સમજાતું નથી. ભારતની કોઈ પણ ચીજ કે બાબત સાથે જોડાવાનો તેમણે ઇનકાર કર્યો. શેખ નઝીરે ભારત બહાર વિદેશનો પ્રવાસ કદી ના કર્યો,કારણ કે ભારત બહાર જવું હોય તો તેમણે ‘ભારતીય પાસપોર્ટ’ લેવો પડે. તેમણે ભારતીય પાસપોર્ટ કદી ના લીધો. એટલું જ નહીં,પરંતુ કાશ્મીરની બહાર એટલે કે ભારતના બીજા કોઈ પણ ભાગમાં પણ પગ મૂક્યો નહીં. એ જ રીતે તેઓ એક પણ ચૂંટણી લડયા નહીં અને એક પણ સરકારમાં જોડાયા નહીં. શેખ નઝીર કિડનીની બીમારીથી પીડાતા હતા, પરંતુ ‘ભારતીય’ સંબંધ ધરાવતી એક પણ ચીજ લેવા તેઓ તૈયાર નહોતા. તેમના પરિવારે તેમને દિલ્હીની ‘ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટયૂટ’ ખાતે દાખલ કરવા કહ્યું, પરંતુ તેમાં ‘ઇન્ડિયન’ નામ આવતું હોઈ તેમણે ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટયૂટમાં સારવાર લેવાનો ઇનકાર કર્યો અને તેના બદલે બત્રા હોસ્પિટલમાં દાખલ થયા. ખુદ ફારુક અબ્દુલ્લાએ તેમને દિલ્હી લઈ જઈ ડોક્ટરને બતાવવા દબાણ કર્યું, પરંતુ તેઓ દિલ્હી ના ગયા તે ના જ ગયા.

આશ્ચર્યની વાત એ છે કે, કાશ્મીરમાં રહીને કાશ્મીરનું અલગ રાષ્ટ્ર માગતા કેટલાક અલગતાવાદી નેતાઓ વારંવાર વિદેશ જાય છે અને ભારતીય પાસપોર્ટ માટે લડાઈ કરે છે, પરંતુ શેખ નઝીરે ભારતીય પાસપોર્ટ લેવાનો જ ઇનકાર કરી દીધો.

ઇન્ડિયન એરલાઈન્સ

શેખ નઝીરને ‘ઇન્ડિયા’ શબ્દ માટે એટલી બધી એલર્જી હતી કે, શ્રીનગરથી જમ્મુ જવું હોય તો હંમેશાં મોટર માર્ગે જ જતા. જમ્મુ અને શ્રીનગર વચ્ચે ઇન્ડિયન એરલાઈન્સની વિમાની સેવા હતી, પરંતુ તેમાં ‘ઇન્ડિયા’ શબ્દ આવતો હોઈ તેમણે ઇન્ડિયન એરલાઈન્સ દ્વારા કદી વિમાની મુસાફરી કરી નહીં. શેખ નઝીરના આ વલણને કાશ્મીરના અલગતાવાદી નેતાઓ હંમેશાં સરાહતા રહ્યા. કાશ્મીરનો અલગતાવાદી નેતા શકીલ બક્ષી કે જે તેની ચળવળ માટે કુંવારો રહ્યો છે તે પણ શેખ નઝીરનો પ્રશંસક રહ્યો. શકીલ જેવા અલગતાવાદી નેતાઓ કાશ્મીરની ‘આઝાદી’ માટે કુંવારા રહ્યા છે. શેખ નઝીર અહેમદે પણ લગ્ન કર્યું નહોતું. કારણ ?ખબર નથી. કાશ્મીરના અલગતાવાદી નેતાઓ તેનું અર્થઘટન એવું કરે છે કે, શેખ નઝીર અહેમદ પણ કાશ્મીરની આઝાદી ઇચ્છતા હતા.

આઈબીની નજરમાં

કહેવાય છે કે, શેખ નઝીર અહેમદની ભારત પ્રત્યેની સખત એલર્જીના કારણે ભારતીય ઇન્ટેલિજન્સ વિભાગે અનેકવાર તેમની સખ્તાઈપૂર્વક પૂછપરછ કરી હતી. શેખ નઝીરના નાના ભાઈ મુસ્તફા કમાલ કહે છે કે, શેખ અબ્દુલ્લા જ્યારે અલ્જિરિયામાં એ વખતના ચીનના વડા ચઉ-એન લાઈને મળ્યા ત્યારે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ શેખ નઝીરની કાશ્મીરમાં સખ્તાઈપૂર્વક પૂછપરછ કરી હતી. શેખ નઝીરને બરફની પાટ પર સૂવડાવવામાં આવ્યા હતા. એ કારણે તેમની ભારત પ્રત્યેની કડવાશ પેદા થઈ હતી અથવા વધી ગઈ હતી.

છેલ્લા કેટલાક સમયથી તેમને કિડનીનો ટી.બી. થઈ ગયો હતો. તેમના અવસાન પછી તેમના ભાઈ ફારુક અબ્દુલ્લાએ શેખ નઝીરના મૃતદેહને શેખ અબ્દુલ્લાની કબર છે તેની બાજુમાં હઝરત બાલ ખાતે દફનાવવાની લાગણી વ્યક્ત કરી હતી, પરંતુ શેખ નઝીરની ઇચ્છા પ્રમાણે તેમને તેમની ઇચ્છા અનુસાર તેમના પૂર્વજોની જ્યાં કબરો છે તે કબ્રસ્તાન ‘સૌરા’ ખાતે દફનાવવામાં આવ્યા હતા.

ઓમર અબ્દુલ્લાના કાકા શેખ નઝીર જેમને ભારતીય‘ નામની એલર્જી રહી