દેશની રાજનીતિમાં મહાત્મા ગાંધીજીને બાદ કરતા બહુ ઓછા એવા રાજકારણીઓ રહ્યા છે જેમણે તેમના જીવનસાથીઓને પણ જાહેર જીવનનો એક ભાગ બનાવ્યો હોય. ખુદ જવાહરલાલ નહેરુનાં પત્ની જાહેર જીવનમાં નહોતાં. હા, લાલ બહાદુર શાસ્ત્રીનાં પત્ની લલિતાદેવીનું જાહેર જીવનમાં યોગદાન હતું. મોરારજી દેસાઈનાં પત્ની જાહેર જીવનમાં નહોતાં. ઇન્દિરા ગાંધીના પતિ ફિરોજ ગાંધી જાહેર જીવનમાં હતા. મુલાયમસિંહ યાદવનાં પત્ની જાહેર જીવનમાં નથી. હા, લાલુ પ્રસાદ યાદવનાં પત્ની રાબડીદેવી પતિદેવની કૃપાથી મુખ્યમંત્રી બની ચૂક્યાં છે. ગુજરાતમાં હિતેન્દ્ર દેસાઈ સિવાયના મુખ્યમંત્રીઓએ તેમનાં પત્નીઓને લોકદર્શનથી દૂર રાખ્યાં છે.

આજે એવી મહિલા રાજકારણીઓની વાત છે જેમને લોકો જાણે છે,પરંતુ તેમનાં પતિઓ વિશે પ્રજા બહુ જાણતી નથી.

સ્મૃતિ ઈરાની-ઝુબીન ઈરાની

સ્મૃતિ ઈરાની દેશનાં માનવ સંસાધન મંત્રી છે. એક જમાનામાં તેઓ ટેલિવિઝનના પરદા પર છવાયેલાં અભિનેત્રી રહી ચૂક્યાં હોઈ દેશની તમામ સ્ત્રીઓ તેમના ચહેરાને ઓળખે છે, પરંતુ તેમના પતિ ઝુબીન ઈરાનીને બહુ ઓછા લોકો ઓળખે છે. ઝુબીન ઈરાની એક લો પ્રોફાઈલ વ્યક્તિ છે. તેઓ પ્લાસ્ટિકના બિઝનેસમાં છે અને મુંબઈ ખાતે એક ફળવાડી ધરાવે છે. તેઓ કોઈક વાર જ ટ્વિટર પર આવે છે. મોટે ભાગે તેઓ પત્નીનાં ટ્વિટરને રિટ્વીટ કરે છે. તેઓ કહે છે : “હું નોર્મલ પર્સન છું.”

કિરણ બેદી-બ્રિજ બેદી

દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજનીતિમાં પ્રવેશતાં કિરણ બેદી પૂર્વ આઈપીએસ અધિકારી છે. તેમના પતિનું નામ બ્રિજ બેદી છે. બ્રીજ બેદી મોટા ભાગે અમૃતસરમાં રહે છે, જ્યારે કિરણ બેદી દિલ્હીમાં રહે છે. બ્રિજ બેદી કહે છે : “અમે શહેરોની દૃષ્ટિએ દૂર દૂર રહીએ છીએ તેનો મતલબ એ નથી કે, અમારી વચ્ચે કોઈ મતભેદો છે. મેં હમણાં જ કિરણને કહ્યું હતું કે, હું ચૂંટણીમાં તને બહુ મદદ કરી શકીશ નહીં.” પરંતુ કિરણે મને કહ્યું હતું કે, “તમે મને માત્ર આશીર્વાદ જ આપો.” બ્રિજ બેદી તેમનાં પત્નીની ચૂંટણીમાં મદદ કરવા માગતા હતા, પરંતુ હવે ૭૦ વર્ષની વય થઈ જવાના કારણે તેઓ દોડધામ કરી શકે તેટલી ઊર્જા તેમનામાં રહી નથી તેમ તેઓ કહે છે. તેમણે કહ્યું હતું : “કિરણ પીઢ અને પરિપક્વ છે અને સુશાસનમાં માને છે. તે પૈસા બનાવવા માટે જાહેર જીવનમાં પ્રવેશ્યાં નથી. કિરણની ઉંમર ૬૫ વર્ષની છે અને તે હજી સખત પરિશ્રમ કરી શકે તેમ છે.” જો કે પતિની શુભેચ્છા છતાં કિરણ બેદી હારી ગયાં. પોતે ડૂબ્યાં અને ભાજપને પણ ડૂબાડયું.

કિરણ બેદીના પતિ બ્રિજ બેદીએ સમજણપૂર્વક જ પોતાની જાતને રાજનીતિથી અલગ રાખી છે. હા, તેઓ એક સામાજિક કાર્યકર્તા જરૂર છે. રસપ્રદ વાત એ છે કે, ૧૯૭૦ની સાલમાં તેઓ અમૃતસરની એક ર્સિવસ ક્લબમાં ટેનિસ કોર્ટમાં મળ્યાં હતાં. જ્યારે બ્રિજ એક ટેક્સટાઈલ એન્જિનિયર હતા અને કિરણ એક અગ્રગણ્ય ટેનિસ પ્લેયર હતાં.

મીનાક્ષી લેખી-અમન લેખી


મીનાક્ષી લેખીએ દિલ્હી ભાજપાનો જાણીતો ચહેરો છે. તેઓ છટાદાર અંગ્રેજી અને આક્રમક શૈલીનાં પ્રવકતા તરીકે જાણીતાં બની ચૂક્યાં છે. મીનાક્ષી લેખીના પતિનું નામ અમન લેખી છે. અમન લેખી સુપ્રીમ કોર્ટના ટોચના ધારાશાસ્ત્રી છે. મીનાક્ષી લેખી સાંસદ પણ છે. મીનાક્ષી લેખી એ સ્ત્રીઓના હકો માટે લડનારાં ફેમિનિસ્ટ મહિલા અગ્રણી તરીકે જાણીતાં છે. મીનાક્ષી લેખીના પતિ અમન લેખીના પિતા પ્રાણનાથ લેખી પણ એક જાણીતા ધારાશાસ્ત્રી છે. પ્રાણનાથ લેખીએ ઈન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંઘના બચાવ પક્ષના ધારાશાસ્ત્રી તરીકે કામગીરી બજાવી હતી. તેઓ જનસંઘ તરફી ઝુકાવ ધરાવતા હતા. મીનાક્ષી લેખીના પતિ અમન લેખી કહે છે : “કાયદાશાસ્ત્ર પ્રત્યેની મારી સંપૂર્ણ પ્રતિબદ્ધતાના કારણે મેં મારી જાતને રાજનીતિથી દૂર રાખી છે. સમાજે મને જે આપ્યું છે તે સમાજને પાછું આપવા ભવિષ્યમાં હું કદાચ રાજનીતિમાં જોડાઈ શકું છું.”

નિર્મલા-પ્રભાકર

નિર્મલા સીતારામન એક સમયે ભાજપાનાં પ્રવકતા હતાં. તેઓ અત્યંત સુંદર અંગ્રેજી બોલી શકે છે. તેઓ લંડનમાં પણ રહી ચૂક્યાં છે. તેઓ હવે કેન્દ્રમાં મંત્રી છે. તેમના પતિનું નામ પરકલા પ્રભાકર છે. નોંધપાત્ર વાત એ છે કે, નિર્મલા સીતારામન કેન્દ્રમાં ભાજપાની સરકારનાં મંત્રી છે, પરંતુ તેમના પતિ પ્રભાકર આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ્ સરકારમાં કેબિનેટ કક્ષાનો હોદ્દો ધરાવતા કોમ્યુનિકેશન્સ એડવાઈઝર છે. પ્રભાકર એ સામ્યવાદી વિચારધારા ધરાવતા અને કોંગ્રેસના સમર્થક પરિવારમાંથી આવે છે, પરંતુ તેમનાં પત્ની નિર્મલા ભાજપાના નેતા તરીકે વધુ ઊપસી આવ્યાં છે. નિર્મલાના પતિ પ્રભાકર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા પીએચ.ડી. થયેલા છે. તેઓ એક જમાનામાં પ્રજા રાજ્યમ્ પાર્ટીના પ્રવકતા પણ હતા. એ પક્ષ કોંગ્રેસમાં ભળી ગયો તે પછી તેમણે પક્ષ અને હોદ્દાઓ પણ છોડી દીધા હતા. પ્રભાકર આજકાલ ચંદ્રાબાબુ નાયડુના મીડિયા સ્ટ્રેટેજિસ્ટ પણ છે. તેમણે ચંદ્રાબાબુ નાયડુને બાહ્ય શૈલી કરતાં કામ પર ભાર મૂકવા સલાહ આપેલી છે.

જાહેર જીવનમાં પતિ કરતાં પત્ની આગળ હોય તે ઘણા પતિઓને ગમતું હોતું નથી, પરંતુ તેઓ જાહેરમાં એ વેદના વ્યક્ત પણ કરી શકતા નથી, એવું પણ બને.

સ્મૃતિ ઈરાનીકિરણ બેદીમીનાક્ષી લેખી,નિર્મલા સીતારામનના પતિદેવો શું કરે છે ?