ચંદ્રમોહન શર્મા. તે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો. દિલ્હી-નોઈડા વિસ્તારમાં સરકારી જમીનો પર ગેરકાયદે કબજો જમાવનાર માફિયાઓની વિરુદ્ધ તેણે અનેક આરટીઆઈ દાખલ કરી હતી. ૩૦૦થી વધુ આરટીઆઈ દાખલ કરનાર ચંદ્રમોહન શર્મા સમાજસેવક તરીકે પણ જાણીતો હતો. આ કારણે તેના અનેક દુશ્મનો પણ હતા.
૩૦ એપ્રિલ, ૨૦૧૪ના રોજ ચંદ્રમોહન શર્મા નોઈડાના એક પોલીસ સ્ટેશને પહોંચ્યો. એણે પોલીસને જાણકારી આપી કે, કેટલાક જમીન માફિયાઓએ તેની હત્યા કરી દેવાની ધમકી આપી છે. ચંદ્રમોહન શર્માને એવી ધમકી આપનારાઓના નામ સાથે અરજી પણ આપી.
ઘરે આવીને તેણે તેની પત્ની સવિતા શર્માને પણ એ ધમકીની વાત કરી. સવિતા શર્મા ગભરાઈ ગઈ. તેના પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઈ. પોલીસ પણ હરકતમાં આવી ગઈ.
બન્યું એવું કે, પોલીસને જાણ કર્યા બાદ તા. ૨ મે, ૨૦૧૪ના રોજ ગ્રેટર નોઈડાના એલ્ડેકો ક્રોસિંગ પાસેથી એક સળગી ગયેલી મોટરકાર મળી. અંદર એક સળગી ગયેલી માનવલાશ પણ હતી. લાશ એટલી હદે સળગી ગઈ હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ હતું. પોલીસે કારની ચેસીસ નંબર તથા નંબર પ્લેટ પરથી તપાસ કરી તો એ કાર ચંદ્રમોહન શર્માની માલિકીની હતી. પોલીસે ચંદ્રમોહન શર્માની પત્ની સવિતા શર્માને જાણ કરી. સવિતા શર્માના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારની આગલી સીટમાં પડેલી લાશને જોઈ તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તે મૃતદેહ સવિતા શર્માને સોંપી દીધો. તે પછી તેની અંતિમ વિધિ કરવામાં આવી.
ચંદ્રમોહન શર્મા એ વખતે આમઆદમી પાર્ટીનો આગેવાન પણ હતો. તેની પત્ની સવિતા શર્મા પણ આમઆદમી પાર્ટીની પશ્ચિમી ઉત્તર પ્રદેશની મહામંત્રી હતી. શર્માની હત્યાની જાણ થતાં અનેક લોકો પોલીસ સ્ટેશને પહોંચી નારાબાજી કરવા લાગ્યા. ભીડને જોઈ પોલીસ સક્રિય થઈ ગઈ. ચંદ્રમોહન શર્માએ તેની હત્યા પહેલાં જે અરજી આપી હતી તેના આધારે અરજીમાં લખેલા સંભવિત હત્યારાઓ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી. પોલીસે સખ્તાઈથી તેમની પૂછપરછ કરી, પણ પકડાયેલા લોકોએ કહ્યું કે, “અમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે.”
પોલીસે એ બધાં સામે હત્યાનો કેસ દાખલ કરી તેમને જેલમાં મોકલી દીધા. ચંદ્રમોહન શર્મા ગ્રેટર નોઈડામાં આવેલી હોન્ડા સિએલ કંપનીમાં નોકરી કરતો હતો. કંપનીએ મૃત ચંદ્રમોહન શર્માની પત્નીને ઇન્સ્યોરન્સ વગેરે મળીને રૂ. ૨૦ લાખની રકમ મોકલી આપી.
સમય વહેતો રહ્યો.
ચંદ્રમોહન શર્માની હત્યાના એક મહિના બાદ એના જ ઘરની નજીકમાં રહેતી નીલમ નામની યુવતી અચાનક ગુમ થઈ ગઈ. નીલમના ગુમ થવા અંગે તેના માતા-પિતાએ એ જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ કરી તો પડોશીએ કહ્યું કે, મરનાર ચંદ્રમોહન શર્મા અને નીલમ વચ્ચે પ્રેમસંબંધો હતાં. આ બાબતે ચંદ્રમોહન શર્મા અને તેની પત્ની સવિતા શર્મા સાથે અવારનવાર ઝઘડા પણ થતા હતા. નીલમ પહેલેથી જ આઝાદ ખ્યાલવાળી છોકરી હતી. બની શકે કે ચંદ્રમોહનની હત્યા બાદ તે અન્ય કોઈ સાથે ભાગી ગઈ હશે.
પોલીસે નીલમના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ કાઢી તો ખબર પડી કે, નીલમ તેના મોબાઈલમાં બે સીમકાર્ડ રાખતી હતી. પોલીસ તપાસમાં બીજી આશ્ચર્યજનક માહિતી એ મળી કે, એ બે સીમકાર્ડ પૈકી એક સીમકાર્ડ ચંદ્રમોહન શર્માના નામે ખરીદવામાં આવ્યું હતું અને એ કાર્ડ પરથી તે રાતના સમયે કોઈની સાથે વાત કરતી હતી. અલબત્ત, જે દિવસથી તે ગુમ હતી તે દિવસથી તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો.
નીલમના ગુમ થઈ ગયાના ત્રણ મહિના બાદ કોઈ અજાણ્યા ફોન નંબર પરથી નીલમના પિતા પર ફોન આવ્યો કે, “તમારી પુત્રી નીલમ તિરુપતિ-બાલાજી પાસે મેં જોઈ છે.”
નીલમના પિતાએ આ વાતની જાણકારી પોલીસને કરી. પોલીસે તપાસ કરી તો જે નંબર પરથી એ ફોન આવ્યો હતો તે નંબર બેંગલુરુના એક પીસીઓનો હતો. તે પછી ત્રણ-ચાર દિવસ બાદ ફરીથી એવો જ ફોન આવ્યો કે તમારી પુત્રી તિરુપતિ-બાલાજીમાં ફરી રહી છે. ફરી એ વાત જાણ પોલીસને કરવામાં આવી. ફોન કરનાર વ્યક્તિ કોણ છે અને તેનો હેતુ શું છે તે એક કોયડો હતો. પોલીસે એક ટીમ બેંગલુરુ રવાના કરી. પોલીસે નંબરના આધારે બેંગલુરુનો પીસીઓ શોધી કાઢયો. એ પીસીઓમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તેના વીડિયો ફૂટેજ લેવામાં આવ્યા. તેમાં ફોન કરનાર વ્યક્તિના શરીર પર હોન્ડા સિએલ કંપનીનો યુનિફોર્મ હતો. પોલીસ બેંગલુરુની હોન્ડા સિએલ કંપનીમાં ગઈ અને સીસીટીવી ફૂટેજ બતાવ્યા. કંપનીમાં કામ કરતા કર્મચારીએ કહ્યું કે, “આ તસવીરો અમારી કંપનીમાં હમણાં જ જોડાયેલા નીતિન શર્માની છે.” પોલીસે કંપનીમાં કામ કરતા નીતિન શર્માને બોલાવ્યો. પોલીસને લાગ્યું કે આ માણસનો ચહેરો પરિચિત લાગે છે. તે ચંદ્રમોહન શર્મા જેવો લાગતો હતો.ળ
પોલીસ નીતિન શર્માની પૂછપરછ શરૂ કરી. નીતિન શર્મા ગભરાયેલો જણાતો હતો. પોલીસને ખ્યાલ આવી ગયો કે, નીતિન શર્મા ખરેખર તો ચંદ્રમોહન શર્મા જ છે, જેની ત્રણ મહિના પહેલાં હત્યા થઈ ગઈ હતી અને જેની સળગી ગયેલી લાશ મળી હતી. પોલીસને આવો સંદેહ જવા છતાં તે મૌન રહી. પોલીસ ચાલાકીથી નીતિન શર્માને પૂછપરછ કરવાના બહાને તેના ઘરે લઈ ગઈ. નીતિન શર્મા પોલીસ સાથે તેના ઘરે જવા ઇંતજાર કરી રહ્યો હતો, પરંતુ પોલીસે સખ્તાઈ કરી પોલીસ નીતિન શર્માને લઈ તેના ઘરે પહોંચી. નીતિન શર્માના ઘરે નીલમ મોજૂદ હતી.
પોલીસે કડકાઈથી નીતિન શર્માને પૂછયું : “તું કોણ છે ?”
પોલીસ થર્ડ ડિગ્રીનો અમલ કરે તે પહેલાં જ નીતિન શર્માએ કહી દીધું કે, “હું નીતિન શર્મા નહીં, પરંતુ ચંદ્રમોહન શર્મા છું.”
ચંદ્રમોહન શર્માએ કબૂલ કરી લીધું : “હું આરટીઆઈ એક્ટિવિસ્ટ હતો, પરંતુ હું મારી પડોશમાં રહેતી નીલમ સાથે પ્રેમમાં હતો. હું પરિણીત હોવા છતાં અમારી વચ્ચે સંબંધો પણ બંધાયા હતા. આ વાતની ખબર મારી પત્ની સવિતા શર્માને પડી ગઈ હતી. નીલમની બાબતમાં અમારી વચ્ચે ઝઘડા પણ થતા હતા. હું નીલમને છોડવા તૈયાર નહોતો. મેં અને નીલમે ભાગી જવા એક યોજના બનાવી. મને પાછળથી કોઈ શોધે નહીં તે માટે મેં મારી હત્યા થઈ જવાની છે તેવી બનાવટી અરજી પોલીસને આપી. તે પછી રસ્તા પરના એક ભિખારીને પસંદ કર્યો. એક પરોઢિયે મેં એક ગરીબ ભિખારીને ખાવાનું આપવાના બહાને મારી કારમાં બેસાડયો. નિર્જન સ્થળે જઈ કારમાં જ મેં તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી. તેના શરીર પર મેં મારા કપડાં પહેરાવી દીધાં અને બેગમાં સાથે લાવેલા બીજાં કપડાં મેં પહેરી લીધા. તે પછી કારની અંદર લાવેલો પેટ્રોલનો કેરબો કાર પર છાંટી મેં મારી જ કાર સળગાવી દીધી. કારની સાથે અંદર ભિખારીની લાશ પણ સળગી ગઈ. બધાને લાગ્યું કે, ચંદ્રમોહન શર્માની હત્યા થઈ ગઈ છે, પરંતુ હું બેંગલુરુ ભાગી આવ્યો. એક મહિના પછી મેં નીલમને ભાગીને અહીં આવવા કહ્યું. હું અહીં હોન્ડા સિએલ કંપનીમાં નીતિન શર્મા નામ ધારણ કરી નોકરી કરવા લાગ્યો. મારો પગાર ઓછો હતો. પૂરું થતું નહોતું. હવે મારી ને નીલમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા. હું નીલમથી પણ છૂટવા માગતો હતો. નીલમના પિતાને ફોન પણ મેં જ કર્યો હતો. મને હતું કે નીલમના પિતા અહીં આવશે ને નીલમને જોશે તો તેને લઈ જશે અને હું આઘોપાછો થઈ જઈશ. પણ નીલમના પિતાના બદલે તમે આવી ગયા.”
પોલીસે ચંદ્રમોહન શર્માને પોતાના જ મોતની ફુલપ્રૂફ સાજિશ રચવા બદલ તથા એક ભિખારીની હત્યા કરવા બદલ ધરપકડ કરી. આ ષડયંત્રમાં સાથ આપવા બદલ નીલમની પણ ધરપકડ કરી અને એ રીતે પોતાના જ મૃત્યુની સાજિશ ખુલ્લી પડી ગઈ.
– દેવેન્દ્ર પટેલ
Comments are closed.