દિલ્હી એ દેશનું પાટનગર છે. કેન્દ્રમાં ભાજપાની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર હોય અને દિલ્હી વિધાનસભામાં ભાજપને ત્રણ જ બેઠકો મળે તેથી વધુ નામોશીભરી હાર બીજી શું હોઈ શકે ? ૧૩૦ વર્ષ જૂની કોંગ્રેસ ઝીરોમાં આઉટ થઈ જાય તેથી વધુ નાદારી બીજી શું હોઈ શકે? દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો સ્તબ્ધ કરી દે તેવાં છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ- બેઉ પક્ષો માટે આઘાતજનક છે. અરવિંદ કેજરીવાલ જેવા એક લો-પ્રોફાઈલ- સામાન્ય માનવીએ ભલભલા શૂરવીરોને પછડાટ આપી દીધી છે. કેજરીવાલ સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મેજિક, પાર્ટી પ્રમુખ અમિત શાહની વ્યૂહરચના, હજારો કાર્યકરોની ફોજ, મંત્રીમંડળના સભ્યોની આર્મી કે આરએસએસની સંગઠનશક્તિ એ કાંઈ જ કામ આવ્યાં નથી. દિલ્હીની જનતાએ અહંકારભરી ભાષા, નકારાત્મક રાજનીતિ, મોટી રેલીઓ,ઝેરીલો પ્રચાર અને ઓબામાના ગ્રાન્ડ શોને પણ નકારી દીધાં છે. દિલ્હીની જનતાએ એક સામાન્ય માનવીને પસંદ કરી લીધો છે. ફિનિક્સ પક્ષી માટે કહેવાય છે તે સળગીને રાખ થઈ જાય છે અને તે રાખમાંથી જ ફરી પ્રગટ થાય છે. અરવિંદ કેજરીવાલની રાજકીય કારકિર્દી પણ ફિનિક્સ પક્ષી જેવી જ લાગે છે. ૪૯ દિવસના શાસનકાળ બાદ અચાનક રાજીનામું આપી દેનાર અરવિંદ કેજરીવાલ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આવેલાં ભાજપા તરફી જ્વલંત પરિણામો બાદ અંધકારની ગર્તામાં ધકેલાઈ ગયા હતા, પરંતુ તે પછીના ૮-૧૦ મહિનામાં જ ફરી દિલ્હીની પ્રજાનો પ્રેમ જીતી લેશે તેવી તેમણે પણ કલ્પના કરી નહીં હોય.

કિરણ બેદી- હોનારત

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ફોર્મ ભરવાના બે દિવસ પૂર્વે જ પૂર્વ આઈપીએસ ઓફિસર કિરણ બેદીને રાતોરાત ભાજપામાં લાવવામાં આવ્યાં અને તેમને મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર ઘોષિત કરી દેવાયાં ત્યારે તેને ભાજપાનો માસ્ટર સ્ટ્રોક કહેવામાં આવતો હતો. એ વખતે કિરણ બેદીની સ્વચ્છ પ્રતિભા અને ૪૦ વર્ષના પ્રશાસનિક અનુભવના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ એ દાવા પોકળ સાબિત થયા અને ખુદ કિરણ બેદી જ હારી ગયાં. વિચારધારા આધારિત અને કેડર બેઝ ગણાતી ભાજપા માટે કિરણ બેદીનું અવકાશી ઉતરાણ બૂમરેંગ સાબિત થયું. કિરણ બેદી એસેટના બદલે લાયેબિલિટી સાબિત થયાં. મિઝોરમમાં તેઓ નોકરીએ હતાં ત્યારે તેમની પુત્રીને અમુક ખાસ કોટામાંથી મેડિકલ પ્રવેશ અપાવવાના મુદ્દે વિવાદ થયો હતો. તે પછી એક કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ વિમાનના ઇકોનોમી ક્લાસમાં ગયાં હતાં અને આયોજકો પાસેથી બિઝનેસ ક્લાસની ટિકિટના નાણાં લીધાં હતાં. આ બધી જ વાતો બહાર આવી. અણ્ણાના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન વખતે તેમણે ભાજપા પર પણ પ્રહારો કર્યા હતા અને ગુજરાતમાં કોમી તોફાનો અંગે પણ તેમણે કેટલાક સવાલો પૂછયા હતા. આ બધું જ હોવા છતાં કિરણ બેદીને ભાજપાએ મુખ્યમંત્રીપદની ખુરશીના ઉમેદવાર બનાવી દીધાં. દિલ્હીના બુદ્ધિજીવીઓએ આ કારણથી જ કિરણ બેદીને નકારી દીધાં.

ભાજપાની ભીતર રોષ

કિરણ બેદીને રાતોરાત પેરેશૂટની જેમ ભાજપાની ટર્ફ પર ઉતારી દેવાથી વર્ષોથી ભાજપામાં કામ કરતાં નિષ્ઠાવાન આગેવાનો અને કાર્યકરો પણ નારાજ હતા. ભાજપા પાસે ડો. હર્ષવર્ધન જેવો એક શાંત અને શાલીન ચહેરો હતો જ. કૃષ્ણા તીરથને, શાઝિયા ઇલ્મીને કે કિરણ બેદીને પાર્ટીમાં લાવવાથી પબ્લિસિટી મળી, પરંતુ એ લોકોના કારણે જ પાર્ટીને ભારે નુકસાન થયું. પાર્ટીની કેડર ભાંગીને ભૂક્કો થઈ ગઈ. કાર્યકરો નિરાશ થઈ ગયા. નુકસાન કરે એવા લોકોને ખભે ઊંચકીને ફરવા જેવું થયું. કિરણ બેદીનું પાર્ટીમાં અવતરણ પક્ષ માટે પરાજય અપાવનારો જુગાર સાબિત થયું. ભાજપાની ભીતરનો રોષ ભાજપાને ભરખી ગયો.

હજુ બ્યૂરોક્રેટ જ

યાદ રહે કે કિરણ બેદી એક્ટિવિસ્ટ છે, રાજનીતિજ્ઞા નથી. અધિકારી તરીકે નિવૃત્ત થયે તેમને વર્ષો થયાં, પરંતુ બ્યૂરોક્રેટિક દિમાગમાંથી હજુ તેઓ મુક્ત થયાં નથી. લોકો સાથે, કાર્યકરો સાથે, સાથી નેતાઓ સાથે અને મીડિયા સાથે વાત કરતી વખતે તેઓ હજી પોલીસ અધિકારી જ હોય તેવા ટોનમાં બોલી રહ્યાં હતાં. લોકોના ટોળામાંથી એક યુવાન તેમની પાસે આવ્યો. તે બાઈક પર હતો. તેણે માથા પર હેલ્મેટ પહેરેલી નહોતી. તે કિરણ બેદીને જોઈ ખુશ થઈ રેલીમાં આવ્યો હતો. તેની ખુશીનો સ્વીકાર કરવાના બદલે કિરણ બેદીએ કહ્યું : “હેલ્મેટ ક્યું નહીં પહેના હૈં, મૈં તુમ્હેં ચાલાન નહીં દે રહી, લેકિન અબ સે હેલ્મેટ પહેનના.” કિરણ બેદી અત્યારે પોલીસ અધિકારી જ નથી તો ચાલાન કેવી રીતે આપી શકે ?”

આવું જ તેમણે દિલ્હીના ભાજપાના સાંસદો સાથે વર્તન કર્યું હતું. મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર જાહેર કરાયાના બીજા દિવસે રાત્રે જ તેમણે દિલ્હીના ભાજપાના તમામ સાંસદોને પોતાના ઘરે બોલાવ્યા. કડકડતી ઠંડીમાં ભાજપાના તમામ સાંસદોને બુટ બહાર કાઢી આવવા સૂચના અપાઈ. મિટિંગ શરૂ કરતાંકિરણ બેદીએ દરેક સાંસદને કહ્યું : “સિર્ફ દો મિનિટમેં આપ અપના પરિચય દીજીયે.”

જરૂર તો એ હતી કે કિરણ બેદીને પહેલેથી જ ભાજપાના સાંસદોનો પરિચય હોવો જોઈતો હતો. આમ છતાં કિરણ બેદી પક્ષના મોવડીઓની પસંદ હોઈ હાઈ કમાન્ડના ડરથી ભાજપાના દિલ્હીના સાંસદોએ પોતાનો પરિચય આપવાની શરૂઆત કરી, પરંતુ સંઘ સાથે જોડાયેલા એક સાંસદે થોડા શબ્દોમાં બેદીને ઘણું કહી દીધું : “આપ સીએમ પદ કી કેન્ડિડેટ હૈં ઔર હમ ભાજપા કે સાંસદ હૈં,ઇતના પરિચય કાફી હૈ. આગે બોલો.”

કિરણ બેદીનું મીડિયા સાથેનું વર્તન પણ પોલીસચોકીમાં કોઈ આરોપીને ખખડાવતાં હોય તેવું હતું. કિરણ બેદીએ દેશની એક પણ ન્યૂઝ ચેનલ સાથે સરખી વાત કરી નહીં. એથી ઊલટું ન્યૂઝ ચેનલોના પત્રકારો ઉપર આરોપ મૂક્યો કે, “તમે શૂટ ઘણું બધું કરો છો, પરંતુ પસંદગીનાં દૃશ્યો જ બતાવો છો.” આ બધું જોતાં એમ લાગ્યું કે, કિરણ બેદીમાં રાજકારણી થવાના ગુણો ઓછા છે. તેઓ ભાજપાના વિજયરથમાં ભેખડ સાબિત થયાં. કિરણ બેદી કેજરીવાલ માટે બહુ બોલ્યાં, પરંતુ કેજરીવાલે કિરણ બેદી વિરુદ્ધ એક શબ્દ પણ ના ઉચ્ચાર્યો.

કાળું નાણું… ?

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે વિદેશોની બેંકોમાં પડેલું કાળું નાણું ૧૦૦ દિવસમાં પાછું લાવવાની અને દેશની દરેક વ્યક્તિના બેંક એકાઉન્ટમાં રૂ. ૧૫ લાખ ઊભા કરવાની વાત કહેવામાં આવી હતી. જેનો પ્રજા ઇન્તજાર કરી રહી હતી. દિલ્હીની ચૂંટણીનાં આ પરિણામોને કેન્દ્રમાં મોદી સરકાર સામેનો જનમત કહી ના શકાય, પરંતુ ભાજપા આ પરિણામો માટે આત્મચિંતન કરે. પ્રજાને અચ્છે દિન, કાળું ધન પાછું આવે, મોંઘવારી ઘટે તેનો ઇન્તજાર છે. પ્રજાને ભાજપાના નેતાઓ દ્વારા ઉચ્ચારાતા ‘હરામજાદા’જેવા શબ્દો, ૪થી ૧૦ બાળકો પેદા કરવાની સલાહ, ગોડસેના મંદિરો બાંધવાની વાત પસંદ આવી નથી. કેજરીવાલ માટે ઉચ્ચારેલા શબ્દો પણ દિલ્હીની પ્રજાએ નાપસંદ કર્યા છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે અપાયેલા વાયદા સરકાર પૂરા કરે તેનો ઇન્તજાર છે.

કોણ કોની સાથે રહ્યું ?

દિલ્હીની જનતાના મૂડનું પૃથ્થકરણ કરીએ તો એ વાત હવે સ્પષ્ટ છે કે, ગરીબ અને નીચલો મધ્યમ વર્ગ ખુલ્લી રીતે આમઆદમી પાર્ટી સાથે રહ્યો. કોંગ્રેસના પરંપરાગત મતદારો પણ આમઆદમી પાર્ટી સાથે ગયા. લઘુમતીએ પણ ચૂપચાપ કેજરીવાલને ટેકો આપ્યો. મધ્યમ અને ઉપલો મધ્યમ વર્ગ પણ ભાજપાથી દૂર રહ્યો. બુદ્ધિજીવીઓનો ભાજપા માટેનો ભ્રમ ઓછો થયો. ડેરા સચ્ચા સૌદાએ ભાજપાને ટેકો જાહેર કર્યો, પરંતુ તેનો કોઈ કરિશ્મા દેખાયો નહીં. ઇમામ બુખારીએ આમઆદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો,પરંતુ કેજરીવાલે તે સમર્થનનો અસ્વીકાર કરીને દિલ્હીમાં હિંદુ અને મુસલમાન મતોનું ધ્રુવીકરણ ના થવા દીધું. કોંગ્રેસને જેટલું નુકસાન થયું તેટલો જ આમઆદમી પાર્ટીને ફાયદો થયો. આશ્ચર્યની વાત એ છે કે, કોંગ્રેસ આ મહત્ત્વપૂર્ણ ચૂંટણી જાણે લડતી જ ના હોય તે રીતે માત્ર પ્રતીકાત્મક રીતે જ લડી. મેટ્રો રેલ, ફ્લાય ઓવર્સ તથા આધુનિક સ્ટેડિયમો તથા અદ્યતન એરપોર્ટ દ્વારા કોંગ્રેસે પોતે જ કરેલાં કાર્યોનું તેને માર્કેટિંગ કરતાં ના આવડયું. તેની સામે મમતા બેનરજી, જેડીયુ તથા ડાબેરીઓએ સમજણપૂર્વક આમઆદમી પાર્ટીને ટેકો જાહેર કરી દીધો. ભાજપા સામે વિપક્ષો એક થઈ જાય તો પરિણામો પલટાવી શકાય છે તેવું સ્પષ્ટ ઊપસ્યું.

આ ચૂંટણી પરિણામોની દૂરોગામી અસરો થઈ શકે છે.

પ્રજા કાયમ કોઈના ખિસ્સામાં છે તેવા આત્મવિશ્વાસમાં રાચવું તે કોંગ્રેસ અને ભાજપા બંને માટે હોનારત સાબિત થઈ શકે છે.