આજે આવનારા દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર આખા દેશની નજર છે. આજનાં પરિણામોની દૂરોગામી અસરો હશે. જેની પર સહુની નજર છે તે દિલ્હી વિધાનસભા વિશે જાણવા જેવી વાત એ છે કે પહેલા દિલ્હી એ કેન્દ્રશાસિત ક્ષેત્ર હતું. તે પછી તેને અર્ધ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. દિલ્હીમાં વિધાનસભાની રચના થશે. પરંતુ તેની પાસે દિલ્હીની કાયદો અને વ્યવસ્થાની, પોલીસ,ભૂમી કાનૂન કે સ્ટેમ્પ ડયૂટી જેવી કોઈ સત્તા નથી.દિલ્હીની પોલીસ કેન્દ્રના ગૃહમંત્રીની હેઠળ હોય છે. દિલ્હી વિધાનસભા દ્વારા રચાનારી રાજ્ય સરકાર દિલ્હીની એક ઈંચ જમીનની પણ માલિક નથી. દિલ્હીને મુખ્યમંત્રી અપાશે પરંતુ રાજ્યપાલ નથી. દિલ્હીમાં ઉપરાજ્યપાલ છે. તે લેફટન્ટ ગવર્નર તરીકે પણ ઓળખાય છે. દિલ્હીમાં ચૂંટાનારી સરકાર બીજી રાજ્ય સરકારોની જેમ ટેકસ અંગે કે બજેટ અંગે ઉપરાજ્યપાલની પૂર્વ મંજૂરી વિના કોઈ નિર્ણય કરી શકતા નથી. મંત્રીમંડળ પણ મોટા ભાગના કામોમાં માત્ર ઉપરાજ્યપાલને સલાહ જ આપી શકે છે. આ કારણથી દિલ્હીમાં વિધાનસભા હશે, સરકાર બનશે પરંતુ દાંત વગરની સરકાર જેવી જ તેની પરિસ્થિતિ હશે. દિલ્હીના વિકાસ માટે રચાયેલી સત્તા મંડળ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી પણ કેન્દ્ર સરકાર આધીન છે અને તેના અધ્યક્ષપદે લેફટનન્ટ ગવર્નર હોય છે. આવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીએ જે ઉત્સુક્તા ઊભી કરી છે તેના કારણો વહીવટી ઓછાં અને રાજકીય વધુ છે.
ભારતની લોકશાહીમાં ચૂંટણી એક મહાપર્વ બની જાય છે. જાહેર સભાઓ, મંડપો, ભાષણો, નિવેદનો, આક્ષેપો, પ્રતિઆક્ષેપો, રોડ શો, સૂત્રો, ર્હોડિંગ્સ, પત્રિકાઓ, દારૂ, પૈસા એ બધું હવે ચૂંટણી પ્રચારનો એક અભિન્ન હિસ્સો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે આયારામ-ગયારામના કિસ્સા જોવામાં આવ્યા તે દર્શાવે છે કે, દેશમાં હવે વિચારધારા આધારિત પક્ષો રહ્યા નહીં. કોઈ કોંગ્રેસમાંથી ભાજપામાં કૂદકો મારે છે તો કોઈ આમઆદમી પાર્ટીમાંથી ભાજપામાં ભૂસકો મારે છે. વિચારધારા, સિદ્ધાંતો, નિષ્ઠા,વફાદારીના બદલે રાજનીતિ હવે તકવાદીઓનું પ્લેટફોર્મ બની ગઈ છે. રાજનીતિ ધંધો પણ બની ગઈ છે અને રાજનીતિના કારણે તેના આનુષાંગિક ધંધા પણ ખીલ્યા છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી એક પોલિટિકલ થ્રિલર જેવી હતી. ઇલેક્ટ્રોનિક મીડિયાએ પોતાનો ટીઆરપી વધારવા માટે તમામ પ્રયાસો કર્યા. ટી.વી. ન્યૂઝ ચેનલો પરથી પ્રસારિત થતાં ઓપિનિયન પોલ જોઈ ખુદ વડા પ્રધાન મોદીએ એક જાહેરસભામાં કહેવું પડયું કે, કેટલાક લોકો બજારુ ઓપિનિયન પોલ દ્વારા સંભવિત બેઠકોના આંકડા જાહેર કરે છે. વડા પ્રધાન આ વિધાન બાદ બીજા દિવસથી ઓપિનિયન પોલના આંકડા બદલાઈ ગયા. અને ચૂંટણી પછી એક્ઝિટ પોલના આકડા ફરી બદલાઈ ગયા.એક્ઝિટ પોલ અને ભાજપનો પોતાનો સર્વે કેટલો સાચો પડે છે તેની આજે ખબર પડશે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લાગેવળગે છે ત્યાં સુધી એક અંદાજ પ્રમાણે ૭૦ બેઠકોવાળી દિલ્હી વિધાનસભાની આ ચૂંટણી દરમિયાન જે રેલીઓ થઈ તેમાં સૌથી વધુ આવક શમિયાણા કે મંડપો બાંધનારા ટેન્ટ હાઉસવાળાઓને થઈ. રેલીઓ યોજવા માટે હવે ઊંચા શમિયાણા બાંધવા પડે છે. હજારો ખુરશીઓ ગોઠવવી પડે છે. રેલિંગ્સ નાખવી પડે છે. એક અંદાજ પ્રમાણે મંડપો અને શમિયાણા બાંધનાર ટેન્ટ હાઉસવાળાઓનો કારોબાર રૂ. ૫૦ કરોડનો આંકડો પાર કરી ગયો. જાહેરસભાઓમાં પ્રવચનો એ જ મુખ્ય બાબત છે. તેથી લાઉડ સ્પીકર્સવાળા પણ ટેન્ટ હાઉસ સાથે જોડાઈ ગયેલા હોય છે. મંડપો અને લાઉડ સ્પીકર્સનું બિલિંગ એક સાથે થાય છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન પક્ષના કાર્યાલયો પર તથા વિવિધ સ્થળો પર કેટલીક વખત સતત ભોજનનો પ્રબંધ ઉમેદવારોએ રાખવો પડે છે. ખાનગીમાં દારૂ પણ વહેંચવો પડે છે. દારૂ એ ચૂંટણી પ્રચારનો વર્ષોથી ચાલી આવતો અભિન્ન હિસ્સો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન જ આમઆદમી પાર્ટીના જ એક અગ્રણીના ઘરે દરોડો પાડી હજારો લિટર દારૂ પકડવામાં આવ્યો. આવું બીજે પણ ચાલતું હશે, પણ પકડાયો એક જ જણ. ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે રાજસ્થાનમાંથી જ ગેરકાયદેસર દારૂ ગુજરાતમાં ઠલવાય છે.
ચૂંટણી સામગ્રી વેચવાનો પણ એક આગવો ધંધો વિકસ્યો છે. તમને આશ્ચર્ય થશે પણ દિલ્હીમાં કેટલીક એવી પણ દુકાનો છે જ્યાં ભાજપા, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીને લગતી સામગ્રી એક જ દુકાનમાં ઉપલબ્ધ હોય છે. જે તે પાર્ટીને લગતી તેમના રંગની ટોપીઓ, ખેસ, બિલ્લા, ઝંડા, જર્સીઓ, માસ્ક આ બધું એક જ દુકાનમાંથી ખરીદી શકાય છે. રેલીઓમાં રંગ જમાવવા માટે ભગવા રંગની કે આમઆદમીની પાર્ટીની ટોપીઓની ખાસ જરૂર રહે છે. આ બધી ચીજવસ્તુઓના વેચાણનો આંકડો દિલ્હીમાં રૂ. ૭૦ કરોડને પાર કરી ગયો હતો. આ ચીજવસ્તુઓ વેચનારાઓને કઈ પાર્ટી જીતશે તેમાં કોઈ રસ હોતો નથી. તેમને પ્રચાર સામગ્રી વેચવામાં જ રસ રહે છે.
ચૂંટણીઓની રેલી દરમિયાન શક્તિ પ્રદર્શન માટે ભારે માનવભીડ ભેગી કરવી અનિવાર્ય છે. ભીડ કેટલી એકત્ર થઈ તેનાં દૃશ્યો ન્યૂઝ ચેનલો પર પ્રર્દિશત થતાં હોય છે. કેવાં સૂત્રો કે નારા પોકારવામાં આવ્યા તે પણ ટી.વી. ચેનલો પર દર્શાવાય છે. દિલ્હીમાં હવે નારાબાજીનું પણ એક બજાર છે. નારાબાજી કરવાવાળા લોકોને સપ્લાય કરવાવાળા કેટલાક ઠેકેદારો છે. તમે કહો તેના માટે ‘જિંદાબાદ’ અને તમે કહો તેના માટે ‘મુર્દાબાદ’ના નારા પોકારવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. વિશાળ સભાઓમાં સૌથી આગળ બેઠેલા લોકો પણ કોઈક વખતે જે તે પક્ષના અત્યંત નિષ્ઠાવાન કાર્યકરો હોય છે તો કોઈક વખત ભાડૂતી લોકો હોય છે. રેલીઓમાં કેટલીક વખત જે લોકોને લાવવામાં આવે છે તેમને દહાડી ચૂકવવી પડે છે. નાસ્તા-પાણી કે ભોજનનાં ફૂડ પેકેટ્સ પણ આપવા પડે છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની રેલીઓમાં પણ બિનરાજકીય સંસ્થાઓ આમ કરે છે. દેશની કેટલીક એનજીઓ વિદેશમાંથી મળતાં નાણાંનો આ રીતે ઉપયોગ કરતાં હોવાના આક્ષેપો થયેલા છે.
દિલ્હી વિધાનસભાને લાગેવળગે છે ત્યાં સુધી રેલીઓ, જાહેરસભાઓ, પ્રચાર સામગ્રી, વાહન વ્યવહાર જેવી બાબત ઉપરાંત બીજો જે કોઈ ખર્ચ ઉમેદવારોને થયો તે જોતાં ઉમેદવાર દીઠ અંદાજે કરોડોનો આંકડો આવે છે. આ આંકડો પ્રત્યક્ષરૂપે પણ હોઈ શકે છે અને પરોક્ષ રીતે પણ. આટલી મોંઘી લોકતાંત્રિક કવાયત કોના માટે ? શા માટે ? દિલ્હીના લાખો ઝૂંપડાંવાસીઓ માટે કે સાત મંત્રીઓની લાલ બત્તીવાળી ગાડીઓના કાફલા માટે ?
આજે ચૂંટણી પરિણામો છે. જોઈએ, દિલ્હીની પ્રજાના દિલમાં શું છે ?
Comments are closed.