રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

આવતીકાલે ભારતનો પ્રજાસત્તાક દિન છે. પ્રજાસત્તાક ભારતને આઝાદ થયાને ૬૭ વર્ષ પૂરાં થઈ ગયાં છે. કોઈ પણ દેશ માટે પરિપક્વ- અનુભવસિદ્ધ અને સશક્ત થવા માટે આટલી વય પર્યાપ્ત છે. કોઈ જમાનામાં ભારત પર બ્રિટિશરોનું રાજ હતું. સમયના પ્રવાહ સાથે બ્રિટનની તાકાત ઘટતી ગઈ અને જેના સામ્રાજ્ય હેઠળના દેશોમાં સૂરજ કદી આથમતો નહોતો તે બ્રિટનનો યુનિયન જેક ઊતરતો ગયો. ભારતમાંથી પણ બ્રિટિશ ધ્વજ ઊતર્યો અને ત્રિરંગો લહેરાયો એના આગલા દિવસે પાકિસ્તાનમાં પણ પોતાનો ધ્વજ લહેરાયો, પરંતુ તે પછીનાં વર્ષોમાં ભારત અનેક સંઘર્ષોનો સામનો કરતાં કરતાં વિશ્વનો એક મજબૂત લોકતાંત્રિક દેશ બનીને ઉભર્યો. જ્યારે ભારતની સાથે સાથે જ ભારતની જ ભૂમિ પર ઊભું થયેલું પાકિસ્તાન એક નિષ્ફળ દેશ બની ગયો. પાકિસ્તાનમાં વારંવાર લોકશાહી ખોરવાતી રહી. વારંવાર સરમુખત્યારશાહી આવતી રહી. પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી ચલાવતો બદનામ દેશ બની રહ્યો. તેની સામે ભારતમાં અનેક ધર્મો, અનેક ભાષાઓ, અનેક સંસ્કૃતિઓ હોવા છતાં તેની લોકશાહી સશક્ત બનતી રહી. પાકિસ્તાન એક ધર્મ આધારિત દેશ બની ગયો. જ્યારે ભારત એક સેક્યુલર દેશ બની રહ્યો. પાકિસ્તાન એક દેવાદાર અને અમેરિકાની સહાય પર નભતો ખંડિયો દેશ બની ગયો. જ્યારે ભારત સ્વાવલંબન તરફ જ આગળ વધતો દેશ બની ગયો. પાકિસ્તાને ચીન અને બીજાઓની મદદથી પરમાણુ બોમ્બ હાંસલ કરી દીધો, પરંતુ ભારતે જાતે પરમાણુ ટેક્નોલોજી હાંસલ કરી અને મંગળ જેવા દૂરના ગ્રહ સુધી પ્રયાણ કર્યું.

આવતીકાલે અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા નવી દિલ્હી ખાતે યોજાનારી પ્રજાસત્તાક દિન પરેડના સાક્ષી બનવાના છે ત્યારે ભારતનું પાયદળ, નૌકાદળ અને હવાઈદળ તેનાં અત્યાધુનિક શસ્ત્રોનાં સ્પેક્ટેક્યુલર પ્રદર્શન દ્વારા ભારતની શાન અને ગૌરવ વધારશે. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાને એ દૃશ્યો પ્રભાવિત કરનારાં હશે. એ નોંધનીય છે કે અમેરિકા વિશ્વનો સૌથી વધુ શક્તિશાળી લોકતાંત્રિક દેશ છે તો ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. ભારતની લોકશાહી ટકાઉ છે તે વાત પાછલા સાડા છ દાયકાઓ દરમિયાન સિદ્ધ થઈ ચૂકી છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીના કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ ઓબામાને હાજર રાખવાનું શ્રેય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ જાય છે. અમેરિકાના પ્રમુખ ભારતની રિપબ્લિક ડે પરેડમાં હાજરી આપવાના હોય તેવું પહેલી વાર બની રહ્યું છે.

ભારતે આ પ્રકારની તાકાતનું પ્રદર્શન કરવું જરૂરી પણ છે. ભારત ચારે તરફ મિત્ર ન કહી શકાય તેવા દેશોથી ઘેરાયેલો છે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાન પર ભરોસો રાખી શકાય તેમ નથી. પાકિસ્તાન ભારતનું અડધું કાશ્મીર પચાવીને બેઠું છે. ચીન ભારતનો સેંકડો ચોરસ માઈલ વિસ્તાર પર કબજો કરીને બેઠું છે. પાકિસ્તાન હસ્તક કાશ્મીરમાં ચીનના સૈનિકોની હાજરી છે. ભારતના અરુણાચલ પ્રદેશ પર ચીન પોતાનો દાવો ઠોકી રહ્યું છે. ચીનના પ્રેસિડેન્ટ ભારત આવે છે તે જ સમયે ચીનના સૈનિકો ભારતની ભૂમિ પર ઘૂસણખોરી કરે છે. સમય બદલાઈ ગયો છે. તમે ભલે યુદ્ધખોર ન હોવ પરંતુ કોઈ પણ યુદ્ધની તૈયારી રાખવા દેશ પાસે સશક્ત લશ્કર અને અત્યાધુનિક શસ્ત્રસરંજામ જોઈએ જ. કોઈ અન્ય દેશ તમારી પર હુમલો કરવાની હિંમત ન કરે તે માટેનો પ્રતિરોધ ઊભો કરવા માટે પણ દેશ પાસે શક્તિશાળી વેપનપાવર જરૂરી છે.

આ બધું હોવા છતાં ભારતે બીજી પણ કેટલીક ચિંતાઓ કરવા જેવી છે. છેલ્લાં ૨૫ વર્ષમાં આતંકવાદીઓએ ભારતમાં ૨૧૭૧ લોકોની હત્યા કરી નાંખી છે અને ૬૦૦૦ લોકોને ઘાયલ કર્યા છે. ૧૯૮૯થી ૨૦૧૪ના ઓગસ્ટ સુધીમાં આતંકવાદીઓ દ્વારા બોમ્બધડાકા અને બીજી પ્રકારના આતંકની ૧૩૭ જેટલી ઘટનાઓ ઘટી છે. ૧૬મેથી ૧૫ જુલાઈ, ૨૦૧૪માં દેશમાં ૧૫૧ જેટલી માઓવાદી ઘટનાઓ ઘટી છે. જેમાં ૩૪ નાગરિકો અને છ સુરક્ષાબળના જવાનોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ સમયગાળા દરમિયાન ૧૭ જેટલી સરકારી મિલકતો પર હુમલા થયા છે. આ બધામાં તા. ૧૨મી માર્ચ, ૧૯૯૩ના રોજ મુંબઈમાં કરાંચીથી આવેલા આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટો દ્વારા ૨૫૭ નાગરિકોની હત્યા કરી નાખી હતી.

ભારતની બીજી સમસ્યા તેની ગરીબી છે. લોકતંત્ર તરીકે એક મજબૂત એવા ભારતમાં વિશ્વના એક તૃતિયાંશ ગરીબો રહે છે. વિકાસ લક્ષ્યો હાંસલ કરવાની દિશામાં સ્કૂલમાં વિર્દ્યાિથનીઓની ટકાવારી વધારવામાં ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું, પરંતુ ગરીબી નાબૂદ કરવાની બાબતમાં, બેરોજગારી દૂર કરવાની બાબતમાં બાળકને જન્મ આપતી વખતે માતાઓનો મૃત્યુદર ઘટાડવાની બાબતમાં તથા જન્મ સમયે નવજાત શિશુઓનો મૃત્યુદર ઘટાડવાની બાબતમાં જે લક્ષ્ય હાંસલ કરવાં જોઈએ તે પાછલાં વર્ષોમાં નથી થયાં.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના ર્વાિષક અહેવાલ રજૂ કરવાના અવસર પર મૂકવામાં આવેલા આંકડા પ્રમાણે ૨૦૧૦માં વિશ્વમાં એક કરોડ ૨૦ લાખ લોકો બેહદ ગરીબ હતા. તેમાંથી ૩૨.૯ ટકા અતિ ગરીબ એકમાત્ર ભારતમાં રહે છે. આમાંથી ભારતને બહાર કાઢવામાં આવે તો દક્ષિણ એશિયાએ ગરીબી નાબૂદ કરવાનું વિકાસ લક્ષ્ય લગભગ હાંસલ કરી લીધું ગણાય. ભારતની રાજ્યવાર પરિસ્થિતિ જોઈએ તો પણ એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે આ લક્ષ્ય હાંસલ કરવાની બાબતમાં મોટું અંતર છે. વિકાસ લક્ષ્ય હાંસલ કરવાની બાબતમાં તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો આગળ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ પાછળ છે.

એ જ રીતે અર્થવ્યવસ્થાની વૃદ્ધિની રફતારના મુકાબલે રોજગાર વૃદ્ધિદર ધીમો છે. હા, રોજગાર મેળવવામાં મહિલાઓનો વૃદ્ધિદર વધ્યો છે. બાળકોના કુપોષણની બાબતમાં ટકાવારી ઘટી છે, પરંતુ બાળકોને જન્મ આપતી વખતે થતાં માતૃ મૃત્યુદરના ચોથા ભાગના કેસ ભારતમાં છે. પ્રાથમિક શાળાઓમાં ભણવા જતાં બાળકોનો દર વધ્યો છે, પરંતુ સ્કૂલ છોડવાના આંકડા ચિંતાજનક છે.

ભારત એ આર્િથક રીતે વિકસતો દેશ છે. એક ભારતમાં બે ભારત જણાય છે. એક જ શહેરમાં એક ઉદ્યોગપતિ અબજોના ભવ્ય બંગલામાં રહે છે તો એ જ શહેરના એશિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી પણ છે. ભારતનાં શહેરો તીવ્ર ઝડપે વસતી વિસ્ફોટથી ઉભરાઈ રહ્યાં છે. ગામડાં ખાલી થઈ રહ્યાં છે. જેમની પાસે કોઈ વિકલ્પ નથી એ લોકો જ હવે ગામડાંમાં રહેવા મજબૂર છે. અત્યાર સુધીની તમામ સરકારોની નીતિ ઉદ્યોગો તરફી રહી છે જ્યારે ખેતી અને ખેડૂતો તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું છે. નેતાઓ શ્રીમંત બનતા જાય છે. જ્યારે પ્રજાની હાલત જેવી ને તેવી જ છે.

ભારતમાં લાંબા સમય બાદ રાજકીય ક્ષેત્રે પરિવર્તનની હવા ફૂંકાઈ છે. ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના આરૂઢ થયા બાદ દેશની રાજનીતિ અને શાસન પ્રણાલીમાં ૩૬૦ ડીગ્રીનું પરિવર્તન જણાય છે. દેશના કરોડો યુવાનો કે જેઓ સારું શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે, જેઓ સારી નોકરી કરવા માંગે છે, જેઓ સારો વેપાર ધંધો કરવા માંગે છે, જેઓ સલામતી ઇચ્છે છે તે બધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં આશાનું એક કિરણ દેખાય છે. નરેન્દ્ર મોદી એ અપેક્ષાઓ સંતોષી શકવા સક્ષમ છે. આશા રાખીએ આવનારાં દિવસો, મહિના, વર્ષોમાં ભારત નવી સિદ્ધિઓ અને બાકી રહેલાં લક્ષ્ય હાંસલ કરે.

જય હિન્દ.