વર્ષો પહેલાંની વાત છે.

એક વાર અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણીને છબીઘરમાં જઈ ફિલ્મ જોવાનું મન થયું. વાજપેયી અને અડવાણી વેશપલટો કરીને દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા રિગલ સિનેમામાં ફિલ્મ જોવા ગયા. એ વખતે દિલ્હીના એક પત્રકાર તેમને રિગલ સિનેમાની બારીમાંથી ટિકિટ ખરીદતા જોઈ ગયા. પત્રકારે વાજપેયીને પૂછયું : “અરે ! વાજપેયીજી આપ ?”

વાજપેયીજીએ પત્રકારને ટોકતાં કહ્યું ઃ “અરે ભાઈ માફ કરો, મૈં વહ નહીં હું. નાહક ખબર મત ફૈલાના. મૈં અટલજી કા ચચેરા ભાઈ હું. બસ, શકલ મિલતી હૈ.”

પત્રકાર સમજી ગયા કે આ છે તો અટલજી, પરંતુ તેઓ થિયેટરમાં ફિલ્મ જોવા ગયા હતા તે સમાચાર અખબારોમાં ના આવે તેવી તેમની ઇચ્છા હતી. પત્રકારે તેમની ભાવનાનું સન્માન કર્યું. આ ઘટનાના ઘણા સમય બાદ અટલજીએ પત્રકારને કહ્યું હતું ઃ “તુમ્હારા અહેસાનમંદ હું ભાઈ, પત્રકાર ઇતને શરીફ હોતે નહીં. બુરા મત માનના મૈંનેં ખુદ ને લંબી અવધિ તક પત્રકારિતા કી હૈં. ઐસે અહેસાન મૈં ઉન દિનો ભી નેતાઓ પર કરતા થા.”

વાજપેયીજીને ‘ભારતરત્ન’ મળ્યો તે પછી સિનિયર પત્રકારે આ વાત ઉજાગર કરી.
ગાંધીજી સિનેમાના વિરોધી

એ જમાનામાં ટેલિવિઝનનું આગમન થયું નહોતું. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે નેતાઓ સિનેમાને એક ખરાબ માધ્યમ ગણતા હતા. ખુદ ગાંધીજી પણ સિનેમાના વિરોધી હતા. એ વખતે ફિલ્મ જગતના એક સર્જકે ગાંધીજીને સિનેમા અંગે તેમના વિચારો બદલવા કહ્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુ સિનેમાના વિરોધી નહોતા. અલબત્ત, તેમની પાસે ફિલ્મ જોવાનો સમય જ નહોતો. આઝાદી પહેલાં અને આઝાદી બાદ છબીઘરોમાં ફિલ્મ શરૃ થાય તે પહેલાં સરકારે તૈયાર કરેલું ન્યૂઝ રીલ બતાવવું ફરજિયાત હતું.

રાષ્ટ્રપતિ ભવનમાં થિયેટર

નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં એક પ્રાઈવેટ થિયેટર છે. એ ઇન્દિરા ગાંધીના બે પુત્રો રાજીવ ગાંધી અને સંજય ગાંધી જ્યારે નાના કિશોર હતા તથા દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના પ્રાઈવેટ થિયેટરમાં ખાસ સ્ક્રીનિંગ થતી ફિલ્મ જોવા જતા હતા. એ વખતે અમિતાભ બચ્ચની વય પણ એટલી જ હતી. અમિતાભ બચ્ચનનાં માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચનને નહેરુ પરિવાર સાથે પારિવારિક સંબંધ હોઈ કિશોર અમિતાભ અને રાજીવ ગાંધી મિત્રો હતા. રાજીવ અને સંજય ગાંધી તેમના બાલસખા અમિતાભ બચ્ચનને પણ રાષ્ટ્રપતિ ભવનના પ્રાઈવેટ થિયેટરમાં વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો જોવા લઈ જતા. એ એક ઇતિહાસ છે કે,અમિતાભ બચ્ચનને ફિલ્મો પ્રત્યેની રુચિ રાજીવ અને સંજય ગાંધી સાથે રાષ્ટ્રપતિ ભવનમાં નિહાળેલી ફિલ્મોથી શરૃ થઈ હતી.

અમિતાભ અને ઇન્દિરા ગાંધી

બીજી નોંધપાત્ર વાત એ છે કે, પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટયૂટમાં ફિલ્મ અભિનયની તાલીમ અને અભ્યાસ બાદ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં કામ શોધી રહ્યા હતા. તેમના અવાજને રેડિયોએ નકારી કાઢયો હતો. ઊંચાઈ અને ચહેરો ચોકલેટી ના હોવાથી ફિલ્મોમાં કામ મેળવવા તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા. ફરી એકવાર તેજી બચ્ચનનાં સખી ઇન્દિરા ગાંધી તેમની મદદે આવ્યાં. એ વખતે રાજ કપૂરની ફિલ્મોના લેખક તરીકે જાણીતા બનેલા કે. અબ્બાસ ‘સાત હિન્દુસ્તાની’ નામની એક ફિલ્મ બનાવી રહ્યા હતા. કે. અબ્બાસ સામ્યવાદી વિચારધારા ધરાવનાર લેખક હતા. ઈન્દિરા ગાંધીએ કે. અબ્બાસને ભલામણ કરીને અમિતાભ બચ્ચનને ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં રોલ અપાવ્યો હતો.

ફિલ્મ ‘શોલે’ આવી પણ

એ પછી બચ્ચન પરિવારનો ગાંધી પરિવાર સાથેનો સંબંધ જારી રહ્યો હતો. વર્ષો પછી પ્રકાશ મહેરાએ ‘જંજીર’ ફિલ્મ બનાવી. એંગ્રી યંગ મેન તરીકે અમિતાભ બચ્ચન છવાઈ ગયા. ઊંચાઈ, અવાજ અને સખત ચહેરો- એ બધું જ એમને કામ આવ્યું, પરંતુ તે પછીનાં વર્ષોમાં એ વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી. ફિલ્મોમાં હિંસાનાં દૃશ્યો પ્રર્દિશત કરવા પર પ્રતિબંધ હતો. કટોકટી વખતે ટ્રેનો સમયસર દોડવા માંડી હતી. અધિકારીઓ સમયસર ઓફિસમાં આવી જતા હતા. સરકારી કર્મચારીઓ લાંચ લેતા બંધ થઈ ગયા હતા. એ જ સમયે અમિતાભ સ્ટારર ‘શોલે’ફિલ્મ બની. ‘શોલે’માં હિંસાના અનેક દૃશ્યો હતાં. સરકારની સખત ગાઈડલાઈન પ્રમાણે ‘શોલે’ને સેન્સર બોર્ડ પાસ કરતું નહોતું. અમિતાભ બચ્ચન માટે ‘શોલે’ એક મહત્ત્વપૂર્ણ અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મ હતી. ફરી એકવાર અમિતાભ બચ્ચને ઈન્દિરા ગાંધીની મદદ માગી. ઈન્દિરા ગાંધીએ મદદ કરી અને ફિલ્મ’શોલે’ નજીવી કાપકૂપ સાથે સેન્સરમાં પાસ થઈ ગઈ.

સંબંધ તૂટયો

ઈન્દિરા ગાંધીના અવસાન પછી પણ અમિતાભ બચ્ચનનો ગાંધી પરિવાર સાથેનો રિશ્તો જારી રહ્યો. ખુદ જવાહરલાલ નહેરુએ પણ અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનને બીજી અનેક રીતે મદદ કરી હતી. ઈન્દિરા ગાંધીના અવસાન પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા. તેમણે અમિતાભ બચ્ચનને કોંગ્રેસની ટિકિટ આપી. અમિતાભ ભચ્ચન અલ્હાબાદથી લોકસભાની ચૂંટણી લડયા. જીતી પણ ગયા. તેમને લોકસભામાં બહુ મજા ના આવી. પરંતુ રાજનીતિમાં ના હોવા છતાં રાજનીતિ છોડી નહીં. પહેલાં તેઓ સમાજવાદી પાર્ટીના અમરસિંહના મિત્ર બન્યા. તે પછી સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવના મિત્ર બન્યા. કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે છેડો ફાડી જયા બચ્ચન સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં પ્રવેશ્યાં. આજે પણ જયા બચ્ચન સમાજવાદી પાર્ટી તરફથી જ સંસદમાં છે. પંડિત જવાહરલાલ નહેરુના સમયથી ગાંધી-નહેરુ પરિવાર સાથેનો બચ્ચન પરિવારનો સંબંધ તૂટી ગયો.

તે પછી અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. ‘પા’ ફિલ્મ ટેક્સ ફ્રી કરાવી ગયા. ટાઈમ ટાઈમ કી બાત હૈ.

અમિતાભ બચ્ચનને ફિલ્મજગતમાં રોલ અપાવવાનું કામ ઈન્દિરા ગાંધીએ કર્યું