તા. ૧૦મી જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ નવી દિલ્હીની લીલા હોટલના એક રૂમમાંથી શશી થરુરનાં પત્ની સુનંદા પુષ્કરની લાશ મળી. એ વખતે શશી થરુર કેન્દ્રીય મંત્રી હતા. આજે તેઓ કોંગ્રેસના સાંસદ છે. સુનંદા પુષ્કરે આત્મહત્યા કરી લીધી હોવાનું એ સમયનું પોલીસનું અનુમાન હતું. હવે એક વર્ષ બાદ પોલીસ એવું કહી રહી છે કે”સુનંદા પુષ્કરની હત્યા કરવામાં આવી હતી.”

સુનંદા પુષ્કરનું મૃત્યુ થયું એ પહેલાં તેમના પતિ શશી થરુર પાકિસ્તાની ટેલિવિઝન પત્રકાર મેહર તરાર સાથે પ્રેમમાં હોવાની વાતો ઘૂમરાતી હતી અને એ કારણે પતિ-પત્ની વચ્ચે તનાવ હોવાની પણ ચર્ચા હતી. પાકિસ્તાની પત્રકાર મેહર તરારે એવું કાંઈ પણ હોવાનો ઈન્કાર કરી દીધો હતો પરંતુ સુનંદા થરુરના અકુદરતી મૃત્યુ માટે પહેલાં આત્મહત્યાની થિયરી આવી અને તે પછી હવે હત્યાનો મામલો બની જતાં આખેઆખો કેસ ‘હાઈપ્રોફાઈલ-મર્ડર મિસ્ટરી’ બની ગયો છે.

દિલ્હીના પોલીસ કમિશનરનું કહેવું છે કે, સુનંદા પુષ્કરના મૃત્યુની તપાસ માટે ગઠિત મેડિકલ બોર્ડનો નિષ્કર્ષ છે કે તેમનું મૃત્યુ ઝેરના કારણે થયું છે. તેમને કોઈએ પ્રવાહીરૂપે ઝેર પીવરાવ્યું હશે અથવા ઈન્જેક્શન દ્વારા ઝેર આપ્યું હશે. આ કેસમાં પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ માટે પોલીસ શશી થરુરને પણ બોલાવી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે આ કેસમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) અને સેન્ટ્રલ ફોરેન્સિક લેબોરેટરી અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ્સ વિરોધાભાસી છે.

સુનંદા પુષ્કરને આપવામાં આવેલા ઝેરની તપાસ માટે તેમના વિસેરા વિદેશ મોકલવામાં આવશે. સુનંદા પુષ્કરને જે ઝેર અપાયું હોવાનો પોલીસને સંદેહ છે તે ઝેર અત્યંત કાતીલ અને ભારતમાં અપ્રાપ્ય છે. આ ઝેર થેલીનિયમ, પોલિનિમય અથવા ઓલેન્ડર હોઈ શકે છે. આ ઝેર શરીરમાં જાય એટલે માત્ર અડધા કલાકમાં જ તેની અસર હૃદય પર પડે છે. તે હૃદયના કોષોને નુકસાન પહોંચાડે છે. હૃદયના ધબકારાને અટકાવી દે છે. મોટેભાગે પોલેનિયમ નામનું ઝેર સુનંદા પુષ્કરને અપાયાની પોલીસને શંકા છે.

શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે, સુનંદા પુષ્કર તનાવમાં રહેતા હતા અને એન્ટી ડિપ્રેશન દવાઓ લેતા હતા. હોટલમાં તેમના રૂમમાંથી ‘એલેપ્રેક્સ’ નામની ગોળીઓના બે વપરાયેલા પત્તા મળી આવ્યાં છે પરંતુ તેમના વિસેરામાંથી ‘આલ્પારોઝમ’તત્ત્વ મળ્યું નથી.

સુનંદા પુષ્કરના મૃતદેહ પરથી પંદર જેટલી નાની મોટી ઈજાઓ મળી આવી હતી પરંતુ તેમાં તેમને કોઈની સાથે સંઘર્ષ કરવો પડયો હોય એટલી ઊંડી નથી તો આ ઈજાઓ કેમ થઈ?

સુનંદા પુષ્કર જે હોટલમાં ઉતર્યા હતા તે હોટલ તેમને રૂમ નં. ૩૦૭ ફાળવ્યો હતો. જ્યારે તેમનો મૃતદેહ રૂમ નં. ૩૪૫માંથી કેમ મળી આવ્યો ?

સુનંદા પુષ્કરના મૃતદેહ જે રૂમમાંથી મળી આવ્યો તે રૂમમાંથી હોટલની લોબીમાં સુનંદાના મૃત્યુ સમયે લોબીના સીસીટીવી કેમેરા કામ કરતા નહોતા. કેમ ?

સુનંદાના શરીર પરથી ઇન્જેકશનમાં નિશાન મળી આવ્યા છે. પણ એ નિશાન ડોક્ટરો સામાન્ય રીતે શરીર પર ખભાની નીચે આપે છે તે સ્થળેથી મળ્યા નથી. બલ્કે ઈન્જેક્શનનાં નિશાન હાથની આંગળીઓ પરથી મળ્યાં છે કેમ?

પોલીસે જે શોધવાનું છે તેમાં સૌથી પ્રથમવાત સુનંદાની જે હત્યા થઈ હોય તો તેની પાછળનો હેતુ શુંં? આ કેસ ક્રાઈમ બ્રાંચને સોંપાયો તેના બે જ કલાકમાં આ કેસ સ્થાનિક પોલીસને કેમ સોંપાયો? સુનંદા પુષ્કરના શરીર પર ઈજાઓ કેમ? તા.૨૭મી સપ્ટેમ્બરે રિપોર્ટ આવી ગયો હતો તો તેના વિસેરાના નમૂના તપાસ માટે વિદેશ કેમ ના મોકલાયા? જ્યાંથી સુનંદાનો મૃતદેહ મળ્યો ત્યાંથી એલ્પ્રેક્સ ટેબ્લેટસના પત્તા કેમ મળ્યા?

સુનંદા પુષ્કરની સાથે સંકળાયેલાં (સંડોવાયેલાં નહીં) જે પાત્રો છે તેમાં શશી થરુર, હોટલનો સ્ટાફ કે જેણે કહ્યું કે મેં સુનંદા પુષ્કરને સૂતેલાં જોયા હતા, શશી થરુરનો ડ્રાઈવર બજરંગ કે જેણે શશી થરુરના ઓએસડી અભિનવ કુમારને જાણ કરી અને તે પછી અભિનવ કુમારે પોલીસને જાણ કરી, સુનંદા પુષ્કરની સખી નલિનીસિંઘ કે જેમણે કહ્યું હતું કે, શશી થરુરના પાકિસ્તાની મહિલા પત્રકાર સાથેના કહેવાતા એફેરથી સુનંદા પુષ્કર તનાવમાં રહેતાં હતાં, શશી થરુરનો નોકર નારાયણસિંઘ અને ત્રણ અન્ય વ્યક્તિઓ કે જેઓ શશી થરુર અને સુનંદા પુષ્કરને હોટલમાં મળ્યા હતા અને તે પછી શશી થરુર ચાલ્યા ગયા હતા, તે બધાની પૂછપરછ થઈ શકે છે.

સુનંદા પુષ્કરના મૃત્યુના મામલામાં દિલ્હી પોલીસ હવે એક નવી જ બાબત પર તપાસ કરી રહી છે. ખાસ કરીને સુનંદા પુષ્કરના આઈપીએલ કનેક્શનની બાબતમાં પોલીસ ઊંડી ઉતરી રહી છે. કેટલાંક વર્તુળો માને છે કે સુનંદા પુષ્કર પોતે આઈપીએલની એક ટીમ સાથે સંકળાયેલા હતા અને તે ટીમ અંગે કેટલાક વિવાદો પણ ઊભા થયા હતા. સુનંદા પુષ્કર આઈપીએલમાં કાળા નાણાના ઉપયોગ અંગે કેટલાક રહસ્યો જાણતા હતા. અને તે રહસ્યો સુનંદા પુષ્કર જાહેર કરી દેવા માંગતા હતા. આઈપીએલની નવી ટીમની બાબતમાં તેના સાઉદી કનેક્શન બહાર આવ્યા હતા.

એમ મનાય છે કે, સુનંદાના હત્યારા શાયદ દુબઈથી આવ્યા હતા. પોલીસ સુનંદા પુષ્કરની હત્યાના દિવસે સાઉદી અરબથી આવેલા બે વ્યક્તિઓની પણ તપાસ કરી રહી છે. તે બંને વ્યક્તિઓ એ જ હોટલમાં ઉતર્યા હતા અને સુનંદા પુષ્કરના મૃત્યુ બાદ બેઉ હોટલ છોડી ગયા હતા તેથી એવી શંકા છે કે દુબઈથી આવેલા આ બે માણસોનો હાથ પણ સુનંદાની હત્યામાં હોઈ શકે છે.

એ જ રીતે સુનંદા પુષ્કરના કરીબી દોસ્તોની પણ જાણકારી પોલીસ મેળવી રહી છે એ દિવસે હોટલના જે કર્મચારીઓ ડયૂટી પર હતા તેમની પૂછપરછ થઈ શકે છે. પોલીસને એ વ્યક્તિની પણ તલાશ છે કે જેણે ઘટના બાદ સુનંદા પુષ્કરના રૂમની સાફસૂફી કરી હતી. ઘટના પહેલા સુનંદા પુષ્કરે કોને કોને ફોન કર્યા હતા તે બાબતની પણ કોલ ડિટેઈલ્સ મેળવવામાં આવી રહી છે. એ સંદિગ્ધ મોબાઈલ નંબરોની પણ તપાસ થઈ રહી છે કે સુનંદાની હત્યાના દિવસે હોટલની આસપાસ વધુ સક્રિય હતા.

શશી થરુરના ઘરનો નોકર નારાયણસિંહ શશી થરુરની મુશ્કેલીઓ વધારી શકે છે. તેણે પોલીસમાં આપેલા નિવેદનમાં એવું કહ્યું હોવાનું મનાય છે કે સુનંદા પુષ્કરના મૃત્યુની ઘટના પહેલાં શશી થરુર અને સુનંદા પુષ્કર વચ્ચે ‘કેટી’ નામની કોઈ મહિલાની બાબતમાં વારંવાર ઉગ્ર ઝઘડો થયો હતો. મૃત્યુ પહેલાં સુનંદા પુષ્કર મીડિયાને પણ મળવા માંગતા હતા. તેઓ કદાચ આઈપીએલ મેચ અંગે કોઈક વાત ઉજાગર કરવા માગતા હતા. વળી સુનંદા પુષ્કર બીમાર હતા ત્યારે કાંઈ પણ બોલ્યા વગર શશી થરુર જતાં રહ્યાં તે વાતથી મેડમ ગુસ્સામાં હતા અને એે પછી મેડમ ગુસ્સો કરી બોલ્યા હતા કે, ”સાહબ કો છોડુંગી નહીં. ઉન્હો ને મેહર તરાર (પાકિસ્તાની મહિલા પત્રકાર)કો મેરે પિછલે પતિ કે બારે મેં સબ બતા દીયા હૈ.”

શશી થરુર દુબઈમાં ત્રણ દિવસ સુધી મેહર તરારને મળ્યા હોવાની તસ્વીરો બહાર આવી છે. દિલ્હી પોલીસ પાકિસ્તાની મહિલા પત્રકાર મેહર તરારની પણ પૂછપરછ કરી શકે છે. મેહર તરાર સાશે શશી થરુરના સંબંધોનો પણ આક્ષેપ થયેલો છે. સુનંદા પુષ્કરનું મૃત્યુ નીપજ્યું તે રાત્રે ત્રણ અલગઅલગ લોકો સુનંદાને મળવા અલગઅલગ સમયે હોટલ પર આવ્યા હતા. નિષ્કર્ષ એવો નીકળે છે કે, સુનંદા પુષ્કરના મોતની પાછળ મોટા લોકો (અંડર વર્લ્ડના માણસો સહિત)નો હાથ હોઈ શકે છે. સુનંદા પુષ્કરનું મૃત્યુ થયું ત્યારે યુપીએ-૨ સરકાર અસ્તિત્વમાં હતી. હવે સરકાર બદલાઈ ગઈ છે. એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. શશી થરુરનું વ્યક્તિત્વ જ એટલું આકર્ષક છે કે કોઈ સ્ત્રી તેમની તરફ ખેંચાઈ શકે છે અને શશી થરુર પણ કોઈ સ્ત્રીના મિત્ર બની શકે છે પરંતુ શશી થરુર તેમના પત્નીની હત્યાની સાજીસ રચે તે માનવું મુશ્કેલ છે.

સુનંદા પુષ્કરનું મૃત્યુ અગાથા ક્રિસ્ટીની રહસ્યમય નવલકથા જેવી ગૂંચવણભરી ઘટના છે. આ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટરી દિવસે ને દિવસે વધુ ને વધુ ‘મર્કી’ થતી જાય છે. સાચા હત્યારાઓ અને હેતુ સુધી પહોંચવું તે દિલ્હીની પોલીસ માટે એક મોટો પડકાર છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in