જીંદના મહારાજા રણબીરસિંહના જીવનનાં કેટલાંક ઉત્કૃષ્ટ કાર્યો અત્રે પ્રસ્તુત છે.

મહારાજા રણબીરસિંહનો જન્મ તા. ૧૧ ઓક્ટોબર, ૧૮૭૯ના રોજ થયો હતો. એ વખતે જીંદ પંજાબમાં હતું. હવે તે હરિયાણામાં છે. તેમના રાજ્યનો બાકીનો ભાગ પંજાબમાં છે. મહારાજાના પિતાનું નામ ટીક્કા શ્રી બલબીરસિંહ સાહિબ બહાદુર હતું. તેઓ તેમના એકમાત્ર પુત્ર હતા. રણબીરસિંહ ચાર વર્ષની વયના હતા તે વખતે જ તેમના પિતાનું અવસાન થયું. તેમના દાદાનું નામ મહારાજા રઘુબીરસિંહ હતું. ૧૮૮૭માં તેમના દાદાનું અવસાન થયા બાદ રણબીરસિંહ ગાદીએ બેઠા. તેમણે ૧૮૮૭થી ૧૯૪૮ સુધી શાસન કર્યું.

તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટન માટે પોતાના લશ્કરની એક ટુકડી મોકલી હતી. તે પછી ૧૯૧૯માં બીજા વિશ્વયુદ્ધ વખતે પણ જાપાન સામે લડવા તેમના લશ્કરની ટુકડી મોકલી હતી. મહારાજા રણબીરસિંહ પોતે તાલીમ પામેલા યોદ્ધા હતા અને બ્રિટિશ આર્મીમાં બ્રિગેડિયરની રેંક સુધી પહોંચ્યા હતા. તેમણે આર્મીને એક કારકિર્દી તરીકે અપનાવી હતી.

મહારાજા રણબીરસિંહ એક પ્રગતિશીલ શાસક તરીકે જાણીતા બન્યા હતા. તેમણે શાળાઓ, હોસ્પિટલો અને અનાથ આશ્રમો પણ બંધાવ્યાં. વિધવા સ્ત્રીઓ માટે અલગ ચેરિટી ફંડની વ્યવસ્થા કરી હતી. તેમના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત કર્યું હતું.

૧૯૦૯માં ‘કેસીએસઆઈ’ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૧૬માં ‘જીસીઆઈઈ’ અને ૧૯૧૯માં તેમને ‘રાજેન્દ્ર બહાદુર’ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૨૬માં બ્રિટિશ સરકારે ૧૩ તોપોની સલામી અને ૧૫ બંદૂકોની સલામી આપવાનો નિર્ણય કર્યો હતો.

મહારાજા રણબીરસિંહ લગ્ન બાદ પાંચ પુત્રો અને સાત પુત્રીઓના પિતા બન્યા હતા. તેમના રાજ્યાભિષેક વખતે મહારાજા ઓફ પતિયાલા, રાજા ઓફ નાભા અને નવાબ ઓફ કોટલા તથા બ્રિટિશ સરકારના લેફ્ટનન્ટ ગવર્નર પોતે હાજર રહ્યા હતા. તેમની સિયાસતની રાજધાની સંગરૂર ખાતે આવેલા મહેલને તેમણે પુનઃર્નિિમત કરી સુંદર અને આકર્ષક બનાવ્યો હતો. તેમણે સંગરૂરના બજારનું પણ પુનઃ નિર્માણ કર્યું હતું. નવા બગીચાઓ, નવાં મંદિરો, પાણીની ટાંકીઓ, મેટલના રસ્તાઓનું પણ તેમણે નિર્માણ કર્યું હતું.

એક સમયે દાદરી અને તેની આસપાસના વિસ્તારમાં કેટલાક લોકોએ બળવો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહારાજા રણબીરસિંહે જાતે જ તેમની સેનાની આગેવાની લઈ બળવાને દબાવી દીધો હતો. બીજા અફઘાન યુદ્ધ વખતે તેમણે ૭૦૦ ઘોડેસવારો, બીજા સૈનિકો અને આખી આર્ટીલરી યુદ્ધમાં મોકલી હતી.

જીંદની રાજધાની સંગરૂરમાં આજે પણ મહારાજા રણબીરસિંહની યાદો જોડાયેલી છે.

નાની ઉંમરમાં જ તેઓ મોટા અને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતા હતા. તેમણે કાનૂની તંત્રમાં સુધારા લાવી અદાલતો જલદી ફેંસલા લે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. જમીનોના તબાદલાના મુકદ્દમા ઓછા થાય તેવી કાનૂની વ્યવસ્થા ગોઠવતાં જીંદ રાજ્યની જમીનોની કિંમતો ઊંચકાઈ અને પ્રજા ખુશ થઈ ગઈ હતી.

સન ૧૮૯૯-૧૯૦૦માં મહારાજા રણબીરસિંહ ગાદી ઉપર બિરાજમાન હતા ત્યારે આ વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડયો હતો. મહારાજા રણબીરસિંહે પ્રજાને રાહતો આપવા માટે અસરકારક પગલાં લેતાં રૂ. ૨,૨૬,૭૧૦ની સહાયતા આપી હતી એટલું જ નહીં,પરંતુ ભવિષ્યમાં દુષ્કાળની સ્થિતિ નિર્માણ પામે તો તેનો સામનો કરવા સિંચાઈ માટે ૧૭૨ કૂવા ખોદવામાં આવ્યા હતા.

મહારાજા રણબીરસિંહે સત્તા હાથમાં લીધી ત્યારે અનુભવ્યું કે, અધિકારીઓના વેતન તેમની જવાબદારીઓ કરતાં ઘણાં ઓછા હતા. જેથી મહારાજાએ તુરંત જ વેતન વધારા માટે આદેશ કર્યા હતા. ઉપરાંત નવા વિભાગ પણ બનાવ્યા હતા. મહારાજાએ લોકો માટે આરોગ્ય સેવા તેમ જ સાફસફાઈની સુવિધા પ્રદાન કરવા માટે વિશેષ પગલાં પણ લીધાં હતાં. સમગ્ર રજવાડામાંહોસ્પિટલ તેમ જ દવાખાનાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.

મહારાજા રણબીરસિંહે પશુઓની તકલીફને સમજી રૂ. ૮૪ હજારના ખર્ચે વેટરનરી હોસ્પિટલની સ્થાપના કરી હતી. જ્યાં ત્રણ પશુ ચિકિત્સક સેંકડો પશુઓની સારવાર કરતા હતા. ઉપરાંત પ્રજાની સુરક્ષાને ગંભીરતાથી લેતાં પોલીસ વિભાગમાં પણ નોંધપાત્ર સુધારા કર્યા હતા. પોલીસ વિભાગમાં થતાં ૩૮ હજારના ખર્ચને વધારી ૫૫ હજાર કર્યો હતો.

વેપાર-વાણિજ્યની વૃદ્ધિ માટે મહારાજાએ પરસ્પર સંકલન વધારવા સાથે માર્ગ સુધારણાની કામગીરીને પ્રાધાન્ય આપ્યું હતું. ઉપરાંત રાજ્યમાંથી પસાર થતી રેલવે લાઈનનું વિસ્તરણ કરવા વધુ રેલવે ટ્રેક બનાવડાવ્યા હતા. ૧૯૦૯માં સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી હતી. થોડા સમયમાં જ આ મંડળીઓની કુલ સંખ્યા ૬૫ જેટલી થઈ ગઈ હતી અને તેની કુલ મૂડી ૧.૪૦ લાખ રૂપિયા પહોંચી હતી. આ સોસાયટીઓથી ખેડૂતોને ફાયદો થયો અને ગિરવે મૂકેલી જમીનો છોડાવવામાં સફળતા મળી હતી.

મહારાજાએ રાજગાદી સંભાળી તેને ૨૭ ફેબ્રુઆરી, ૧૯૧૩ના રોજ ૨૫ વર્ષ પૂરાં થયાં. શાસનની સિલ્વર જ્યુબિલી નિમિત્તે રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે અધિકારીઓ અને આગેવાનોને ઘણા સરપાવ-જમીન જાગીર આપવામાં આવી હતી. મહારાજાએ ઇમ્પિરિયલ ર્સિવસ રેજિમેન્ટના જવાનોના વેતનમાં વધારો કર્યો હતો અને સંગરૂરમાં એક અનાથ આશ્રમની સ્થાપના કરી હતી. સાથેસાથે લોકોના દેવાં માફ કરવા ઉપરાંત ૫૦ હજાર સુધીની માગણી પણ પૂરી કરી હતી. રાજ્યમાં જૈન દેરાસરોના નિર્માણ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો. સરકારી કર્મચારીઓને માસિક ૧૫ રૂપિયાની આવક હોય તેમને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ઇમ્પિરિયલ ર્સિવસ ઇનફેક્ટ્રીના જવાનોના વેતન વધારામાં એક રૂપિયા સુધીનો વધારો તેમ જ ફૌજી અને પોલીસને એક સપ્તાહનો વધારાનો વેતન વધારો આપવા માટે આદેશ કર્યો હતો.

૧૯૧૭માં તેમણે શાસનની ડાયમન્ડ જ્યુબિલી ઊજવી હતી. તેમને મળેલા ઇલકાબો પણ ઉત્કૃષ્ટ હતા. તેમને હીઝ હાઈનેઝ ફરજંદ-એ-દિલબંદ, રાસિખુલ-એતકદ, દૌલતે ઇંગ્લિશિયા, રાજા-એ-રાજગાન મહારાજા રણબીરસિંહ તરીકે સંબોધવામાં આવતા હતા. ૧૯૦૩માં તેમને દિલ્હી દરબાર ગોલ્ડ મેડલ અને ૧૯૧૧માં ફરી દિલ્હી દરબાર ગોલ્ડ મેડલ એનાયત થયા હતા. ૧૯૧૬માં તેમને’નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી ઈન્ડિયન એમ્પાયર’,૧૯૩૫માં કિંગ જ્યોર્જ-પાંચમા સિલ્વર જ્યુબિલી મેડલ, ૧૯૩૭માં કિંગ જ્યોર્જ ૬ઠ્ઠા કોરોનેશન મેડલ, ૧૯૩૭માં નાઈટ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધી ઓર્ડર ઓફ ધી સ્ટાર ઓફ ઇન્ડિયા અને ૧૯૪૭માં તેમને ‘ઇન્ડિયા ઈન્ડિપેન્ડન્સ’થી નવાજવામાં આવ્યા હતા.

મહારાજા રણબીરસિંહ એક પ્રગતિશીલ અને પ્રજાવત્સલ રાજા હતા. તા. ૩૧ માર્ચ, ૧૯૪૮ના રોજ તેમનું દુઃખદ અવસાન થયું. આજે પણ લોકોના દિલમાં તેમની યાદો અને તેમના પ્રત્યેનું સન્માન ચિરંજીવ છે. રાજપૂત સમાજ પ્રત્યે સંપૂર્ણ આદર સાથે મહારાજા રણબીરસિંહના જીવનના ઉત્તમ યોગદાનની કથા અહીં પ્રસ્તુત કરાઈ છે.

– દેવેન્દ્ર પટેલ