અમૃતા ફડણવીસ-મહારાષ્ટ્રના નવા વરાયેલા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની છે અને એ રીતે તેઓ મહારાષ્ટ્ર રાજ્યનાં ‘ફર્સ્ટ લેડી’ છે. દેશની અને દુનિયાની રાજનીતિ-પબ્લિક લાઈફમાં પતિની સાથે પત્નીનો અને પત્નીની સાથે પતિનો પણ એક રોલ હોય છે. અમેરિકાના પ્રેસિડેન્ટનાં પત્ની જાહેરજીવનમાં એટલું જ મહત્ત્વ ધરાવે છે જેટલું તેમના પતિ. પ્રેસિડેન્ટ કેનેડીનાં પત્ની જેક્વિલીન કેનેડી, પ્રેસિડેન્ટ રેગનનાં પત્ની નેન્સી રેગન, પ્રેસિડેન્ટ બુશનાં પત્ની બાર્બરા બુશ, પ્રેસિડેન્ટ ક્લિન્ટનનાં પત્ની હિલેરી ક્લિન્ટન અને પ્રેસિડેન્ટ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામાનું જાહેરજીવનમાં એક વિશેષ સ્થાન રહ્યું છે. ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીનાં પત્ની કસ્તુરબા જિંદગીપર્યંત બાપુની છાયા બનીને રહ્યાં અને અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધો. એ સિવાયના એમના સમકાલીન નેતાઓની પત્નીઓ જાહેરજીવનથી ઓઝલ રહી. હા, વર્ષો બાદ લાલુ પ્રસાદે તેમનાં પત્ની રબડીદેવીને જાહેરજીવનમાં સ્થાન અપાવ્યું. એવા થોડાક અપવાદોને બાદ કરતાં મોટાભાગના નેતાઓ પત્નીઓને આગળ લાવવાની બાબતમાં શરમાતા રહ્યા.

હા, તો હવે અમૃતા ફડણવીસની વાત. અમૃતાના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ જોયા પછી લાગ્યું કે, અમૃતા અત્યંત સંસ્કારી પરિવારમાંથી આવતાં નિરાભિમાની મહિલા છે. તેમના ચહેરા પરથી સતત સ્મિત ટપક્યા કરે છે. સત્તાનું કોઈ ગુમાન નથી, તોછડાઈ નથી.

અમૃતા ફડણવીસ નોકરી કરતાં મહિલા છે. તેઓ નાગપુરની ‘એક્સિસ બેંક’માં નોકરી કરે છે. પતિ મુખ્યમંત્રી બનતા દેવેન્દ્ર ફડણવીસ તો મુંબઈમાં ‘વર્ષા’ બંગલોમાં રહેવા ગયા છે. મુંબઈના મુખ્યમંત્રીનો બંગલો ‘વર્ષા’ બંગલો તરીકે ઓળખાય છે. પતિ મુખ્યમંત્રી બન્યા પછી અમૃતા ફડણવીસ નોકરી છોડવાનાં નથી. એના બદલે તેઓ નાગપુરથી મુંબઈની ટ્રાન્સફર જ માગશે. અમૃતા ફડણવીસ ‘એક્સિસ બેંક’માં એસોસિયેટેડ વાઈસ પ્રેસિડેન્ટ છે અને નાગપુરની પ્રીમિયમ બેંકનાં વડાં છે. પતિના મુખ્યમંત્રી બન્યા બાદ પણ જો અમૃતા નોકરી નહીં છોડે તો દેશની રાજનીતિમાં એક નવી જ મિસાલ હશે. પતિ કે પત્ની મુખ્યમંત્રી બની જાય પછી આખા પરિવાર માટે રાજનીતિ જ એક ધંધો બની જતો હોય છે ત્યારે એક મુખ્યમંત્રીની પત્ની નોકરી ચાલુ રાખવાનું પસંદ કરશે તો રાજનીતિમાં પડેલા બીજા અનેક લોકો માટે તેઓ ઉદાહરણરૂપ બનશે.

મહારાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણનાં પત્ની વેણુતાઈથી માંડીને છેલ્લા મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણનાં પત્ની સત્યશીલા એ બધાં જ ગૃહિણીઓ હતાં. અગાઉના મુખ્યમંત્રી અશોક ચૌહાણનાં પત્ની અમિતાતાઈ આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભામાં પહેલી જ વાર ચૂંટાયાં છે અને તેઓ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરશે. એ અગાઉના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વસંતદાદા પાટિલનાં પત્ની શાલિનીતાઈ પાટિલ રાજનીતિમાં સક્રિય રહ્યાં અને પતિની ઇચ્છાની વિરુદ્ધ જઈ મંત્રી પણ બન્યાં હતાં, પરંતુ આ બધામાં ઘરનું બારણું ઓળંગી કોઈપણ મુખ્યમંત્રીની પત્નીએ નોકરી કરી નથી.

અમૃતા ફડણવીસ કહે છે : “મારા પતિ દેવેન્દ્ર જ ચાહે છે કે, હું નોકરી ચાલુ રાખું. મને અહીં સુધી પહોંચાડવામાં તેમણે ઘણી મહેનત કરી છે. મને લાગે છે કે, દરેક મહિલાએ આર્િથક બાબતોમાં સક્ષમ અને સ્વાવલંબી હોવું જોઈએ. હું ભલે મુખ્યમંત્રીની પત્ની છું, પરંતુ નોકરી નહીં છોડું. હું હંમેશાં કામ કરતી રહીશ, કારણ કે બૌદ્ધિક વિકાસ માટે કામ કરવું જરૂરી છે. મારી નોકરી જ મારી ઓળખનો એક હિસ્સો છે, જેને હું મારાથી અલગ કરી શકું નહીં.”

તેઓ કહે છે : “અગર કોઈ કારણસર મારી નાગપુરથી મુંબઈ ટ્રાન્સફર નહીં થાય તો હું નાગપુરની બ્રાન્ચમાં જ કામ કરતી રહીશ અને એ રીતે હું મારા પતિના મતક્ષેત્ર પર નજર પણ રાખતી રહીશ.”

અમૃતા અને દેવેન્દ્ર ફડણવીસનાં લગ્ન ૨૦૦૬માં થયાં હતાં. તેમને એક નાનકડી પાંચ વર્ષની દીકરી પણ છે. નાનકડી દીકરી પણ સ્કૂલમાં ભાષણ કરી શકે છે. અમૃતાના પિતા નાગપુરમાં ડોક્ટર છે. કેટલાંક વર્ષો પહેલાંના દિવસોને યાદ કરતાં અમૃતા કહે છે : “એ દિવસોમાં હું અમૃતા રાનડે હતી. અમે પહેલી જ વાર એક મિત્રના ઘરે મળ્યા ત્યારે હું બહુ જ ગભરાયેલી હતી. કોઈએ મને કહ્યું કે, તેઓ એક રાજકારણી છે. પોલિટિશિયનનું નામ જ મને ભય પેદા કરતું હતું. આજથી નવ વર્ષ પહેલાં અમે મળ્યા ત્યારે મેં દેવેન્દ્ર ફડણવીસને જોઈ મારી ઓળખ આપતાં કહ્યું હતું : “હા, સર ! આઈ એમ અમૃતા રાનડે !” તેમણે બે હાથ જોડી મને નમસ્કાર કર્યાં હતાં.”

અમૃતા કહે છે : “એ પછી હું કાયમ તેમને ‘સર’ કહેતી રહી. લગ્ન બાદ એમને ‘સર’ કહેવાનું છોડતાં અને ‘દેવેન’ કહેવાનું શરૂ કરતાં મને લાંબો સમય લાગ્યો હતો. મારી જેમ તેઓ પણ પોતાની જાતને બહુ અભિવ્યક્ત કરતા નથી. મેં કેવાં વસ્ત્રો પહેર્યાં છે અને હું કેવી લાગું છે તથા હું કેવું કામ કરું છું તે પર તેમણે ભાગ્યે જ કોઈ અભિપ્રાય આપ્યો હશે. શાયદ આપ્યો જ નથી. તેઓ ઘણી બધી વાતો માત્ર આંખોથી જ અભિવ્યક્ત કરી દે છે અને તેમની આંખોના ભાવને હું સમજી જાઉં છું.”

તેઓ કહે છે : “મારી અને એમની પહેલી મીટિંગ એક મિત્રના ઘરે થઈ હતી. અમારાં લગ્ન સામાજિક રીતે ગોઠવાયેલાં લગ્ન છે. અમારાં બંનેની મમ્મીઓની ઇચ્છા હતી કે, અમે બંને એકબીજાને મળીએ. અમે મળતા પહેલાં પરંપરા મુજબ મારે સાડી પહેરવાની જરૂર નથી અને મહારાષ્ટ્રીયન રીતરિવાજ મુજબ સાડી પહેરીને મારે તેમને પૌંઆ અને ચા આપવા જવાની જરૂર નથી એ વાત મેં દેવેનને અગાઉથી જ જણાવી હતી. ખુશીની વાત એ હતી કે, તેમને પણ એવા રીતરિવાજમાં કોઈ રસ નહોતો. મને યાદ છે કે,તેઓ તેમના મતવિસ્તારમાંથી સીધા જ એક મંદિરે જઈ આવ્યા હતા. તેમના કપાળ પર લાલ તિલક કરેલું હતું. સાચું કહું ? મેં તેમના ચહેરા પર એક પ્રકારના ખૂબ જ શાંત ભાવ નિહાળ્યા. તેમનું સ્મિત શ્રદ્ધા જન્માવે તેવું અને સાચુકલું હતું. પરંતુ એ પહેલી મુલાકાતમાં અમે કોઈ જ નિર્ણય ના લીધો. તે પછી બીજી અનેકવાર અમે મળ્યા. અનેક વાતો થઈ. ચર્ચાઓ થઈ. અમારી ભાવિ કારકિર્દી અંગે પણ વાત થઈ અને તે પછી જ અમે બંને એકબીજા સાથે લગ્ન કરવા સંમત થયાં.”

અમૃતા કહે છે : “હું દેવેનને મળી તે પહેલાં પોલિટિશિયનો માટે મારી પર સારી છાપ નહોતી. હું રાજનીતિને સારી બાબત માનતી નહોતી, પરંતુ દેવેનના પરિવારમાં આવ્યા બાદ મને લાગ્યું કે, તેઓ પોતાના મતવિસ્તાર અને તેના લોકો પ્રત્યે જબરદસ્ત સર્મિપત છે. મતવિસ્તારના લોકો સાથે તેમનો ભારે લગાવ છે. સૌથી મોટી વાત એ છે કે, તેઓ એકદમ ‘ડાઉન ટુ અર્થ’- નિરાભિમાની છે.”

અમૃતા ફડણવીસ કહે છે : “તેમણે મને પહેલાંથી જ કહી દીધું હતું કે, તેઓ લગ્ન બાદ પણ જાહેરજીવનમાં અત્યંત વ્યસ્ત રહેશે. હું એમની જવાબદારી સમજું છું અને મેં કદી તેમના સમયની માગણી કરી નથી. હા, મને ખબર છે કે, મને જ્યારે પણ તેમની જરૂર હશે ત્યારે તેઓ મારા માટે ઉપલબ્ધ હશે જ અને હું તેમના માટે.”

તેઓ કહે છે : “ચૂંટણીનાં પરિણામોના દિવસે પણ હું થોડી મિનિટો માટે જ એમને મળી શકી હતી અને તે પણ એ વખતે જ્યારે તેઓ નાગપુરમાં એક ખુલ્લી જીપમાં ઊભા હતા અને લોકોથી ઘેરાયેલા હતા.”

અમૃતા ફડણવીસ શાસ્ત્રીય ગીતોની ગાયિકા પણ છે. કોઈવાર પત્નીનાં ગીતોને શાંતિથી સાંભળે છે અને માણે પણ છે. અમૃતા ફડણવીસ સેન્ટ જોસેફ કોન્વેન્ટમાં અભ્યાસ કર્યા બાદ નાગપુરની જીએસ કોલેજ ઓફ કોમર્સ દ્વારા ગ્રેજ્યુએશન કરેલું છે. તે પછી પૂનાની સિમ્બોઈસીસ કોલેજ દ્વારા એમબીએ કરેલું છે. અમૃતા કહે છે : “મને અને મારી દીકરીને અહેસાસ છે કે, દેવેન્દ્રની જિંદગી સમાજના લોકો માટે છે તેથી અમે તેમની પાસે બહુ સમયની અપેક્ષા રાખતાં નથી.”

કેવી ઊંચી સમજણ !
– દેવેન્દ્ર પટેલ