જોતમે લોકસભાની ચૂંટણી લડવી હોય તો પોતાના વિવરણમાં તમારે તમારો વ્યવસાય દર્શાવવાનો હોય છે. જો તમે અભિનેતા છો અને વ્યવસાયમાં ‘અભિનય’ લખો તો બરાબર છે, ટેલર હોવ ને દરજીકામ લખો તો બરાબર છે, વેપારી હોવ ને વેપાર-ધંધો લખો તો બરાબર છે, પણ કાંઈ જ ના કરતાં હોવ તો ?

કોઈ વાંધો નહીં.

રાજનીતિમાં પ્રવેશ્યા પછી આપણા નેતાઓએ લોકસભામાં પ્રવેશ મેળવ્યા પછી તેમના વિવરણમાં શું લખ્યું છે તે જાણી લો.

અડવાણી પત્રકાર છે

જાણવા જેવી વાત એ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્યવસાયથી સામાજિક કાર્યકર્તા છે. અખિલ ભારતીય કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી રાજનૈતિક અને સામાજિક કાર્યકર્તા છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રણનીતિક સલાહકાર છે. રાહુલ ગાંધીનાં કાકી મેનકા ગાંધી વ્યવસાયથી લેખિકા છે. સૌથી વધુ જાણવા જેવી વાત એ છે કે, લાલકૃષ્ણ અડવાણી વ્યવસાયે પત્રકાર છે. તેમણે સાંસદ તરીકેના વિવરણમાં પોતાનો વ્યવસાય પત્રકાર બતાવ્યો છે. એ વાત સાચી કે, ઘણાં વર્ષો પહેલાં તેમણે પત્રકારત્વ કર્યું હશે. જનસંઘના જમાનામાં અને તે પછી ભારતીય જનતા પાર્ટીના ઉદય વખતે અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણીએ ભાજપાના સ્તંભ તરીકે કામ કર્યું અને પક્ષની પ્રેસનોટ્સ તેઓ રૂબરૂ અખબારોની કચેરીએ આપવા જતા હતા. પત્રકારત્વ છોડીને પણ રાજનીતિમાં આવ્યા છે તેમાં રાજીવ શુક્લા, એમ. જે. અકબર અને આશુતોષ જાણીતા છે. રાજીવ શુક્લા તો કોંગ્રેસમાં બરાબર ગોઠવાયેલા છે અને એક હિન્દી ન્યૂઝ ચેનલ પણ ચલાવે છે, પણ ટી.વી. ન્યૂઝ ચેનલ છોડીને આમઆદમી પાર્ટીમાં ગયેલા આશુતોષ ભરાઈ પડયા હોય તેમ લાગે છે. એમ. જે. અકબર ભાજપામાં જોડાયા બાદ ટી.વી. પત્રકારોના ઘણા અણિયારા પ્રશ્નોનો જવાબ આપતાં દ્વિધા અનુભવે છે. અરુણ શૌરી પણ પત્રકારત્વ છોડીને રાજનીતિમાં આવેલા છે, પરંતુ મોદી મંત્રીમંડળમાં સામેલ થવાની તેમની ઇચ્છા નરેન્દ્રભાઈએ પૂરી કરી નથી.

વ્યવસાય અને અભ્યાસ

ચાલો, ફરી આપણા નેતાઓના વ્યવસાયની વાત. ૧૬મી લોકસભામાં ચૂંટાઈને આવેલા સાંસદોના વ્યવસાયિક વિવરણમાં લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજને સ્નાતકોત્તર સુધીનો અભ્યાસ કર્યાે છે અને તેમનો વ્યવસાય વકીલ હોવાનું દર્શાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્નાતકોત્તર સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ રાજનીતિશાસ્ત્ર સાથે એમ.એડ્. છે અને વ્યવસાય સામાજિક કાર્યકર્તા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ભાજપાના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી પણ સ્નાતક છે. કોંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં ડિપ્લોમા કરેલો છે. ગુજરાતથી ઘણા કાર્યકર્તાઓ સોનિયા ગાંધીને મળવા જાય છે અને ભંગાર અંગ્રેજીમાં વાત કરવા કોશિશ કરે છે ત્યારે સોનિયા ગાંધી ધીમેથી કહે છે : “હિન્દી મેં બોલીયેે.” સોનિયા ગાંધી હિન્દી બરાબર જાણે છે અને બોલે પણ છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયની ટ્રીનીટિ કોલેજ દ્વારા સ્નાતકોત્તર સુધીનો અભ્યાસ કરેલો છે. વ્યવસાયના ખાનામાં તેમણે ‘રણનીતિક સલાહકાર’ લખ્યું છે. તેમની મુશ્કેલી એ છે કે, તેઓ વ્યવસાયે રણનીતિક સલાહકાર કહે છે, પણ તેમણે જે સલાહકારો રાખ્યા છે તે ખોટા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસનું નામ ડૂબાડવામાં તેમના ખોટા સલાહકારોનો મોટો ફાળો છે.

મેનકા ‘લેખિકા’ !

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીનો અભ્યાસ કરેલો છે. એટલે કે તેઓ ગ્રેજ્યુએટ નથી. વ્યવસાયના ખાનામાં તેમણે લેખિકા લખ્યું છે. તેઓ લેખિકા છે એ સાચું. તેઓ શાકાહાર માટે અને વન્ય જીવોના રક્ષણ માટે ઝુંબેશ પણ ચલાવે છે તે પણ સાચું, પરંતુ ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીને પરણતાં પહેલાં મોડેલિંગ કરતાં હતાં અને એક ટેક્સટાઈલ મિલનાં વસ્ત્રોનાં મોડલ તરીકે દિલ્હી-મુંબઈ જેવા અનેક શહેરોમાં તેમની તસવીરોવાળાં ર્હોિંડગ્સ લાગેલાં હતાં. સંજય ગાંધી સાથે લગ્ન બાદ તેમણે મોડેલિંગ છોડી દીધું. ગાંધી પરિવારમાંથી અલગ થયા બાદ તેઓ ભાજપામાં ગયાં. પુત્ર વરુણને પણ ટિકિટ અપાવી, પણ પોતે મંત્રી બની ગયાં, પરંતુ પુત્રને મંત્રીપદ અપાવી શક્યાં નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વંશવાદ વિરોધી સખત વલણ વરુણને નડી ગયું હોય તેમ લાગે છે.

શશી થરૂર

પૂર્વ કેન્દ્રીય મંત્રી શશી થરૂરે તેમનો વ્યવસાય ‘રાજનૈતિક’ દર્શાવ્યો છે. ભારતની રાજનીતિમાં આવતાં પહેલાં તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘ સાથે સંકળાયેલા હતા. તેઓ સુંદર અને અસ્ખલિત અંગ્રેજી બોલી શકે છે. સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય નેતાઓમાં તેમનું સ્થાન છે. એકમાત્ર તેમનાં પત્ની સુનંદા થરૂરના રહસ્યમય મોતના કારણે તેઓ બેકફૂટ પર આવી ગયા છે. બાકી, મળવાપાત્ર અને વાતચીત કરવામાં ગમે તેવું તેમનું વ્યક્તિત્વ છે. કેન્દ્રીય મંત્રી નીતિ ગડકરીએ પણ સ્નાતકોત્તર સુધીનો અભ્યાસ કરેલો છે. વ્યવસાયના ખાનામાં તેમણે ‘રાજનૈતિક અને સામાજિક કાર્યકર્તા’ એવું દર્શાવ્યું છે. દેશનાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ગ્રેજ્યુએટ છે. તેમનો વ્યવસાય વકીલાતનો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સુષ્મા સ્વરાજ ભાજપાનો એક સુંદર, નિર્મળ અને સુશીલ વ્યક્તિત્વ ધરાવતો ચહેરો છે. લોકસભામાં તેઓ વિપક્ષનાં નેતા હતાં ત્યારે પણ તેમણે કોઈપણ જાતની મર્યાદાનો ભંગ કર્યા વિના વિરોધ પક્ષનાં નેતા તરીકે અસરકારક ભૂમિકા અદા કરી હતી. તેમણે કદીયે ભાષા પરનો વિવેક ગુમાવ્યો નથી. ભાજપાના પૂર્વ પ્રમુખ, લખનૌના સાંસદ અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે તેમના વ્યવસાયના ખાનામાં ‘શિક્ષક’ લખેલું છે.

મુરલી મનોહર જોષી

ચાલો હવે વડા પ્રધાન બનવાનું જેમનું સ્વપ્ન રોળાઈ ગયું તેવા બીજા એક નેતા મુરલી મનોહર જોષીની વાત. મુરલી મનોહર જોષીએ તેમના વિવરણમાં વ્યવસાયના ખાનામાં તેઓ ‘પ્રોફેસર’ હોવાનું જણાવ્યું છે. મુરલી મનોહર જોષીને વારાણસીથી ચૂંટણી લડવી હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ તેમને કાનપુર મોકલી આપ્યા અને હવે તેમને સામાન્ય મંત્રીપદનાં પણ ફાંફાં છે. તેમણે વડા પ્રધાનપદ મેળવવાનો ઇરાદો ન રાખ્યો હોત તો નાનું સરખું મંત્રીપદ તો જરૂર મળત. એ જ રીતે લોકસભાની વેબસાઈટ પર હાજીપુરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને વ્યવસાયમાં ‘સામાજિક કાર્યકર્તા’ લખ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ વ્યવસાયમાં ‘સામાજિક કાર્યકર્તા’ લખ્યું છે. ભટીંડાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરસિમરન કૌરે વ્યવસાયના ખાનામાં’રાજનૈતિક અને સામાજિક કાર્યકર્તા’ એમ લખ્યું છે.

ધંધો-ખેતી

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવે તેમનો ધંધો ‘ખેતી’ દર્શાવ્યો છે. તેઓ ક્યારેય ખેતરમાં હળ હાંકવા ગયા છે કે કેમ તેની ખબર નથી. છીંદવાડાના સાંસદ કમલનાથે વ્યવસાયના ખાનામાં ‘સામાજિક કાર્યકર્તા’ લખ્યું છે. માધેપુરના સાંસદ પપ્પુ યાદવે તેમનો વ્યવસાય ખેતી દર્શાવ્યો છે. બારામતીના સાંસદ સુપ્રિયા સૂલેએ વ્યવસાયના ખાનામાં સામાજિક કાર્યકર્તા લખ્યું છે. મુંબઈનાં સાંસદ પૂનમ મહાજન અને અમૃતસરના સાંસદ કેપ્ટન અમરિન્દર સિંહ વ્યવસાયે કારોબારી છે. હરિદ્વારના સાંસદ રમેશ પોખરિયાલ વ્યવસાયે લેખક છે. ગઢવાલના સાંસદ ભુવનચંદ્ર ખંડૂરી વ્યવસાયે એન્જિનિયર છે.

– આ યાદીમાં કોઈ વૈજ્ઞાાનિક, કોઈ કેળવણીકાર, કોઈ તબીબ કે કોઈ અર્થશાસ્ત્રી જણાતા નથી. કોઈ ન્યૂક્લિયર સાયન્સીસ, કોઈ મેનેજમેન્ટ ગુરુ કે કોઈ લશ્કરી નિષ્ણાત પણ નથી. ડોન્ટ વરી, આપણા નેતાઓ બધા જ વિષયોમાં ‘માસ્ટર’ છે.

દેશની ૧૬મી લોકસભામાં ચૂંટાયેલા સાંસદોએ કયો વ્યવસાય દર્શાવ્યો છે?