(ગતાંકથી ચાલુ)

એ વખતે મધ્યરાત્રિ હતી. ક્વીન નિલેફર તેના પ્રેમી ત્રેનેહની સાથે તેના મહેલમાં હતી. ઊંટની ઘંટડીઓ સાંભળી તે ચોંકી ગઈ. ફેરોએ રાજધાની પહોંચતાં જ સૌથી પહેલાં રાણી નિલેફરના મહેલમાં પ્રવેશ કર્યો. અંગરક્ષકોને બહાર જ ઊભા રહેવાની સૂચના આપી. ફેરો સખત રીતે ઘવાયેલો હતો. છાતી પરના ઘાને દબાવી રાખી ફેરો રાણીનાં અંગત કક્ષમાં પ્રવેશ્યો. એ વખતે રાણી નિલેફર ખજાનાના મુખ્ય રક્ષક અને તેના પ્રેમી ત્રેનેહ સાથે પ્રેમાલાપ કરી રહી હતી. ફેરોએ એક દીવાલની આડશમાં ઊભા રહી એ વાર્તાલાપ સાંભળ્યો,પરંતુ એ દરમિયાન રાણી નિલેફર ફર્શ પર પડેલાં લોહીનાં ટીપાં જોઈ ગઈ. એને ખ્યાલ આવી ગયો કે ફેરો હવે તેના મહેલમાં જ છે. એણે પોતાનું વર્તન બદલી નાખી તેના પ્રેમી ત્રેનેહને ધમકાવવા માંડયો, “તું અત્યારે આ મહેલમાં આવ્યો જ કેમ?”

એ વખતે રાણીએ ફેરોના ખજાનામાં અલગ રાખવામાં આવેલો અનેક હીરા-પન્નાથી જડિત પણ પ્રતિબંધિત એવો નેકલેસ પોતાના ગળામાં પહેરેલો હતો. ફેરોએ દીવાલની આડશમાંથી બહાર આવી પહેલાં ખજાનાના રક્ષક ત્રેનેહને પડકાર્યો. ફેરો હજુ એમ જ માનતો હતો કે ત્રેનેહ બદઇરાદે રાણીના અંગત કક્ષમાં પ્રવેશી ગયો છે. બંને વચ્ચે તલવારયુદ્ધ થયું. ત્રેનેહે પણ ફેરો પર હુમલો કર્યો. ફેરોએ ત્રેનેહને તલવારથી વીંધી નાખ્યો, પરંતુ ફેરો ફરી સખત રીતે ઘવાયો હતો. તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. ફેરોએ મદદ માટે રક્ષકોને બોલાવવા બૂમ પાડી, પરંતુ તેનો અવાજ બહાર પહોંચ્યો નહીં, ફેરોએ તેના વફાદાર દીવાન અને સાથી હેમરને તાત્કાલિક બોલાવવા રાણી નિલેફરને કહ્યું, પરંતુ રાણીએ કહ્યું, “હા… હું બોલાવું છું.”

ફેરોએ ફરી કહ્યું, “નિલેફર! હું મૃત્યુની નજીક છું, જલદી હેમરને બોલાવો.”

ફેરોની આંખે હવે અંધારાં આવી રહ્યાં હતાં. નિલેફરે ફેરો જલદી મૃત્યુ પામે તે ઇચ્છાથી હેમરને બોલાવ્યો જ નહીં. તે જાણતી હતી કે ફેરોના મૃત્યુ બાદ ઇજિપ્ત અને ફેરોના ખજાનાની તે જ સમ્રાજ્ઞાી છે. ફેરોએ રાણી નિલેફરને નજીક આવવા કહ્યું. ફેરોનું મૃત્યુ હવે નજીક હતું. આંખે અંધારાં આવતાં હોવા છતાં ફેરોએ જોયું તો રાણી નિલેફરે એના ગળામાં એણે મનાઈ ફરમાવી હતી તે જ ખજાનાનો અતિ કીમતી નેકલેસ પહેરેલો હતો. ફેરોને ખ્યાલ આવી ગયો કે, આ બધી સાજિશ નિલેફરની જ છે. લોહીલુહાણ થઈ ગયેલો ફેરો બોલ્યો, “નિલેફર તું?”

અને ફેરો ખુફુ ત્યાં જ ઢળી પડયો.

ફેરો હવે મૃત્યુ પામી ચૂક્યો હતો. એના મૃતદેહને ફેરોના મહેલમાં લઈ જવામાં આવ્યો. ફેરોના મૃતદેહનું મમી બનાવવામાં આવ્યું. તેને એક કોફિનમાં મૂકવામાં આવ્યું. બધી જ કાર્યવાહી હવે ફેરોના જીવનભરનો વફાદાર મિત્ર અને રાજ્યનો દીવાન હેમર સંભાળી રહ્યા હતા. ફેરોના મૃતદેહની તેણે બનાવેલા પિરામિડમાં અંતિમક્રિયા થાય તે પહેલાં જ ક્વીન નિલેફરે માગણી કરી, “મનેે ઇજિપ્તની રાણી અને ખજાનાની માલિક ઘોષિત કરો.”

પરંતુ હેમર અત્યંત વિચક્ષણ હતો. ફેરોની હત્યા માટે ક્વીન નિલેફર જ જવાબદાર છે તે વાત તે સમજી ગયો હતો. રાણીની નજર ખજાના પર છે તે વાત પણ તે જાણતો હતો, પરંતુ તે ખૂબ જ નમ્ર હતો. એણે નમ્રતાથી કહ્યું, “યસ, યોર મેજેસ્ટી! તમે જ ઇજિપ્તનાં રાણી છો.”

“તો મને પહેલાં ફેરોનો ખજાનો ફરીથી બતાવો.” નિલેફરે હુકમ કર્યો. હેમર નમ્રતાથી ગુપ્ત ખજાનાના ખંડમાં નિલેફરને લઈ ગયો. મશાલના અજવાળામાં જોયું તો ખંડમાં કોઈ જ ખજાનો નહોતો. ક્વીન નિલેફર ખજાનો અદૃશ્ય થઈ ગયેલો જોઈ ગુસ્સે થઈ ગઈ, “ક્યાં ગયો બધો ખજાનો?”

હેમરે નમ્રતાથી કહ્યું, “યોર મેજેસ્ટી! એ બધો જ ખજાનો ફેરો મૃત્યુ પામ્યો હોઈ તેમની ઇચ્છા અનુસાર પિરામિડમાં ફેરોની જ્યાં અંતિમક્રિયા કરવાની છે તે ખંડમાં ગોઠવવામાં આવ્યો છે.”

“તો મને અત્યારે જ એ ખજાનાની માલિક ઘોષિત કરી દો.” નિલેફરે કહ્યું.

હેમરે ફરી નમ્રતાથી કહ્યું, “ઇજિપ્તના કાયદા અનુસાર ફેરોની અંતિમક્રિયા થાય તે પછી જ આપ ઇજિપ્તનાં સમ્રાજ્ઞાી અને એ ખજાનાના પણ માલિક બની શકો.”

ક્વીન નિલેફરે પૂછયું, “અંતિમક્રિયા ક્યારે છે?”

હેમરે કહ્યું, “આજથી ત્રીસ દિવસ પછી.”

હકીકતમાં પિરામિડની ગુપ્ત ચેમ્બરનું કામ પૂરું થવામાં એટલા દિવસનું કામ બાકી હતું. રાણી નિલેફરે ત્રીસ દિવસ સુધી ઇન્તજાર કરવાની તૈયારી બતાવી. એણે પિરામિડની નીચે આવેલી ચેમ્બરનું નિરીક્ષણ પણ કર્યું. ફેરોએ મૃત્યુ પહેલાં વીસ જેટલા જીભ કાપી નાખેલા વફાદાર સાધુઓને પણ તેની અંતિમક્રિયા વખતે ખજાનાની સાથે જ મૃત્યુ પામે તે માટેની તૈયારીઓ કરી રાખી હતી.

બીજી તરફ હેમરે પિરામિડની ડિઝાઇન તૈયાર કરનાર ગુલામ સ્થપતિ અને તેના પુત્રને બોલાવ્યા. તે ત્રણેય પિરામિડની નીચેની ચેમ્બરમાં ગયા. ફેરોના આદેશ પ્રમાણે ગુપ્ત ચેમ્બરનું રહસ્ય જળવાઈ રહે તે માટે ગુલામ સ્થપતિ અને તેના પુત્રે પણ ફેરોની ચેમ્બરમાં સીલ થઈ જઈને મૃત્યુ પામવાનું હતું, પરંતુ હેમરે તેમને કહ્યું, “વસ્થાર! ફેરોની અંતિમક્રિયા પછી તમે અને તમારો પુત્ર મુક્ત છો. તમારે મૃત્યુ પામવાનું નથી, અંતિમક્રિયાના દિવસે જ તમે તમારા લોકો સાથે જઈ શકો છો. આ દિવસથી તમે કોઈ ગુલામ નથી.”

ગુલામ સ્થપતિ વસ્થાર અને તેનો પુત્ર હેમરની માનવીય લાગણીથી અભિભૂત થઈ ગયા. હેમરે કહ્યું, “હવે, કાલે જ ફેરોની અંતિમક્રિયા છે. તમે પિરામિડની ગુપ્ત ચેમ્બર આપોઆપ સીલ થઈ જાય તે માટેની કરામત સક્રિય કરો.”

ગુલામ સ્થપતિએ ગુપ્ત ચેમ્બર એક જ ફટકાથી થોડી ક્ષણોમાં જ સીલ થઈ જાય તેવી કરામત સક્રિય કરી દીધી.

બીજા દિવસે હજારો ઇજિપ્તવાસીઓની હાજરીમાં મહેલથી ફેરોની અંતિમયાત્રા શરૂ થઈ. લોકો શોક પ્રગટ કરતા રહ્યા. ગુલામો ફેરોના વિશાળ કોફિનને ઊંચકી પિરામિડ સુધી લઈ ગયા. તેની પાછળ ફેરોએ પસંદ કરેલા બોબડા પણ વફાદાર સાધુઓ પણ જોડાયા. તેની પાછળ ક્વીન નિલેફર પણ અને તેની પાછળ હેમર. તેની પાછળ સાધુઓની છેલ્લી ટુકડી. બસ, એટલા જ માણસોને પિરામિડની નીચેની ગુપ્ત પણ ભવ્ય ચેમ્બરમાં પ્રવેશવા દેવામાં આવ્યાં. એ આખીયે ચેમ્બરની ભીતર હજારો ટન વજનના પથ્થરની નીચે ફેરોની કબર તૈયાર કરવામાં આવી હતી. એ કબરમાં મૃતદેહ મૂકવામાં આવે તે પછી પથ્થરની ઉપર ગોઠવેલા એક માટીના પાત્રને ફટકો મારવામાં આવે તો તેમાંથી ભરેલી રેતી બહાર સરકવા માંડે અને આખી ચેમ્બર હજારો ટન વજનના પથ્થરોથી સીલ થઈ જાય તેવી કરામત હતી. ફેરોના મમીને કબરની અંદર મૂકવામાં આવ્યું. હેમરે ક્વીન નિલેફરને કહ્યું, “યોર મેજેસ્ટી! કબર સીલ કરવા આદેશ આપો.”

ક્વીન નિલેફરે ગુપ્ત વિશાળ ચેમ્બરમાં આવેલી કબર સીલ કરવા આદેશ આપ્યો. પથ્થરની નીચે રેતી બહાર આવે તે માટે ગોઠવેલા એક પાત્રને લાકડાની હથોડીથી ફટકો મારવામાં આવ્યો. એવાં બીજાં પાત્રોને પણ ફટકા મારવામાં આવ્યા. હજારો ટન વજનનો પથ્થર કબર પર સરકવા લાગ્યો. કબર સીલ થવા લાગી, પરંતુ ગુપ્ત ચેમ્બરની ડિઝાઇન અનુસાર એક વાર કબર પરનો પથ્થર નીચે આવે તેની સાથે ઊંચાઈ પર ગોઠવવામાં આવેલા હજારો ટન વજનના બીજા પથ્થર પણ જ્યાં કબર હતી તે વિશાળ ગુપ્ત ચેમ્બરને પણ આપોઆપ સીલ કરી દે તેવી કરામત ગોઠવેલી હતી. એક તરફ કબર સીલ થતી ગઈ, બીજી બાજુ હેમર, ક્વીન નિલેફર અને વફાદાર સાધુઓ જ્યાં ઊભાં હતાં તે આખીયે ગુપ્ત ચેમ્બર પણ સીલ થતી ગઈ. સીલ થતી ચેમ્બરના તમામ દરવાજાઓ પર સરકતા પથ્થરના અવાજથી ક્વીન નિલેફર ગભરાઈ ગઈ. તેણે હેમરને પૂછયું, “આ શું થઈ રહ્યું છે?”

હેમરે બહુ જ નમ્રતાથી કહ્યું, “આ કબરવાળી આખીયે ચેમ્બર સીલ થઈ રહી છે.”

રાણી ગુપ્ત ચેમ્બરમાં દોડાદોડ કરવા લાગી, પરંતુ એક પછી એક બાકોરાં પર ઉપરથી હજારો ટન વજનના ચોરસ પથ્થરો સરકી રહ્યા હતા. થોડીક જ ક્ષણોમાં હજારો મજૂરોથી પણ ખોલી ન શકાય તે રીતે એ વિશાળ ગુપ્ત ચેમ્બરનાં તમામ બાકોરાં વજનદાર પથ્થરોથી સીલ થઈ ગયાં. અંદર ખજાનો પણ હતો. અંદર વફાદાર સાથી હેમર અને વફાદાર સાધુઓ પણ હતા અને અંદર ક્વીન નિલેફર પણ સીલ થઈ ગઈ હતી. નિલેફર હેમરના પગે પડી બહાર નીકળવાનો રસ્તો બતાવવા કરગરવા લાગી ત્યારે ફેરોનો વફાદાર સાથી હેમર કે જેણે પણ સ્વેચ્છાએ ફેરોની સાથે જ આ ગુપ્ત ચેમ્બરમાં સીલ થઈ જઈને મરવાનું પસંદ કર્યું હતું, તેણે કહ્યું, “જે પ્રાપ્ત કરવા માટે તું જૂઠ્ઠું બોલી, જે પ્રાપ્ત કરવા માટે તેં સાજિશ રચી, જે પ્રાપ્ત કરવા માટે તેં હત્યા કરી એ તારું સામ્રાજ્ય હવે આ છે.”

અને એ બધાં જ ફેરોના મૃતદેહની સાથે ગુપ્ત ચેમ્બરમાં કાયમ માટે સીલ થઈ ગયાં. એક તરફ પિરામિડમાં ફેરોની ગુપ્ત ચેમ્બર કાયમ માટે સીલ થઈ ગઈ, બીજી બાજુ તેની ડિઝાઇન તૈયાર કરનાર ગુલામ સ્થપતિ વસ્થાર, તેનો પુત્ર સેન્તા અને બીજા હજારો ગુલામ હવે તેમના દેશમાં જવા નીકળ્યા.

– આવી છે પાંચ હજાર વર્ષ પહેલાંના ઇજિપ્તની ફેરો ખુફુની અને તેમના પિરામિડની કથા.

ઇજિપ્તના પ્રત્યેક ફેરોની એક આગવી અને રસપ્રચુર કથા છે. જીવન પછી બીજું જીવન છે કે નહીં તેની તો ખબર નથી, પરંતુ વિશ્વભરના સાહિત્યકારો, ઇતિહાસકારો, પુરાતત્ત્વવિદો અને સંશોધકોએ ઇજિપ્તના ફેરોઝ અને તેમના પિરામિડો પર અનેક સંશોધનો કર્યાં છે.