અદાલતોના સખ્ત વલણ બાદ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં સંડોવાયેલા અનેક નેતાઓને જેલમાં જવું પડયું છે. ભૂતકાળમાં સુખરામ, વી.એસ. યદુયરપ્પા, સુરેશ કલમાડી, એ.રાજા, મધુ કોડા, કણિમોઝી, ઓમ પ્રકાશ ચૌટાલા, એ.આર. અંતુલે, જગન્નાથ મિશ્રા પછી લાલુપ્રસાદ યાદવ પણ જેલ જઈ આવ્યા છે. તેમની સામેના કેસો તો હજુ ઊભા જ છે. એ બધા વીઆઈપી જેલયાત્રીઓની કલબમાં જયલલિતાનો ઉમેરો થયો છે. ફરક એટલો જ છે કે, કોઈ મુખ્યમંત્રી સત્તા પર હોય અને ચાલુ હોદ્દાએ જેલમાં જવું પડયું હોય તેવો આ પહેલો દાખલો છે. જયલલિતાના જેલવાસ પછી જેમણે હવે ગભરાવવાની જરૂર છે,તેમાં આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના કેસમાં મુલાયમસિંહ યાદવ, માયાવતી પણ આવી જાય છે. જયલલિતા સાથેની કડક અદાલતી કાર્યવાહીથી દેશના બીજા નેતાઓએ પણ ડરવાની જરૂર છે. જેઓ રાતોરાત અઢળક ધન સંપત્તિના માલિક બન્યાં છે તેઓ ગમે ત્યારે કાનૂનની પકડમાં આવી શકે છે. ‘ગોડ ફાધર’ નવલકથાના લેખક મારિયો પુઝોએ તેમની નવલકથાના આરંભમાં બાલ્ઝાકનું એક વાકય મૂક્યું છેઃ ”અઢળક ધનસંપત્તિ પાછળ કોઈ ને કોઈ એક ગુનો રહેલો છે.”

લગ્ન ભવ્ય શો

જયલલિતાએ તેમના દત્તક પુત્ર વી.એન.સુધાકરનના લગ્ન વખતે કોઈ રાજા-મહારાજાઓને પણ શરમાવે તે રીતે એ ૧૦૦ કરોડથી પણ વધુ ખર્ચ કરીને અઢળક ધનસંપત્તિનું પ્રદર્શન કર્યું હતું. મોટાભાગના ચેન્નાઈ શહેરને પ્રાઈવેટ થીમ પાર્ટમાં પરિર્વિતત કરી દેવામાં આવ્યું હતું. આઠ માળ ઊંચા સેંકડો કટઆઉટસ મૂકી તેની પર રોશની કરવામાં આવી હતી. આ લગ્નના સત્કાર સમારંભમાં એક લાખથી વધુ પક્ષના કાર્યકરો આવ્યા હતા. ૧૨,૭૦૦ મહેમાનોને ચાંદીના પત્રમાં આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. સત્કાર સમારંભ વખતે મનોરંજન માટે એક્રોબેટિક્સ અને હોર્સ શો ગોઠવવામાં આવ્યા હતા. સમારંભ વખતે ૨૦,૦૦૦ પોલીસોને ડયૂટી પર લગાવવામાં આવ્યા હતા. આ બધું જ સરકાર અને પ્રજાના ખર્ચે.

એમ.જી. રામચંદ્રન

જયલલિતાની કારકિર્દી અભિનયથી શરૂ થઈ. એ વખતના દક્ષિણના અભિનેતા એમ.જી. રામચંદ્રન સાથે તેઓ પરિચયમાં આવ્યાં. બેઉ વચ્ચે સાનિધ્ય વધ્યું. તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા. અચાનક એમ.જી. રામચંદ્રનનું અવસાન થયું. જયલલિતાએ શરીર પરના તમામ અલંકારો ત્યજીને શ્વેત સાડી સાથે એમ.જી. રામચંદ્રનના મૃતદેહ પાસે ત્રણ દિવસ બેસી રહ્યા. તામિલનાડુના લોકોની જબરદસ્ત સહાનુભૂતિ મળી અને એક તબક્કે તેઓ તામિલનાડુના મુખ્યમંત્રી પણ બની ગયા. સુંદર વસ્ત્રો અને ધનસંપત્તિ તેમની નબળાઈ રહી, સાચા કે ખોટા માર્ગે અઢળક સંપત્તિ પેદા કરી. તામિલનાડુના ડીએમકેના સુપ્રીમો કરુણાનિધિ સાથે તેમને કાયમી શત્રુતા રહી. જયલલિતા સામે અરજીઓ થઈ. સીબીઆઈએ જયલલિતાના નિવાસસ્થાને દરોડા પાડયા. ૧૦ હજાર સાડીઓ, છ હજાર સેન્ડલ્સ, ૨૮ કિલો સોનું, ૮૦૦ કિલોગ્રામ ચાંદી, કરોડોની બેંક ડિપોઝિટો તથા જમીનો, ટી-એસ્ટેટ, ફાર્મહાઉસના દસ્તાવેજો મળ્યા અને તે બધાની કિંમત કરોડોમાં થાય છે. પૂરા અઢાર વર્ષ બાદ સુપ્રીમ કોર્ટના આદેશથી બેંગલોરની ખાસ કોર્ટે ચુકાદો આપ્યો. જયલલિતાને ૪ વર્ષની કેદ અને ૧૦૦ કરોડનો દંડ થયો. મુખ્યમંત્રી પદ ગુમાવવું પડયું. ૧૦ વર્ષ સુધી તેમણે ચૂંટણી લડવાની લાયકાત પણ ગુમાવી છે. જયલલિતાને થયેલી સજાના વૃત્તાંતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઈપ્રોફાઈલ અમેરિકાના પ્રવાસ કવરેજના કારણે દબાઈ ગયા.જયલલિતાને સજા થયાના સમાચાર જાણ્યા બાદ તામિલનાડુમાં ૧૬ વ્યક્તિઓએ આપઘાત કરી લીધો છે અથવા તો આઘાતના કારણે હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા છે. આ પૈકી ત્રણ વ્યક્તિઓએ ગળે ફાંસો ખાઈ લીધો છે. એક વ્યક્તિએ જાતે જ અગ્નિસ્નાન કરી લીધું. એક વ્યક્તિ પૂરપાટ દોડતી બસની આગળ કૂદી પડયો. બીજી એક વ્યક્તિએ ઝેર પી લીધું. બાકીના લોકો હાર્ટએટેકથી મૃત્યુ પામ્યા. ધોરણ ૧૨ની એક વિર્દ્યાિથનીએ અગ્નિદાહની કોશિશ કરી. એક વ્યક્તિએ તેની આંગળી કાપી નાખી.

વીરપૂજક પ્રજા

ભારતની પ્રજા વીરપૂજક અથવા તો હીરો- ર્વિશપ માટે જાણીતી છે. તામિલનાડુની કે દક્ષિણના રાજ્યોની પ્રજાનો ફિલ્મના કે રાજનીતિના કલાકારોની પ્રત્યે સવિશેષ લગાવ છે. એક જમાનામાં તામિલનાડુના ફિલ્મ એક્ટર એમ.જી. રામચંદ્રનની કેટલાક લોકો ર્મૂિત બનાવી પૂજા કરતા હતા. તેઓ મુખ્યમંત્રી બન્યા, તે પછી તેઓે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તામિલનાડુની રાજનીતિમાં તેઓ અજેય રહ્યા. તેમણે પોતાનો રાજકીય વારસો જયલલિતાને આપ્યો. તામિલનાડુમાં કેટલાક લોકો માટે જયલલિતા દેવીથી ઓછાં નથી. જયલલિતાને પ્રજા અમ્મા તરીકે ઓળખે છે. તેઓ કેટલાક સમય અગાઉ ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની શપથવિધિ માટે અમદાવાદ આવ્યા ત્યારે સ્પેશિયલ પ્લેનમાં તેમની બેસવાની ખુરશી પણ સાથે લઈને આવ્યા હતા. તેમનું સ્થાન બીજાથી અલગ પડી જાય તે રીતે ગોઠવવામાં આવ્યું હતું. તેમનો અંગત સલામતી સ્ટાફ પણ તેમની સાથે આવ્યો હતો. તેમની રહેણીકરણી પણ એક મહારાણી જેવી છે. સામાન્ય લોકો તેમનાં દર્શનની એક ઝલક માટે તડપે છે.

રૂ.૬.૧૬ કરોડ 

હવે તાજેતરની વાત.

જે. જયલલિતા તાજેતરમાં જ એઆઈડીએમકે પાર્ટીના વડા તરીકે ફરી ચૂંટાયા હતા. માત્ર એ કારણસર જ તેમની પાર્ટીે રૂ.૬.૧૬ કરોડ જેટલી વધુ ધનવાન બની. વાત એમ હતી કે, પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે તેમની આ સાતમી વાર ચૂંટણી હતી. પક્ષનું મહામંત્રીપદ એ જ એમના પક્ષનું સર્વોચ્ચ પદ ગણાય છે. છેક ૧૯૮૭થી તેઓ આ પદ પર ચૂંટાતા આવ્યા છે. પક્ષના સ્થાપક એમ.જી. રામચંદ્રનના મૃત્યુ પછી જે. જયલલિતા સામે બીજું કોઈ ઊભું રહેતું નથી. હવે આ વખતની ચૂંટણીમાં આ પદ માટે તેમના નામનું ઉમેદવારીપત્ર પક્ષનો કોઈ પણ કાર્યકર ભરી શકે તેવી જોગવાઈ હતી. શરત એ હતી કે જે કોઈ કાર્યકર એ ઉમેદવારી પત્ર ભરે તે ઉમેદવારીપત્ર સાથે રૂ.૨૫ હજારનાં બેંક ડ્રાફટ પક્ષના નામે જમા કરાવવો તે પક્ષના બંધારણે ઘડેલો ફરજિયાત નિયમ છે. જયલલિતાના નામની દરખાસ્ત પક્ષના ૨૪૬૭ જેટલા કાર્યકરોએ કરી હતી. દરેક કાર્યકરે રૂ.૨૫ હજારનો બેંક ડ્રાફટ પણ પક્ષના ખાતામાં જમા કરાવતાં આ રકમ રૂ. ૬.૧૬ કરોડ જેટલી થઈ.પક્ષના આ પદની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. આ મહિને જ જ્યારે પક્ષના હોદ્દેદારોની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે બધાને જ ખબર હતી કે, જયલલિતા જ પક્ષના વડા તરીકે ચૂંટાશે, પરંતુ તેમના નામની દરખાસ્ત કરવા માટે પક્ષના કાર્યકરોમાં હોડ લાગી ગઈ. આ જ સુધીમાં તામિલનાડુની બીજી એક પણ રાજકીય પાર્ટીએ માત્ર દરખાસ્ત દ્વારા આટલી રકમ એકત્ર કરી નથી અને તે પણ એક જ નામ માટે.

કાસ્ટ્રો- વિશ્વવિક્રમ

એઆઈડીએમકે પક્ષના વડાં તરીકે ચૂંટાયા બાદ જયલલિતા દેશની પોલિટિકલ પાર્ટીઓમાં સહુથી વધુ લાંબા કાળ માટે ચૂંટાયા હોય તેવો આ બીજો દાખલો છે. તામિલનાડુના એમ.કરુણાનિધિ જ છેક ૧૯૬૯થી ડીએમકેના વડા તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ પક્ષને સહુથી લાંબું સુકાન સંભાળનારા સુકાની છે. અલબત્ત, તેમનો નંબર ક્યૂબાના ફિડલ કાસ્ટ્રો વિશ્વમાં સહુથી લાંબા સમય માટે પક્ષનું સુકાન સંભાળવવા માટે વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. ક્યૂબાની ક્યૂબન કમ્યુનિસ્ટ પાર્ટીના વડા તરીકે તેઓ ૧૯૬૧થી ૨૦૧૧ સુધી કાર્યભાર સંભાળતા રહ્યા. હવે એમ કરુણાનિધિ (વયઃ ૯૨) બીજા પાંચ વર્ષ સુધી ડીએમકેના પ્રમુખ તરીકે ચાલુ રહે તો તેઓ ફિડલ કાસ્ટ્રોની બરાબર આવી જશે.

જયલલિતાને જેલવાસથી બીજા ભ્રષ્ટાચારી રાજનેતાઓ પણ જેલમાં જવા તૈયાર રહે !
Have you ever https://justdomyhomework.com/ wondered where the symbols for the dollar, the pound, or the yen come from.