ઉત્તર-પશ્ચિમ અમેરિકાનું એક રાજ્ય. એમાં એક નાનકડા શહેરમાં પોલ નામનો એક છ વરસનો બાળક પોતાના ઘરમાં એકલો હતો. પોતાની લાકડાનાં રમકડાં બનાવવાની પેટીમાંથી ઓજારો લઈ નાનકડું ઘર બનાવવા મથી રહ્યો હતો. ખૂબ જ રસથી કામ કરતાં કરતાં અચાનક જ એનાથી ખીલીના બદલે પોતાના જ અંગૂઠા પર હથોડી મરાઈ ગઈ. એની રાડ ફાટી ગઈ. રડવું આવી ગયું, પણ રડે શી રીતે ? ઘરમાં કોઈ સાંભળવાવાળું તો હતું નહીં. એના પપ્પા નોકરી પર ગયા હતા. મા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. હવે શું કરવું ? અચાનક એને યાદ આવ્યું કે, કોઈપણ માહિતી માટે એના પપ્પા ટેલિફોનનું રિસીવર ઉપાડીને ‘ઈન્ફોર્મેશન પ્લીઝ !’ એમ પૂછતા અને સામેથી જવાબ મળે પછી પોતાની જોઈતી માહિતી અંગે પૂછતાછ કરી લેતા. એ યાદ આવતાં જ એણે ફોનનું રિસીવર ઉઠાવ્યું અને કહ્યું, ‘ઈન્ફોર્મેશન પ્લીઝ !’એકાદ-બે ક્લિક્સ સંભળાઈ પછી સામે છેડેથી કોઈ મહિલાનો અવાજ આવ્યો, ‘ઈન્ફોર્મેશન બોલે છે. બોલો, હું આપની શું સેવા કરી શકું ?” અવાજ કોઈ સ્ત્રીનો હતો.”મારા અંગૂઠા પર મારાથી જ હથોડી વાગી ગઈ છે. ખૂબ દુઃખે છે.” : બાળકે રડતાં રડતાં જ કહ્યું.

“તારા ઘરે કોઈ નથી ? મતલબ કે કોઈ મોટું હાજર નથી ?”

“ના ! ઘરે હું એકલો જ છું !” હીબકાં ભરતાં બાળકે જવાબ આપ્યો.

“શું ઉંમર છે, તારી દીકરા ? તારું નામ શું છે ?”

“છ વરસ ! મારું નામ પોલ છે.”

“અંગૂઠામાંથી લોહી નીકળે છે ?”

“ના, લોહી નથી નીકળતું, પણ મને ખૂબ જ દુઃખે છે. ”

“તું તારા ફ્રીજમાંથી બરફ કાઢી શકીશ ?” પેલી સ્ત્રીએ પૂછયું.

“હા !” છોકરાએ જવાબ આપ્યો.

“તો એક કામ કર. બે-ચાર ટુકડા બરફના કાઢી એક વાટકીમાં નાખીને એમાં થોડુંક પાણી ભરી દે. પછી તારો અંગૂઠો એમાં થોડીક વાર ડુબાડી રાખજે. તને જરૃર રાહત થઈ જશે. થોડુંક સારું લાગે પછી એક રૃમાલ એ પાણીમાં ભીનો કરીને દુખતા અંગૂઠા પર પાટો બાંધી દેજે. તને જરૃર મટી જશે અને હા ! હવે રડીશ નહીં બેટા. અને એક દિવસ બહાદુર બનજે !”

અદ્ભુત રાહતની લાગણી સાથે બાળકે એનો આભાર માની રિસીવર મૂકી દીધું, પણ આ પ્રસંગ પછી પોતાના કોઈપણ કામ માટે એ ‘ઈન્ફોર્મેશન’ને જ પૂછતો. લેસન કરતી વખતે તો ખાસ એને જ પૂછીને લેસન કરતો. મજાની વાત તો એ હતી કે, હંમેશાં એ લેસન કરવાના સમયે ‘ઈન્ફોર્મેશન પ્લીઝ’ની ડયૂટી હોય જ. એ સ્ત્રીનો નોકરીનો સમય અને પોલનો લેસન કરવાનો સમય એક જ હતો. એટલે પોલ કંઈ પણ મુશ્કેલી પડે તો એ સ્ત્રીને જ પૂછી લેતો. એક વખત ભૂગોળનું લેસન કરતી વેળા ફિલાડેલ્ફિયા ક્યાં આવ્યું એ એને ‘ઈન્ફોર્મેશને’ જ જણાવ્યું હતું. ગણિતના અઘરા દાખલા વખતે પણ એ એની જ મદદ લેતો. એણે જ્યારે નાનકડું વાંદરું પાળ્યું ત્યારે એને ખાવા શું શું આપી શકાય એ માટેની સંપૂર્ણ માહિતી એણે એ સ્ત્રી પાસેથી જ મેળવેલી.

એક દિવસ પોલનું પાળેલું બુલબુલ પાંજરામાં જ મૃત્યુ પામ્યું. એ ખૂબ જ ઉદાસ થઈ ગયો. આ બનાવથી એને વારંવાર રડવું આવતું. ‘ઈન્ફોર્મેશન’નો સંપર્ક કરી એણે આ કરુણ ઘટનાની વાત કરી. એણે કહ્યું, “દીદી ! પોતાનાં અદ્ભુત ગીતોથી મારા ઘરમાં બધો આનંદ પાથરતું એ પંખી અચાનક પીંછાંનો ઢગલો બની અમને શું કામ છોડી ગયું ?”

પેલી સ્ત્રી બે-ચાર ક્ષણ મૌન રહી. પછી ખૂબ જ સહાનુભૂતિભર્યા અવાજે બોલી, “બેટા ! એ બુલબુલને આપણી દુનિયા સિવાયની બીજી દુનિયામાં પણ ગીતો ગાવાનાં હશે અને એટલે જ ભગવાને એને બોલાવી લીધું હશે !”

આ ઘટનાક્રમ આમ જ લગભગ ત્રણ વરસ શરૃ રહ્યો. ત્રણ વરસ પછી પોલના પિતાની બદલી બોસ્ટન શહેરમાં થઈ. પોલ અમેરિકાના બીજે છેડે રહેવા ચાલ્યો ગયો. એની મોટી બહેન એ જ શહેરમાં પરણીને સ્થાયી થઈ હતી. વરસો વીતતાં ગયાં તેમ સ્મૃતિઓની દીવાલો પર સમયનું પડ જાડું થતું ચાલ્યું.

કોલેજ પૂરી કરીને પોલે પોતાનો ધંધો શરૃ કર્યો. ધંધાના કામ અંગે એ એક વખત બહારગામ જતો હતો ત્યારે એના વિમાને એણે જ્યાં બાળપણ ગુજારેલું એ જ શહેરમાં લગભગ અર્ધા કલાક જેટલું રોકાણ કર્યું. પોલે પોતાની બહેન સાથે લગભગ પંદરેક મિનિટ વાત કરીને ફોન મૂક્યો ત્યાં જ દીવાલમાંથી ફૂટી નીકળતા પીપળાની માફક જ એને ‘ઈન્ફોર્મેશન પ્લીઝ’ ની યાદ આવી ગઈ. આટલાં વરસો પછી સીધો ધોન ઉપાડવાથી ઈન્ફોર્મેશનને જ લાગે તેવું નહોતું રહ્યું એટલે એણે લોકલ ફોન ડિરેક્ટરીમાંથી ઈન્ફોર્મેશનનો નંબર મેળવ્યો. પછી ધડકતા હૈયે બોલ્યો, “ઈન્ફોર્મેશન પ્લીઝ !”

યુવાન થવાના કારણે પોલનો અવાજ બિલકુલ બદલાઈ ગયો હતો, પણ સામે છેડેથી એનો એ જ મીઠો અને પ્રેમાળ અવાજ સંભળાયો, “ઈન્ફોર્મેશન બોલે છે, હું આપની શું સેવા કરી શકું ?”

એનો એ જ અને એવો જ મમતાભર્યો અવાજ આટલાં વરસો પછી પણ સાંભળવા મળશે એવી પોલને કલ્પના જ નહોતી.એટલે શું વાત કરવી અને કઈ રીતે વાત કરવી એ તો એણે વિચાર્યું જ નહોતું. એના મગજમાં તો પોતાના બાળપણના પ્રસંગો જ ઘુમરાતા હતા. સામે છેડે થોડી વાર શાંતિ છવાઈ ગઈ, પછી જ લાગણીભર્યો અવાજ સંભળાયો, “પોલ ! હથોડી વાગેલી એ અંગૂઠો રુઝાઈ ગયો ? કે હજુ દુઃખે છે ?”

પોલના આનંદનો કોઈ પાર ન રહ્યો. એની આંખમાં આંસુ આવી ગયાં. એ બોલ્યો, “દીદી ! તમે આજે આવી રીતે મળી જશો એ હું માની જ નથી શકતો. હું હવે મોટો બિઝનેસમેન બની ગયો છું, પણ તમને આજે મારે એક વાત કરવી છે.” એટલું કહી એ બે ક્ષણ અટક્યો. પછી છાતીમાં ભરાયેલ ડૂમાને જેમતેમ ખસેડીને એ બોલ્યો, “દીદી ! તમે મારા માટે એ વખતે શું હતાં એ તમને ખબર છે ? તમે એક બાળકના સુખ-દુઃખનાં સાથી હતાં. મારે મા-બાપ તો હતાં, પણ પોતાના કામમાં જ વ્યસ્ત. મારાં મા-બાપ પાસે તો મારા માટે સમય હતો જ નહીં. એ વખતે મારાં મા અને બાપ બંને તમે જ હતાં. તમે મને ક્યારેય વાત કરવાની ના પાડી નથી. જો એવું કહું તો પણ એને અતિશયોક્તિ ન માનતાં કે તમે મારા બાળપણનું સર્વસ્વ હતાં !” ડૂમો ફરીથી ભરાઈ આવ્યો.

બે ક્ષણ બંને છેડે શાંતિ છવાયેલી રહી. લાગતું હતું કે, બંને છેડે આંસુ રોકવાનો જ પ્રયાસ થઈ રહ્યો હતો. ત્યારબાદ એ સ્ત્રીએ કહ્યું, “પોલ ! આજે મારે પણ તને કહેવું છે કે, તું મારા માટે શું હતો એ તને ખબર છે ખરી ? હું પણ સાવ જ એકાકી જીવન જીવતી હતી. મારે પતિ કે બાળકો કોઈ જ નહોતું. તારો ફોન આવે અને હું જ તારી સાથે વાત કરી શકું એ માટે હું હંમેશાં સાંજની ડયૂટી જ પસંદ કરતી. તને અભ્યાસમાં મદદરૃપ થઈ શકું એ માટે તારા જે તે ધોરણનાં પુસ્તકો ખરીદીને હું રોજ રાત્રે એનો અભ્યાસ કરતી. તારી સ્કૂલમાં જે ચાલવાનું હોય તે હું અગાઉથી જ તૈયાર કરી રાખતી. તારો અવાજ મને રોજ એક દિવસ વધારે જીવતા રહેવાની હિંમત આપતો. મારી નોકરી ન હોય ત્યારે હું કોઈકને બદલે નોકરી કરતી. હું ભાંગી પડીને આપઘાત કરવાનો વિચાર કરતી હતી એવે વખતે મને જીવતા રહેવાની પ્રેરણા તેં જ આપેલી !” થોડી વાર અટકીને એ બોલી, “પોલ બેટા ! તારી પાસે સમય હોય તો મને મળીશ ? તને મળવા હું વરસોથી તડપું છું અને તું ફરી કોઈ દિવસ મળીશ એ આશાએ જ જીવું છું.”

“દીદી !” પોલ માંડ માંડ બોલી શક્યો, “મારું પ્લેન હવે પાંચ-દસ મિનિટમાં જ ઊપડશે. દોઢેક મહિના પછી હું પાછો આવીશ. તમે જે અનુભવી રહ્યાં છો એવી લાગણી હું પણ અનુભવી રહ્યો છું. મારે પણ તમને મળવું છે. તમને હું ખાતરી આપું છું કે, હું પાછો આવીશ ત્યારે મારી ટિકિટ જ એવી રીતે લઈશ કે તમારી સાથે એકાદ દિવસ ગાળી શકાય.”

ત્યાર પછી રડતાં રડતાં જ બંનેએ એકબીજાને બાય બાય કર્યું. ફોન મૂકતાં પહેલાં એ સ્ત્રીએ જણાવ્યું કે પોતાનું નામ સેલી છે અને ભવિષ્યમાં સંપર્ક માટે એ નામથી જ પૂછતાછ કરવી.

દોઢને બદલે પોલ પૂરા ત્રણ મહિના પછી આવી શક્યો. વિમાનથી ઊતરીને તરત જ ત્યાંના જાહેર ટેલિફોન પરથી જ એણે ફોન કર્યો, “ઈન્ફોર્મેશન પ્લીઝ !” એટલું બોલી એ ધડકતા હૈયે ઊભો રહ્યો.

“ઈન્ફોર્મેશન બોલે છે બોલો ! હું આપની શું સેવા કરી શકું ?” સામે છેડેથી એક મૃદુ અવાજ આવ્યો, પણ એ સેલીનો નહોતો.

“સેલીને આપશો પ્લીઝ ?” સેલી નહીં મળ્યાના થોડા વિશાદ સાથે પોલે કહ્યું.

“તમે એના મિત્ર છો ?”

“હા ! ખૂબ જૂનો મિત્ર.”

“તમને જણાવતાં મને દુઃખ થાય છે, પરંતુ મારે જાણ તો કરવી જ જોઈએ. કેન્સરના   કારણે લગભગ દોઢ મહિનાથી રજા પર રહેલી સેલીનું ગયા અઠવાડિયે જ મૃત્યુ થયું છે. માફ કરશો !”

પોલ માથે જાણે માથે વીજળી પડી, “ઓહ નો !” કહેતાં એનાથી ધ્રુસકો મૂકાઈ ગયો. જે સ્ત્રી પોતાના બાળપણની દુનિયામાં સર્વસ્વ હતી એને એકવાર પણ મળી ન શકાયું, એ વાત એને અત્યંત પીડા આપી રહી હતી.

“અરે સાંભળો !” સામે છેડે રહેલી સ્ત્રીએ કદાચ પોતાના રડવાનો અવાજ સાંભળી લીધો હતો. સેલી માટે રડવાવાળું આ દુનિયામાં બીજુૂં કોઈ સગું તો હતું નહીં અને પોલ વિશે એણે સેલી પાસેથી ઘણી વાતો સાંભળી હતી એટલે એણે પૂછી જ લીધું, “તમે ક્યાંક મિ. પોલ તો નથી ને ?”

“હા ! હું પોલ જ બોલું છું. સેલીએ મારા વિશે તમને કંઈ કહ્યું હતું ?” પોલને નવાઈ લાગી.

“સેલીએ તમારા માટે એક સંદેશો મૂકેલો છે. સેલીએ કહેલું કે તમે આવો ત્યાં સુધી કદાચ એ જીવતી ન પણ રહે તો મારે આ સંદેશો તમને આપવો. તમને રડતા સાંભળ્યા એટલે હું ઓળખી ગઈ. સેલી કહેતી હતી કે એના મૃત્યુથી તમને ખૂબ જ દુઃખ થશે.”

“સંદેશો શો છે ?” પોલને સેલીએ શું લખ્યું હશે એ સાંભળવાની અધીરાઈ થઈ આવી હતી.

“સેલીએ લખ્યું છે કે- પોલને કહેજો કે રડે નહીં, જરાય દુઃખી પણ ન થાય. આ એક જ દુનિયા નથી. બીજી દુનિયામાં પણ ગીતો ગાવાનાં હોય તો ભગવાન બોલાવી લેતા હોય છે અને આ સંદેશો પોલ જરૃર સમજી જશે !” સંદેશો પૂરો કરીને એ સ્ત્રી શાંત થઈ ગઈ. એનો આભાર માની પોલે ફોન મૂકી દીધો. એ સંદેશનો અર્થ પોલ બરાબર સમજી ગયો હતો. આંખ બંધ કરી શાંતિથી એ એરપોર્ટની લોન્જના એક ખૂણાની બેઠક પર બેસી ગયો. બંધ આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી, પરંતુ એના મોં પર શાંતિના ભાવો પથરાયેલા હતા. ઘણાં વર્ષો પછી એના બુલબુલનો મીઠો અવાજ એના કાન અને હૃદયમાં જાણે કે ગૂંજી રહ્યો હતો !

(સુપ્રસિદ્ધ લેખક અને બાળરોગ નિષ્ણાત ડો. આઈ. કે. વીજળીવાળા એ ‘મનનો માળો’ પુસ્તકમાં આ હૃદયસ્પર્શી કથા આલેખી છે, જે તેમના સૌજન્યથી અત્રે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત કરી છે.)-

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in
Share This

     

The lexicographers at oxford dictionaries keep watch on our collective neology and select a word or data words of the year a word that is both forward-looking and reflects the culture of the current year.