સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું આ જન્મજયંતી વર્ષ છે. કેટલાક સાહિત્યકારો જાણે-અજાણે રાજનીતિમાં આવી જતાં હોય છે, પણ તેમનું અંદરનું ખમીર એવું ને એવું હોય છે. રાજનીતિમાં કેટલાક લોકો ‘એક્સિડેન્ટલ પોલિટિશિયન’ હોય છે. ગાંધીજી પોતે જ રાજનીતિમાં આવવા માગતા નહોતા, પરંતુ દક્ષિણ આફ્રિકામાં એક વખત ટ્રેનની મુસાફરી કરતી વખતે તેમની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં એક ગોરા અંગ્રેજે તેમને ટ્રેનની બહાર ફેંકી દીધા અને બસ એ એક જ ઘટનાએ તેમને ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાની રાજનીતિના સર્વોચ્ચ કેન્દ્રબિંદુ બનાવી દીધા. એ જ ગાંધીજીને કે આજના ગુજરાતી સાહિત્યકારો હજુ ‘સાહિત્યકાર’ ગણે છે કે કેમ તેની ખબર નથી, પરંતુ ગાંધીજીએ લખેલા પુસ્તક ‘સત્યના પ્રયોગો’ના વેચાણ અને વાંચનની સરખામણીમાં આજના સાંપ્રત સાહિત્યકારોની એક પણ કૃતિ તેમને વટાવી શકી નથી.

ડિસ્કવરી ઓફ ઇન્ડિયા

એવું જ બીજું દૃષ્ટાંત જવાહરલાલ નહેરુનું છે. જવાહરલાલ નહેરુ એક અતિ ધનાઢય એવા એરિસ્ટ્રોકેટિક પરિવારના ફરજંદ હતા,છતાં તેમણે આઝાદીના જંગમાં ઝંપલાવ્યું. પૂરી જિંદગી અંગ્રેજો સામે લડવામાં, જેલમાં અને તે પછી દેશનું શાસન ચલાવવામાં ગઈ છતાં તેઓ વચ્ચે વચ્ચે સાહિત્યનું સર્જન કરતા રહ્યા. જેલમાંથી તેમણે તેમનાં પુત્રી ઈન્દિરા ગાંધીને પત્રો લખ્યા હતા, જે ‘પ્રિર્દિશનીને પત્રો’ના નામે પ્રચલિત છે. ઘણા ઓછા લોકોને ખબર છે કે, જવાહરલાલ નહેરુએ એક શ્રેષ્ઠ પુસ્તક અંગ્રેજીમાં લખ્યું હતું જેનું નામ છે : ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા.’ યુનિર્વિસટીઓમાં પણ તે ભણાવાય છે. નહેરુ સ્વયં એક અચ્છા ઇતિહાસકાર હતા.

બરાક ઓબામા

અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાને ૨૦૦૯ની અમેરિકાની ચૂંટણીઓ પૂર્વે પક્ષના અધિવેશન બાદ એક શુભેચ્છકે પૂછયું : “મિ. ઓબામા ! તમારા જીવવાની પ્રેરણા કઈ ?”

ઓબામાએ કહ્યું : “એક નદીની જેમ જીવન વીતાવતા રહેવું અને આસપાસનો પ્રદેશ લીલોછમ કરવાની આપણી ક્ષમતા વધારતા જવું.

ઓબામાનું આ સાહિત્યિક વિધાન સાંભળી મિત્રએ કહ્યું : “અરે ! તમારા રાજકારણમાં આવવાથી અમે એક સારો લલિત લેખક ગુમાવ્યો.”

બરાક ઓબામાએ હસીને કહ્યું : “ચિંતા કરશો નહીં, તમારા આ લેખક રાજકારણના લીધે અધિક સમૃદ્ધ થનાર છે.”

બરાક ઓબામાના જવાબમાં સાહિત્ય પણ હતું અને સ્વપ્ન પણ.

મનુભાઈ પંચોળી ‘દર્શક’

ભારતની રાજનીતિમાં સાહિત્યકારો અને સાહિત્યકારોના જીવનમાં રાજનીતિના અનોખા સંગમનાં અનેક ઉદાહરણો છે. અટલ બિહારી વાજપેયીએ પણ અનેક કવિતાઓ રચી છે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટૂંકી વાર્તાઓ લખી છે. ‘ગુજરાતનો નાથ’ સર્જન કરનારા ગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર ક. મા. મુનશી પણ રાજનીતિમાં હતા. લંડનમાં ગોળમેજી પરિષદ મળવાની હતી ત્યારે ઝવેરચંદ મેઘાણીએ બાપુને ઉદ્દેશીને લખ્યું હતું : “છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ.” ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી પણ ચૂંટણી લડી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. મનુભાઈ પંચોળી ૧૯૬૭માં શિહોર વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. એ વખતે ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર હતી. તેમની પાસે પૂરતી સંખ્યામાં ધારાસભ્યો નહોતા. પક્ષાંતર વિરોધી ધારો પણ નહોતો. વિધાનસભાનું સત્ર હોય ત્યારે ધારાસભ્યો પક્ષપલટો કરી ના જાય તે માટે સાચવવા પડતા. ધારાસભ્યોને સાચવવાની એક પેનલના ચેરમેન મનુભાઈ પંચોળી ‘દર્શક’ હતા. તેમના અંગત સચિવ તરીકે હાલના ભાજપાના અગ્રણી જયંતીભાઈ પરમારને નિમણૂક આપી હતી. મનુભાઈ પંચોળી હિતેન્દ્ર દેસાઈની સરકારને બચાવવાના કામ માટે સુરત ગયા હતા. તેમની સાથેનાં સંસ્મરણો તાજાં કરતાં જયંતીલાલ પરમાર કહે છે : “ઝીણાભાઈ દરજી એ વખતે ઇન્દિરા કોંગ્રેસમાં હતા જ્યારે હિતેન્દ્ર દેસાઈ મોરારજી દેસાઈના સમર્થનમાં હતા. ઝીણાભાઈ દરજી સામે પક્ષે હોવા છતાં તેમણે મનુભાઈ પંચોળીને જમવા બોલાવ્યા હતા. મનુભાઈ પંચોળી રાત્રે જમતા નહોતા છતાં ઝીણાભાઈને ઘરે મળવા ગયા હતા અને મને જમવા બેસાડી દીધો હતો. જ્યારે એ સમયે મનુભાઈ પંચોળી પુસ્તકો વાંચતા રહ્યા હતા. સુરતના સરકારી ગેસ્ટહાઉસમાં અમે રાત્રી રોકાણ કર્યું હતું. રાત્રે મનુભાઈ પંચોળીએ મને કહ્યું કે, કપડાં ધોવાનો સાબુનો પાઉડર મળતો હોય તો લઈ આવો. હું પાઉડર લઈ આવ્યો. રાત્રે અમે ઊંઘી ગયા. વહેલી સવારે કપડાં ધોવાનો અવાજ સાંભળી હું જાગી ગયો. મેં જોયું તે મનુભાઈ પંચોળી તેમનો ઝભ્ભો અને ધોતિયું ધોતા હતા. તેઓ બે જોડી જ વસ્ત્રો તેમની સાથે રાખતા. જાતે જ ધોઈ નાખતા અને ઇસ્ત્રી વગરના કપડાં પહેરતા.

ડ્રાઈવરને બોલાવો

બીજા દિવસે અમે સરકીટ હાઉસમાં સાથે જમવા બેઠા ત્યારે મનુભાઈ પંચોળીએ કહ્યું : “ડ્રાઈવરને જમવા બોલાવો.”

સરકીટ હાઉસના માણસે કહ્યું કે : “ડ્રાઈવરોને અલગ જગાએ બેસાડવામાં આવે છે.”

મનુભાઈ પંચોળીએ ગુસ્સે થઈને કહ્યું : “આમ કેમ ચાલે ? દેશમાં હવે અંગ્રેજોનું રાજ નથી. મારા ડ્રાઈવરને અમારી સાથે જમવા બેસાડો.” અને તે પછી રાત્રે ડાઈનિંગ ટેબલ પર મનુભાઈ પંચોળીએ ડ્રાઈવરની સાથે જ ભોજન લીધું અને પાછળથી શિક્ષણમંત્રી પણ બન્યા. વર્ષો બાદ મનુભાઈ પંચોળીએ જયંતીલાલ પરમારનાં કાવ્યસંગ્રહ ‘તળેટી’નું વિમોચન પણ કર્યું.

સચિવાલય પર કાવ્ય

આ જ રાજકારણી કમ કવિ જયંતીલાલ પરમારે છેક ૧૯૬૬માં લખેલી ‘સચિવાલયે’ શીર્ષકવાળી કવિતા માણો :

“સેલ્યૂટની વણઝાર આ હાંફી ગઈ

ને રણ હવે રેલાય છે સચિવાલયે,

આંગણમાં આરડે ભૂખ્યા જનો

ને રાષ્ટ્રધ્વજ મલકાય છે સચિવાલયે,

ઠાઠ ને મહેફિલ એની એ જ છે

રાજવી બદલાય છે સચિવાલયે,

હાથમાં બધાં જોયાં કરે,

ને ચાંદની ઢોળાય છે સચિવાલયે,

રંગરંગી ફૂલ બધાં મહેક્યા કરે,

જે બધાં સિંચાય છે સચિવાલયે.”

ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ની જન્મજયંતીનું આ વર્ષ છે ત્યારે ૧૯૮૭માં દર્શકે લોર્કાિપત કરેલા જયંતીલાલ પરમારના કાવ્યસંગ્રહની આ પંક્તિઓ આજે પણ સાંપ્રત છે.