રાજ્યસભાના સાંસદ ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખા સંસદમાં ગેરહાજર રહેવાના મુદ્દે વિવાદ થયો. તે પછી રેખા રાજસભામાં એક દિવસ માત્ર ૨૦ મિનિટની હાજરી આપી વિદાય લીધી.   કેટલાક સાંસદોએ આ સિતારાઓની સદસ્યતા રદ કરવાની માગણી પણ કરી નાખી.

માત્ર ગ્લેમર માટે

પરંતુ આ સમસ્યા માત્ર રેખા કે સચિનની જ નથી. બીજા સંખ્યાબંધ સિતારાઓ એવા છે જેમને ગ્લેમરની દુનિયામાંથી રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા છે તે પૈકી મોટાભાગના સભ્યોની આ જ હાલત છે. પાર્શ્વગાયિકા લતા મંગેશકર પણ રાજ્યસભામાં નિયુક્ત થયાં હતાં, પરંતુ સંસદમાં ભાગ્યે જ તેમનાં દર્શન થયાં. ભાગ્યે જ દેશની પરિસ્થિતિ અંગે બોલ્યાં. આ બધાં સ્ટાર્સ સંસદમાં હાજર રહેવામાં અને કામકાજમાં ભાગ લેવાની પોતાની જવાબદારી નથી સમજતાં તો તેમાં તેમનો કોઈ દોષ નથી, દોષ તો તેમને સંસદમાં મોકલવાવાળાઓનો છે. અનેકવાર સરકારમાં રહેલો સત્તાધારી પક્ષ ગ્લેમરથી પ્રભાવિત થઈને અથવા તો પ્રોપેગન્ડા માટે એ બધાં સિતારાઓ દ્વારા પ્રચાર કરવાના હેતુથી એ બધાંને સંસદમાં નિયુક્ત કરાવે છે. આ સિતારાઓને ‘ટ્રેઝરી બેન્ચ’ કે ‘વેલ’ શું છે તેની પણ ખબર હોતી નથી. અન્ય કોઈના લખેલા સંવાદો બોલવાવાળા સ્ટાર્સ સંસદગૃહમાં સંવાદના અભાવે મૌન થઈ જાય છે. સચિન તેંડુલકર કે રેખાએ પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી છે, પરંતુ પોતાના ક્ષેત્રની બહાર ભાગ્યે જ કોઈ દિલચશ્પી દર્શાવી છે. એ જ રીતે નથી તો તેમને લોકોની આર્િથક પરેશાનીઓની સમજ કે નથી તો સામાજિક વિષમતાઓની સમજ.

સક્રિય કોણ હતાં ?

હા, કોઈક સ્ટાર્સ એવા જરૃર છે કે, તેમણે પોતાના ક્ષેત્રમાં પણ શ્રેષ્ઠ કામ કર્યું અને બહાર પણ. તેમાં સૌથી પ્રથમ નામ આવે છે સુનિલ દત્તનું. તેઓ શ્રેષ્ઠ કલાકાર પણ હતા અને શ્રેષ્ઠ કાર્યકર પણ. બલરાજ સહાની શ્રેષ્ઠ અભિનેતા પણ હતા અને શ્રેષ્ઠ સમાજવાદી પણ. શબાના આઝમી સાંસદ તરીકે સક્રિય રહ્યાં, જયા બચ્ચન પણ સંસદમાં સૌથી વધુ અને નિયમિત હાજરી આપે છે. ચર્ચામાં ભાગ પણ લે છે. પૂર્વ હોકી ખેલાડી દિલીપ તિર્કી પણ સંસદમાં સક્રિય રહ્યા અને પોતાના આદિવાસી વિસ્તારમાં પણ. તેની સામે ‘રામાયણ’ સિરિયલની અભિનેત્રી દિપીકા ચીખલિયા ભાજપની ટિકિટ પર લોકસભામાં ગયાં, પરંતુ તેમનું યોગદાન નહિવત્ રહ્યું. એક્ટર ધર્મેન્દ્ર અને ગોવિંદા ચૂંટણી જીતીને લોકસભામાં ગયા, પરંતુ સંસદમાં તેમની હાજરી નહિવત્ હતી. એના બદલે શત્રુઘ્ન સિંહા અને વિનોદ ખન્નાએ રાજનીતિને ગંભીરતાથી લીધી. રાજ બબ્બર પણ સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા. ખેલાડીઓમાં નવજોત સિદ્ધુ બે વખત ચૂંટણી જીતીને લોકસભામાં ગયા અને સંસદની કામગીરીમાં ભાગ લેતા જણાયા. રામાયણ સિરિયલમાં રાવણનો રોલ કરનારા અરવિંદ ત્રિવેદી પણ ભાજપની ટિકિટ પર લોકસભામાં ગયા, પરંતુ પક્ષની મીટિંગ મળે ત્યારે તે પક્ષના કેટલાક નેતાઓ જ તેમની પાસે ‘શિવસ્તુતિ’ બોલવાનો આગ્રહ રાખતા. અમદાવાદમાંથી એક્ટર પરેશ રાવલ ચૂંટણી જીતીને લોકસભામાં ગયા છે, પરંતુ તેમણે હજુ ઓફ સ્ક્રીન પરફોર્મન્સ બતાવવાનું બાકી છે.

અભિનેતા અને રાજનીતિ

આવા થોડાક સિતારાઓને બાદ કરતાં બીજાં સ્ટાર્સ મોટેભાગે સંસદમાં બેસે પણ છે તો પણ ગૂપચૂપ. હેમા માલિની સંસદમાં શું બોલ્યાં તેની જાણ નથી. આઝાદી પછી ઘણાં વર્ષો સુધી સંસદમાં દેશના પ્રશ્નો અંગે ઉચ્ચ કક્ષાની અને ગરિમાપૂર્ણ ચર્ચા થતી હતી. અંદર બેઠેલા લોકો પણ ગંભીર લાગતા હતા. રામધારી સિંહ દિનકર જેવા લેખક અને એક્ટર પૃથ્વીરાજ કપૂરની હાજરીના કારણે સંસદની ગરિમા વધતી હતી. એ વખતે કલાકારો અને ખેલાડીઓ પણ લોકતાંત્રિક પ્રક્રિયાઓ અને સંસ્થાનોની ગરિમાનું સન્માન કરતા હતા. હવે રાજનેતાઓ કલાકારો અને ખેલાડીઓના ગ્લેમરની પાછળ ભાગે છે. કેટલાક કલાકારો તો એવા છે કે,માત્ર પારિવારિક સંબંધોના કારણે જ સંસદમાં પહોંચી ગયા. પારિવારિક સંબંધોના કારણેજ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ એક્ટર અમિતાભ બચ્ચનને કોંગ્રેસની ટિકિટ આપી હતી અને અમિતાભ બચ્ચન અલ્હાબાદની બેઠક પરથી જીતીને લોકસભામાં પ્રવેશ્યા હતા. અલબત્ત, રાજનીતિ તેમને માફક ના આવી અને રાજીવ ગાંધીના પક્ષના વિરોધી એવા સમાજવાદી પક્ષ સાથે નાતો જોડી એક જુદી જ પ્રકારની ‘રાજનીતિ’ કરી. પણ તે અલગ વિષય છે. અમિતાભ બચ્ચન રાજનીતિમાં મિત્રો બદલતા રહે છે. પહેલાં તેઓ રાજીવ ગાંધીના મિત્ર હતા. તેમની દોસ્તી છોડી તેઓ અમરસિંહના મિત્ર બન્યા. હવે અમરસિંહની પણ મિત્રતા છોડીને માત્ર મુલાયમ સિંહના મિત્ર રહ્યા છે. રાજનીતિમાં આવું બધું ચાલે.

સો ટકા હાજરી કોની ?

રાજ્યસભામાં સચિન તેંડુલકર અને રેખાની ગૃહમાંથી ગેરહાજરી પર વિવાદ થયો છે, પરંતુ ૧૬મી લોકસભાના સત્રમાં ઓછામાં ઓછી હાજરી દર્શાવનારાઓમાં હેમા માલિની, કેપ્ટન અમરિન્દર સિંહ, ડિમ્પલ યાદવ, મુજફ્ફર હુસેન બેગ, શિબૂ સોરેન અને બાબુલ સુપ્રિયો પણ છે. ૫૪૩ બેઠકોવાળા સદનના નીચલા ગૃહમાં છેલ્લા સત્રમાં અત્યાર સુધી (૨૧ બેઠક) દરમિયાન પ્રતિદિન સરેરાશ ૪૪૮ સભ્યો હાજર રહ્યા. ૮૯ સાંસદોના હસ્તાક્ષર રજિસ્ટર પર જોવા મળ્યા નથી. લોકસભાના ચાલુ સત્રમાં સો એ સો ટકા હાજરી આપવાવાળા સાંસદોમાં લાલકૃષ્ણ અડવાણી, કરિયા મુંડા, એસ. એસ. અહલુવાલિયા, આર. કે. સિંહ, યોગી આદિત્યનાથ, પી. વેણુગોપાલ, એમ. રામચન્દ્રન્, રમા દેવી, ગણેશસિંહ, લક્ષ્મણ ગિલુઆ, નિશિકાન્ત દૂબે, જગદમ્બિકા પાલ, સત્યપાલ સિંહ, શોભા કરંદલાજે, મહેશ ગિરિ, પૂનમ મહાજન, સુમેદાનંદ સરસ્વતી અને વિન્સેન્ટ પાલ વગેરેનો સમાવેશ થાય છે. તેની સામે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ કેપ્ટન અમરિન્દર સિંહ સંસદમાં માત્ર પાંચ દિવસ હાજર રહ્યા. પીડીપીના મુજફ્ફર હુસેન બેગ અને શિબૂ સોરેન માત્ર એક જ દિવસ હાજર રહ્યા. સમાજવાદી પાર્ટીનાં ડિમ્પલ યાદવ પાંચ દિવસ અને હેમા માલિની માત્ર બે જ દિવસ હાજર રહ્યાં.