રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ઇરાકના આતંકવાદી સંગઠન આઈએસઆઈએસએ અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેનું મસ્તક કાપી નાખવાનાં કંપાવનારાં દૃશ્યવાળો વિડિયો જારી કર્યો. આઈએસઆઈએસ એક ક્રૂર અને બેરહમ ત્રાસવાદી સંગઠન છે. આ સંગઠને ઇરાક અને સીરિયાના એક મોટા જમીની ભાગ પર કબજો જમાવેલો છે. તેની પાસે ૧૦,૦૦૦ જેટલા યુદ્ધ સૈનિકો છે. પત્રકાર જેમ્સ ફોલેનું તેણે સીરિયામાં અપહરણ કર્યું હતું અને તેની નૃશંસ હત્યા કરી તેની વિડિયો જારી કરી અમેરિકાને ડરાવવા પ્રયાસ કર્યો છે.

આઈએસઆઈએસ પાસે બીજા ૨૦ જેટલાં અપહ્ય્તો છે, તેમાં સ્ટીવન જોએલ સોટલોફ નામના બીજા એક અમેરિકી પત્રકાર પણ છે. ઇસ્લામિક સ્ટેટ એક્સ્ટ્રીમિસ્ટ તરીકે ઓળખાતું આ સંગઠન અમેરિકી પત્રકારોની હત્યા કરી અમેરિકાને એ દેશમાં યુદ્ધની કાર્યવાહી કરતું અટકાવવાનું ધ્યેય ધરાવે છે.

આશ્ચર્યની વાત એ છે કે, અમેરિકી પત્રકારોની તથા બીજા ૨૦ અપહ્ય્તોની હત્યાની મંશા ધરાવનાર આ ખતરનાક આતંકવાદી એક બ્રિટિશ જેહાદી છે અને તેનું ઉપનામ ‘જ્હોન ધ જેલર’ છે. તે અપહ્ય્તોના ગળામાં ધારદાર છરો મૂકી ગળું કાપી નાખવા માટે જાણીતો છે. ઈરાક અને સીરિયામાં કાર્યરત ત્રણ બ્રિટિશ જેહાદીઓ પૈકી ‘જ્હોન ધ જેલર’નું જૂથ ‘ધી બિટલ્સ’ના નામે પણ ઓળખાય છે. આઈએસઆઈએસએ ઇરાક અને સિરીયામાંથી જે પશ્ચિમી નાગરિકોનાં અપહરણ કર્યાં છે, તેમની જવાબદારી આ ગ્રૂપને સોંપવામાં આવી છે. આ અપહ્ય્તોને ખતમ કરવાની જવાબદારી પણ આ જ જૂથને સોંપવામાં આવી છે. અમેરિકી અને બ્રિટિશ ગુપ્તચર સંસ્થાઓ માને છે કે ૫૦૦ જેટલાં બ્રિટિશ મુસ્લિમો બ્રિટન છોડી મિડલ ઈસ્ટના દેશોમાં આવી ગયા છે. તેઓ ભણેલા છે, અંગ્રેજી પર કાબૂ ધરાવે છે અને ઇરાક, સીરિયા જેવાં અનેક રાષ્ટ્રોનું બનેલું એક વિશાળ ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાની ખેવના ધરાવે છે. આ બ્રિટિશ જેહાદીઓ અત્યાર સુધીના સૌથી વધુ હિંસક અને લોહીના તરસ્યા ત્રાસવાદીઓ હોવાનું કહેવાય છે.

બ્રિટિશ જેહાદી જ્હોન ધ જેલર ઇંગ્લેન્ડથી ભાગીને કેવી રીતે મિડલ ઈસ્ટ પહોંચ્યો, તેની તપાસ બ્રિટિશ ગુપ્તચરો કરી રહ્યા છે. એ જ રીતે અમેરિકાના એમ્બેસેડરે કહ્યું છે કે “અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેની હત્યા કરી દેનાર એ ઝનૂની માણસને અમે થોડા સમયમાં જ શોધી કાઢીશું. બ્રિટિશ જેહાદીઓએ ઇરાક અને સીરિયામાં અનેક લોકોનાં અપહરણો કરી અબજોની સંપત્તિ હાંસલ કરી હોવાનું મનાય છે. આ ધન-સંપત્તિ કમાયા બાદ કેટલાંક ત્રાસવાદી કતારમાં નિવૃત્ત જીવન ગાળવાની ઇચ્છા ધરાવે છે. જ્હોન ધ જેલરે અપહ્ય્ત કેદીઓને કહ્યું હતું કે, તેની પાસે અપહરણો દ્વારા એકત્ર કરાયેલું અઢળક ધન છે.”

અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેનું ગળું કાપી નાખનાર જ્હોન ધ જેલર કોણ છે, તે શોધી કાઢવા બ્રિટન અને અમેરિકાએ સોફેસ્ટિકેટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. તેની ટેલિફોન પર થતી વાતચીતને આંતરવામાં આવી હતી. તેના અવાજના નમૂના લેવામાં આવ્યા હતા અને તેની અગાઉની રેકોર્ડ થયેલી વાતચીતના અવાજ સાથે સરખામણી કરવામાં આવી હતી. બ્રિટનના અમેેરિકા ખાતેના રાજદૂત પીટર વેસ્ટમેસ્કોટે જણાવ્યું હતું કે, જ્હોન ધી જેલરના અવાજને ઓળખી કાઢવા માટે ‘વોઈસ રેકોગ્નિશન’ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇરાક અને સીરિયામાં કાર્યરત આ ખતરનાક બ્રિટિશ જેહાદીઓને શોધી કાઢવા ખાસ સૈનિક ટુકડી તહેનાત કરવામાં આવી છે.

એમ મનાય છે કે બ્રિટનમાં એક જૂથ ખતરનાક આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરી રહ્યું છે. બ્રિટનનું નાગરિકત્વ ધરાવતા કેટલાંક મુસ્લિમો ઇરાક અને સીરિયામાં લડવા માટે નવા ઈસ્લામિક સ્ટેટની ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે. તેમની ઉંમર ૧૬ વર્ષની આસપાસની છે. એટલે કે સ્કૂલ લેવલથી જ કિશોરોને આતંકવાદ માટે તૈયાર કરી દેવામાં આવે છે. બ્રિટનમાં ૨૭ લાખ મુસ્લિમ વસ્તી છે. બ્રિટિશ હોમ સેક્રેટરી થેરેસા મેએ જાહેર કર્યું છે કે, બ્રિટનમાં તૈયાર થઈ રહેલા ઇસ્લામિક ત્રાસવાદીઓને ઘરઆંગણે જ ડામવા અને બહાર જતા રોકવા કેટલાંક નવા કાયદાઓ લાવવામાં આવી રહ્યા છે.

એક તપાસમાં એવું જણાયું છે કે પાંચ બ્રિટિશ જેહાદીઓ ઇંગ્લેન્ડના ગેટવિક એરપોર્ટ દ્વારા સીરિયા જવા રવાના થયા હતા. એરપોર્ટની લોન્જમાં તેમની ગતિવિધિને સીસીટીવીમાં કેદ કરવામાં આવી છે. એ બધાં પહેલાં ટર્કી ગયા હતા અને ત્યાંથી તેઓ સીરિયામાં પ્રવેશ્યા હતા. આ બધા ગઈ તારીખ ૮મી ઓક્ટોબર,૨૦૧૩ના રોજ ઈંગ્લેન્ડથી રવાના થયા હોવાનું જણાયું છે. આ બધાએ રિટર્ન જર્ની બુક કરાવી હતી, પરંતુ સરહદપાર કર્યા બાદ તેઓ સીરિયાના ત્રાસવાદી સંગઠનમાં જોડાયા હતા. તેમાંથી ૩૧ વર્ષની વયનો મશાદૂર ચૌધરી પાછો ફર્યો હતો, પરંતુ બ્રિટનમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા જતાં પકડાઈ ગયો હતો અને હવે તે બ્રિટનની જેલમાં છે. ઈંગ્લેન્ડની કિંગસ્ટન ક્રાઉન કોર્ટ સમક્ષ એણે કબૂલ કર્યું હતું કે તે એક શહીદની માફક મરવા માગે છે અને બ્રિટનમાં તેમણે જે જેહાદી ગ્રૂપ તૈયાર કર્યું છે તેનું નામ ‘બ્રિટની બ્રિગેડ બાંગલાદેશી બેડ બોયઝ’ છે. કોર્ટની ટ્રાયલ દરમિયાન તેણે કબૂલ કર્યું હતું કે તેની પાસે ઓડી એ૬ કાર પણ છે અને ૨૦૦ પાઉન્ડ પ્રોસિક્યુટર પાછળ ખર્ચી પણ શકે છે.

જ્હોન ધી જેલર ગ્રૂપના આ બ્રિટિશ જેહાદી ગ્રૂપના બીજા એક જેહાદીનું નામ મોહમ્મદ હમીદુર રહેમાન છે. તે ઈંગ્લેન્ડના એક સ્ટોરમાં નોકરી કરતો હતો. ૨૫ વર્ષની વયના આ શખ્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તે પછી જેહાદી બની તે ટર્કીના માર્ગે સીરિયા જવા રવાના થયો હતો, પરંતુ તેના પિતાના જણાવ્યા અનુસાર સીરિયામાં સંઘર્ષ દરમિયાન તે માર્યો ગયો હતો.

અમેરિકા અને બ્રિટનની સલામતી એજન્સીઓના કહેવા પ્રમાણે ઇરાક અને સીરિયામાં આ જેહાદીઓએ પશ્ચિમના દેશોના જે ૧૧ નાગરિકોનાં અપહરણો કર્યાં હતાં, તે અપહ્ય્તોને છોડાવવા માટે યુરોપિયન દેશોએ ૨૪ મિલિયન પાઉન્ડની રકમ અપહરણકારોને આપી હતી. યુરોપિયન દેશોના અપહ્ય્તોમાં બ્રિટિશ અને અમેરિકન નાગરિકોનો સમાવેશ થતો નથી. બ્રિટિશ અને અમેરિકન નાગરિકોને જેહાદીઓ અલગ કેટેગરીમાં મૂકે છે. અમેરિકન પત્રકાર જેમ્સ ફોલેને છોડવા માટે અપહરણકારોએ ૮૦ મિલિયન પાઉન્ડની રકમ માગી હતી. આટલી મોટી રકમની માંગણી માત્ર ઉશ્કેરવા માટે જ હતી તેમ મનાય છે.

અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેનું ગળું કાપી નાખનાર જેહાદી હવે બીજો કોઈ નહીં પરંતુ જ્હોન ધ જેલ નામનો બ્રિટિશ જેહાદી જ હોવાનું બહાર આવ્યું છે. લંડન પૂર્વમાં રહેતાં કેટલાંક મુસ્લિમ નાગરિકોએ અપહરણો કરવામાં નિષ્ણાત એક ગેંગની રચના કરી છે. આ જ ગેંગના સીરિયા ગયેલા માણસોએ પત્રકાર જેમ્સ ફોલેનું અપહરણ કર્યું હતું. તે ગેંગના વડો અબુ મુહારેબ ઉર્ફે જ્યોર્જ છે. જોહન ધી જેલર તો ગળાં કાપવાનો નિષ્ણાત તે ગેંગનો એક ખતરનાક સભ્ય જ છે. કેટલાંક આ જેહાદીઓને ‘સેડિસ્ટીક સાયકોપાથ’કહે છે. આ બ્રિટિશ જેહાદીઓ અપહ્ય્તોની હત્યા એટલી નિર્દય રીતે કરે છે કે એક તબક્કે ઈસ્લામિક સ્ટેટ મિલિટન્ટ્સના સભ્યોએ તેમને તેમ કરતાં રોક્યા હતા. લંડનની આ ખતરનાક ગેંગનો લીડર જ્યોર્જ નાનાં બાળકોને જ જેહાદી બની જવાની કેળવણી આપવાનું આયોજન કરી રહ્યો છે.

ઇસ્લામિક સ્ટેટની રચના કરવા માંગતા સંગઠનના અમેરિકા અને ઈંગ્લેન્ડમાં સ્લીપર્સ સેલ તૈયાર હોવાનું મનાય છે. એટલે કે ઈંગ્લેન્ડ કે અમેરિકામાં બોમ્બધડાકા કરવા હોય તો જે સ્થાનિક લોકો ત્રાસવાદીઓને મદદ કરે તેને સ્લીપર્સ સેલ કહે છે. એક તપાસમાં જણાયું છે કે અમેરિકી પત્રકારની હત્યા કરનાર બ્રિટિશ જેહાદી ગેંગમાં ગેંગલીડર જ્યોર્જ ઉપરાંત જ્હોન ધ જેલર, પોલ અને રીંગો પણ સામેલ છે. આ બધાં જ ઉપનામો છે.

આવનારા સમયમાં ઈંગ્લેન્ડ અને અમેરિકામાં નવી જનરેશનના ત્રાસવાદીઓનાં ખતરનાક કારનામાં જોવા મળે તો નવાઈ નહીં.

www. devendrapatel.in