રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ વોશિંગ્ટન આવવા આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ (અમેરિકાની સંસદ)ના કેટલાંક સભ્યોએ સેનેટને સંબોધવા ઝુંબેશ ઉપાડી છે. આ આમંત્રણ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના વ્યક્તિગત દૂત દ્વારા વડાપ્રધાનને રૂબરૂમાં પાઠવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ આમંત્રણનો સ્વીકાર પણ કર્યો છે. ચાલો, સારી વાત છે,અમેરિકાને મોડેમોડે ડહાપણની દાઢ ફૂટી તો ખરી.

અમેરિકા વિશ્વનો સહુથી શક્તિશાળી દેશ છે. વિશ્વનો ૩૦૦ વખત નાશ કરી શકાય તેટલાં અણુઆયુધો તેની પાસે છે. અમેરિકાના પ્રેસિડેન્ટને વિશ્વનો ‘જમાદાર’ કહેવાય છે. વિશ્વના બીજા દેશોમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ‘અંકલ સેમ’ તરીકે ઓળખાય છે. અમેરિકા લોકતાંત્રિક પણ વેપારી દેશ છે. રાજનીતિમાં ખંધો અને અત્યંત સ્વાર્થી દેશ છે. માનવ અધિકારની વાતો કરી નરેન્દ્ર મોદીને ૧૦ વર્ષ સુધી વિઝા આપવાનો ઈન્કાર કરનાર અમેરિકાને હિરોશીમા-નાગાસાકીમાં ૧૦ લાખ નિર્દોષ નાગરિકોને એટમ બોમ્બ ફેંકી પળભરમાં રાખ કરી દીધા હતા. વિયેતનામ પર અનેક બોમ્બ ઝીંકી હજારો વિયેતનામી લોકોને મારી નાખ્યા હતા. અમેરિકન સૈનિકોેએ સેંકડો વિયેતનામી સ્ત્રીઓને ગર્ભવતી બનાવી દીધી હતી. ઓઈલના રાજકારણને લીધે અમેરિકાએ ઇરાક પર બે બે વાર આક્રમણ કરી ૧૦ લાખ ઈરાકીઓની હત્યા કરી નાખી હતી. હવે ભારતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સ્થિર સરકારની સ્થાપના થઈ છે એટલે અમેરિકાએ તેનું અગાઉનું વલણ બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રેડ કાર્પેટ પાથરી દીધી છે.

મોદી માટે રેડ કાર્પેટનું કારણ?

અમેરિકાને ભારત એક મોટું બજાર દેખાય છે. અમેરિકા તેની ખરાબ આર્િથક મંદીમાંથી ગુજરી રહ્યું છે. અમેરિકન મોટરો કોઈ ખરીદતું નથી. ઈલેક્ટ્રોનિક્સ બજાર જાપાન, કોરિયા અને ચીને સર કર્યું છે. અમેરિકન લોકોનાં ઘરમાં સોની ટીવી કે ટોયોટો કાર જોવા મળે છે. અમેરિકન બાળકો રમકડાં પણ ચાઈનીઝ બનાવટનાં રમે છે. આવા અમેરિકાને ગ્રાહકો જોઇએ છે અને તે ભારતમાં છે. અમેરિકાના પ્રવાસે જતા પહેલાં વડાપ્રધાન એ વાતનો ખ્યાલ જરૂર રાખે કે, અમેરિકા પાકિસ્તાનને

અબજો ડોલરની સહાય કરી રહ્યું છે. એ સહાય પાકિસ્તાન તેના આર્િથક વિકાસના બદલે ભારત વિરુદ્ધ તેના લશ્કરી તંત્રને મજબૂત કરવા કરી રહ્યું છે. અમેરિકા પહેલાં પાકિસ્તાનને લોન પેટે અબજો ડોલર આપે છે અને તે પછી એ જ રકમ માંડવાળ કરી દે છે. ભારત દક્ષિણ એશિયામાં શક્તિશાળી રાષ્ટ્ર ના બને તે માટે તે પાકિસ્તાનનો ભારત સામે ચેક એન્ડ બેેલેન્સ તરીકે ઉપયોગ કરે છે.

એ જ રીતે અમેરિકા પર નાઈન ઈલેવનનો હુમલો કરાવનાર માસ્ટર માઈન્ડ ઓસામા બીન લાદેનને પાકિસ્તાને તેની જ ભૂમિ પર સંતાડયો હતો અને અમેરિકાની નેવી સીલ કમાન્ડોઝની ટીમે રાત્રી ઓપરેશન કરી ઓસામા બીન લાદેનને ખત્મ કરી નાખ્યો. ત્રાસવાદની નિકાસ કરનાર પાકિસ્તાન ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ડોન દાઉદ ઈબ્રાહીમને પણ પનાહ આપી રહ્યું છે. ભારતના વડાપ્રધાન વોશિંગ્ટન જાય ત્યારે તેમણે ખતરનાક ગુનેગાર દાઉદ ઈબ્રાહીમને ભારત લાવવા અમેરિકા દ્વારા પાકિસ્તાન પર દબાણ કરાવવાનો મુદ્દો પણ ઉઠાવવો જોઈશે. અમેરિકા ભારત સાથે મૈત્રી અને વ્યાપારી સંબંધો ઇચ્છતું હોય તો ભારતના દુશ્મનોને મદદ કરવાની બંધ કરવી જોઈશે.

અમેરિકાએ જે રીતે નરેન્દ્ર મોદીને વિઝા આપવા ઈન્કાર કર્યો હતો તે જ રીતે ગુજરાતથી અને દેશના અન્ય ભાગોમાંથી અમેરિકા જવા માંગતા અનેક ભારતીયોના વિઝા ઈન્કારવાનો અભિગમ અપનાવેલો છે. ઘણા ગુજરાતીઓ સાથે મુંબઈ ખાતેની અમેરિકી કોન્સ્યુલેટ કચેરીના ઈમિગ્રેશન અધિકારીઓનો વ્યવહાર રૂક્ષ હોય છે. આ મુદ્દો પણ ઉઠાવવો જોઈશે.

એથીયે વધુ ગંભીર બાબત તો અમેરિકાની ભારત પરની ગેરકાયદે જાસૂસીની છે. તાજેતરમાં જ અમેરિકાના જ અખબાર ‘ધી વોશિંગ્ટન પોસ્ટ’માં છપાયેલા એક અહેવાલ અનુસાર અમેરિકા વિશ્વના અનેક દેશોમાં કોઈનીય જાણ વિના જાસૂસી કરે છે. અમેરિકા પાસે વૈશ્વિક જાસૂસી માટે ‘નેશનલ સિક્યોરિટી સિસ્ટમ’ (એનએસએ)નામનું એક ટેક્નિકલ ડિપાર્ટમેન્ટ છે. આ સંસ્થાના એક પૂર્વ કોન્ટ્રાક્ટર દ્વારા કેટલાંક દસ્તાવેજો લીક કરવામાં આવ્યા હતા. તે દસ્તાવેજો વ્હિસલ બ્લોઅર તરીકે જાણીતા એડવર્ડ સ્નોડને આખા વિશ્વને લીક કરી અમેરિકાના જાસૂસીકાંડને ઉઘાડો પાડી દીધો છે. આ દસ્તાવેજોમાં એવો ઉલ્લેખ છે કે અમેરિકાની ફોરસ કોર્ટે અમેરિકન જાસૂસી સંસ્થા- ‘એનએસએ’ ને ભારતની ભારતીય જનતા પાર્ટી તથા વિશ્વની બીજી રાજકીય પાર્ટીઓ પર જાસૂસી કરવા ૨૦૧૦માં પરવાનગી આપી હતી. અમેરિકાને એવી દહેશત હતી કે, ભારતની મોટી રાષ્ટ્રીય એવી ભારતીય જનતા પાર્ટી કટ્ટરવાદી વિચારધારા ધરાવે છે. આવી શંકાના કારણે આ જાસૂસી કરવામાં આવી હતી. આ ઉપરાંત લેબેનોનની હેઝબોલ્લા કે જે અમોલ તરીકે પણ જાણીતી છે તે પાર્ટીની પણ જાસૂસી કરવામાં આવી હતી. અમેરિકા દેશની એક શક્તિશાળી પાર્ટી પર જાસૂસી કરતી હોવાની વાત બહાર આવ્યા બાદ ભાજપાના નેતાઓ તરફથી જે પ્રતિક્રિયા આવવી જોઈએ તે આવી નથી. ભારતની એ કમનસીબી છે કે આ દેશના લોકોને પહેલેથી જ ગોરી ચામડીના લોકોનું ઓબ્સેશન છે. ભારતના લોકો તીવ્ર બુદ્ધિશાળી હોવા છતાં ગોરા લોકોને પોતાનાથી વધુ ચડિયાતા માને છે. ભારત હજુ ગોરાઓથી પ્રભાવિત છે અને ગોરા લોકોની માનસિક ગુલામીમાંથી ભારતીયો હજુ બહાર આવ્યા નથી. અમેરિકાની પોતાની પ્રજાએ તેમની માનસિકતા બદલી છે અને આજે એક અશ્વેત વ્યક્તિ અમેરિકાના પ્રેસિડેન્ટ છે. ભારતે અમેરિકાથી ડર્યા વિના અમેરિકાને કયાં કારણોસર ભારતીય જનતા પાર્ટીની જાસૂસી કરી એ પ્રશ્નનો વોશિંગ્ટન પાસે જવાબ માંગવો જોઈએ. ભારત એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે, હવે ગોરાઓનો ગુલામ નથી એ વાતની પ્રતીતિ વોશિંગ્ટનને કરાવવી જોઈએ.

એમ કહેવાય છે કે ૨૦૧૦ પછી અમેરિકાની ‘એનએસએ’ સંસ્થાએ ભાજપના ટોચના નેતાઓને જાસૂસીમાં આવરી લીધા હતા. આ ઘટના આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીનો રીતસરનો ભંગ છે. માત્ર ડિપ્લોમેટિક ધારાધોરણનો જ નહીં, પરંતુ ભારતના સાર્વભૌમત્વનો પણ ભંગ છે. એ વાત યાદ રહે કે અમેરિકન સંસ્થા ‘એનએસએ’ પાસે કોઈનીયે જાસૂસી કરવા તથા કોઈ પણ ટેલિફોન્સ કે ઈ-મેઇલ્સ આંતરવાની જબરદસ્ત ક્ષમતા છે. એનએસએ ૮૦ જેટલાં અમેરિકન કોર્પોરેશન્સ સાથે ગુપ્ત સંબંધો ધરાવે છે. ભારતમાં કામ કરતી અમેરિકી કંપનીઓ પણ અમેરિકાની આ જાસૂસી સંસ્થા માટે કામ કરતી હોઈ શકે છે. આવાં કોર્પોરેશન્સ સામાન્ય રીતે ટેલિકોમ જાયન્ટ્સ છે. આવી કંપનીઓના દરિયા નીચે નાખેલા કેબલ્સનો આ પ્રકારની જાસૂસી માટે ઉપયોગ થાય છે. અને તેઓ ઇચ્છિત વિશ્વ ડેટા હાંસલ કરી શકે છે. આ બધી મલ્ટિનેશનલ કંપનીઓ, સોફટવેર કંપનીઓ, હાર્ડવેર કંપનીઓ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી સાથે સંકળાયેલી કંપનીઓનો અમેરિકા ઉયયોગ કરે છે અને જરૂરી ડેટા મેળવી લે છે. આ એક પ્રકારની અમેરિકાની ભારતમાં અને બીજા દેશોમાં ગેરકાયદે ઘૂસણખોરી જ છે. અમેરિકા ખુદ સાઈબર ક્રાઈમ આચરી રહ્યું છે અને ભારતીય પ્રશાસન મૌન છે. આ પ્રશ્ન પણ ભારતીય વડાપ્રધાને વોશિંગ્ટન સમક્ષ ઉઠાવવો જોઈશે. એટલું જ નહીં પરંતુ અમેરિકા જેવા શક્તિશાળી દેશની સાયબર-જાસૂસી સામે ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમ પણ ઊભી કરવી પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રશ્નો વોશિંગ્ટનમાં ઉઠાવે

www. devendrapatel.in