ડા કુરાણી ફૂલનદેવી.

બીહડની ઘાટીમાં જેના નામનો તરખાટ હતો તે પૈકીના બહારવટિયાઓની યાદીમાં તે છેલ્લી દસ્યુ રાની હતી. અનેક લોકોને મોતને ઘાટ ઉતારનાર આ ડાકુરાણીના જીવન પરથી ‘બેન્ડિટ ક્વીન’ નામની ફિલ્મ પણ બની હતી. આ દેશની લોકશાહીની લાક્ષણિકતા એ છે કે, ડાકુરાણી ફૂલનદેવી પ્રજા દ્વારા ચૂંટાઈને દેશની પાર્લામેન્ટમાં પણ પ્રવેશી હતી. ડાકુરાણી બન્યા પહેલાં લોકોએ તેને શાંતિથી જીવવા દીધી નહોતી. તે પછાત જાતિમાંથી આવતી હોઈ ઠાકુરોના અત્યાચારનો ભોગ બનતાં તેણે બંદૂક હાથમાં લીધી હતી. પાર્લામેન્ટમાં ચૂંટાયા બાદ દિલ્હીમાં જ તેની હત્યા થઈ ગઈ હતી. ૧૩ વર્ષ પહેલાં થયેલી આ હત્યા બાદ દિલ્હીની કોર્ટે મુખ્ય આરોપી શેરસિંહ રાણાને ફૂલનદેવીની હત્યા માટે દોષિત ઠેરવ્યો છે. જ્યારે બાકીના ૧૦ આરોપીઓ પુરાવાના અભાવે નિર્દોષ છૂટી ગયા છે.

આ બીનાની પશ્ચાદ્ભૂમિકા કાંઈક આવી છે. ફૂલનદેવીનો જન્મ ઉત્તર પ્રદેશના ગુરુકા પૂર્વા ખાતે થયો હતો.૧૧ વર્ષની વયે તેને ૩૫ વર્ષના એક વિધુર સાથે બળજબરીપૂર્વક પરણાવી દેવામાં આવી હતી. પતિ દ્વારા તેને કરવામાં આવેલી પારાવાર જાતીય સતામણી બાદ ૧૯૭૫માં તેણે પતિને તરછોડી દીધો હતો. પિતાની જમીનના વિવાદમાં દરમિયાનગીરી કરતાં ગામના ઠાકુરો દ્વારા તેની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પાછળથી એ વિવાદના સંદર્ભમાં તેને પકડીને પોલીસે એક મહિના સુધી જેલમાં પૂરી દીધી હતી. તે દરમિયાન તેની પોલીસ દ્વારા પણ બળાત્કાર કરવામાં આવ્યો હતો. અને માર મારવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટયા બાદ ડાકુઓની એક ટોળીએ તેનું અપહરણ કર્યું હતું. પાછળથી તે એ ગેંગની સભ્ય બની ગઈ હતી. ૧૯૮૧માં ફૂલનદેવીએ પોતાની ગેંગ તૈયાર કરી હતી અને બહેમાઈ ગામે જઈ તેની પર સામૂહિક બળાત્કાર કરનાર ૨૦ જેટલા ઠાકુરોને લાઈનમાં ઊભા રાખી ઠાર મારી નાંખ્યા હતા. યુ.પી.ની પોલીસે તેના માથા માટે રૂ. પાંચ લાખનુ ઇનામ જાહેર કર્યું હતું. પાછળથી તેને મૃત્યુદંડ નહીં આપવામાં આવે તે શરતે તે સરેન્ડર થઈ હતી. જિલ્લામાં તે પેરોલ પર છૂટી હતી અને ૧૯૯૬માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તે લોકસભાની બેઠક જીતી ગઈ હતી.

પછાત વર્ગોના મતના સહારે તે ચૂંટાઈને લોકસભા સુધી પહોંચી હતી. લોકસભામાં સૌના આકર્ષણનું તે કેન્દ્ર બની હતી. તા. ૨૫ જુલાઈ, ૨૦૦૧ના રોજ લોકસભામાં હાજરી આપી બપોરનું ભોજન લેવા તે તેના સુરક્ષા ગાર્ડ સાથે દિલ્હીમાં ૪૪, અશોકા રોડ ખાતે પહોંચી હતી. અશોકા રોડ સૌથી વધુ સલામતી ધરાવતો વિસ્તાર ગણાય છે. સમાજવાદી પાર્ટીના સાંસદ રઘુરાજ સિંહ શાક્યાએ તેને તેમની કારમાં લિફ્ટ આપી હતી. બપોરે ૧.૩૦ વાગે તે તેના સાંસદ તરીકેના અધિકૃત નિવાસસ્થાને પહોંચી. તે તેના ગેટ્સમાં હજુ માંડ પ્રવેશી જ હતી ત્યાં અચાનક શેરસિંહ રાણા અને ધાન પ્રકાશ ઉર્ફે વિકી તેની તરફ ધસી આવ્યા. ફૂલનદેવી કાંઈ પણ વિચારે તે પહેલાં શેરસિંહ રાણાએ તેની રિવોલ્વરમાંથી છ બુલેટ તેના પર છોડી ફૂલનદેવીને વીંધી નાખી. જ્યારે રાણાના સાથી વિકીએ ફૂલનદેવીના અંગત સિક્યોરિટી ગાર્ડ કોન્સ્ટેબલ બલિન્દર સિંહ પર ગોળી છોડી.

ફૂલનદેવી ત્યાં જ ઢળી પડી. તે સ્થળે લોહીનું ખાબોચિયું થઈ ગયું. ફૂલનદેવી ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામી, પરંતુ ઘવાયેલો કોન્સ્ટેબલ બલિન્દર સિંહ કોર્ટ સમક્ષ આંખ્યે દેખ્યો અહેવાલ અને જુબાની આપવા બચી ગયો.

ફૂલનદેવી અને કોન્સ્ટેબલ બલિન્દર સિંહ પર ગોળીઓ છોડી શેરસિંહ રાણા તેનો સાથી વિકી ભાગી ગયા. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી. ફૂલનદેવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. બલિન્દર સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પોલીસે તપાસ શરૂ કરી તે બાદ શેરસિંહ રાણા અને સાથીઓને શોધવાનો આરંભ થયો.

તપાસ કરતાં માલૂમ પડયું કે, શેરસિંહ રાણા અને બીજા ૧૧ જણાએ મળીને ૧૯૮૧માં ફૂલનદેવી દ્વારા આચરવામાં આવેલા હત્યાકાંડનો બદલો લેવા શેરસિંહ રાણા અને તેના સાથીઓએ આ કૃત્ય કર્યું હતું. એવું કહેવાય છે કે, ડાકુરાણી ફૂલનદેવીએ બેહમાઈમાં ૧૭ ઠાકુરોની હત્યા કરી નાખી ત્યારે શેરસિંહ રાણા નાનો બાળક હતો અને એ હત્યાકાંડ એણે પોતાની આંખે નિહાળ્યો હતો. ફૂલનદેવીએ ૧૭ ઠાકુરોને એક લાઈનમાં ઊભા રાખી તેમની પર ગોળીઓ છોડી હતી. આ બદલો ફૂલનદેવીએ એટલા માટે લીધો હતો કે, આ જ ગામના ઠાકુરોએ ફૂલનદેવી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને તેનો બદલો લેવા ફૂલનદેવીએ હાથમાં બંદક ઉઠાવી ૧૭ ઠાકુરોની હત્યા કરી નાખી હતી. બચપણમાં ઠાકુરોની હત્યા નજરે નિહાળનાર બાળક શેરસિંહ એ ઘટના ભૂલ્યો નહોતો અને વયસ્ક થયા બાદ દિલ્હીમાં એણે ઠાકુરોની હત્યાનો બદલો લેવા ધોળા દહાડે ફૂલનદેવીની હત્યા કરી નાખી હતી.

પોલીસે ત્વરિત પગલાં લઈ શેરસિંહ રાણા સહિત કુલ ૧૨ જણાને પકડી લીધા હતા. દિલ્હીની ક્રાઈમબ્રાંચે શેરસિંહ રાણા સહિત ૧૨ વ્યક્તિઓ સામે કોર્ટમાં હત્યાનું કાવતરું ઘડવા માટે ચાર્જશીટ રજૂ કરી હતી. ૧૨ પૈકી ત્રણને જામીન મળ્યા હતા. એક આરોપીનું ટ્રાયલ દરમિયાન જ મૃત્યુ નીપજ્યું હતું.

અલબત્ત, શેરસિંહ રાણાએ અહીં ચાલાકી કરવા પ્રયાસ કર્યો હતો. એણે હરિદ્વારમાં તેની સામેનો એક કેસ જીવંત રાખવા પ્રયાસ કર્યો હતો અને એવું બતાવવા પ્રયાસ કર્યો હતો કે, ફૂલનદેવીની હત્યાના દિવસે તે દિલ્હીમાં નહીં, પરંતુ હરિદ્વારમાં હતો. શેરસિંહ રાણાએ ચાલાકી એવી કરી કે, હરિદ્વારમાં કોઈ એક ગુનો કરી તેના એક નોકરની ધરપકડ કરાવી હતી. એ નોકરે પોલીસને પોતાની ઓળખ શેરસિંહ રાણા તરીકે આપી હતી. તેનો નોકર લગભગ શેરસિંહ રાણા જેવો લાગતો હતો. પોલીસે તેના નોકરને શેરસિંહ રાણાના નામે જ હરિદ્વારની જેલમાં મોકલી દીધો હતો, પરંતુ શેરસિંહ રાણાનો પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ પકડાઈ ગયો હતો. પોલીસે તપાસ કરતાં માલૂમ પડયું કે, ફૂલનદેવીની હત્યાના દિવસે શેરસિંહ રાણા દિલ્હીમાં જ હતો. જ્યારે હરિદ્વારની જેલમાં પૂરાયેલો વ્યક્તિ શેરસિંહ રાણા નહીં, પરંતુ તેનો નોકર હતો.

દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાંચે દિલ્હી કોર્ટ સમક્ષ શેરસિંહ રાણાની વિરુદ્ધ કુલ ૧૭૨ સાક્ષીઓ રજૂ કર્યા હતા, પરંતુ આ કેસમાં મોટી પીછેહઠ ત્યારે થઈ જ્યારે શેરસિંહ રાણા તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ દિલ્હીની તિહાડ જેલમાંથી ભાગી છૂટયો. તપાસ કરતાં માલૂમ પડયું કે, વારાણસી જેલમાં રહેલા કેદી સુભાષ ઠાકુરે શેરસિંહ રાણાને ફરાર થવામાં મદદ કરી હતી. પ્લોટ એવો ગોઠવ્યો કે,કોઈ એક અન્ય કેસમાં શેરસિંહ રાણાને હરિદ્વારની કોર્ટમાં હાજર થવા લઈ જવામાં આવે ત્યારે જ ભાગી જવું. ઉત્તર પ્રદેશનો જ એક પોલીસ કોન્સ્ટેબલ સંદીપ તેમાં ચાવીરૂપ માણસ હતો. કોઈ એક કેસમાં શેરસિંહ રાણાને હરિદ્વારની કોર્ટમાં હાજર કરવા તે શેરસિંહ રાણાને લેવા દિલ્હીની તિહાડ જેલમાં આવ્યો હતો અને શેરસિંહ રાણાનો કાયદેસરનો કબજો લઈ તે હરિદ્વાર લઈ જવા નીકળ્યો હતો. અગાઉની ગોઠવણ પ્રમાણે રસ્તામાંથી જ પોલીસ કોન્સ્ટેબલની મદદથી જ શેરસિંહ રાણા ભાગી ગયો હતો.

પોલીસના હાથમાંથી છટકી ગયા બાદ શેરસિંહ રાણા બાંગલાદેશ જતો રહ્યો હતો અને બાંગલાદેશના ખુલના ખાતે સંજય નામ ધારણ કરી એક મકાનમાં ભાડેથી રહેવા લાગ્યો હતો. કેટલોક સમય ત્યાં રોકાયા બાદ તે દુબઈ જતો રહ્યો. દુબઈથી તે કાબુલ-અફઘાનિસ્તાન ગયો. કાબુલમાં સત્તાવાળાઓને તેણે એમ સમજાવ્યું કે, “હું અમારા પૂર્વ રાજા પૃથ્વીરાજ ચૌહાણની સમાધી શોધવા આવ્યો છું અને તેમનાં અસ્થિ મારે ભારત લઈ જવા છે.” એવી રજૂઆત પછી તે કંદહાર, હેરાત અને ગઝની પણ ગયો હતો. એ વખતે આ વિસ્તારોમાં તાલિબાનોનું શાસન હતું.

અલબત્ત, ભારતના પડોશી દેશોમાં તે ઝાઝું રહી શક્યો નહીં. દિલ્હી પોલીસ તેની શોધ ચલાવી જ રહી હતી. છેવટે સર્વેલન્સના આધારે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટુકડીએ તેને કોલકાતાથી ઝડપી લીધો અને દિલ્હી લાવી ફરી કોર્ટ સમક્ષ રજૂ કરી જેલમાં પૂરી દીધો. પોલીસે તેની પાસેથી જે પાસપોર્ટ જપ્ત કર્યો તે તેણે સંજય ગુપ્તાના નામે લીધો હતો. એની પાસેથી એક સેટેલાઈટ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો જે તેણે ઢાકામાંથી ખરીદ્યો હતો.

આવા શેરસિંહ રાણાને ડાકુરાણી ફૂલનદેવીની હત્યા માટે દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે દોષિત જાહેર કર્યો છે. તેને શું અને કેટલી સજા ફરમાવવામાં આવે છે તે કાલે તા. ૧૨મી ઓગસ્ટે જાહેર થશે. વેરની વસૂલાતની આ કથા એક થ્રીલર જેવી છે.

– દેવેન્દ્ર પટેલ