રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

“હુંમાનું છું અને મેં અસંખ્ય વાર કહ્યું છે કે, હિન્દુસ્તાન એનાં ગણ્યાંગાઠયાં શહેરોનાં નહીં પરંતુ સાત લાખ ગામડાંઓમાં વસે છે. આપણે કદી પૂછતાં પણ નથી કે ગામડાંઓમાં વસતાં ગરીબ લોકોને પૂરતાં અન્નવસ્ત્ર મળે છે કે નહીં. એમનું તડકો અને વરસાદથી રક્ષણ કરવા માથે છાપરું છે કે નહીં. મેં જોયું છે કેે શહેરના લોકોએ ગામડાંના લોકોને લૂંટયા છે. ગામડાંની વસતીનો મોટો ભાગ ભૂખમરા જેવી પરિસ્થિતિ ભોગવે છે. કરોડો લોકોને ચપટી મીઠું,મરચું ને ચાવલ કે સસ્તું ખાઈને સંતોષ માણવો પડે છે. મોટાં શહેરો ઊભાં થવાં તે રોગની નિશાની છે. ગામડાંના લોહીના સિમેન્ટથી જ શહેરોની મોટી મોટી મહોલાતો બંધાઈ છે.”

આ શબ્દો ગાંધીજીના છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ગ્રામ સ્વરાજ’ આજે લગભગ ભુલાઈ ગયેલું પુસ્તક અને ભુલાઈ ગયેલો વિચાર છે. શહેરોને વધુ મોટાં મેગા શહેરો બનાવવાની ઘેલછામાં જ્યાં અસલી ભારત વસે છે તેવાં ગામડાંઓ માટે ગાંધીજીએ છેક આઝાદીની પણ પહેલાં ‘નવજીવન’ અને ‘હરિજનબંધુ’ માટે કેટલાંક લખાણો લખ્યાં હતાં. તેમાંથી પસંદગીના લેખો પર આધારિત ‘ગ્રામ સ્વરાજ’ પુસ્તક તૈયાર કરાયું હતું.

ગાંધીજીએ તા. ૫ાંચ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ પંડિત જવાહરલાલ નહેરુને એક પત્ર લખી જણાવ્યું હતું કે, “હું માનું છું કે હિન્દુસ્તાને અને તેની મારફત દુનિયાએ પણ સાચી સ્વતંત્રતા મેળવવી હશે તો આજે નહીં તો કાલે ગામડાંઓમાં જ રહેવું પડશે,ઝૂંપડીમાં જ રહેવું પડશે, મહેલોમાં નહીં. અબજો માણસો શહેરોમાં અને મહેલોમાં સુખ-શાંતિથી કદી રહી શકશે નહીં.”

ગાંધીજીએ ગ્રામ સ્વરાજની કલ્પના કરતાં લખ્યું છેઃ “સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠેબેઠે રાજવહીવટ ચલાવનારા ૨૦ માણસો ચલાવી શકતા નથી. સાચી લોકશાહી તો છેક નીચેથી દરેક ગામના લોકોએ ચલાવવાની રહેશે.”

ગાંધીજી માનતા હતા કે જે ઓછામાં ઓછું શાસન કરે તે સર્વોત્તમ સરકાર. આ માટે તેમણે ‘ગ્રામ સ્વરાજ’ની કલ્પના કરેલી છે. ગાંધીજીની કલ્પનાના ગ્રામ સ્વરાજમાં ‘રાજ્યનું વિલિનીકરણ’ નથી પણ ‘રાજ્યનું વિકેન્દ્રીકરણ’ છે. તેમણે કહ્યું છે કે, “સ્વતંત્રતાની શરૂઆત પાયાથી થાય, એટલે કે હિન્દુસ્તાનનું એકેએક ગામ રાજ્ય અમલની પૂરેપૂરી સત્તા ધરાવતું પ્રજાસત્તાક અથવા પંચાયત બને.”

ગાંધીજીએ તો એથીયે આગળ વધીને કહ્યું હતું કે, “સ્વરાજ્ય એટલે સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ; પછી તે સરકાર પરદેશી હોય કે દેશની. ગ્રામસ્વરાજ જ્યારે સોળે કળાએ ખીલી ઊઠશે ત્યારે તેની સુવાસ ચોમેર ફેલાશે અને જગતને અનુકરણીય આદર્શ મળશે.”

ગાંધીજી કહે છેઃ “સ્વરાજ એ પવિત્ર શબ્દ છે, વેદકાળ જેટલો પ્રાચીન છે. એનો અર્થ પોતાનું નિયમન, પોતાનો અંકુશ એવો છે.’ઇન્ડિપેન્ડન્સ’ એટલે સંપૂર્ણ નિરંકુશતા આવે તેવો નથી. જેમ દરેક દેશને ખાવા-પીવાનો અને શ્વાસ લેવાનો અધિકાર છે તે જ પ્રમાણે દરેક રાષ્ટ્રને પોતાનો વહીવટ ચલાવવાનો અધિકાર છે, પછી તે ગમે તેટલો ખરાબ વહીવટ ચલાવે.”

તેઓ કહે છેઃ “ગ્રામ સ્વરાજનો મારો ખ્યાલ એવો છે કે દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક હોવું જોઈએ. પોતાની જરૂરિયાત મુજબનાં અન્ન અને કાપડ માટે કપાસ ઉગાડવાની પહેલી ફરજ રહેશે. પોતાનાં ઢોરને ચારવા માટે, બાળકોને રમતગમત

માટે અને મોટેરાંઓના આનંદપ્રમોદ માટે તે અલગ જમીન રાખશે. તે પછી પણ ગામ પાસે જો ફાજલ જમીન રહે તો તેમાં ઉપયોગી અને બજારમાં વેચી શકાય તેવા પાકો લેવા. ઉપયોગી એટલે તેમાં ગાંજો, અફીણ કે તમાકુ જેવા પાક નહીં. દરેક ગામ એક નાટકઘર, પોતાની નિશાળ અને એક સભાગૃહ નિભાવશે. દરેક ગામને સ્વચ્છ પાણી મળે તેવી જોગવાઈ કરવામાં આવે. કેળવણી ફરજિયાત રહેશે. બની શકે તો દરેક પદ્ધતિ સહકારી પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે ચાલશે. અસ્પૃશ્યતાની ચડતી ઊતરતી શ્રેણીવાળી જ્ઞાાતિવ્યવસ્થા તેમાં નહીં હોય. ગામની ચોકી માટે ફરજિયાત ચોકી બનાવવી અને ચોકી માટે વારા પ્રમાણે ચોકિયાતોની પસંદગી કરવી. નિયમ પ્રમાણે નક્કી કરવામાં આવેલી ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળા ગામનાં પુખ્ત ઉંમરનાં સ્ત્રી-પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેર કાર્યો કરશે. આ પંચાયતને જરૂરી બધી સત્તાઓ અને અધિકાર આપવામાં આવશે. હાલના માન્ય અર્થમાં શિક્ષાની કોઈ પદ્ધતિનો અમલ નહીં હોય. એટલે કે પંચાયત પોતાના અમલના એક વર્ષ માટે ગામની ધારાસભા, ન્યાયાધીશી અને કાર્યવાહક મંડપ બનશે. આને જ પ્રજાસત્તાક ગામ કહેવાય.”

ગાંધીજીએ આદર્શ ગામની કલ્પના કરતાં લખ્યું છે કે, “ભારતવર્ષના આદર્શ ગામની રચના એવી હશે કે જ્યાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની અનુકૂળતા રહે. તેમાં પૂરતાં હવા-ઉજાસવાળી ઝૂંપડીઓ હશે, જે આસપાસના પાંચ માઈલના ઘેરાવામાંથી મળેલી સાધનસામગ્રીથી બનેલી હશે. ઝૂંપડીઓના વાડા રાખેલા હશે જેથી ત્યાં વસનાર માણસો તેમના ઘર માટે પૂરતાં શાકભાજી ઉગાડી શકે અને ઢોર રાખી શકે. ગામડાંઓમાં રસ્તા અને શેરીઓ ધૂળ વિનાનાં બનાવવાં. ગામની જરૂરિયાત પૂરતાં કૂવા હશે તેનાથી પાણી ભરવાની સહુને છૂટ હશે. સહુ માટે ઉપાસનાનાં સ્થાનો હશે. એક સાર્વજનિક સભાસ્થાન હશે. ઢોરને ચારવા ગૌચર હશે. સહકારી પદ્ધતિએ ચાલતું દુગ્ધાલય હશે. ઝઘડા પતાવવા માટે એની પંચાયતો એ ગામડાંમાં જ હશે. ગામડાં પોતાની જરૂરિયાત મુજબની ખાદી બનાવી લેશે. મારી કલ્પનાના ગામમાં વસતો માણસ જડ નહીં હોય, શુદ્ધ ચૈતન્ય હશે. તે ગંદકીમાં, અંધારા ઓરડામાં જાનવરની જેમ જિંદગી ગુજારતો નહીં હોય.”

ગાંધીજીએ સ્પષ્ટપણે આ પુસ્તકમાં લખ્યું છે કે, “રામરાજ્ય એટલે હિન્દુઓનું રાજ્ય એમ વિચારવાની ભૂલ કોઈએ કરવી નહીં. મારો રામ એ ‘ખુદા’ અથવા ‘ગોડ’નું બીજું નામ છે. મારે તો ખુદાઈ રાજ્ય જોઈએ છે એનો અર્થ એ છે કે પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય હોય. હિન્દુસ્તાનને હું એવું સ્વતંત્ર અને સુદૃઢ જોવા માગું છું કે તે જગતના હિતને ખાતર પોતાનું સ્વેચ્છાપૂર્વક અને શુદ્ધ બલિદાન આપે. શુદ્ધ વ્યક્તિ કુટુંબ માટે બલિદાન આપશે, કુટુંબ ગામ માટે, ગામ જિલ્લા માટે, જિલ્લો પ્રાંત માટે, પ્રાંત રાષ્ટ્ર માટે અને રાષ્ટ્ર સમસ્ત માનવજગત માટે. સ્વરાજ દ્વારા આપણે જગતનું હિત સાધવું છે. રાજ્યે નિર્માણ કરેલી સરહદોની પેલે પારના આપણા પાડોશીઓને આપણી સેવા આપવા માટે કોઈ સીમા નથી. ઈશ્વરે કદી એવી સરહદો સર્જી નથી. સાચા અર્થમાં સ્વતંત્ર હિન્દુસ્તાન આફતમાં આવી પડેલા પોતાના પાડોશીઓની મદદે દોડી જશે. આપણે રાષ્ટ્ર તરીકે દુનિયા માટે સ્વાર્થનો ત્યાગ કરવો પડશે.મહાસાગરમાંના પાણીનું એક ટીપું કશું શુભ કાર્ય કર્યા વિના નાશ પામે છે. પણ તે જ ટીપું મહાસાગરના એક અંગ તરીકે વિરાટકાય મોટાં જહાજોના કાફલાને પોતાની સપાટી પર ચડી જવાના મહાસાગરના ગૌરવનું ભાગીદાર પણ બને છે.”

ગાંધીજીએ તેમના ગ્રામ સ્વરાજની કલ્પનામાં (૧)પૂરતી રોજગારી, (૨) જાત મહેનત, (૩) સમાનતા, (૪) ટ્રસ્ટીપણું, (૫) વિકેન્દ્રીકરણ, (૬) સ્વદેશીની ભાવના, (૭) સ્વાવલંબન, (૮) સહકાર, (૯) સત્યાગ્રહ, (૧૦) સર્વધર્મ સમભાવ, (૧૧) પંચાયતરાજ, (૧૨) પાયાની કેળવણી, (૧૩) વાલીપણું, (૧૪) આદર્શ ગ્રામસેવક, (૧૫) ગ્રામ સંરક્ષણ માટે શાંતિસેના અને (૧૬) ગ્રામોદ્યોગો વગેરેના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.

બાપુના ગ્રામ સ્વરાજ્યની આ છે કલ્પના. આજે દેશ સ્વતંત્ર થયો છે, પરંતુ બાપુની કલ્પના કરતાં ઊંધું જ ચાલે છે. ગ્રામપંચાયતો કરતાં જિલ્લાના તંત્ર પાસે વધુ સત્તા છે. જિલ્લાના તંત્ર કરતાં રાજ્ય સરકારો પાસે વધુ સત્તા છે. સત્તાના વિકેન્દ્રીકરણની વાત તો હવાઈ ગઈ છે. ગામડાંઓમાં ગંદકી અને પંચાયતોમાં વેરઝેર વધ્યાં છે. ગ્રામોદ્યોગ જેવી કોઈ ચીજવસ્તુ રહી જ નથી. રોજગારી માટે ગામડાંનો યુવક ફાંફાં મારે છે. ગામડાં તૂટી રહ્યાં છે. શહેરોનું કદ રાક્ષસી રીતે વિકસી રહ્યું છે. ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત ભાંગીને ભુક્કો થઈ ગયો છે. બાપુના આજનાં ગામડાંઓની હાલત બતાવવા જેવી રહી નથી.

સોરી,બાપુ!

ગાંધીજીની કલ્પનાનું ‘ગ્રામ સ્વરાજ’ કેવું હોય?

www. devendrapatel.in