રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

અલ બગદાદી અને હાફિઝ સઇદનું ષડ્યંત્ર 

હાફિઝ સઇદ. ઓસામા બીન લાદેન પછી તે સૌથી વધુ ખતરનાક ત્રાસવાદી નેતા છે. પાકિસ્તાનમાં રહીને ભારત વિરોધી ઝેર ઓકે છે. મુંબઈમાં આતંકી હુમલો કરાવનાર અને કસાબને ભારત મોકલનાર હાફિઝ સઇદ હતો. તાજેતરમાં જ દિલ્હીસ્થિત એક પત્રકાર વેદ પ્રતાપ વૈદિકે પાકિસ્તાનમાં તેની મુલાકાત લીધી. તેમના કહેવા પ્રમાણે હાફિઝ સઇદને જે સુરક્ષા પૂરી પાડવામાં આવી છે તે પાકિસ્તાનના વડાપ્રધાનની સુરક્ષા કરતાં પણ વધુ સજ્જડ છે. આ પત્રકાર હાફિઝ સઇદને મળ્યા ત્યારે પણ એ ખંડમાં અને તેની બારીમાં બંદૂકધારી એક માણસ ઊભો હતો. આ સુરક્ષા પાકિસ્તાન સરકારે પૂરી પાડી છે કે પછી તેની પ્રાઇવેટ છે તે સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ભારતને ડંખ દેવા માગતા વિષધર કાળા સર્પોને પાકિસ્તાન તેની ભૂમિ પર પનાહ આપે છે. ડોન દાઉદ ઇબ્રાહિમ પછી હાફિઝ સઇદ એ ભારત માટેનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર છે. ચોંકાવનારી વાત તો એ છે કે જમાત-ઉદ-દાવાનો આ ત્રાસવાદી નેતા હાફિઝ સઇદ તાજેતરમાં જ રાજસ્થાન નજીકની પાકિસ્તાનની સિંધ સીમામાં જોવા મળ્યો હતો. બાડમેર સેક્ટરના પાકિસ્તાન સીમામાં આવેલાં કેટલાંક ગામોની તેણે મુલાકાત લીધી હતી. એ વિસ્તારોનાં નામ ઐરપુર, મીરપુર ખાસ, મીઠી અને ઇસ્લામકોટ છે. આ વિસ્તારો બાડમેરના મુનાવાવ-ગદરારોની સામે આવેલા છે. અહીંથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અઠવાડિયામાં એક ટ્રેન પણ ચાલે છે. ‘થાર એક્સપ્રેસ’ તરીકે જાણીતી આ ટ્રેન ભારતના જોધપુરથી બાડમેર અને મુનાવાવ થઈ પાકિસ્તાનમાં પ્રવેશે છે અને પાકિસ્તાનની સીમામાં આવેલા ખોકરપુર, મીરપુર ખાસ, હૈદરાબાદ થઈ અહેમદપુર(પાકિસ્તાન) પહોંચે છે. આ વિસ્તારોમાં વર્ષોથી ગરીબ અને પછાત વર્ગના હિન્દુઓ વસે છે. આ વિસ્તાર રણ હોવા છતાં તાજેતરમાં તે ભૂમિમાંથી કોલસો અને ગેસ નીકળ્યા હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે.

એક અહેવાલ પ્રમાણે હાફિઝ સઇદ ભારતની સીમા નજીકના પાકિસ્તાનના આ વિસ્તારોમાં ત્રાસવાદીઓને મદદ પૂરી પાડી શકે તેવાં સ્લીપરસેલ અને ત્રાસવાદી છાવણીઓ ઊભી કરવા માગે છે. હાફિઝ સઇદની એ ગ્રાન્ડ ડિઝાઇન છે કે આ વિસ્તારોમાં તાલીમ લઈ ત્રાસવાદીઓને આસાનીથી ભારતની સીમામાં ઘુસાડી દેવા. આ વિસ્તારોનું વ્યૂહાત્મક મહત્ત્વ એ પણ છે કે, તેની સામે ભારતીય સરહદમાં રિલાયન્સની રિફાઇનરીઓ અને બીજાં કેટલાંક આર્થિક કેન્દ્રો આવેલાં છે, એટલે હાફિઝ સઇદ ભારતમાં ત્રાસવાદીઓને ઘુસાડવા એક નવો જ રૃટ તૈયાર કરી રહ્યો છે. હાફિઝ સઇદ હવે માનવ હત્યાની સાથે સાથે ભારતની રિફાઇનરીઓ અને ઔદ્યોગિક એકમોને ધ્વસ્ત કરી ભારતની આર્થિક કમર તોડી નાખવા માગે છે.

હાફિઝ સઇદ આ અગાઉ પણ પૂંચ સેક્ટરની સામે આવેલી લાઇન ઓફ કંટ્રોલની પણ મુલાકાત લઈ ચૂક્યો છે. એ મુલાકાતના થોડા દિવસો બાદ જ પાકિસ્તાનના લશ્કર-એ-તોઈબા નામના ત્રાસવાદી સંગઠનની મદદથી પાકિસ્તાનના લશ્કરના જવાનોએ બે ભારતીય સૈનિકોની કરપીણ હત્યા કરી હતી અને એક ભારતીય જવાનોનું તો માથું કાપીને લઈ ગયા હતા. એમ કહેવાય છે કે સીમા પરની આ ઘૃણાસ્પદ ઘટના પણ હાફિઝ સઇદના ઈશારે જ ઘટી હતી. આ ઘટના પણ હાફિઝ સઇદની ગ્રાન્ડ ડિઝાઇનનો એક ભાગ જ હતી. અત્રે એ વાત નોંધવી જોઈએ કે આ જ સમયગાળામાં બગદાદના એક ખતરનાક ટેરરિસ્ટ અલ બગદાદીએ ઇરાક અને સીરિયાનું બનેલું એક ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કર્યું હતું અને ઇરાકમાં લોહિયાળ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. અબુ બકર બગદાદીએ ઇસ્લામિક ખિલાફતની રચનાની જાહેરાત કરી પોતે તેનો ખલીફા છે તે જાહેરાત પણ કરી દીધી હતી. અલ બગદાદીની આ સંસ્થાISIS તરીકે પણ જાણીતી છે. ISISના પ્રવક્તાએ હવે એવી જાહેરાત પણ કરી છે કે, “અમારું લક્ષ્ય માત્ર ઇરાક-સીરિયા પૂરતું નથી, પરંતુ આખું વિશ્વ છે. વિશ્વભરના મુસ્લિમો અમારા ખલીફાને સમર્થન જાહેર કરે. અમારા ખલીફા હવે ઇરાક અને સીરિયાના જ નહીં, પરંતુ તમામ મુસ્લિમોના રાજકીય અને મિલિટરી નેતા છે.”

એ પછી અલ બગદાદીએ ઇરાક-સીરિયાની ખિલાફતના વડા તરીકે પબ્લિકને સંબોધતાં કહ્યું કે, “દુશ્મનોને ખત્મ કરો. તમને એ જ્યાં મળે ત્યાં તેમને મારી નાખો. તમને બચાવવા તમારા ભાઈઓ તૈયાર છે.”

આ એક ગ્રાન્ડ ડિઝાઇન અર્થાત્ વિશ્વવ્યાપી ષડ્યંત્ર છે. અલ બગદાદીએ જ્યારે આ સંબોધન કર્યું ત્યારે તેણે ભારતનો પણ ઉલ્લેખ કર્યો હતો. અલ બગદાદી ISIS માટે ભારત તેનું મુખ્ય લક્ષ્યાંક છે. ISISની ગ્રાન્ડ ડિઝાઇનમાં તે આખા વિશ્વમાં કટ્ટર ઇસ્લામિક પ્રભુત્વ ઊભું કરવા માગે છે. તેઓ દુનિયાનો નકશો બદલવા માગે છે. એ તેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તેમના પ્રસ્તાવિત ઇસ્લામિક પ્રભુત્વ હેઠળના નકશામાં ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો (ગુજરાત સહિત)ને લાવવા માગે છે. આ વિશ્વવ્યાપી ષડ્યંત્રમાં કરાયેલા પ્રસ્તાવિત નકશામાં ખોરસન ખિલાફત હેઠળ ભારતના આ વિસ્તારોને સમાવી લેવા માગે છે. ભારતના કેટલાંક વિસ્તારોને નવા ઇસ્લામિક રાષ્ટ્રનો એક હિસ્સો બનાવી દેવો તે તેમની ISISની ગ્રાન્ડ ડિઝાઇનનો એક ભાગ છે. બસ, આ જ સમયગાળા દરમિયાન હાફિઝ સઇદે પાકિસ્તાનના ISISના પ્રસ્તાવિત નકશામાં દર્શાવેલાં ગામોની મુલાકાત લીધી હતી. આ ઘટના અત્યંત સૂચક છે. શું હાફિઝ સઇદ અને અલ બગદાદી એકબીજાના સંપર્કમાં તો નથીને? હાફિઝ સઇદની ભારતની સરહદ નજીકના પાકિસ્તાનનાં ગામોની મુલાકાત એ ગ્રાન્ડ ડિઝાઇનના ભાગરૃપે તો નહોતીને? આ ષડ્યંત્રનો માસ્ટર માઇન્ડ કોણ છે? એ વાતમાં કોઈ શંકા નથી કે આ ગ્રાન્ડ ડિઝાઇનના કાવતરામાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ જ મહત્ત્વપૂર્ણ રોલ ભજવી રહી છે. હાફિઝ સઇદને પાકિસ્તાનમાં આઈએસઆઈ જ રક્ષણ અને મદદ પૂરી પાડે છે. આઈએસઆઈ ભારત વિરોધી કૃત્યો હાફિઝ સઇદ મારફતે જ કરાવે છે. હાફિઝ સઇદ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર થયો હોવા છતાં પાકિસ્તાન ખુલ્લેઆમ ફરે છે. ખુલ્લેઆમ સભાઓ કરે છે. આઈએસઆઈ માટે તે વ્યૂહાત્મક એસેટ ગણાય છે. તે પાકિસ્તાનની સુપર એજન્સી તરીકે કામ કરે છે અને આઈએસઆઈ પાકિસ્તાનના લશ્કરને પણ નિયંત્રિત કરે છે. પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકારનો લશ્કર અને આઈએસઆઈ પર કોઈ ખાસ કંટ્રોલ નથી. ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ માટે આઈએસઆઈ કરોડો રૃપિયા ત્રાસવાદી સંગઠનોને આપે છે. આ સંગઠનો ભારત અને અફઘાનિસ્તાનમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરાવે છે. ઇરાકના અલ બગદાદીની ISIS પાસે દરેક રાષ્ટ્ર માટે અલગ યોજના છે. પાકિસ્તાનની આઈએસઆઈ તેની વ્યૂહરચનામાં એક મહત્ત્વપૂર્ણ સાથીદાર છે. ઇરાકની ISIS અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ વચ્ચે ભારત વિરોધી ષડ્યંત્ર માટે કોઈ ગુપ્ત સમજણ ને જોડાણ થયું હોય તો નવાઈ નહીં. એ વાત ચોક્કસ છે કે, ઇરાકના અલ બગદાદીની ભારત વિરોધી ગ્રાન્ડ ડિઝાઇનમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ તેનો ફ્રંટમેન હાફિઝ સઇદ અને ‘સીમી’ તેના પ્લેયર્સ છે.

www. devendrapatel.in