રહી રહીને રાજકારણીઓએ તા. ૮મી ઓગસ્ટને યાદ કરી.

કોઈકને વળી ઈન્દુચાચા યાદ આવ્યા તો કોઈને વીર કિનારીવાલા યાદ આવ્યા. આઝાદી માટે કે મહાગુજરાતની ચળવળ માટે શહીદ થનારા લોકોને નવી પેઢી યાદ કરતી નથી. જવાહરલાલ નહેરુ જયારે વડા પ્રધાન હતા ત્યારે મોરારજી દેસાઈ દિલ્હીમાં રહીને પણ ગુજરાતના ‘સર્વેસર્વા’ ગણાતા હતા. મોરારજીભાઈની ઇચ્છા વિના ગુજરાત કોંગ્રેસમાં પાંદડું યે હલી શકતું નહીં. આજની નવી પેઢીને એ વાતની ખબર નથી કે, મોરારજી દેસાઈએ ગુજરાત અને મહારાષ્ટ્ર, એમ બે રાજ્યોનું ભેગું દ્વિભાષી રાજ્ય બનાવવાનો દુરાગ્રહ સેવ્યો હતો. આ મોરારજીભાઈના આ વિચાર સામે ગુજરાતમાં અલગ મહાગુજરાત માટે જબરદસ્ત આંદોલન છેડાયું હતું. દિવસોના દિવસો સુધી હડતાળો પડી હતી. કરફ્યૂ થયો હતો. સરઘસો નીકળ્યાં હતાં. ગોળીબારો થયાં હતાં. અનેક યુવાનો શહીદ થયા હતા. એ વખતે ગુજરાતના કોંગ્રેસી આગેવાન ઠાકોરભાઈ પટેલ મોરારજી દેસાઈના ચુસ્ત સમર્થક પણ દૃઢતાથી પોતાના વિચારોને રજૂ કરવાની હિંમત ધરાવનાર નેતા હતા.

ઈન્દુચાચા કેવા હતા?

મહાગુજરાત ચળવળના અગ્રણી ઈન્દુચાચા, બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવળ, હરિહર ખંભોળજા, જયંતી દલાલ, બુલાખી નવલખા,કરસનદાસ પરમાર, જશવંત સુતરીયા અને અબ્દુલ રઝાક જેવા નેતાઓ હવે રહ્યા નથી. આજે ગુજરાતનું અલગ રાજ્ય છે તો તેનો યશ ઇન્દુલાલ યાાજ્ઞિાક અને તેમના સાથીઓને જાય છે. ઇન્દુચાચા એક ફકીર જેવા હતા. કારંજ પોલીસ સ્ટેશન સામેની ગલીમાં એક મેડા પર તેમની ઓફિસ હતી અને તેઓ એ મેડા પર ઓફિસમાં જ રહેતા હતા. ઓફિસમાં જ બહારથી જમવાનું મગાવી ખાઈ લેતા. તેઓ પત્રકાર પરિષદ બોલાવે તો ચાનો ઓર્ડર આપે અને ચાના પૈસા પત્રકારોએ જ ખુશી ખુશીથી આપવા પડતા. ઇન્દુચાચા મેડા પરથી નીચે ઊતરે એટલે એમને જ્યાં જવું હોય ત્યાં રિક્ષાવાળો મૂકી જતો. એમની પાસેથી કોઈ ભાડું વસૂલતો નહીં. મહાગુજરાતનું આંદોલન પરાકાષ્ઠાએ હતું ત્યારે એ વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અમદાવાદ આવ્યા હતા અને તેઓ જાહેર સભાને સંબોધવાના હતા. કોંગ્રેસની દ્વિભાષી રાજ્યની યોજનાની વિરુદ્ધ ચાલતા મહાગુજરાતની ચળવળના પ્રણેતા ઇન્દુચાચાની પણ એ જ દિવસે એ જ સમયે અમદાવાદમાં સમાંતર જાહેર સભાનું આયોજન થયું હતું. બંને સભાઓ થઈ હતી. ફરક એટલો હતો કે, ઇન્દુચાચાની સભામાં જવું હોય તો રિક્ષાવાળાઓ લોકોને મફત લઈ જતા હતા. નહેરુની સરખામણીમાં ઇન્દુચાચાની સભા વધુ પ્રભાવશાળી અને સ્વયંભૂ હતી.

ઠાકોરભાઈની વાણી

એ પુરાણા દિવસોને યાદ કરતાં એ જમાનાના યુવા કાર્યકર અને હવે ભાજપના અગ્રણી જયંતીલાલ પરમાર કહે છે : મહાગુજરાતનું આંદોલન શરૂ થઈ ગયું હતું. મારો કોંગ્રેસ સેવાદળના સૈનિક તરીકે પ્રવેશ થયો હતો. પહોળી લાલ ઘેઘૂર આંખોવાળા, માથે અસ્તવ્યસ્ત વાળ પર અર્ધા કપાળને ઢાંકેલી વાંકી ટોપી, અર્ધી વ્યંગમાં અને અર્ધી મિજાજમાં તંગ રહેતી ભમરવાળા, વજ્ર જેવો નિર્ણય કરવાની તાકાતના પ્રતીક જેવા ભીડાયેલા હોઠવાળા અને ખડકમાંથી કોતરી કાઢી હોય એવી ભીનેવાન મુખમુદ્રાવાળું વ્યક્તિત્વ ધરાવનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તથા પ્રમુખ તરીકે કામ કરતાં ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈને જોયા હતા. દૃઢતાથી અને સ્પષ્ટતાથી પોતાના વિચારોને અસ્ખલિત રીતે વ્યક્ત કરનાર વ્યક્તિ તરીકે મેં તેમને મહાગુજરાત જનતા પરિષદ તરફથી અલગ ગુજરાતની માગણીનું આંદોલન જોર ઉપર હતું ત્યારે તે આંદોલનનો પડકાર ઝીલતાં જોયા છે. તેમના વક્તવ્યોની નોંધ લેવા માટે પત્રકારો હંમેશાં વીંટળાઈ વળતાં. તેમના કેટલાય ઉચ્ચારણો હેડલાઈન બની જતાં અને તેને વારંવાર લોકો ઉચ્ચારતા. સને ૧૯૫૬ની ૮મી ઓગસ્ટના રોજ કોંગ્રેસ ભવન, ભદ્ર ખાતે અલગ ગુજરાતની માગણી કરતા આવી પહોંચેલા યુવાનો ઉપર ગોળીબાર થયો અને વિદ્યાર્થીઓ કૌશિક ઇન્દુલાલ વ્યાસ, સુરેશ જયશંકર ભટ્ટ અને અબ્દુલભાઈ પીરભાઈ શહીદ થયા. ગોળીબારથી ઘવાયેલા પૈકી બીજા બેનું હોસ્પિટલમાં પાછળથી મૃત્યુ થયું. ઘણી મોટી સંખ્યામાં વિદ્યાથીઓ ઘવાયા હતા. ઠાકોરભાઈએ એક જગ્યાએ પ્રવચન કરતાં ગોળીબારની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “ગોળી ઉપર કોઈનાં નામ-સરનામાં નથી હોતાં.” આ વાક્ય હેડલાઈન બની ગયું અને આજે પણ તે વાક્યનો લોકો ઉલ્લેખ કરે છે.

શહીદોની ખાંભી

જૂના સંસ્મરણોને યાદ કરતાં જયંતીલાલ પરમાર કહે છે : કોંગ્રેસ ભવન, ભદ્રની આગળ ટ્રાફિક સર્કલ ઉપર શહીદોની ખાંભી મૂકવાનું આંદોલનકારીઓએ નક્કી કર્યું અને તા. ૮-૮-૧૯૫૮ના રોજ સવારે સરઘસ આકારે આવીને ખાંભી પ્રસ્થાપિત કરવાનું નક્કી કરવામાં આવ્યું. તા. ૭-૮-૧૯૫૮ની રાત્રે કોંગ્રેસના કેટલાક આગેવાનોએ કોંગ્રેસભવનમાં રોકાવાનો નિર્ણય કરવામાં આવ્યો. ઠાકોરભાઈએ પણ તે રાત્રે કોંગ્રેસ ભવનમાં રોકાવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસ સેવાદળના કેટલાક સૈનિકોને પણ રાત્રી રોકાણ માટે રોકાવાનો પણ નિર્ણય લેવાયો. તેમાં તે રાત્રીએ મારે પણ રોકાવાનું થયું. ત્યારે પ્રથમવાર ઠાકોરભાઈ સાથે મેં વાત કરી હતી. રાતભર અમદાવાદ શહેરના વિસ્તારોમાં અને ખાસ કરીને મજૂર વિસ્તારોમાં આ આંદોલનની શી ગતિવિધિ ચાલે છે તેના રાતભર સમાચાર મેળવવામાં આવતાં હતાં. ભદ્રમાં જ આવેલા મજૂર મહાજન સંઘની ઓફિસ પણ રાતભર ધમધમતી રહી. આવા દિવસોમાં મજૂર મહાજન સંઘના ટેલિફોન ઓપરેટર રાતભર મજૂર વિસ્તારમાં આવેલ મિલમાંના પ્રતિનિધિઓનો મિલમાં અને તેમના વિસ્તારમાં સંપર્ક મારફતે આંદોલનની તૈયારીની માહિતી મેળવવામાં આવતી અને તે માહિતી કોંગ્રેસભવનમાં ઠાકોરભાઈને અપાતી અને આ આંદોલનમાં મજૂર વિસ્તારના લોકો આમાં ઓછા જોડાય તેવા પ્રયત્નો રાતભર ચાલ્યા. તા. ૮-૮-૧૯૫૮ના રોજ આંદોલનકારીઓએ વિશાળ સંખ્યામાં આવીને કોંગ્રેસભવનની સામે ટ્રાફિક સર્કલ ઉપર શહીદની ખાંભીને સ્થાપિત કરી. ઠાકોરભાઈ, આગેવાનો અને સેવાદળના સૈનિકો શાંતિથી આ સમગ્ર વિધિ કોંગ્રેસભવનના પહેલા માળની લોબીમાંથી જોઈ રહ્યા હતા. આજે લાલદરવાજા પાસે જૂના કોંગ્રેસ ભવન (સરદાર ભવન) સામે એક શહીદ સ્મારક છે, પણ ભાગ્યે જ કોઈ તેને યાદ કરે છે.

ઠાકોરભાઈનું ચોકઠું

ઠાકોરભાઈ ભાષણ કરતાં હોય તો જાણે સામે બેઠેલા લોકો સાથે વાત કરતા હોય તેમ ભાષણ કરતા. ઊંચા અવાજે કોઈ જોરશોરથી કે હાથ ફેલાવી કે પછાડીને ભાષણ કરતાં નહીં. તેમની વાતમાં રમૂજ અને વ્યંગ દેખાઈ આવતા. ગુજરાત રાજ્યમાં મંત્રી બન્યા પછી એકવાર અમે ઠાકોરભાઈને પૂછયું કે તમને શો ફાયદો થયો ? તેમણે કહ્યું કે, મને ફાયદો નથી થયો, પણ અમારા વેવાઈ બહુ ખુશ છે. ઠાકોરભાઈએ એકવાર કહ્યું કે, વેવાઈને ઘરે ગયો હતો. નહાયા પછી મેં બદલવા ધોતી માગી તો મને તેમણે મિલની ધોતી આપી. મેં બદલી, પણ મને મેં કાંઈ પહેર્યું હોય તેમ લાગતું જ નહીં. ઠાકોરભાઈ હંમેશાં ગળી અને ઈસ્ત્રી વગરનું જાડું ધોતિયું અને ઝભ્ભો પહેરતાં અને માથે અડધું કપાળ ઢંકાય તેમ ગાંધી ટોપી પહેરતાં. કોંગ્રેસભવનમાં તેમના માટે રિલીફ સિનેમા પાસેની ઈમ્પીરિયલ હોટેલમાંથી ચા મગાવવામાં આવતી. ઠાકોરભાઈ વિધાનસભામાં જ્યારે ચર્ચાનો જવાબ આપતા ત્યારે વિધાનસભાના અધ્યક્ષને ઉદ્દેશીને ‘માનનીય અધ્યક્ષશ્રી’ કહેવાને બદલે ‘માનનીય સ્પીકરશ્રી’ કહેતા ત્યારે ઠાકોરભાઈને ટોકતા કોઈએ કહ્યું કે, તમે ગુજરાતીના આગ્રહી છો અને અધ્યક્ષશ્રી કહેવાને બદલે અંગ્રેજી શબ્દ સ્પીકરનો કેમ ઉપયોગ કરો છો ? તેમણે જવાબ પણ રમૂજમાં આપ્યો હતો કે, અધ્યક્ષ શબ્દ બોલું તો તે બોલવામાં મારું દાંતનું ચોકઠું નીકળી જાય તેમ છે તેથી સ્પીકરશ્રી બોલું છું.

ઓગસ્ટ મહિનો ઈન્દુચાચાઠાકોરભાઈ દેસાઈહરિહર ખંભોળજાને યાદ કરવાનો મહિનો છે