અમેરિકામાં ૧૫૦ મિલિયન ડોલરના ખર્ચે અક્ષરપુરુષોત્તમ સંસ્થા દ્વારા અતિ ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. તેની પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપવા અમેરિકા જવા માંગતા લોકોનો ધસારો જોઈ વિમાન કંપનીઓએ ભાડાં બેવડાં કરી દીધાં છે. ભગવાનના મંદિરો બને તે કોઈને પણ ગમે પરંતુ હિન્દુ મંદિરો અને જૈન દહેરાસરો માટે કિંમતી પથ્થરો અને આરસપહાણ પાછળ જે અબજો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે તે આ દેશના સમાજની સાંપ્રત કરુણ પરિસ્થિતિ કરતાં સાવ વિપરીત જ અને ગરીબોની મજાક કરનારી હોય તેમ લાગે છે. દેશની વાત કરીએ તો ૪૦ કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં જીવે છે. એક માત્ર ગુજરાતમાં જ ૧૪.૭૫ લાખ પરિવારો પાસે રહેવા ઘર નથી. કેટલાંયે ગામડાંઓમાં સ્કૂલો પાસે શૌચાલયો નથી. શૌચાલયોના અભાવે સ્કૂલમાં ભણતી કન્યાઓ પારાવાર પીડા અનુભવે છે. કેટલાંયે સ્થળે ભણવાના ઓરડા જ નથી. લાખ્ખો ગરીબ દર્દીઓ સારવાર વિના જ મૃત્યુ પામે છે. મહેલ જેવાં મંદિરો બાંધનારાઓ અને તે માટે નામના મોહના કારણે દાન આપનારાઓને આ ગરીબ, લૂલા- લંગડા, બીમાર અને ઘર વિહોણા દરિદ્રનારાયણો કેમ દેખાતા નથી ?

મધર ટેરેસા

વિશ્વભરના લોકોમાં અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા કરતાં પૃથ્વી પર આજે કોઈનોય ચહેરો સૌથી વધુ જાણીતો હોય તો તે મધર ટેરેસાનો છે. ઈ.સ. ૧૯૧૦માં અલ્બેનિયા (મેસેડોનિયા)માં જન્મેલી અગ્નેશ નામની એક યુવતીએ ભારતને પોતાનું વતન બનાવ્યું. એ પહેલાં અગ્નેશ શેરીઓમાં જઈ અનાથ બાળકોની સેવા કરતી હતી. આઝાદીમાં જોડાયેલા ભાઈએ તેને પત્ર લખી પૂછયું, “બહેન ! તું આ બધું શું કરે છે ?” ત્યારે અગ્નેશે જવાબ આપ્યો : “તમે એક અફસર તરીકે ૨૦ લાખ લોકોના શાસકની સેવા કરો છો. હું આખા વિશ્વના રાજા-ઇશ્વરની સેવા કરવા માગું છું.” અને તે પછી અગ્નેશે ખ્રિસ્તી સાધ્વી- ‘નન’ બનવા નિર્ણય લીધો. માત્ર ૧૯ વર્ષની વયે તેઓ કોલકાતામાં સિસ્ટર ટેરેસા બન્યાં. ૨૦ વર્ષ સુધી બાળકોને ભણાવ્યાં. ૧૯૪૬માં કોલકાતામાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. રસ્તામાં લોહીલુહાણ લોકોને જોઈ તેમનું હૃદય કંપી ઊઠયું અને દીન-દુખિયાઓની સેવા કરવા થેલીમાં માત્ર પાંચ રૂપિયા લઈ કોન્વેન્ટ છોડી દીધી. એ જ દિવસથી કોલકાતાની શેરીઓમાં જઈ નિઃસહાય, બીમાર અને દીન-દુખિયાઓની સેવા કરવાનું કામ તેમણે શરૂ કર્યું. કોલકાતાની એક શેરીમાં સડક પર એક માણસ પડેલો હતો, તે બીમાર હતો. તેના પગે ઘા હતો. કીડા પડી ગયા હતા. તે અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. તેના ઘા એમણે ધોયા. તેને દવા, પાણી અને ભોજન આપ્યું. શેરીઓમાંથી ઊંચકીને તેમને નિર્મળ હૃદય નામના કેન્દ્રમાં લઈ ગયા અને તેમની સારવાર શરૂ કરી. બીજી શેરીમાં બાળકો ભૂખથી કણસી રહ્યાં હતાં. કોલકાતામાં ૩૦૦૦થી વધુ ઝૂુંપડપટ્ટીઓ હતી. તેઓ બાળકો વચ્ચે ગયાં અને તેમને ભોજન આપવાનું શરૂ કર્યું. બીમાર લોકો શેરીઓમાં જ મૃત્યુ પામતાં હતાં. કોલકાતા યુનિર્વિસટીએ એ પ્રશ્ન હલ કરવાનું કામ ટેરેસાને સોંપી દીધું. હવે તેઓ મધર ટેરેસા હતાં. આજે વિશ્વના ૧૬૪ દેશોમાં મધર ટેરેસાએ સ્થાપેલાં ૭૬૬ જેટલાં માનવ સેવા કેન્દ્રો દ્વારા દુખિયારા, ગરીબ અને બીમાર લોકોની સેવાચાકરી થઈ રહી છે અને હા, તેમના સ્થાપેલા કેન્દ્રમાં કોઈ દર્દીને કે દુખિયારા માણસને લાવવામાં આવે છે ત્યારે એવું પૂછવામાં આવતું નથી કે તે કયા ધર્મનો છે ? માટે જ તેઓ આખા વિશ્વનાં માતા- ‘મધર ટેરેસા’ કહેવાયાં.

સાધુઓને લીલા લહેર

આજે આપણી સમક્ષ દીનદુખિયારા લોકોની સેવા કરનારાં સેવા કેન્દ્રો અને બીમાર માણસોની સેવા કરનાર ખ્રિસ્તી સાધ્વીઓ એક પ્રમાણ છે. બીજી બાજુ અંગત પ્રતિષ્ઠા અને સ્પર્ધા માટે અબજો રૂપિયા ખર્ચીને ઊભાં કરાતાં દેવમંદિરો અને પથ્થરો પાછળ લખલૂંટ ખર્ચ એ બીજું પ્રમાણ છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, “હું દરિદ્રનારાયણોમાં જ વસું છું”, પરંતુ ભારતનાં હિન્દુ મંદિરોમાં ઠાકોરજીની ર્મૂિત સમક્ષ ૩૨ ભોજન અને તેત્રીસ શાક પીરસાય છે. અન્નકૂટમાં ૧૦૦ જાતની મીઠાઈ અને ૧૦૦ જાતનો ભાત બનાવાય છે. ઠાકોરજીને જમવાનું પચે એટલે ૧૮ જાતના મુખવાસ ધરાવવામાં આવે છે. દિવસના અંતે ભગવાનની ર્મૂિત તો બિચારી કાંઈ જ આરોગતી નથી, પરંતુ ભગવાનને અન્નકૂટનો થાળ ધરાવનાર પૂજારીઓ અને સાધુઓ અને પરસાદિયા ભક્તો જ એ ૩૨ ભોજન ને ૩૩ પ્રકારનાં શાક આરોગી જાય છે. મંદિરની બહાર ફૂટપાથ પર ઊભેલા કોઈ ગરીબ કે નજીકમાં જ આવેલી ઝૂંપડપટ્ટીનાં નાગા-ભૂખ્યા બાળકો મંદિરના કર્તાહર્તાઓને દેખાતાં નથી. ભારતનાં બડાં બડાં હિન્દુ મંદિરોએ ગરીબ અને આદિવાસી વિસ્તારોના લોકોની કરેલી ઉપેક્ષાના કારણે જ કેરાલાથી માંડીને દેશના અન્ય પ્રદેશોમાં ખ્રિસ્તી મિશનરીઓ સેવાનું કામ કરતી જણાય છે અને આદિવાસી વિસ્તારોમાં હવે ચર્ચ પણ દેખાય છે. કોઈ સાધુને મધર ટેરેસાની જેમ સડક પર બીમાર માણસના ઘા ધોવા નથી. ઘાયલને પાટો બાંધવો નથી. ગરીબ બાળકોને નવરાવવા, ધોવરાવવા કે ભણાવવા નથી. કેટલાક મંદિરો તો લાડુના જમણ ઝાપટતા હટ્ટાકટ્ટા સાધુઓ માટે જ જાણીતાં છે.

મંદિરો બાંધવા સ્પર્ધા

આ બધામાં નોંધપાત્ર વાત એ છે કે, હિન્દુ અને જૈન મંદિરો બાંધવા અંદરોઅંદર જબરદસ્ત સ્પર્ધા ચાલે છે. હિન્દુ ધર્મ વિભાજિત થઈ રહ્યો છે. વૈષ્ણવોનાં અલગ મંદિરો છે, રામાનંદીઓના અલગ, શિવભક્તિઓનાં અલગ અને સ્વામિનારાયણના અલગ સંપ્રદાયો ઊભા થયાં છે. સ્વામિનારાયણ સંપ્રદાય અનેક ફિરકાઓમાં વહેંચાઈ ગયો છે. એક કાલુપુર સ્વામિનારાયણ મંદિર, બીજું શાહીબાગવાળું અક્ષર પુરુષોત્તમ મંદિર, ત્રીજું મણિનગરવાળું સ્વામિનારાયણ મંદિર, ચોથું વાસણાનું સ્વામિનારાયણ મંદિર વગેરે. આ મંદિરના વડાઓ હવે દેશ-વિદેશમાં સૌથી વધુ પૈસા ખર્ચીને વધુ ને વધુ ભવ્ય મંદિરો બાંધવાની માંહોમાંહે સ્પર્ધા કરી રહ્યા છે. કોઈ લંડનમાં મંદિર બાંધે છે તો કોઈ નાઈરોબીમાં, કોઈ ન્યૂજર્સીમાં મંદિર બાંધે છે તો કોઈ કેનેડામાં. મંદિરો બાંધવા એ સારી વાત છે, પણ પથ્થરો પાછળ જે અબજોનું ખર્ચ થાય છે તે આશ્ચર્યજનક છે. થોડા દિવસ પછી ન્યૂજર્સીમાં ૧૬૨ એકરની વિશાળ જગામાં બીએપીએસનું સ્વામિનારાયણ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનું છે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૧૧૦૦ કરતાં વધુ મંદિરો બાંધવામાં આવ્યા છે. અમેરિકામાં બંધાયેલા મંદિરની લંબાઈ ૧૬૪ ફૂટ અને પહોળાઈ ૮૭ ફૂટ છે. ૧૦૮થી વધુ બારીક કોતરણીવાળા સ્તંભો છે. ત્રણ કલાત્મક ગર્ભગૃહ છે. અક્ષરપુરુષોત્તમ સંસ્થા દ્વારા ઇટાલિયન માર્બલથી બનેલા આ મંદિર પાછળ ૧૫૦ મિલિયન ડોલરનું ખર્ચ કરવામાં આવ્યું છે. આ બધું ભવ્યાતિભવ્ય હોવા છતાં એક જ વાત અહીં ખૂટે છે- “દીન-દુખિયાની સેવા કરનાર મધર ટેરેસા જેવા સેવાભાવી સંતો.” આટલું ખર્ચ ગરીબોની સેવા પાછળ કે કોઈ હોસ્પિટલ બાંધવા કરવામાં આવ્યું હોત તો ભગવાન વધુ રાજી થયા હોત. આશ્ચર્યની વાત એ છે કે, આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં જનારા લોકોનો ધસારો પણ એટલો બધો વધી ગયો છે કે, સામાન્ય રીતે અમેરિકા જવાની જે ટિકિટ રૂ. ૬૦ કે ૭૦ હજારમાં મળે છે તે ટિકિટના ભાવ અત્યારે રૂ. એકથી દોઢ લાખ થઈ ગયા છે.

શ્રીમંતોના જ ભગવાન
બોલો !

ભગવાનના દર્શન પણ દોઢ લાખની ટિકિટ ખર્ચનારને જ થશે ! અમદાવાદમાં ગુલબાઈના ટેકરા પર કે મલેકસાબાન સ્ટેડિયમ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેનારા ગરીબો પાસે ટિકિટના પૈસા ના હોઈ ભગવાન તેમનાથી દૂર જ રહેશે. મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેનારા ગરીબો તો ભૂખથી કણસતા જ હશે ? અમદાવાદની હોસ્પિટલોમાં પૈસાના અભાવે કિડની ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવી શકતા દર્દીઓ તો મોતને જ ભેટતા હશે ને ? કુપોષણથી ઝૂરતાં લાખો હિન્દુ બાળકો તો માનું મોં જુએ ના જુએ તે પહેલાં જ ભગવાનના પ્યારાં થઈ જતાં હશે ને ? મંદિરો, પથ્થરો અને મહોત્સવો પાછળ અબજોનો ધૂમાડો કરનારા ધર્મના કસ્ટોડિયનોને આ જીવતા દરિદ્રનારાયણો કેમ દેખાતા નથી ?

નામનો મોહ

એ આશ્ચર્યની વાત એ પણ છે કે, ગામડાંઓમાં લોકો પાસે શૌચાલયો નથી ત્યાં પણ કરોડોના ખર્ચે મંદિરો ઊભાં કરવાની સ્પર્ધા ચાલે છે અને કેટલાક ગામોમાં તો ગુનાઈત ઇતિહાસ ધરાવતાં લોકો જ મંદિરો માટે પૈસા ઉઘરાવતા જણાય છે. આવું જ અન્ય ધર્મોના મંદિરોનું અને તેમના દ્વારા ચલાવવામાં આવતી શૈક્ષણિક સંસ્થાઓનું છે. ધર્મોના સીમાડામાં કેદ થયેલા તેના સંચાલકો પોતાના ધર્મ સિવાય અન્ય ધર્મના બાળકને તેમની સંસ્થામાં ખાસ કરીને છાત્રાલયોમાં પ્રવેશ આપતા નથી.આશ્ચર્યની વાત એ છે કે કેટલીક ર્ધાિમક સંસ્થાઓએ હોસ્પિટલો બાંધી છે પરંતુ તેમની હોસ્પિટલમાં તેમની જ્ઞાાતિ સિવાયની જ્ઞાાતિના દર્દીને પ્રવેશ નથી. આ તે કેવી માનવતા? ધર્માંધ ભક્તો મંદિરમાં જઈ ઘંટનાદ કરે છે, ઝાલર વગાડે છે, ભગવાનને ઠંડીમાં સગડી કરી આપે છે, પરંતુ એ જ મંદિરની બહાર ફૂટપાથ પર સૂતેલા,ઠંડીમાં ઠુંઠવાતા,વરસાદમાં પલળતા કે બે દિવસથી ભૂખ્યા-નાગા બાળકના પેટના દર્દનો આર્તનાદ સંભળાતો નથી. નવું મંદિર બાંધવા કરોડોનું દાન કરનારને પોતાના નામની તખ્તીનો મોહ હોઈ ધૂમ પૈસા આપે છે, પણ ગરીબ બાળકના તનને ઢાંકવા એક ચાદર આપવા   તેમની પાસે પૈસા નથી કારણ કે મધર ટેરેસાની જેમ સડક પર જઈ બીમાર દર્દીની સેવા કરવામાં તેમને છોછ છે અને સડકો પર સેવા કરવાથી તેમના નામની તખ્તી લાગવાની નથી. ધર્મને પણ અંગત પ્રતિષ્ઠાનું કેવું દંભી સ્વરૂપ આપણે આપી ચૂક્યા છીએ ? પરંતુ યાદ રાખજો, જે દિવસે ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે એ આગમાંથી તમને ભગવાન પણ બચાવી શકશે નહીં.

અબજોના ખર્ચે ભવ્ય મહેલો જેવાં મંદિરો અને દહેરાસરો બાંધવા હવે માંહો માંહે હોડ જામી છે