રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

‘સૌંદર્ય’ એ સ્ત્રીઓનો પ્રિય વિષય છે. ઈજિપ્તની રાજકુમારી ક્લિઓપેટ્રા ગધેડાના દૂધથી સ્નાન કરતી હતી. મેરેલિન મનરો અને મધુબાલાની સુંદરતા આજે પણ એક અદ્ભુત સૌંદર્ય પ્રતીક છે. સ્ત્રીઓને સુંદર દેખાવું ગમે છે. ઢળતી ઉંમરે સ્ત્રી વધુ સિંચંત થઈ જાય છે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા અમેરિકન સ્ત્રીઓ માટે એક આઈકોન છે. તેમણે તાજેતરમાં જ કહ્યું છે. કે,”દરેક સ્ત્રીને સારા દેખાવા માટે જે કાંઈ કરવું પડે તે કરવાની છૂટ છે, ભવિષ્યમાં જરૃર પડશે તો હું પ્લાસ્ટિક સર્જરી કે બોટોક્સની ટ્રીટમેન્ટ પણ લઈશ.”

સ્ત્રીઓનાં જે અંગઉપાંગ છે તેમાં સહુથી કમનીય હોઠ છે. મહાકવિ કાલિદાસ તો હિમાલયનાં ઉત્તુંગ શિખરો પર તપ કરતા શિવને પામવા રોજ તેમની પૂજા કરવા જતી પાર્વતીના હોઠથી માંડીને કટિમેખલાનું ઉત્કૃષ્ટ વર્ણન કરતાં પોતાની કલમને રોકી શક્યા નથી. મેરેલિન મનરોના મૃત્યુને ૪૦ વર્ષ થયાં તેમ છતાં તેના ગોરા, રૃપાળા ચહેરા પર લાલ લિપસ્ટિકવાળા હોઠ આજે પણ આંખોને તેની પર સ્થિર કરી દે છે.

લિપસ્ટિકની શોધ ક્યારે થઈ એની તો ખબર નથી, પરંતુ હવે માત્ર લાલ રંગમાં જ નહીં, પરંતુ બીજા અનેક શેડ્સમાં તે ઉપલબ્ધ છે. સ્ત્રીઓને પ્રિય સૌંદર્ય પ્રસાધનોમાં લિપસ્ટિક ‘ક્વીન’ છે, પરંતુ લિપસ્ટિકના ઉપયોગ સામે ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ સ્ત્રીઓને ગોરા બનાવવા માટે વપરાતાં ફેરનેસ ક્રીમ અને લિપસ્ટિકમાં અનુક્રમે મર્ક્યુરી અને ક્રોમિયમ નામનાં ખતરનાક ઝેરી રસાયણો હોવાનું શોધી કાઢયું છે. સૌંદર્ય પ્રસાધનોમાં મર્ક્યુરી કે જે મેટલની શ્રેણીમાં આવે છે અને તેના વપરાશ પર પ્રતિબંધ છે. આ સંસ્થાએ બજારમાં ઉપલબ્ધ ૩૨ પ્રકારનાં ફેરનેસ ક્રીમના નમૂના લીધા હતા. જેમાંથી ૧૪ જેટલાં ક્રીમમાં મર્ક્યુરી હોવાનું જણાયું હતું.

એ જ રીતે બજારમાં ઉપલબ્ધ ૩૦ જેટલી બ્રાન્ડની લિપસ્ટિકના નમૂના લીધા હતા. તેમાંથી ૧૫ જેટલા નમૂનામાંથી ક્રોમિયમ નામનું રસાયણ મળી આવ્યું હતું.

ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના જણાવ્યા અનુસાર મર્ક્યુરી માનવીમાં જબરદસ્ત ચિંતા, ઘેરી હતાશા અને માનસિક બીમારીઓ લાવે છે. મર્ક્યુરી કિડનીને નુકસાન પહોંચાડે છે. માનવ ત્વચાને નુકસાન પહોંચાડે છે અને શ્વાસોશ્વાસની તકલીફો પણ ઊભી કરે છે. તે બ્રોન્કાઇટીસ તથા અસ્થમા જેવા રોગોનું કારણ પણ બને છે. ભારતના કાયદા અનુસાર સૌંદર્ય પ્રસાધનોમાં મર્ક્યુરી જરા પણ હોવો ન જોઈએ, પરંતુ ભારતમાં બનતાં અથવા ભારતમાં ઉપલબ્ધ કોસ્મેટિક્સમાં ભરપૂર મર્ક્યુરી જણાય છે. તેને રોકવા કે તેને નિયંત્રિત કરવા ભારતમાં કોઈ જ અસરકારક તંત્ર નથી.

ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ એક બિનસરકારી સંસ્થા છે. તેની પોતાની એક લેબોરેટરી છે. તેમાં ઠંડાં પીણાંથી માંડીને દૂધ અને સૌંદર્ય પ્રસાધનોમાં રહેલાં તત્ત્વોની ચકાસણી થાય છે અને ત્યારપછી જ તેનાં તારણો જાહેર કરવામાં આવે છે. આ સંસ્થાના અભ્યાસ અનુસાર ૨૦૧૦ના વર્ષ દરમિયાન ભારતમાં રૃ.૨૬,૪૦૦ કરોડનાં સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ થયું હતું. ૨૦૧૩થી માંડીને ૨૦૧૫ સુધી કોસ્મેટિક્સ બનાવતા ઉદ્યોગમાં ૧૭ ટકાનો વૃદ્ધિદર થવા સંભવ છે.

આ સંસ્થાએ કરેલા એક સર્વેમાં ૧૪ જેટલાં ફેરનેસ ક્રીમમાં મર્ક્યુરી હોવાનું શોધી કાઢયું હતું. એ નમૂનાઓમાં ૦.૦૧ પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન)થી માંડીને ૧.૯૭ પીપીએમની માત્રામાં મર્ક્યુરી હોવાનું જણાયું હતું. ફેરનેસ ક્રીમના ત્રણ નમૂનાઓમાં મર્ક્યુરીનું પ્રમાણ એક પીપીએમથી પણ વધુ હતું. અમેરિકન સરકારે સૌંદર્ય પ્રસાધનોમાં વધુમાં વધુ એક પીપીએમની માત્રા સુનિશ્ચિત કરેલી છે. તેથી વધુ માત્રા આવે તો તે ગુનો બને છે. દેશની અત્યંત જાણીતી કંપનીઓ દ્વારા બજારમાં મૂકવામાં આવેલાં ફેરનેસ ક્રીમમાં અમેરિકન સ્ટાન્ડર્ડની માત્રાનો ભંગ થયેલો છે. ભારતના મોટા ભાગના રાજકારણીઓને આ વિષયનું કોઈ જ્ઞાાન જ નથી.

એ જ રીતે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીએ ત્રણ વર્ષ પહેલાં દિલ્હી ફાર્માસ્યુટિક્લ સાયન્સ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા કરાયેલા એક સંશોધનનો અહેવાલ ટાંક્યો હતો. આ સંશોધનની ફલશ્રુતિમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં ઉપલબ્ધ ટેલકમ પાઉડર, લિપસ્ટિક્સ અને કાજલમાં હેવી મેટલ્સ ઉપલબ્ધ હોવાનું જણાયું છે. ભારતમાં વેચાતાં સૌંદર્ય પ્રસાધનોમાં ક્રોમિયમનું લેવલ કેટલું હોવું જોઈએ, તેનું ધોરણ જ નક્કી કરાયું નથી. ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના જણાવ્યા અનુસાર વિવિધ બ્રાન્ડ્સની લિપસ્ટિકના ૧૫ જેટલા નમૂનાઓમાં ૧.૭ પીપીએમ જેટલું ક્રોમિયમ જણાયું હતું. કેટલીક સ્ત્રીઓ દિવસમાં ત્રણથી ચાર વખત લિપસ્ટિક લગાવતી હોય છે. તેઓ શરીર સહન કરી શકે તે કરતાં વધુ હેવી મેટલ્સ ત્વચા પર લગાવે છે, તેમ સમજવું.

ધી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટે સૌંદર્ય પ્રસાધનો બનાવતી ૧૪ જેટલી કંપનીઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની આ મોજણી માટે માત્ર સાત જ કંપનીઓએ સહકાર આપ્યો હતો. તેમાંથી પણ બે કંપનીઓ પાછળથી હટી ગઈ હતી. અલબત્ત, દેશની બધી જ કંપનીઓ સ્વાસ્થ્યને નુકસાનકારક ક્રીમ કે લિપસ્ટિક બનાવે છે તેવું નથી. કેટલીક જાણીતી કંપનીઓ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અને યુએસ ફંડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનાં ધોરણોનો અમલ કરતી હોવાનો દાવો કરે છે. આમ છતાં આ સંસ્થા દ્વારા લિપ પ્રોડક્ટ અને ફેરનેસ ક્રીમના વધુ પડતા ઉપયોગ સામે લાલબત્તી ધરવામાં આવી છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેના વિજ્ઞાાનીઓની એક ટુકડીએ કરેલા અભ્યાસનાં તારણોમાં જણાવવામાં આવ્યું છે કે જેઓ રોજની ૧૦ લિપ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, તેઓ શરીરને સ્વીકાર્ય છે તે કરતાં વધુ ક્રોમિયમ લે છે અને તે પ્રમાણ ચિંતાજનક છે.

ટૂંકમાં, હોઠને લાલ લાલ બનાવતી લિપસ્ટિકના વધુ પડતા ઉપયોગ સામે વિજ્ઞાાનીઓની આ લાલબત્તી છે. ચહેરાને રંગવાના બદલે લીલાં શાકભાજી, દૂધ, કઠોળ અને પૌષ્ટિક આહાર લ્યો. વ્યાયામ કરો. યોગ કરો. ખુશ રહો. ચિંતા છોડો. બસ, આટલું કરશો તોપણ તમારું સૌંદર્ય આપોઆપ ખીલી ઊઠશે. ઉંમર વધે તો ઉંમરની શોભાને સ્વીકારો. ઉંમરની ગરિમાને પ્રસ્થાપિત થવા દો. એમ કરશો તો વધુ ‘ગ્રેસફુલ’ લાગશો.

www. devendrapatel.in